Aniruddhsinh Zala

Drama

4.0  

Aniruddhsinh Zala

Drama

યુક્તિથી પતિને સુધારતી પત્ની

યુક્તિથી પતિને સુધારતી પત્ની

6 mins
203


કાનીયો નવી વહુ લાયો એટલે રાતે પાર્ટી કરતા દારૂડિયા મિત્રોમાંથી એક કાનીયાને સલાહ આપતાં બોલ્યો, 

"જો કાનીયા આ બૈરાંને થોડી ડરાવીને રાખજે હો નકર ફાટીને ધુમાડે ચડી જાહે. "

"અલ્યા હોવે હો. જો પેલા ભેમલાએ બહુ લાડ કર્યા તો આખાં ગામનાં જોતાં ભેમલા સામું ચપ ચપ કરીને ભેમલાની આબરૂનો કચરો કરી નાખ્યો છે." નશામાં બીજો બોલ્યો એટલે કાનીયાએ દેશી દારૂની કોથળી મોઢેથી તોડતા પૂછ્યું,

  "અલ્યા પણ ડરાવીને ચેવી રીતે રાખવી ઈ તો મોઢેથી ફાંટો."

ટેમલો ડોલતા ડોલતા બોલ્યો,

"ઈ અમને વાંઢાને ગતાગમ ઓછી પડે. આ વીહલાને પૂછી લે. એની તો આંખ ફરકે ને બાયડી થરથર ધ્રૂજે છે."

વિહલો મૂંછ પર હાથ દેતા બોલ્યો,

"સાચો મર્દ લોકો મને એટલે જ માણે છે."

"તો ભયા મને પણ શીખવાડને આજ મારી પહેલી રાત છે." કાનીયો બોલ્યો.

 "જો કાનીયા આજ તારો પેલી ધરનો દારુ પેટમાં પડ્યો છે એટલે તારી વાતનું માન રાખી શીખવું છું બાકી મર્દાનગીની વાતો મફતમાં ન શીખવાડે કોઈ." કહેતાંક છાતીના બટન ખોલતા વિહલો બોલ્યો,

"જો બાયડીને લાડ પહેલા ખુબ કરવાના પણ પાછળથી ગમે ઈ વાંક ગોતી એક ઝાપટ કે પાટુ મારી દેવાનું."

"વાહ વીહલા શું જોરદાર શીખ આપી છે..! કાનીયો જો તારી વાત માનશે તો આખો મર્દ કહેવાશે." બોક્તા જ ટેમલો નશામાં લાંબો થઈ સૂઈ ગયો.

"પણ બાયડી બૂમ પડશે તો પેલી રાતે જ ભવાડો નહીં થાય.?" કાનીયાએ પૂછ્યું.

"અલ્યા બોલે જ નહીં સારા ઘરની છોડી હોય તો. અને સામું બોલે તો પછી ધોકો લેવાનો અને પડી જવાનું."

  "સારું ત્યારે લ્યો રામ રામ. બહુ મોડું થયું છે." કહીને કાનીયો નીકળ્યો ઘર તરફ. વિહલો બોલ્યો,

"ડરતો નહીં હો જરાય તારા સિંહ જેવા ભેરુઓ તારી સાથે જ છે."

  કાનીયો ઘેર આવ્યો તો જોયું ઘુંઘટ તાણી રાજુલા હરખતી ઢેલડીની જેમ રાહ જોતી હતી પણ આ દારૂ ઢીંચેલો મોરલો નશામાં નાચી રહ્યો હતો.

 કાનીયાએ રાજુડીને પહેલા તો કહ્યું કે,

" મિત્રોએ જબરજસ્તી દારૂ પાયો નકર હું તો કોક સારા દિવસે જ પીવું છું." કહીને માફી માંગીને રાજુડીને ખુબ જ સ્નેહથી છલકાવી દીધી.

રાજુડી પણ ખુબ જ ડાહ્યો ભરથાર મળ્યો છે ઇમ માનીને વ્હાલ વરસવા લાગી. બને એકબીજામાં સમાઈ ગયા. સારો પતિ મળતાં રાજુડી ખુબ જ મલકાઈ રહી હતી.

સવારે વહેલા પાંચ વાગે કાનિયાની આંખ ઊઘડી અને પેલા મર્દ વીહલાની વાત યાદ આવી કે, 'વાંક કાઢીને ઝાપટ મારવી.' કાનીયો ઢોલિયામાંથી ઊભો થયો ને સુતેલી રાજુડીનો નિર્દોષ ચેહરો જોઈને તેણે હૃદયમાં પ્રેમ ઉભરાયો અને દયા પણ પ્રગટી.

વળી પાછી વાત યાદ આવતાં મનમાં બોલ્યો,

  "મારે ગામમાં મર્દ બનીને રહેવું હશે તો થોડો પાવર કરવો જ પડશે."

તે હવે તાડુકી બોલ્યો,

"એય ઊઠ આ તારા બાપનું ઘર નહીં કે કૂકડો બોલી રે પછી જાગે."

