Aniruddhsinh Zala

Romance Tragedy Inspirational

3.8  

Aniruddhsinh Zala

Romance Tragedy Inspirational

સુખદુઃખ કેલેન્ડરના પાનાં જેવા

સુખદુઃખ કેલેન્ડરના પાનાં જેવા

4 mins
56


કસ્તુરી પાંચ વર્ષની હતી ત્યારે તેની મા બીમારીમાં ગુજરી ગઈ હતી. નવી મા આવતાં જ કસ્તુરીની ખુશીઓ જાણે નવી મા ના ગુસ્સા અને બીકમાં તણાઈ ગઈ હતી. નિશાળ જઈને ઘેર આવે કે તરત નવી મા તેને ઢોરની જેમ કામ કરાવતી હતી. નવી માના બે બાળકો પણ કસ્તુરીને સાચવવા પડતા હતાં. પિતાજી જોઈને દુઃખી થતાં પણ નવી મા આગળ તેમનુ બહુ ચાલતું નહીં,...

 "મા ન હોય ઈ બાળ સદા બિચારા હોય 

દુઃખના ડુંગરો સદાય તેની માથે હોય "

સુખ દુઃખ સાથે કેલેન્ડર ફરતું રહયુ. કઠિન રાહમાં જિંદગી ગુજારતી કસ્તુરી દશમાં બાદ બારમા ધોરણમાં પણ સહુ પ્રથમ નંબરે પાસ થઈ. તેને આગળ ભણવા માટે સ્કોલરશીપ પણ મળતી હતી પણ નવી મા એ તેને ન જવા દીધી. ઘરકામ કરતાં બે વર્ષ વીતી ગયા. 

એક દિવસ તેની સાથે બાળપણમાં ભણતો બાજુના ગામનો યુવક કેશવ તેના ગામડે આવ્યો. તેને કસ્તુરીને ભીંતે લીપણ કરતી જોઈ બોલ્યો,

"સુગંધિત કસ્તુરી મને ઓળખે છે કે ભૂલી ગઈ ?"

"અરે કેશવ તું તો સાવ બદલાઈ ગયો શેરના હીરો જેવો બની ગયો." કસ્તુરી બાલ્યકાળના મિત્રને જોઈ ખુશ થઈ.

 "તો શે'રમા રહેવા ગયા છીએ દશ વર્ષથી એટલે થોડા બદલાઉં તો પડે ને. પણ તું સહુથી તેજસ્વી છોકરી કેમ આમ સાવ ગામડિયણ બની ફરે છે ? આગળ ભણવા પણ ન ગઈ ?"

કસ્તુરીની આંખોમાં ડબ ડબ આંહૂડાં સરી પડયાં. ખુબ ભણવાનું મન હતું પણ નવી મા હાકોટો કરી ચૂપ કરી દેતી હતી.

"કરમની કઠણાઈ સામે ઝૂકતી આંખો ઝાઝું રડે છે 

ભીતરની વેદના સાચો સ્નેહી મળતાં આંખોથી સરે છે."

 કેશવ ભીતરની પીડા પારખતો હોય તેમ બોલ્યો,

 "ચાલ મારા બંગલે મમ્મી પાસે રહીને ભણજે. તું કહે તો મારી મમીને વાટ કરી તને લેવા મોકલીશ. શે'રમા હું ખુબ રૂપિયા કમાયો છું એટલે તારી ફી પણ હું ભરી દઈશ."

"મારા નશીબમાં જ ભણવાનું લખ્યું નહીં લાગતું. " કસ્તુરી ભીંત લિપતા સાથે આંસુ લૂછતાં બોલી એટલે કેશવ બોલ્યો,

"હિંમત તો કરવી જ પડે ભણવા માટે પણ હિંમત જરૂરી છે તું ડરપોક ન બનીશ હવે હું છું ને તારી સાથે." કહેતાંક કેશવ કસ્તુરી પાસે આવીને બોલ્યો,

"આજ પણ તારા સિવાય કોઈ મારી ફ્રેન્ડ બનાવી નથી હો અને બનાવા માંગતો નથી."

"હાય હાય કસ્તુરી તે તો લાજ શરમ નેવે મૂકી દીધી જવાન છોકરાં હારે કેવી વાતો કરે છે ? નવી મા અચાનક આવતાં જ લહેકો કરી બોલતા કેશવ બોલ્યો,

 "માસી હું એ કસ્તુરી બચપણમાં સાથે ભણતા અમે સારા મિત્રો હતાં."

 "હવે હાલતીનો થા ભયા પહેલા નાનો હતો તો વાતો કરે ઈ હાલે હવે મોટો ઢાંઢો થઈને આ જુવાન છોડી હારે વાતો ન કરાય."

"મા પિતાજીના મિત્રનો દીકરો છે કેશવ." કસ્તુરી બોલતાં જ વચ્ચે રોકી તેની કભાળજા નવી મા બોલી,

"ચૂપ... ! તારા પિતાનો મિત્ર તેનો બાપ છે તો તે બંને વાત કરશે. તારો તો ઘેર જઈને વારો લઉં છું." કહીને હાથ ખેંચીને લઈ ગઈ.

