સુહાગરાત
સુહાગરાત


સવારના ચાર વાગતા તો આશ્રમ જીવંત થઇ જતો. સર્વ સાધકો મહાત્મા સદાનંદ મહારાજના સાનિધ્યમાં સાડા પાંચ વાગતામાં એકઠા થઇ, ધ્યાનમગ્ન થઈ જતા. સરળ હૃદયનો નિર્મલ મહારાજથી એટલો અભિભૂત હતો કે સમગ્ર જીવન જાણે તેમના ચરણોમાં સમર્પિત કરવા ઈચ્છતો હતો.
લગ્નના પ્રથમ દિવસે જ નિશાને લઇને તે મહાત્માના આશીર્વાદ લેવા ગયો. કમળનાં ખીલતાં ફૂલ જેવી નિશાને જોયા પછી મહાત્માની નિર્મલ તરફની કૃપા વધી ગઈ!! તેમણે બંનેના મસ્તક પર હાથ મૂક્યો. આંખો બંધ કરી, ધ્યાનસ્થ થયા. પાંચ મિનિટ પછી આંખ ખોલી, પ્રેમ વરસાવતી નજરોથી બંનેની સામે જોયું. ધીરેથી બોલ્યા- "બેટા તમારું દાંપત્ય અખંડ રહેશે. પરંતુ....."
"પરંતુ શું બાબા?" નિર્મલે બાબા સામે જોઈ, આતુરતાથી પૂછ્યું. બાબાએ નિશા સામે જોયું. નવવધુ નિશા નીચી નજર રાખીને બેઠી હતી. બાબાએ કહ્યું- " દીકરીના ગ્રહ-નક્ષત્ર અને યોગ એવું કહે છે કે દસ દિવસ તમારે મંત્ર જાપથી આત્મશુદ્ધિ કરવી પડશે. એ દિવસો દરમ્યાન જરૂર પડશે તો હું શક્તિપાત કરીને અનિષ્ટને દૂર કરીશ. પણ આત્મશુદ્ધિની સાધના તમારે અહીં જ કરવી પડશે. નહીં તો તમારા દાંપત્ય જીવનમાં કષ્ટ થવાની સંભાવના છે."
બાબાથી અત્યંત પ્રભાવિત નિર્મલ તો આંખમાં આંસુ સાથે બાબાને પ્રણામ કરતો ધન્યતા અનુભવવા લાગ્યો. પણ નિશાએ વિસ્ફારિત નેત્રે નિર્મલ સામે જોયું. તેની આંખમાં આશ્ચર્ય કરતા ય નારાજગી વધુ હતી. નિર્મલ સમજ્યો. સદાનંદ મહારાજ સામે જોઈને તેણે વિનંતીના ભાવથી કહ્યું-" મહારાજ શ્રી, અમે ઘરે રહીને જ વ્રત કરીએ તો? આપ કહો તે પ્રમાણે નીતિ-નિયમો પાળીએ તો કેવું?"
"ના વત્સ! આશ્રમના વાતાવરણમાં- અને ખાસ તો મારા ધ્યાનના પ્રભાવથી તમારા પરની આપત્તિ હટશે. બાકી તો તમારી મરજી..."
સદાનંદજી આશીર્વાદ આપી અને ઊભા થયા. નવદંપતિએ પણ ઉભા થઇ, અભિવાદન કર્યું. નિશાની નારાજગી અને નામરજી છતાં નિર્મલે ત્યાં રોકાવાનું નક્કી કર્યું. નિશા એ કહ્યું પણ ખરું
"નિર્મલ, સ્ત્રીઓ પાસે છઠ્ઠી ઈન્દ્રિય હોય છે. જેનાથી સામેના માણસના વિચાર વૃત્તિને એ સમજી શકે છે. મને આ મહારાજની નિયત શુદ્ધ લાગતી નથી."
"અરે નિશા, એ તારો વહેમ છે. સદાનંદ બાબા બીજા લેભાગુ જેવા નથી. બહુ ઊંચાઇએ પહોંચેલા સંત છે."
નિશાએ અણગમાથી પોતાના ભોળા ભરથાર સામે જોયું. પછી કંઈક વિચારી, તેણે ત્યાં રહેવાની અનુમતિ આપી.
ત્રણ દિવસ સુધી તો મહારાજે નિશા ને પોતાની અધ્યાત્મવિદ્યા દ્વારા આંજી નાખવાનો અને પોતાના વાક્ચાતુર્યથી વશમાં કરવાનો પ્રયાસ કર્યો. નિશા મૌન ભાવે તમાશો જોતી રહી. મહાત્માએ જાણ્યું કે નિશા હવે પોતાના વશમાં આવતી જાય છે. તેથી ચોથા દિવસે તેમણે રાતના સત્સંગ પછી બંનેને પોતાની ખાસ ધ્યાન કુટીરમાં બોલાવ્યા.
નિશાએ અર્થસભર દ્રષ્ટિએ નિર્મલ સામે જોયું. પણ તે તો જાણે સંમોહન અવસ્થામાં હતો! બાબાના સ્વભાવથી અજાણ નિર્મલ માત્ર તેના પ્રભાવથી અંજાઈ ગયો હતો. રાતના સમયે બાબાએ નિર્મલને એકાદ કલાક આત્મશુદ્ધિનું અનુષ્ઠાન કરાવી, પવિત્ર મંત્ર-જળનું પાન કરાવ્યું. પછી તેને યોગ- નિદ્રામાં જવા ધ્યાન- ખંડની બાજુની રૂમમાં મોકલી દીધો. હવે નિશાનો વારો હતો. અમંગળ ભવિષ્યની કલ્પના સાથે નિશા બાબા સામે અનુષ્ઠાન કરવા બેઠી.
