Aniruddhsinh Zala

Romance Classics Inspirational

4.8  

Aniruddhsinh Zala

Romance Classics Inspirational

સુખમય બન્યું જીવન

સુખમય બન્યું જીવન

7 mins
401


ગામડાનો શિક્ષિત સાહિત્ય પ્રેમી યુવક વિજય શહેરમાંથી ભણીને નોકરી ન મળતાં ગામડે આવ્યો. ગામડાનાં રિવાજો અને ગામડાનાં યુવકોની જેમ તોફાન મસ્તી તેને રુચતા નહીં એટલે વિજય થોડો અલગ પડી જતો હતો. તોફાની મિત્રો તેને બેરોજગાર કહીને ચીડવતા હતાં. યુવક ભીતર ખુબ જ આત્મમંથન કરતો. ગામડાની સંસ્કૃતિ વાતવરણ તેને ખુબ ગમતું હતું પણ કુરિવાજો તેને પસંદ ન હતાં. 

તળાવની પાળે એકલો બેસી તે હાથમાં કાગળ પેન લઈને કુરિવાજો દૂર કરવાં અને લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાં, સાથે મહિલાઓના વિકાસ બાબતની વાર્તા, કાવ્યો લખ્યા કરતો હતો. 

એક દિવસ ગામના સરપંચની સુંદર યુવતી માલતી કપડાં ધોઈને ઘેર જતી હતી ત્યાં પવનમાં ઉડીને થોડે દૂર પડેલો કાગળ લઈને દૂર જઈને વાંચ્યો. નીચે નામ હોવાથી તે સમજી ગઈ કે આ વિજયે જ ખુબ મસ્ત વાત લખી છે. તે બાજુમાં આવીને બોલી, "અરે વાહ વિજય તું ખુબ જ સરસ લખે છે. તને તો ખુબ જ સન્માન મળવું જોઈએ. "

પહેલીવાર પોતાનાં લેખનની પ્રશંશા સાંભળી વિજયને નવાઈ લાગી. માલતીના હાથમાં કાગળ જોતાં તે સમજી ગયો કે આને ચોરી છુપીથી વાર્તા વાંચી લીધી છે. માલતી બોલી, 

"અલ્યા હું બહુ ભણેલી નથી. સાત ચોપડી ભણ્યા પછી આગળ ભણવું હતું પણ મર્યાદાના કારણે હું ગામ બહાર અભ્યાસ કરવાં જઈ ન શકી. મારો છેક સુધી પહેલો નંબર આવતો પણ હું છોકરી હોવાથી બાપાએ ભણવા ન દીધી."

"ઓહ્હ ખુબ દુઃખ થયું. " વિજય બોલતા જ તેની આંખોમાં ઝળહળીયાં આવી ગયા તે બોલી,

"મને વાંચવાનો બહુ શોખ છે તું મને તારી બધી રચનાઓ વાંચવા આલજે. બીજા દિવસે હું પાછી આલી દઈશ દુધે ધોઈને."

વિજય હસી પડ્યો આને બોલ્યો,"અરે હું તો રચના લખીને આ તળાવમાં જ હોળી બનાવીને તરતી કરી દઉં છું. સદ્દભાગ્યે તારા હાથમાં આવી ગઈ."

"તો તો હવે હું સાંજે રોજ તારી પાસેથી લઈ જઈશ અને પાછી પણ નહીં આપું હો."

"સારું પણ બીજા કોઈને ન વંચાવતી નહિતર બધા દોસ્તો હસીને ખીજવશે મને."વિજય બોલતાં જ માલતી ગુસ્સામાં બોલી,

"મારા પીટ્યા ઈ તો સાવ અક્કલ વગરના બુડથલ છે 'બહેરા શું જાણે શરણાઈના સુર.' મારે માટે તો ખુબ કિંમતી છે હો."

 બોલીને માલતી ખુશ થતી ચાલી ગઈ. 

હવે તો નિત્યક્ર્મ થઈ ગયો.રોજ વિજય લખતો મસ્ત રચનાઓ અને માલતી કપડાં ધોતા ધોતા દૂરનાં આરેથી તેને નિહાળી મધુર હાસ્ય આપતી. પોતાનાં સાહિત્યની સરાહના કરનાર ગામમાં એકમાત્ર છોકરી હતી. વિજયને માલતી ખુબ ગમવા લાગી હતી. સવારે વિજય બાળકોને ટ્યુશન કરાવતો હતો. એટલે માલતીએ પોતાનાં નાના ભાઈને પણ તેની પાસે ભણવા મોકલ્યો. આમ નિર્દોષ દોસ્તી ગાઢ બનવા લાગી પણ કહેવાય છે ને કે, 'ગામ હોય ત્યાં ઉકેળો પણ હોય જ.' એ મુજબ તેના તોફાની દોસ્તોએ ગામમાં વાત વહેતી કરી કે, "પેલો બેરોજગાર વિજયો સરપંચની છોડી માલતી હારે ચાલુ થઈ ગયો છે અને રોજ સાંજે પ્રેમની ચિઠ્ઠીઓ આપે છે."

ગામડામાં વાત વાયરાની હારે ફેલાઈ ગઈ. હવે તો ઘણાં મિત્રો સંતાઈને ખબર રાખતા અને માલતી જેવી રચના લેવા જાય કે તરત બધા ખોંખારો ખાઈને કે હસીને વિજયને ચીડવતાં હતાં પણ સરપંચની દીકરી માલતીના ડરના કારણે કોઈ બોલી શકતાં ન હતાં.

એકવાર એક મિત્રએ મજાકમાં કહ્યું, "અલ્યા વિજયા પ્રેમની ચિઠ્ઠી એક મને પણ બનાવી આપને મારેય એક છોડી હારે ચાલુ થવું છે."

વિજય ગુસ્સે થતાં બોલ્યો, "અરે નાલાયક આવી અસભ્ય વાત નહીં કરવાની ગામડાની દીકરીઓનું સદાય સન્માન કરવું જોઈએ."

"તો તું માલતીને રોજ નવી પ્રેમનાં ટોપલા ભરેલી ચીઠીઓ આલે ઈ સારી વાત અને હું કરું ઈ જ ખરાબ કેવાય ? ગામ આખું જાણે છે તારી અને માલતીની ઘુટર ઘૂ ની વાતો પણ બેટા સરપંચને ખબર પડશે તો તારી ખેર નહીં હો."

વિજય ડઘાઈ ગયો. વાત વધુ વણસી ગઈ હોય તેવું લાગ્યું. ગામડાનાં લોકોને તે જાણતો હતો. બિચારી માલતીને બદનામ કરી દેશે તેવો ડર પણ હતો. મનમાં નિષ્ચય કરીને એ જ દિવસથી તેને તળાવ કાંઠે બેસવાનું બંધ કરી દીધું. આ તરફ માલતી વિજયને ન જોઈ મનમાં મૂંઝાવા લાગી. તેની સહેલીએ તેને જણાવ્યું કે, "ઓલો ગામનો ઉતાર રાજિયો કાલ વિજયને કંઈક કહેતો હતો એટલે જ બિચારો બીકનો માર્યો આવતો બંધ થઈ ગયો લાગે છે."

માલતીએ હાથમાં ધોકો લીધો અને દૂર બેસીને મિત્રો સાથે બીડી પી રહેલા રાજીયા તરફ ગુસ્સામાં ચાલી. તેને જોતાં જ મિત્રોએ બૂમ પાડી,

"રાજીયા ભાગ પેલી સરપંચની ચુડેલ આવે છે. તેને ખબર પડી ગઈ લાગે છે. આજ તો તને ફેંદી નાખશે."

"અલ્યા હા હો તમે કોઈ કાંઈ કહેતા નહીં હો મારા વિશે."  

કહીને રાજિયો મુઠ્ઠી વાળીને ભાગી ગયો. માલતીને જોતાં જ મિત્રો સજ્જડ થઈ ગયા. માલતી બોલી,  "ઓલો પીટ્યો વાંદરો ક્યાં સંતાઈ ગયો?"

"અમે તો કાંઈ જાણતાં જ નહીં માલતી બહેન." કહેતા જ માલતી ભડકી ઉઠી,

"સાલા હરામીઓ કોકની દીકરી વિશે ખરાબ વાત કરતા શરમ નહીં આવતી તમારી બેન દીકરીઓની કરતા હોય તો. ગામનો ઉતાર તો તમે બધા છો અને બિચારા સારા છોકરાં વિશે ખરાબ વાત કરો છો. આ માલતી કોઈનાય બાપથી ડરતી નથી કહીં દેજો રાજીયાને સામો ધકશે ત્યારે આ સરપંચની સિંહણની તાકાત બતાવી દઈશ."

બીજા દિવસે નાના ભાઈની સાથે માલતી વિજયના ઘેર ગઈ અને જે બન્યું તે બધું જણાવી બોલી, "વિજય તારે કોઈથી ડરવાની જરૂર નહીં. મારા વિશે પણ તું વાત લખજે હો. મારા અધૂરા અરમાન અને આપની નિર્દોષ સાહિત્યની દોસ્તી પર થયેલા આરોપ અને મારી હિમત વિશે લખજે."

 "પણ મને તારી ફિકર છે માલતી પ્લીઝ હવે તું ના આવતી." વિજયને ડરેલો જોઈ માલતી બોલી,  "બહાદુરીની વાતો કરે છે અને ડરે પણ છે તે જોઈ મને નવાઈ લાગે છે વિજય."

"પાગલ સાચો મર્દ પોતાનાં માટે નહીં પણ એક સારી દીકરી પર લાંછન ન લાગે એટલે ડરતો હોય છે. હજી પણ મને સમજી ન શકી.?"

વિજયને વચ્ચે જ રોકી માલતી ગુસ્સામાં હાથ જોડી બોલી, "બધુંય સમજી ગઈ હો. હવે મારા ભાઈ હારે રોજ મારા માટે રચના મોકલી દેજે." કહીને તે આંખો લૂછતી ચાલી ગઈ."

વિજયના હદયમાં પણ ખુબ દુઃખ છલકી ઉઠ્યું. વિરહના દિવસો વીતવા લાગ્યાં અને બને હૈયા દૂરથી એકબીજાની સમીપ આવવા લાગ્યાં હતાં. આમને આમ મહિનો વીતી ગયો. એક દિવસ ગામમાં કલેકટર સાહેબ પધાર્યા હતાં સહુને નિમન્ત્રણ મળતાં વિજય પણ ગામસભામાં ગયો હતો. 

કલેકટર સાહેબ ભાષણ કરતા બોલ્યાં,

 "આ નાનકડાં ગામમાં આવા તેજસ્વી યુવાનો પડયાં છે તે જાણીને મને ખુબ જ નવાઈ લાગે છે."

વિજય હસીને મનમાં બોલ્યો, "કલેકટર સાહેબને હજી આ ગામના યુવાનોનો અનુભવ થયો લાગતો નહીં નહિતર આવા વખાણ કદાપિ ન કરત."

કલેકટર આગળ બોલ્યાં,

"ગામડામાં વ્યાપ્ત કુરિવાજોને ઉજાગર કરી તેના વિશે જોરદાર સાહિત્યિક લખાણો અને યુવતીઓના ભવિષ્ય માટે ચિંતન કરતી એક ગામડાનાં યુવકે લખેલી રચનાઓ સરપંચે મને મોકલતા મને પસંદ આવતાં મે સરકારમાં મોકલતા સાહિત્ય વિભાગમાંથી તેનું પુસ્તક પ્રકાશિત કરતા ખુબ પ્રસિદ્ધ થતાં ખુબ જ વેચાઈ રહ્યું છે અને આ ગામના તેજસ્વી યુવક શ્રી વિજયભાઈને સરકાર તરફથી ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારનો એવોર્ડ એક લાખ રૂપિયા અને ટ્રોફી સાથે સન્માનપત્ર મળ્યું છે. તમારા સહુ ગામજનોનું ગૌરવ આ વિજય ભાઈએ વધાર્યું છે. હવે તેને પુસ્તકની રોયલ્ટીમાંથી ખુબ આવક થશે અને નવી રચનાઓની માંગ પણ સાહિત્ય વિભાગ તરફથી થઈ છે. તો વિજયભાઈ હોય તો પધારો અહીં હું પણ તમને જોવા માંગુ છું."

"વાહ વિજય તારી મેહનત રંગ લાવી." વિજયે ચમકીને જોયું તો માલતી બધા વચ્ચે ઉભી થઈને જોરદાર તાળી પાડતી બોલી રહી હતી."

ખુબ જ નવાઈ પામેલો વિજય તેની આંખોની ખુશી જોઈને સમજી ગયો કે આ કામ માલતીનું જ છે બાકી મે તો પાણીમાં જ વહાવી દીધી હતી મારી બધી રચના."

વિચારમાં પડી ગયેલા વિજયનું બાવડું પકડીને બરડામાં શાબાશી આપતાં સરપંચ આવીને બોલ્યાં, "ઉઠ મારા ગામના સાચા હીરો." વિજયને પકડીને સરપંચ લઈ ગયા કલેકટર સાહેબે તેને બધા જ મોટા અધિકારીઓની અને પ્રેસ મીડિયાની હાજરીમાં ખુબ વધાઈ આપી અને ચેક સાથે ટ્રોફી અને સન્માનપત્ર આપી પીઠ થાબડીને બોલ્યાં,

"સાચો સાહસિક સાહિત્યકાર આવો જુવાન હું પહેલીવાર જોઈ રહ્યો છું. ખુબ જ પ્રગતિ કરો બેટા "

"સાહેબ આ વિજય તો મારી દીકરી માલતીનો ખુબ જ સારો મિત્ર છે."

સરપંચ વચ્ચે બોલતા વિજય નવાઈથી સરપંચ સામું જોઈ રહ્યો તેવામાં દોડતી આવીને માલતી બોલી, "સાહેબ આ તો પહેલેથી જ ખુબ સારો સાહિત્યકાર છે તે ફક્ત હું જ જાણતી હતી. આ ગામના છોકરાંઓ તેને બેરોજગાર કહીને મજાક ઉડાવતા હતાં."

હવે વિજય સ્ટેજ પર આવીને બોલ્યો,

"સાહેબ જો આ માલતી ન હોત તો આ એવોર્ડ કે આ પુસ્તક પણ ન હોત." સહુ નવાઈથી જોતાં રહ્યાં વિજય બોલ્યો,

"સાહિત્યની સરાહના કરનાર કે વાચક કોઈ સાચો ન હોય તો ઉત્તમ સર્જન થાતું જ નથી એક સાચા વાચક તરીકે માલતીએ મારા સાહિત્ય નિર્માણમાં મદદ કરી છે અને હું જે રચનાઓ પાણીમાં હોળી બનાવી વહાવી દેતો ઈ છાનીમાની ભેગી કરી પ્રકાશન માટે પણ તેને જ મદદ કરી છે તેથી આ ઈનામની સાચી હકદાર માલતી છે."

કહેતાંક વિજયે ટ્રોફી માલતીને બોલાવીને ભેટ કરી સહુએ તાળીઓથી વધાવ્યો.

સરપંચ સ્ટેજ પર આવીને બોલ્યાં, "સાહેબ આ વિજયે તો મારી પણ આંખો ખોલી નાખી મર્યાદાના કારણે મે મારી દીકરીનું ભણતર છોડાવી દીધું હતું પણ વિજયે લખેલી મારી દીકરીની વ્યથા વાંચીને હવે હું ફરી મારી દીકરીને બહાર ભણવા મોકલવાનો છું."

કલેકટર સાહેબ બોલ્યાં, "ખુબ સરસ સરપંચ સત્ય સમજવા બદલ જો દરેક ગામમાં આવા બહાદુર યુવાનો હોય તો ગામડું સ્વર્ગ બની જાય."

ખુશીઓ સાથે ગામસભા પુરી થતાં સહુ ઘેર ગયા અને વિજય તો ખુબ જ ખુશ હતો. તેના મિત્રોએ આવીને વિજયની માફી માંગી પણ વિજય બોલ્યો,

"મિત્રો તમારો કોઈ વાંક નથી વાતાવરણ જ એવું હતું હવે આપણે બધા સાથે મળી યુવાનોને જાગૃત કરી નોકરી ધન્ધો શીખવશું અને બહેન દીકરીઓને શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરીશું."

વિજયની ગામમાં વાહ વાહ થવા લાગી. હવે તેને કલેકટર સાહેબની ભલામણથી પંચાયતમાં નોકરી પણ મળી જતા બેરોજગાર રહ્યો ન હતો. લોકોના ઘણાં કામ પણ તે કરી આપતો હતો. આખરે એકવાર સરપંચના પત્નીએ માલતીને પૂછ્યું,

"બેટા વિજયને તે ખુબ મેહનત કરી આગળ વધાર્યો હવે તારી ઈચ્છા હોય તો તારા પિતાજીને કહીં તને કાયમ વિજયની સેવા કરવાં મોકલી દઉં."

માલતી ખુબ જ શરમાઈને ભાગી ગઈ. સંતાઈને સાંભળતાં સરપંચે માલતીની ઈચ્છા જાણી વિજયના ઘેર જઈને માલતી માટે માંગુ નાખ્યું. વિજયનાં પરિવારે ખુશ થઈને હા પાડી. વિજયના તો હરખનો પાર ન રહ્યો. ફરી વિજય એજ તળાવની પાળે જઈને બેઠો અને માલતી પાછી વળતા જ વિજયને જોઈને કપડાંનું પોટલું મૂકીને વિજયને જઈને પાછળથી ગળે વળગી ગઈ.

દૂરથી જોનાર રાજિયો બીકનો માર્યો અવળો ફરી ગયો તે જોઈને વિજયે પણ ઉભા થઈને માલતીને વ્હાલીને ગળે લગાડી દીધી. અદભુત સાહિત્યનો પ્રેમ બંનેના જીવનમાં પ્રસરી ગયો અને ધામધૂમથી લગ્ન થતાં બને કાયમ માટે એક બની ગયા. સાહિત્યની સરાહના કરનારી પત્ની મળતાં વિજય ધન્યતા અનુભવવાં લાગ્યો. આમ કલમના પ્રભાવથી વિજયનું નીરસ બનેલું જીવન સુખમય બની ગયું 


Rate this content
Log in

Similar gujarati story from Romance