હેતથી બનાવેલ માવડીની મધુર રસોઈ
હેતથી બનાવેલ માવડીની મધુર રસોઈ
" વિક્રમ તમે તો કાયમ તમારી માની રસોઈના વખાણ કરો છો તો હું શું તમને ઝેર નાખીને પીરસું છું ?" કલ્પના પોતાનાં પતિ સામું જોઈ ઈર્ષ્યાથી ગુસ્સો કરતાં બોલી એટલે વિક્રમ ધીમેથી બોલ્યો,
" મા ની તોલે કાંઈ આવે જ નહીં."
તેના ગાલ પર ગુલાબી રંગ સ્નેહનો છલકતો હતો.
"તો કહેજો તમારી મા ને કે ભોજન પીરસે હવે તમને." કહીને પગ પછાડતી કલ્પના ત્યાંથી રિસમાં રૂમમાં ચાલી ગઈ.
બે દિવસ બાદ કલ્પનાની મમ્મીને ત્યાં કોઈ પ્રસંગે ગયેલા ત્યારે ભોજનનો આગ્રહ કરતાં કલ્પનાએ વિક્રમને ભોજન કરીને જવાનું કહ્યું.
ભોજન કરવા સહુ બેઠા ત્યારે સાસુમા બોલ્યાં,
"જમાઈ રાજ બહુ દિવસે આવ્યા છો. મારા હાથની રસોઈ કેવી લાગી ?"
"જરા પણ સારી નહીં. " વિક્ર
મ જોરથી બોલતા કલ્પનાના માથે વીજળી પડી હોય તેમ ઝાટકો લાગ્યો તે ઝગડવાં બોલે તે પહેલા સાસુમા બોલ્યાં,
" કઈ વાનગી બરાબર ન લાગી એ તો કહો."
પત્ની પોતાની માની રસોઈ કમખોળે તેથી રિસમાં વિક્રમની મા વિશે બોલવા જતી હતી ત્યાં જ વિક્રમ હસીને બોલ્યો,
" અરે હું તો એમ કહું છું કે કોઈપણ મા જયારે રસોઈ બનાવે ત્યારે તે સારી નથી એમ કહેવાય જ નહીં. માની બનાવેલી રસોઈ મીઠી મધુરી જ હોય. ઘણાં લોકોને રસોઈમા ખાંચા કાઢવાની ટેવ હોય છે જે કોઈની મા એ બનાવેલ રસોઈના વખાણ સાંભળી પણ મોઢું ફૂલાવે."
થોડું અટકતા કલ્પના સામું જોઈ બોલ્યો,
"મને તો દરેક માના હાથનું ભાવથી બનાવેલ ભોજન ખુબ જ ભાવે છે."
સહુ ખુશ થઈ જમવા લાગ્યાં પણ કલ્પના અહેસાસ કરતી રહી પોતાની ભૂલનો.