બાબાએ પોતાની આંખમાં જાણે સમસ્ત જગતની કરુણાભરી દીધી. નિશા સામે જોઈને કહ્યું - "નિશા હું તો જીવમાત્રનાં કલ્યાણ માટે મથું છું. મારી સાધનામાં વિક્ષેપ ઊભો થશે. છતાં તારાં કલ્યાણ માટે હું તને અનુષ્ઠાન કરાવીશ! તારા સુખી સંસાર માટે સૌ પ્રથમ તનશુદ્ધિ પછી મનશુદ્ધિ અને અંતે આત્મશુદ્ધિ સુધી પહોંચવા માટે આજે આપણે તનશુદ્ધિથી શરૂઆત કરીએ."
નિશાએ સદાનંદની આંખોમાં દેખાતી બનાવટી કરુણા પાછળની કામના અને તેમના મીઠા શબ્દો પાછળનાં છળને જાણી લીધું. પણ અત્યારે તે સદાનંદના અભેદ્ય કિલ્લા જેવા આશ્રમમાં હતી. ત્યાંથી સીધો પ્રતિકાર કરવો શક્ય ન હતો. બાબાના પ્રભાવમાં સાન- ભાન ભૂલેલા નિર્મલને કદાચ બાબાએ ઘેન આપીને સુવડાવી દીધો હતો. એ જ મંત્ર-જળ હવે પોતાને પાઇ અને પછી પોતાની "દેહશુદ્ધિ" કરવાની સદાનંદની દાનત તેણે પારખી લીધી.
નિશા વિચક્ષણ અને નિર્ણયાત્મક બુદ્ધિ ધરાવતી સ્ત્રી હતી. તેણે કહ્યું - "મહારાજ, આ વિધિ આપણે ચાર દિવસ પછી કરવી પડશે. કારણકે આજે જ હું સ્ત્રી-ધર્મમાં આવી છું. અને આપણા શાસ્ત્રોમાં આ અવસ્થામાં અનુષ્ઠાનની મનાઈ છે. સદાનંદે નિશા સામે જોયું. નિશા જાણે ભોળા ભાવે સહજતાથી બોલતી હતી. તે સાચું જ બોલતી હશે, એમ સમજીને હવે આ અપ્સરાને પામવા ત્રણ ચાર દિવસ વધારે તપસ્યા કરવાનું મન બનાવી, સદાનંદે એ માટે સંમતિ આપી. નિશાએ નિર્મલને પણ આ અંગે કશું જણાવ્યા વિના ફોન પર કેટલીક ગોઠવણ કરી લીધી. ચોથા દિવસે મહારાજે રોજ કરતાં વધારે મુલાયમ વસ્ત્રો પરિધાન કર્યાં. અસલી ચંદનની સુગંધથી મઘમઘતું સેન્ટ લગાડ્યું. વાણીમાં બની શકે તેટલું વધુ માધુર્ય અને ચાતુર્ય ભેળવીને રાત્રી સત્સંગમાં સહુ અનુયાયીઓને વશીભૂત કરી દીધા. ધન્યતા અનુભવતા સાધકો ગદગદિત થઈને મહાત્માને વંદી રહ્યા.
રાત્રે ૯ વાગ્યે નિશા સ્નાન કરી, ખુલ્લી કેશરાશિ સાથે, અભિસારિકા બનીને ખાસ ધ્યાન ખંડમાં પ્રવેશી. નિર્મલ તો અડધો કલાકમાં યોગ નિદ્રામાં પોઢી ગયો. નિશાને લોલુપતાથી તાકતા મહાત્માએ તેને પોતાની પાસે બોલાવી. કામદેવના પ્રવેશથી હળવું કંપન અનુભવતા મહાત્મા નેત્રોથી અને વાણીથી કામબાણ છોડવા લાગ્યા. નિશા સાંભળતી રહી. સદાનંદ પોતાના સન્યસ્તને ભૂલી, ઉપવસ્ત્ર ફેંકી અને અર્ધ-ખુલ્લા દેહે નિશાને ભેટવા દોડ્યો. પાસે પહોંચતા જ રણચંડી બનેલી નિશાએ કચકચાવીને સદાનંદના ગાલ પર તમાચો માર્યો.
સદાનંદ લડખડાયો. ત્યાં જ ધ્યાન ખંડનો દરવાજો ખોલીને પોલીસ દાખલ થઈ. પોલીસના બે ડંડા પડતામાં તો સદાનંદ ગરીબ ગાય બની, હાથ જોડીને કરગરવા લાગ્યો. નિશાએ છૂપાવેલો ગુપ્ત કેમેરો પોલીસને આપ્યો. સદાનંદની લીલા તેમાં કેદ થઈ ગઈ હતી !! સદાનંદ મહેલમાંથી જેલમાં પહોંચી ગયો.
નિર્મલે સત્ય જાણ્યું, ત્યારે શરમિંદગી સાથે તેણે નિશાની માફી માગી. નિશા પોતાના સરળ, નિર્મળ સ્વભાવના પતિને આંસુભરી આંખે ભેટી પડી. અભિસારિકાનું અઆભિજાત્ય પોતાના ગૃહ પ્રવેશ સાથે જ પૂર્ણ રૂપે નિખરી ઉઠ્યું. બન્નેના જીવનને ધન્ય કરતી સુહાગરાત સાચા અર્થમાં સાર્થક થઇ.