સંવેદના
સંવેદના
રૂપા જેવું નામ એવું રૂપ ને ગુણ. લાડમાં એને ઘરના રૂપલી કહેતાં. તો એનો ધણી એ જ નામે બોલાવતો. આજ એના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. રૂપા ગામડાની હતી પણ લખતાં, વાંચતાં ખાસ્સું આવડતું હતું. એને શોખ પણ હતો. દૂર દેશાવર એનો ધણી કમાવવા ગયો હતો. એની ફુરસદે મળવા આવતો. બન્નેનું દામ્પત્યજીવન સુમધુર હતું.
આજ લગ્નદિન હતો.પતિ એ આવવાનો વાયદો પણ આપ્યો હતો. તેથી બજારમાંથી એને અનુરૂપ બલોયાં, ચૂડી,કપડાં બધો જ શણગાર લઈ આવી. ખૂબ જ સરસ તૈયાર થઈને વાટ જોતી ઝરૂખે ઉભી રહી. રોજ કરતાં આજ ખૂબ જ ખુશ હતી. તે હોય જ ને ! આજ પ્રિયતમ સાથે મિલન થવાનું હતું.
દીકરી તો સોળે શણગાર સજી વિચારોમાં મગ્ન ઝરૂખે ઉભી હતી. માએની દીકરીના રૂપનું રસપાન કરતી વિચારોમાં ખોવાઈ ગઈ. કશોક અવાજ થતાં
દીકરી સ્વસ્થ થઈ બોલી, "માં ક્યાં ખોવાઈ ગઈ?"
મમ્મી આંસુ લૂછતાં બોલી, "મારી દીકરી ખૂબ જ સુંદર દેખાય છે."
એ મનમાં બોલી "આજ એનો માણિગર આવવાનો છે ને !"
આમ મા દીકરીનો સંવાદ ચાલતો હતો ત્યાં જ ટપાલી એ સાદ દીધો. "એ બેના, આ તારો "કાગળ" લેજે. ઊમળકા સાથે રૂપા લેવા દોડી.
પણ એ પત્ર ધણીના મિત્રનો હતો.લખ્યું હતું. "આજ શું હવે હરિયો ક્યારેય નહીં આવે. એતો હૃદય બંધ પડી જતાં ભગવાનને પ્યારો થઈ ગયો છે તમારા કરતાં પ્રભુને એની વધુ જરૂર હશે. જય શ્રીકૃષ્ણ !"
રૂપા તો વાંચીને ફસડાઈ જ પડી. કિંકર્તવ્યમૂઢ બની ગઈ. બાજુમાં જુના ગીતોના શોખીન એવી એક દુકાનમાં મોટા અવાજે ગીત વાગતું હતું.
"અરમાનો કા ગુલશન ઉજડ ગયા,
લો ખતમ કહાની હો ગઈ."