  સુખેથી નીંદર લેતી રાજુડી ઊંઘમાં બોલી,

"મારા બાપાના ઘર જેવું જ હવે તો આ સાસરું લાગે છે તારો પ્રેમ જોઈને."

 કહેતાંક રાજુડી આળસ મરડીને ઊભી થઈ તેવી જ કાનીયાએ એક ઝાપટ ગાલ પર મારી દીધી. રાજુડી ચમકીને કાનીયા સામું જુવે તે પહેલા જ ભડનો દીકરો કાનીયો ત્યાંથી સરકી ગયો. તેને ડર હતો કે આ અજાણી બાયડીનો શું ભરોસો ? ક્યાંક વળતો હુમલો કરે તો આબરૂનો કચરો.

વહેલી સવારે શિરામણ કરીને કાનીયો કોલર ઊંચા કરીને ટેમલાના ઘેર આવતાં જ ટેમલાએ જોરથી પૂછ્યું,

  "ઓહો બહુ મૌજમાં છે કાંઈ ? સવારે વીહલાએ કહ્યું હતું તેમ ઝાપટ મારી કે નહીં ?"

"હા હો ઊઠતા જ એક વળગાડી દીધી. હવે હું પણ મર્દ બની ગયો." કાનીયો બોલ્યો એટલે ખુશ થઈ ટેમલો બોલ્યો,

"વાહ મારા હાવજ.. તો આજ રાતે પાર્ટી આપવી પડશે."

કાનીયો હરખથી બોલ્યો,

"હા હા પાકું લે પૈસા. દશ કોથળી લેતો આવજે પણ આજ હું દારૂ નહીં પીવું."

બેકાર ટેમલો રાતનો દારૂના પૈસા મળી જતા નાચવા લાગ્યો.

 બર્માથી ટેમલાંની બહેન રેખલી આ વાત સાંભળી ગઈ. તે દોડી સીધી નવી વહુ રાજુડી પાસે જઈને બોલી,

"હે અલી ભાભી તમને સવારે કાનાભાઈએ ધોલ મારી હતી ગાલ પર ?"

રાજુડી ચમકી બંધ બારણે બનેલી વાત ફેલાણી કેવી રીતે ? તે બોલી,

  "કેમ તું ડોકિયું કરી જોતી હતી ?"

"હાય હાય ભાભી માં કસમ હું તો આ બાજુ ફરકી પણ નહીં હો." કહેતાંક રેખલી જોડે આવીને બોલી,

"ભાભી મેં છુપાઈને આખી વાત સાંભળી લીધી મારા ભાઈ જોડે કાનાભાઇ વાત કરતા હતાં અને હું સમજી ગઈ કે, પેલો પીટ્યો ગામનો ઉતાર દારૂડિયો વિહલો છે ને ઈને જ આ ડાહ્યા ડમરા કાનભઈને બાયડીને ઝાપટ મારવાનું શીખવાડ્યું હતું. પીટ્યો કોકના સંસારમાં આગ લગાડે છે. ભાભી મારો જીવ બળ્યો એટલે કહેવા આવી. સાચવજો હો કાનભાઈને ગમે એમ કરીને સંભાળી લેજો."

રાજુડી ઘૂંઘટ ઊંચો કરી બોલી,

"સવારથી મનમાં કોકડું ગૂંચવાઈ રહ્યું હતું કે, મારો ડાયો ડમરો લાગતો ઘણી ઝાપટ કેમ મારીને ગયો મને.? હવે જવાબ મળી ગયો."

તે રેખલીને પેંડા આપતાં બોલી,

"હવે આજની રાત બદલાની હશે. હું તારા ભાઈને સુધારી દઈશ."

રેખલી ગભરાઈને બોલી, "ભાભી જે કરો ઈ સાચવીને હો વાત ઘર બહાર ન જાય અને મારુ નામ ન આવે તેમ કરજો." કહીને રેખલી મીઠાઈ લઈને ગાગર ગઈ.

  આ તરફ રાત પડતાં જ જામી પાર્ટી. કાનિયાની જય બોલાવીને બધા તળાવની પાળે ઢીંચવા બેઠા. એક જ્ણ બોલ્યો,

"કાનીયા બાયડીએ બીવડાવ્યો છે કે શું આજ દારૂને અડતો પણ નહીં ?"

  "ના ના અલ્યા કાનભાઈએ તો સવારે જ ભાભીને ઝાપટ મારીને મર્દાનગી દેખાડી દીધી છે."

  વિહલો બોલ્યો, "શાબાશ મારા વાઘ. હવે તો આ સિંહ અને વાઘની મર્દાનગીની વાતો ગામ આખામાં થશે. ખુશીમાં એક કોથળી તો પી ભેરુ."

"ના ના હું રોજ નહીં પીતો આતો તમને પાર્ટી આપી." કાનિયાને ઘર તરફ જવાની તૈયારી કરતો વિહલો બોલ્યો,

"આજ તો એક પાટુ મારવાનું ભૂલતો નહીં હો. મર્દનો રોફ તો જમાવી જ રાખજે."

  "હા હા કેવું જ ના પડે હવે તો શીખી ગયો." કહેતાંક કાનભાઈ પહોંચ્યા ઘેર.

 રાજુડી પણ આજ સિંહણ બનીને બેઠી હતી. જેવો આ હાવજ ઘરમાં પેઠો કે ફટાક કરતાંક બારણું વાસી કાનીયો કાંઈ સમજે તે પહેલા જ પકડીને તેના મોઢે ડૂચો મારીને ઢોલિયા સાથે જ બે હાથ પગ બાંધી દીધા. કાનીયો રાજુડીનું ભયાનક રૂપ જોઈને ગભરાયો તે મનમાં બોલ્યો,

  'ક્યાંક ચુડેલ તો પરણીને નહીં આવી ગઈને આના શરીરમાં ?"

  " રાજુડીએ જાડો બાવળનો ધોકો હાથમાં લીધો. આ જોતાં જ કાનિયાને પરસેવો છૂટી ગયો. તે વિચારવા લાગ્યો,

  "મોઢે ડૂચો હોવાથી બૂમ પણ નહીં પાડી શકું અને આ ચુડેલ મારા હાથપગ ભાંગી નાખશે તો ગામ આખામાં ફજેતી થશે. હે ભગવાન બચાવો."

  તે રાજુડી સામું જોઈને 'ઉઉઉઉ. કરીને માથું હલાવવા લાગ્યો પણ રાજુડીએ તો ગુસ્સામાં ઢોલિયા પર ચડીને બે હાથે જોરથી મારવા ધોકો ઉગામ્યો. ડરના માર્યો કાનીયો આંખો મીંચીને માર ખાવાની રાહ જોવા લાગ્યો. તેના જીવનની આ સહુથી ભયાનક બદલાની રાત લાગતી હતી.

  પણ આ શું ? તેને નવાઈ લાગી. રાજુડીએ તેના મોઢેથી ડૂચો ખોલીને કહ્યું,

  "પત્નીને કોઈક લફંગા ભાઈબંધના કહેવાથી મારવાથી મર્દ ના બની શકાય પણ પત્નીને હૃદયથી સ્વીકારી માન આપીને જ સાચો મર્દ બની શકાય ઘણી. તમે ખોટા રવાડે ચડી ગયા છો એટલે સાચા રસ્તે વાળવા મેં આજે બદલાની રાતનો અનુભવ તમને કરાવ્યો. મને માફ કરજો "

કહેતાંક રાજુડીએ કાનીયાના હાથ પગના બંધન ખોલી દીધા અને હાથ થોડી જોડે બેસી ગઈ.

કાનીયો તેની પાસે બેઠો થતાં બોલ્યો,

"રાજુડી હાચુ કહું તો તને મારવા જતો હતો ત્યારે જ મને લાગ્યું કે હું તારો ગુન્હેગાર છું. પણ પેલા દારૂડિયાની વાદે ચડીને હું મારા જ સંસારમાં દીવાસળી ચાંપી રહ્યો હતો તે ન સમજી શક્યો." 

કહીને રાજુડીની આંખોમાં જોઈ બોલ્યો,

"જો આજ મેં દારૂને હાથ પણ નહીં લગાડ્યો. વ્હાલી રાજુડી હું તારી માફી માંગુ છું. હવે તારો ગુસ્સો ઉતારી લે બસ તને ખુશીથી છૂટ આપું છું. બે ચાર ધોકા મારી દે એટલે રીસ ઉતરી જાય તારી."

રાજુડી હરખીને કાનિયાનો હાથ પકડીને હૈયા સરસો ચાંપી બોલી,

"ઓહો મારા ભોળા ભરથાર તું તો સાચે જ હૃદયથી મને ખુબ જ માન આપે છે ઈ પહેલી રાતે જ મને સમજાઈ ગયું હતું. પણ આ દારૂડિયા દોસ્તારોની ખરાબ સંગતમાંથી છોડાવવા મારા ડાહ્યા ડમરા ધણીને ત્રાસ આપી બદલાની આ રાત બનાવી."

"અરે મારી રાજુડી તો ભારે ચાલાક નીકળી. હું તો ધન્ય બની ગયો તારા જેવી વ્હાલી પત્ની મેળવીને." કહેતાંક રાજુડીના ખીલતા ગુલાબી ગાલ પર હાથ રાખીને કાનીયો બોલ્યો,

  "ધણીએ પોતાની ધણિયાણીને માન સન્માન આપવું જ જોઈએ તો જ એ ઘણી સાચો મર્દ ગણાય. જો રાજુડી આ બદલાની રાત સદાય મજાનું સંભારણું બની જાહે હો."

રાજુડી બોલી, "હવે તો તું મને હેરાન કરશે તો પણ કાંઈ નહીં બોલું બસ..!"

"ઓહો હેરાન તો તને હું આખી રાત કરીશ પણ વ્હાલથી હો."

 રાજુડી કૂદીને કાનિયાની છાતીએ વળગી પડી. બદલાની એ રાત નારીને સાચું સન્માન પતિ તરફથી મળતાં ખુબ જ મજાની સુખમય બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama