Nayanaben Shah

Romance

4  

Nayanaben Shah

Romance

સરહદ

સરહદ

6 mins
9


મેહુલના મોં પર આનંદ હતો. કહેવાય છે કે મનુષ્ય ગમે તેટલા પ્રયત્ન કરે પણ પોતાના હાવભાવ છુપાવી ના શકે. જો કે મેહુલ તો એની ખુશી વ્યક્ત કરવા જ માબાપ પાસે આવ્યો હતો. એ ખુશી પણ ઘણી મોટી હતી. એને નવી નોકરી મળી હતી, અમદાવાદમાં જ. એ પણ વીસ લાખના પેકેજ સાથે. જુની કંપનીમાં પંદર લાખ મળતાં હતાં અને નવી કંપનીમાં બીજા પાંચ લાખ વધુ.

પરંતુ મેહુલની વાત સાંભળી તેના માબાપને ખાસ ખુશી ના થઈ. તેઓ એટલું જ બોલ્યા,

"આ પૈસાને શું કરવાનું ? છેલ્લા દસ વર્ષથી અમે તને કેટલી બધી છોકરીઓ બતાવી.

ભણેલી ગણેલી, ખાનદાન, દેખાવડી, સંસ્કારી."

"બસ, તમારી વાત અહીં આવીને જ અટકી જાય છે. મને તો કંઈ તકલીફ જ નથી. બે સમય રસોઈયો આવી રસોઈ કરી જાય છે. સવારની ચા પણ તૈયાર મળી જાય છે. મને જે ગમે તે નાસ્તા પણ રસોઈયો બનાવી આપે છે. જિંદગીમાં ક્યાંય કોઈ જ તકલીફ નથી."

"તકલીફ તને નહીં, અમને છે. દરેક માબાપ પોતાના સંતાનનો સુખી સંસાર જોવા ઈચ્છતા હોય. તારા સંતાનોને અમે રમાડવા માંગીએ છીએ. તારે કેવી યુવતી પત્ની તરીકે જોઈએ છે ?"

"મારે એવી યુવતી જોઈએ કે જેને જોતાંની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય. એવી યુવતી જોઈએ કે જેની આંખોમાંથી સતત પ્રેમ વરસતો હોય. એનું હાસ્ય સહજપણે સામેનાનું દિલ જીતી લે. એ બોલે તો લાગે કે ફૂલડાંની ફોરમ ચારેબાજુ પ્રસરી રહી છે. . . "

"મેહુલ,એ માટે તું ભગવાનને પ્રાર્થના કર કે તમે મારા માટે આટલા બધા ગુણોના ભંડારસમી યુવતી બનાવો." મેહુલના પપ્પા ગુસ્સે થતાં બોલ્યા.

પરંતુ એની મમ્મી એકપણ શબ્દ બોલી ના શકી પરંતુ એની વ્યથા આંખોમાંથી આંસુરૂપે વહી રહી.

સમય વિતતો ગયો. એ જ્યારે જ્યારે અમદાવાદથી વડોદરા આવતો ત્યારે માબાપ એક જ સવાલ પૂછતાં, "બેટા,લગ્ન વિષે કંઈક તો વિચાર ! અમારી પણ ઉંમર વધતી જાય છે. અમારૂ મરણ બગડશે તારી ચિંતામાં."

"સારૂ,મમ્મી મને થોડો સમય આપ. હું બે ત્રણ મહિનામાં તને જવાબ આપીશ." મેહુલ એકીશ્વાસે બોલી ઊઠ્યો.

"બેટા, સમાજમાં આપણુ નામ છે. પૈસેટકે તો આપણે સુખી જ છીએ. તારો અમદાવાદમાં સારામાં સારા એરિયામાં ફ્લેટ છે. નોકરચાકર છે. તારો પગાર પણ સારો છે. છોકરીઓના માબાપને શું કહેવું એ જ સમજાતું નથી."

તે દિવસે મેહુલ કારમાં પેટ્રોલ પુરાવવા ઊભો રહ્યો હતો. પૈસા ચુકવતો હતો એ જ વખતે  પાછળથી એક ટ્રક આવી એની બ્રેક ફેઈલ જતાં મેહુલની કાર સાથે અથડાઈ. જો કે મેહુલ બહાર હોવાથી બચી ગયો. પણ એક વાત નક્કી કે હવે દિવસો સુધી કાર ગેરેજમાં રહેશે. એને આવવા જવાની તકલીફ ભોગવવી પડશે.

બીજે દિવસે એ ઓફિસ જવા માટે બહાર નીકળ્યો ત્યારે અચાનક જ એની નજર એક યુવતી પર પડી. થોડી પળો તો એ એની સામે જોતો જ રહ્યો. એને લાગ્યું કે એ જે યુવતીની શોધમાં હતો એ શોધ અહીં જ પુરી થઈ ગઈ છે. સામે પક્ષે એ યુવતી પણ મેહુલને જોઈ રહી હતી. જો કે એક વાત તો નિશ્ચિત હતી કે એ યુવતી ઈન્ડિયન તો ન હતી. બંને જણે એક બીજા સામે સ્મિત કર્યું. એ તો શેર રિક્ષામાં જતી હતી. મેહુલ પણ એ જ રિક્ષામાં બેસી ગયો. એ જ્યાં ઉતરી ત્યાં તપાસ કરી તો ખબર પડી કે એ યુવતી થાઈલેન્ડની છે.

મેહુલની કાર ગેરેજમાંથી આવી ગઈ હોવા છતાં પણ હવે એ થાઈ છોકરીના કારણે રિક્ષામાં જ જતો. કહેવાય છે કે ઈશ્વરે સ્ત્રીઓને એક છઠ્ઠી ઇન્દ્રિય પ્રદાન કરેલી હોય છે. એ પણ મેહુલના પ્રેમમાં તો હતી જ. એક દિવસ એને હિંમત કરીને મેહુલને પૂછી લીધુ,"ખૂન સબાઈ દી માઈ ખા ?"(તમે કેમ છો?)

"સબાઈ દી માઈ ખ્રપ"(મજામાં છું)

"ખૂન રૂ પાસા થાઈ માઈ ખા ?"(તમે થાઈ ભાષા જાણો છો?")

"નીત નોઈ"(થોડી થોડી)

ત્યારબાદ તો બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. કહેવાય છે કે પ્રેમને કોઈ ભાષાની જરૂર નથી હોતી. થાઈ યુવતીને ભાંગ્યુ તૂટ્યું અંગ્રેજી આવડતું હતું. હવે મેહુલએ યુવતી બંગોનને થોડું થોડું અંગ્રેજી શીખવાડતો.

અમદાવાદના ફ્લેટમાં મેહુલ એકલો જ રહેતો હતો. તેથી બંગોન પણ ત્યાં જતી આવતી રહેતી હતી. એક દિવસ બંને જણે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા.

જો કે મેહુલને ડર હતો કે ચુસ્ત વૈષ્ણવ માબાપ બંગોનને સ્વીકારશે કે કેમ ? તેથી એણે બંગોનને શીખવાડી દીધેલું કે, કોઈ પણ મારા સગા મળે તો નીચા નમી પગે લાગવું અને બોલવું "જય શ્રી કૃષ્ણ. "

શરૂઆતમાં તો નાતજાતમાં સખત વિરોધ થયો. એની પાછળનું એક કારણ એ પણ ખરૂ કે આટલો સારો છોકરો નાતની છોકરી પસંદ કરવાને બદલે બીજા દેશની છોકરી પસંદ કરી લાવ્યો ?

ચુસ્ત વૈષ્ણવ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. પારકા દેશની છોકરી નોનવેજ ખાતી હશે તો ! આપણા ઘરોમાં તો કાંદાલસણ પણ ખવાતા નથી. મારા ઠાકોરજીની સેવા કરતાં પણ આવડશે નહીં. મારા ઠાકોરજીનું અમારી હયાતી બાદ શું થશે ? અમને કહ્યું હોત તો અમે સમજાવત. પણ શું થાય કોર્ટમાં લગ્ન કરીને પગે લાગવા આવે તો શું કરવાનું ? એકનો એક છોકરો. . . ." કહેતાં એની મમ્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

બંગોનને માત્ર `જય શ્રી કૃષ્ણ´ બોલતાં જ આવડતું હતું. ધીરે ધીરે એ થોડું ઘણું અંગ્રેજી બોલતાં શીખી ગઈ હતી.

કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં ભાષાની શું જરૂર ? લગ્નબાદ જયારે બંને જણાં વડોદરા મેહુલના માબાપને પગે લાગવા આવ્યા ત્યારે એણે જોયું કે મેહુલની મા રડી રહી છે. બંગોન એની મમ્મી પાસે ગઈ અને એના રૂમાલથી એના આંસુ લૂછ્યાં. એટલું જ નહીં પણ એમના બરડે હાથ ફેરવવા લાગી. મેહુલને પાણી માટે કહ્યું અને પાણીનો પ્યાલો એમની સામે ધરી પાણી પીવડાવવા લાગી. કોણ જાણે એ સ્પર્શમાં શું જાદુ હતો કે મેહુલના મમ્મીના આંસુઓનું જાણે બાષ્પીભવન થઈ  ગયું.