"આ મોઘજીની નવી વહુએ તો મા વગરની છોડીનું ભણતર તો બગાડ્યું પણ હવે જીવતર પણ બગાડી નાખ્યું." નવી મા નો તમાશો જોનાર પડોશી બાઈઓ વાત કરતી હતી તે કેશવ સાંભળી ગયો.

 બીજા દિવસે કેશવે પોતાનાં માતા પિતાને મોકલ્યા કસ્તુરીને ઘેર. મોંઘજી તો પોતાનાં મિત્ર મોહનને જોતાં જ ભેટી પડ્યો. કેશવની મા મયુરીબહેને કસ્તુરીને આશીર્વાદ આપી તેની નવી મા ને રામ રામ કરી ખુબ મોંઘી ભેટો આપી. કિંમતી ભેટો જોઈને તે બોલી,

"હાય હાય આટલી મોંઘી ભેટ મારા માટે..!?" 

"અરે આતો કાંઈ જ નથી." મયુરી બોલી, "અરે આતો કાંઈ જ નથી તમે તો મારા દીકરા સાથે તમારી કસ્તુરીનો વિવાહ કરવા રાજી હોય તો મારા બંગલે બોલાવી પિક્ચર જોવા થિએટરમાં લઈ જઈશ."

"મન મેં ફૂટા લડ્ડુ."નવી મા એ લાલચમાં આવી તરત જ હા પાડી દીધી. કેશવ ગાડી લઈને રોલો પાડતો આવી પહોંચ્યો નવી માને પગે લાગ્યો. નવી મા ઓળખી ગઈ પણ લાલચમાં કાંઈ જ બોલી નહીં.

"લ્યો આ પાંચ હજાર કસ્તુરી માટે." નવી મા ના હાથમાં પૈસા મુકતા તે હરખાઈ ગઈ એટલે મયુરી બોલી,

 "બેટા એકવાર તું કસ્તુરીની ઈચ્છા તો જાણી લે તે ના પાડશે તો આબરૂ જાશે."

"અરે શેની ના પાડે હું બેઠી છું ને તમે ચિંતા ન કરો." નવી મા રોફથી બોલી.

ઘરમાં જઈને કસ્તુરી સામું બેસી કેશવ બોલ્યો,

 "જો મને તારા લાયક સમજતી હોય તો મારી મિત્રમાંથી મારી હમસફર બનવા હા પાડી દે. મારે તો બસ તારા ચેહરા પર મુસ્કાન પહેલાની જેમ છલકતી જોવી છે."

 "તું મને તકલીફમાંથી છોડાવવા માટે આવું કરી રહ્યો છે ને ?"

કસ્તુરીને બોલતી રોકી કેશવ બોલ્યો,.

 "અરે હું તો તને બચપણથી પસંદ કરું છું અને હવે તો તને પ્રેમ પણ કરવા લાગ્યો છું. પણ જો તું ના પાડીશ તો દુઃખી થઈને જીવનભર એકલો રહીશ."

"હું શું કામ ના પાડું તને ?"

કસ્તુરી શરમાઈને બોલતા કેશવને જાણે લીલી ઝંડી મળી ગઈ હોય તેમ કસ્તુરીને આખી ઉંચકીને બોલ્યો,

 "હવે તો તું મારી."

 "છલક્યા હેત હૈયે મલક્યા મુખ ઉમંગે 

ઢબુક્યા ઢોલ જાણે લગ્નના પિયુની સંગે."

બંનેના માતાપિતાની સહમતીથી પછી તો ધામધૂમથી લગ્ન લેવાયા. ગામડાની કસ્તુરી શહેરના વિશાળ બંગલામાં કેશવના હૃદયની રાણી બની. 

સુહાગરાતે કેશવે કસ્તુરીના હાથમાં તેની કોલેજની પ્રવેશ ફી ભરેલ પાવતી આપતાં કહ્યું,

 "આ તારા માટે ભેટ કાલથી તારી કોલેજ ચાલુ. હવે તને હું ભણાવી તારી ઈચ્છા પુરી કરીશ."

 સામે કેલેન્ડરના પાનાં પવનમાં ઊડતાં જોઈને કસ્તુરીને પોતાનાં ગામડે બચપણના દુઃખના દિવસો નિરાશા અને અચાનક કેલેન્ડર બદલાય તેમ સુખના દિવસો દેખાઈ રહ્યાં હતાં તે કેલેન્ડરમાં ઉપર શ્રી રામના ફોટો સામે જોઈ મનમાં બોલી,

 "મારી જિંદગીનું દુઃખનું પાનું ફેરવવા બદલ અભાર પ્રભુજી."

"ક્યાં ખોવાઈ ગઈ વ્હાલી સુગંધિત કસ્તુરી. " કેશવનો ગાલે સ્પર્શ થતાં જ કસ્તુરી સભાન બની કેશવ સામું જોઈ બોલી,

"હવે તો બસ તારા હૃદયમાં સમાઈ છું." 

બોલીને વ્હાલથી વેલની જેમ કેશવને વીંટળાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance