mariyam dhupli

Inspirational Children

3.4  

mariyam dhupli

Inspirational Children

સફેદ ફરાક

સફેદ ફરાક

3 mins
231


" આ શું ? કેવી હાલત કરી મૂકી છે ? ના પાડી હતી ને તને ? સફેદ ફરાક પહેરી રમવા ન જા. પણ તું વાત સાંભળે છે મારી ? તને તો ઝંખનાની વાત સાંભળવી હતી. હવે જો. "

બારણે ઊભેલી પાંચ વર્ષની છોકરી સ્ત્રીનો બરાડો સાંભળી પહેલાથી વધુ પોક મૂકીને રડવા લાગી. એ રુદન સાંભળી અંદરના ઓરડામાંથી એક પુરુષ બહાર નીકળ્યો. છોકરીનો કાદવથી ગંદો થયેલો સફેદ ફરાક નિહાળતાં જ પુરુષના હાવભાવોમાં ક્રોધ અને રીસ ભરાઈ બેઠા.

" મમ્મીએ ના પાડી હતી ને ? જિદ કરી સફેદ ફરાક પહેરી ગઈ. કેટલો કિંમતી છે આ ફરાક ! હવે આ ડાઘ દૂર થવાથી રહ્યા. ધોવાશે તો પણ ડાઘની છાપ છૂટશે નહીં. "

પુરુષના અવાજમાંનો તિરસ્કાર અસહ્ય બનતા છોકરીએ ડૂસકાં ભરતા જાતબચાવ કરવાનો પ્રયાસ કર્યો.

" પપ્પા, મારી ભૂલ નથી. રસ્તામાં એક ખાડો હતો. એમાં કાદવ હતું. હું અને ઝંખના પકડાપકડી રમતા હતા.અમારો પગ દોડતા દોડતા ..."

છોકરીના વાક્યને આગળ વધતું અટકાવી પુરુષે વધુ ઊંચા અવાજમાં પોતાની ધાક જમાવી.

" મારે કોઈ બહાના સાંભળવા નથી. ભૂલ તારી જ છે. રસ્તામાં ખાડા તો હોય જ. હવેથી રસ્તામાં રમવાની કોઈ જરૂર નથી. અહીં આપણા પ્રાંગણમાં જ રમવું અને હા, સફેદ ફરાક હવે તને કદી ન મળશે. "

સ્ત્રી અને પુરુષના ધમકીભર્યા અવાજોથી ધ્રૂજતી, ડરતી છોકરી પોતાનાથી થયેલી ભૂલ અંગે પસ્તાવો અનુભવતી અંદર તરફ દોડી ગઈ અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.

એ જ સમયે એક અન્ય ઘરનું બારણું ખોલવામાં આવ્યું. કાદવમાં લથપથ સફેદ ફરાક પહેરી ઊભી છોકરી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.

" અરે, ઝંખના. શું થયું બેટા ? આમ કેમ રડે છે ? ને આ તારા ફરાક ઉપર આટલું બધું કાદવ ક્યાંથી લાગ્યું ? "

છોકરીને સાંત્વના આપતા સ્ત્રીના હાથમાં વાત્સલ્યનો સમુદ્ર ઉમટી પડ્યો. એ વહાલભર્યા સ્પર્શથી આગળ બોલવાની હિંમત મળી હોય એમ આંખમાંથી વહી રહેલા અશ્રુઓને છોકરીએ હળવેથી દૂર હડસેલ્યા.

" મમ્મી, હું અને નીલમ પકડાપકડી રમતા હતા. રસ્તામાં કાદવભર્યો ખાડો હતો. અમને દેખાયો નહીં. "

બોલતા બોલતા એકવાર ફરી રુદનની ધાર છૂટી.

" બસ આટલી જ વાત ? ચાલ મારી જોડે. બતાવ મને. ક્યાં છે એ ખાડો ? "

સમાચારપત્ર સંકેલી આરામખુરશી ઉપરથી ઊભા થઈ પુરુષે છોકરીને પોતાના ગોદમાં ઊંચકી લીધી. સફેદ ફરાક ઉપરનું કાદવ નવા ટીશર્ટને પણ સ્પર્શ્યું. પરંતુ એનાથી કોઈ ફેર પડતો ન હોય એમ છોકરીના આંસુ હાથ વડે લૂંછી પુરુષ રસ્તા તરફ નીકળી પડ્યો. સ્ત્રી પણ સાથે જોડાઈ.

ઘરથી થોડા અંતરે આવેલા એ ખાડા નજીક પહોંચતા જ પુરુષે છોકરીને ગોદમાંથી નીચે ઉતારી. આસપાસથી માટી ભેગી કરી ખાડામાં નાખવા માંડી. સ્ત્રીએ પણ પ્રવૃત્તિ પૂર્ણ કરવામાં પોતાનો ફાળો નોંધાવ્યો. જોતજોતામાં ખાડો પુરાઈ ગયો. કાદવ અદ્રશ્ય થયું.

" હવે તું ચિંતા કર્યા વિના અહીં રમી શકે છે. "

છોકરીનો ચહેરો મીઠા હાસ્યથી મલકાઈ ઊઠ્યો. એની આંખોમાંના અશ્રુનું સ્થાન એક નવા આત્મવિશ્વાસે લઈ લીધું. પુરુષે ફરીથી એને ગોદમાં તેડી લીધી. સફેદ ફરાક ઉપર ભેગું થયેલું કાદવ ફરીથી શર્ટની ઉપર ઘસાવા લાગ્યું. ઘરે પરત થતા રસ્તામાં ઘણી બધી નજર એ ગંદા કાદવને ઘૃણાથી તાકી રહી. પરંતુ સ્ત્રી અને પુરુષને એ પ્રત્યાઘાતોથી કોઈ ફેર પડતો ન હોય એમ બંનેની નજર ફક્ત અને ફક્ત છોકરીના હાસ્ય ઉપર એ રીતે ચોંટી ગઈ હતી જાણે કોઈ ખૂબજ કિંમતી આભૂષણને નિહાળી ન રહ્યા હોય !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational