Lalit Parikh

Drama

3  

Lalit Parikh

Drama

સ્વાધીન-પરાધીન…

સ્વાધીન-પરાધીન…

5 mins
14.8K



જેમ જેમ પત્ની કંચનના મૃત્યુને સમય થતો ગયો તેમ તેમ ઉત્સવ મનોમન વધુ ને વધુ દુખી થતો ગયો. જે સાંભળેલું કે “વીતતો સમય દુઃખનું ઓસડ છે” એ કહેણી તેને ખોટી લાગવા માંડી.

હવે તો એ પ્રતિ ક્ષણ પોતાને દુખી અને તેથી પણ વધુ તો પરાધીન અનુભવવા લાગી ગયો હતો. પહેલા તો પત્ની તેને બરાબર સાત વાગ્યે બેડ- ટી તેના બેડ પર લાવી તેને પ્રેમથી જગાડતી અને કાયમ તેના મૃદુ- મધુર સ્વરમાં કહ્યા કરતી: “હવે ઝટપટ તૈયાર થઈને બહાર ડાયનિંગ હોલમાં આવો એટલે તમારા માટે બનાવેલો ગરમ- ગરમ નાસ્તો અને બીજી વારની ચા તમને આપું. તમારી સાથે ચા-નાસ્તો કરતા કરતા અલક-મલકની વાતો કરવાની મઝા કંઈક ઓર જ છે.”

હવે તો એ ગઈ, એનાથી પણ વધુ તો પોતાને મળતી અનોખી- અનેરી- સોનેરી મઝા ગઈ અને એ ચા-નાસ્તાની લહેજત પણ ગઈ. ટી .વી પર આવતા કે પછી ઓડિયોકેસેટ પર મૂકાતા જુના મસ્તીભર્યા ગીતો- ગાયનો સાંભળવાની મઝાનું પણ મૃત્યુ જ થઇ ગયું હોય તેમ તેને લાગવા માંડ્યું. દીકરો-વહુ તો ડોક્ટર એટલે પોતપોતાના કોફીના મગ લઈને રવાના થઇ જાય એટલે પોતે બેઉ સોફા પર અડોઅડ બેસી, જુના પુરાણા પ્રેમ-પ્રસંગો યાદ કરતા કરતા, એકબીજા સાથે કેવા એકમેક થઇ આનંદ આનંદનું, મોજીલું મસ્તીભર્યું જીવન માણતા રહેતા. નાહી – ધોઈ પૂજાપાઠ કરીને ક્યારેક ચેસ તો ક્યારેક રમી, રમી રમી સમય લહેરથી પસાર કરતા રહેતા. બપોરનું જે પણ લંચ કંચન જોતજોતામાં બનાવતી તેનો તો સ્વાદ જ કૈંક ઓર રહેતો.વધેલા ભાતના ભજીયા કે રસિયા મુઠિયા બનાવે કે પાછલી રાતની વધેલી ખીચડીના થેપલા બનાવે એ બધા સ્વાદિષ્ટ વ્યંજનોને યાદ કરી કરી અત્યારે ઉત્સવ જીવનનો ઉત્સાહ ઉમંગ ઊડી ગયેલો જોઈ પોતાને નિશ્ચેતન, જડવત અને મૃતપ્રાય: અનુભવ્યા કરવા લાગી ગયો હતો. હવે તો કંચન જતા તેને પોતાનો બેડરૂમ તો ઠીક, આખું મેન્શન જેવું મોટું વિશાળ મકાન પણ ભૂતિયા મહેલ જેવું લાગવા મંડી પડ્યું હતું. તે મનોમન વિચારવા લાગ્યો કે સહુ કોઈ કંચનના મૃત્યુને સુખદ અને શાંતિભર્યું કહી કહી તેને એ દુ:ખદ મૃત્યુની ઘટનાને વધુ અશાંતિપૂર્ણ હોવાનો એહસાસ કરાવતા રહેતા હતા. બોલનારને તો આવું આવું બોલવું ગમે કે “બિચારી બહુ જ ભાગ્યશાળી કે અખંડ સૌભાગ્યવતી સ્વરૂપે ચૂડી અને ચાંદલા સાથે સ્વર્ગે સીધારી”. અહીં પોતે દુર્ભાગ્યશાળી થઇ ગયો, જીવતે જીવ નરકનો અનુભવ કરતો થઇ ગયો- તેનો તો તેના દુ:ખદ આકસ્મિક મૃત્યુથી પોતા સિવાય ખ્યાલ પણ કોને આવે? રાતે ઊંઘમાં ને ઊંઘમાં કંચનને આવો જબરો હાર્ટઅટેક આવ્યો એ તો પોતાને, ઊંઘમાં જીવનની અમૂલ્ય સંપત્તિ ચોરાઈ ગયા જેવું લાગ્યું. પત્ની વિનાનો પતિ તો પત્ની -રૂપી મહા મહાન મૂલ્યવાન સંપત્તિ જતા, પોતાને પતી જ ગયો હોય તેમ અનુભવવા લાગ્યો.

કંચન હતી ત્યાં સુધી તો તેની દરેક જરૂરિયાતનો ખ્યાલ એ રાખતી -એટલે સુધી કે તેને લોન્ડ્રી કર્યા પછીની ગડી સુદ્ધા ન કરવા દેતી, જમ્યા પછી થાળી પણ ઉપાડવા ન દેતી. હવે તો પોતે સાવ પરાધીન થઇ ગયો હોય તેમ તે ક્ષણે ક્ષણે અનુભવવા લાગ્યો. ડોક્ટર પુત્ર-પુત્રવધૂ તો તેના ઊઠ્યા પણ પ હેલા ચાલ્યા જાય અને ગરાજ બંધ થયાની ઘરઘરાટીના કર્કશ અવાજે એ મન વિના ઊઠે-જાગે અને યાદ કરવા મંડી પડે કે કંચન કેવા ધીમા મીઠા અવાજે ચા સાથે આવીને તેને જગાડતી? જીવન્નાટક આમ કંચન જતા એકાએક કોમેડીમાથી ટ્રેજડીમાં પલટાઈ ગયું? હવે ઊઠીને જાતે માયક્રોવેવમાં જરા ય ન ભાવે એવી ચા પીવાની? બ્રેડના બટકા ડૂચાની જેમ ગળચવાના? બપોરના લંચમાં રાતે મંગાવેલ પીઝાની વધેલી સ્લાઈસો કે ન ભાવતા પાસ્ટા કે એવું જ કૈંક ન ભાવતું- ન ફાવતું જ ફ્રિજમાંથી કાઢીને ગરમ કરીને ખાવાનું? અને આ બધું તો ઠીક; પણ આખો લાંબો દિવસ એકલા અટૂલા આ ભૂતિયા મહેલમાં મૂંગે મૂંગા ધુણવાનું? થોડા જ દિવસોમાં તે મૂંઝાઈ ગયો, ગભરાઈ ગયો, હેરાન- પરેશાન થઇ ગયો.

તેના એક તેનાથી મોટી ઉમરના મિત્રે તેણે પોતે જેમ કર્યું હતું તેમ કરવાની સલાહ આપી કે ભારત જઈ કોઈ વિધવા કે ત્યકતા કે હજી સુધી અપરિણીત રહી ગયેલી કોઈ યોગ્ય સ્ત્રીને પરણી લઇ પાછલી જિંદગી સુધારી લેવી જોઈએ.

ઉત્સવને તેની સલાહ ગમી ગઈ કે આવી પરાધીન જીંદગી જીવવા કરતા કોઈ લાયક જરૂરતમંદ સ્ત્રીને અમેરિકા લાવી તેને અને તેનાથી વધુ તો પોતાને સુખી કરી લેવામાં જ સાર છે. તેને યાદ આવ્યું કે એક તો જરૂર, પોતાને લાયક, નિવૃત્ત હેડ- મિસ્ટ્રેસ, પોતાના જ શહેરમાં કોઈ કારણસર છેક સુધી અપરિણીત જીવન જ વીતાવતી રહેલી એ જાજરમાન મહિલા એકલી-અટૂલી છે તો તેને સમજાવી બુઝાવી પરણી લઇ અમેરિકા લઇ આવું તો ખોટું નહિ, મારી પરાધીનતાનો અંત આવે, તેને પણ અમેરિકા આવવાનો-રહેવાનો અમૂલ્ય લહાવો મળે અને બેઉ સુખી સુખી જીવન ગાળી શકે. તેણે રાતે આ વાત-પ્રસ્તાવ પુત્ર-પુત્રવધૂ સમક્ષ મૂક્યો તો એ લોકો તો રાજી થયા કે “ચાલો, તમે રાજી તો અમને શો વાંધો હોય? મમ્મીનું ડેથ સર્ટીફીકેટ લઈને જાઓ અને મેરેજ કરીને તેને કે તમને જે મળે-ગમે તેને લઈને અહીં આવી જાઓ.”