એ મેહુલના ફ્લેટ પર જતી આવતી હતી એટલે એને થોડીઘણી ખબર હતી. બધાએ જમી લીધું કે એણે જમેલા વાસણ ઉઠાવી પોતું પણ મારી લીધું. મેહુલના મમ્મી નો. . . . નો. . . કરતાં રહ્યાં પણ એ કામ કરતી રહી.

જમીને બધા બેઠા ત્યારે અણે કહ્યું,"મોમ, યુ ડુ નોટ વરી, આઇ વિલ લારન ઓલ હાઉસહોલ્ડ કોર્સ એન્ડ ઓલ રિલીજીયાસ મેટર્સ સુન." "એસ સુન એસ યુ એન્ટરડ આઇ રિયલાઈઝ ધેટ યુ વિલ ટેક કેર ઓફ મી એન્ડ યોર ફાધર ઈન લો એન્ડ વિલ લર્ન હાઉ ટુ ડુ પ્રેયર ઓફ હોમ ગોડ."

આખરે એના મમ્મી મેહુલ સામે જોઈ બોલ્યા,

"મેહુલ, આપણા ગુજરાતીમાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. "

"મમ્મી, શીખવાની ખરા દિલથી ઈચ્છા હોય તો વ્યક્તિ શીખી જ જાય. એણે તો મને કહ્યું જ છે કે હું તમારા ઘરને અનુરૂપ બનવા પુરેપરી કોશિશ કરીશ."

થોડા દિવસમાં બંગોન ઘણું બધુ શીખી ગઈ.

એને સાડી પહેરતાં પણ શીખી લીધું. થોડું ઘણું ગુજરાતી બોલતાં પણ આવડી ગયું. બાકીની બધી વાતો એકબીજા ઈશારાથી સમજી જતાં.

જ્યારે બંગોન અમદાવાદ જવાની હતી એ દિવસે બધાની આંખમાં આંસુ હતાં. બંગોન  આગ્રહ કરતી રહી કે તમે પણ અમદાવાદ આવો. પણ હજી થોડો વખત મેહુલના પપ્પાની નોકરી ચાલુ હતી. મેહુલના પપ્પા બંગોનને વિદાય આપતાં બોલી ઊઠ્યા,"ટુડે આઇ એમ ફિલિંગ આઈ એમ સેન્ડિંગ ઓફ માય ડોટર ટુ હર હોમ."

બંગોન જતાં જ બંને પતિપત્ની ચોધાર આંસુએ રડી પડ્યાં. જો કે બંને વિચારી રહ્યાં હતાં કે જ્યાં પ્રેમ છે, ત્યાં એક દેશ અને બીજા દેશ વચ્ચે જુદાઈ શા માટે ? જો દરેક દેશની વ્યક્તિઓ એકબીજા જોડે પ્રેમથી જોડાયેલી રહે તો વિશ્વયુધ્ધ ક્યારેય ના થાય. મેહુલ કહેતો હતો કે મારા કેટલાય મિત્રોનું સાસરૂ પાકિસ્તાનમાં છે. વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે  પ્રેમ હોય તો સરહદો શા માટે બનાવવી જોઈએ ? જો આખું વિશ્વ પ્રેમથી જોડાયેલું રહે બધા વચ્ચે ભાઈચારો હોય તો, દુનિયામાં થતાં સરહદો માટેના યુધ્ધોનો અંત જ આવી જાય અને શરૂ થઈ જાય પ્રેમનું સામ્રાજ્ય. શસ્ત્રોના ઉત્પાદન બંધ થઈ જાય. કલાપીની પંક્તિ સુધારા સાથે કહેવાય,"જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં પ્રેમ જ હોય. "

આ વિચાર સાથે જ પતિપત્ની ઠાકોરજીની સામે બેસી બોલી ઊઠયાં,"અમારા આવા વિચારોને તમે તમારી શક્તિથી સાકાર કરવા સમર્થ છો. તો આ જ રીતે વિશ્વમાં માત્ર અને માત્ર પ્રેમ રહે એવું કરજો."


Rate this content
Log in

Similar gujarati story from Romance