રાતે સૂતા સૂતા તેને યાદ આવ્યું કે પોતે મજાક મશ્કરીમાં પત્ની કંચનને ઘણી વાર કહ્યા કરતો કે: જો તું મને અધવચ્ચે છોડીને ચાલી જઈશ તો પેલી મારી એપોઇન્ટેડ હેડ- મિસ્ટ્રેસ હજી કુંવારી છે- મારી રાહ જોતી-તેને પરણી લઈશ.” કંચન પણ હસીને કહેતી: ”આટલા વર્ષો આઝાદ રહેલી હવે આ પાછલી ઉંમરે તમને પરણે એ વાતમાં કોઈ માલ નથી. અને તોય અનુંન્હ્વ કરવો હોય તો સળગતું અમ્બાડિયું લઇ આવજો અને છેક સુધી મને યાદ કરી કરી તેનાથી દાઝતા રહેજો.”

રાતે ઊંઘમાં ઉત્સવને એ હેડ-મિસ્ટ્રેસ દેખાઈ, સમાજના પ્રમુખ તરીકે તેણે જ તેને સિલેક્ટ કરેલી, એપોઇન્ટ કરેલી અને હેડ-મિસ્ટ્રેસ બનાવેલી. વિદ્યાર્થી સમુદાય સાથે તેમ જ સાથી શિક્ષકો-શિક્ષિકાઓ સાથે કડક હાથે અને સ્ટ્રોંગ શિસ્ત સાથે કામ કરનાર- લેનાર આ હેડ -મિસ્ટ્રેસથી સમાજની કાર્યવાહક સમિતિ તેમ જ સમગ્ર સમાજ ખુશ ખુશ હતો- એ બધું ઉત્સવને અર્ધ તંદ્રા -અર્ધ નિદ્રામાં દેખાયા કર્યું. પણ એ પછી એકાએક સોટી લઈને ચાલતી હેડ- મિસ્ટ્રેસ કડક ચહેરા સાથે અને કડક અવાજમાં સહુ કોઈને ડારતી -ડરાવતી, આઝાદ ચાલે ચાલતી -ફરતી દેખાઈ અને તત્ક્ષણ ઉત્સવની ઊંઘ ઊડી ગઈ, તંદ્રા અદૃશ્ય થઇ ગઈ અને ફાટેલી ખુલ્લી આંખે એ તેનો કડક ચહેરો અને સ્વભાવ યાદ કરી આંખ બંધ કરી ગયો.. તેને પળભરમાં સમજાઈ ગયું કે પરિસ્થિતિઓથી પરાધીન એવો પોતે આ કડક સ્વભાવની, આ કડક ડિસિપ્લિન વાળી અપરિણીત આઝાદ હેડ- મિસ્ટ્રેસને પરણીને તો પૂરેપૂરો પરાધીન જ પરાધીન થઇ જવાનો.

જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવામાં માલ છે અને પોતાનું કામ પોતે કરી લેવામાં પરાધીનતા નથી બલકે સ્વાધીનતા છે એ સત્યનો ઉત્સવને સાક્ષાત્કાર થઇ ગયો અને એ હેડ- મિસ્ટ્રેસને ભૂલી પોતાની કંચનના સપના જોતો જોતો એ સ્વાધીન -પરાધીનની દ્વિધા કે દ્વૈતમાંથી મુક્ત થઇ ગયો.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama