શિષ્ય ભક્તિ
શિષ્ય ભક્તિ
હું 22 વર્ષની હતી ત્યારે સૌ પ્રથમ નોકરી ભુજથી દૂર ગામડામાં શિક્ષકની નોકરી મળી. ત્યાં 4 વર્ષ રહી. ત્યારે મોબાઈલનો કે ફોનનો યુગ ન હતો. ફોનનો ઉપયોગ પણ ખાસ ન થતો. ઘરથી અઠવાડિયું દૂર ને શનિ રવિ ઘેર મિલન થતું. પહેલીવાર ઘરથી છૂટા પડવાનો વારો આવ્યો.
થોડું વસમું લાગ્યું પણ આવેલી પરિસ્થિતિને અપનાવે છૂટકો ન હતો. ને મન મનાવી સ્વીકારી લીધું.
નખત્રાણામાં 4 વર્ષ રહ્યા બાદ ભુજ બદલી થઈ જેનો આનંદ અપાર હતો. ભુજની અધ્યાપન મંદિરમાં બદલી થઈ. નોકરીમાં ચાલુ હોય એવા છોકરાઓ તાલીમ લેવા આવતા. એટલે સ્વાભાવિક છે ઉમરમાં મારાથી પણ મોટા હોય એવા શિક્ષકો હતા. પણ કોઈપણ વ્યવસાયને વફાદાર રહીએ તો ઊની આંચ પણ નથી આવતી એ ન્યાયે "ડેપ્યુટ" શિક્ષકો પણ મારું માન રાખતા.
બે વર્ષ પછી હાઈસ્કૂલમાં નિયમ મુજબ બદલી થઈ.
નિયમ મુજબ વિદાયમાન ગોઠવવામાં આવ્યું. તાલીમાર્થીઓનો એટલો પ્રેમ મળ્યો જે શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે એવો અવર્ણનીય ને અદભૂત પ્રેમ મળ્યો. વિદ્યાર્થીઓએ યથાશક્તિ ફાળો આપીને મને સરસ મજાની પેન આપી. જે મેં વર્ષો સુધી સાચવી ને વાપરી પણ ખરી. પણ એક વિદ્યાર્થી એવો હતો જેણે ફાળામાં પૈસા આપ્યા ન હતા. પણ હોશિયાર ને શાંત હોવાને કારણે માન થાય એવો હતો. વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે શૈલીમાં મને બિરદાવી પ્રવચનો કર્યા.
પણ એ વિદ્યાર્થી ઉભો ન થયો. મને પણ નવાઈ લાગી. શાંત ચિત્તે બેસીને જોયા કરતો હતો. પણ એની આંખમાં ને હૃદયના એક ખૂણામાં રંજ હતો.
પોતે કંઈ ન કરી શક્યો એનો.
આખરે જવાનો સમય આવ્યો. હું જવાની તૈયારી કરતી હતી ત્યાંજ પેલો વિદ્યાર્થી આવ્યો. મારા પગ પકડી સાષ્ટાંગ પગે લાગ્યો ને રડ્યો. મેં કારણ પૂછ્યું પણ પોતાની
ગરીબાઈ છૂપાવવા કંઈ જ ન બોલ્યો પણ એના મિત્રોએ કીધું "બેન ! આજે આખર તારીખ છે ને એટલે એ તમને ભેટ દેવા માટે પૈસા આપી શક્યો નથી".
હું તો આ સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગઈ કે દુનિયામાં એવા છોકરાઓ પણ છે જે મા બાપ પાસે ત્રાગું કરીને શોખ પૂરા કરે છે ને આવા પણ છે જે ગરીબ હોવા છતાં સારી રીતે ભણીને કંઇક બનવા માગે છે.
મારી પાસે એને લાયક દેવા જેવું તાત્કાલિક તો કંઈજ ન હતું પણ મેં એને મદદ કરવા જતાં જતાં કહ્યું" તારા બે વર્ષનો આ "પીટીસી"ના કોર્સનો બધો ખર્ચો હું આપીશ. અને આ સાંભળતાની સાથેજ એ વિદ્યાર્થીના મોઢા પર એક પ્રકારનો સંતોષ ને આનંદ છવાઈ ગયેલો જોયો. ત્યારે મને થયું "આદર્શ શિક્ષક",નો એવોર્ડ નોકરીની યાત્રા દરમિયાન ભલે ન મળે પણ આ મારો એક પ્રકારનો એવોર્ડ જ છે
બસ આમ હું આત્મસંતોષ ને ગર્વની સાથે શાળામાંથી છૂટી પડી. ને ત્યારથી સંકલ્પ કર્યો કે જેને સાચી જરૂર હોય એના દેખાવ ને વર્તન પરથી જ ખ્યાલ આવી જાય ને મદદ કરવી. ત્યારથી મેં કદી પાછું વળીને જોયું નથી. ને આનાથી પણ વધુ આદર્શ શિક્ષક બનીને રહીશ એવા સંકલ્પ સાથે અનુભવનું ભાથું લઈ વિદાય લીધી ને નવી શાળા, નવા સાથીઓ ને નવા અનુભવો મેળવવા સ્વંપંથે આગળ વધી.
ઘણા સમય બાદ એ વિદ્યાર્થીનો ફોન આવ્યો. એકદમ ખુશીને આનંદના સમાચાર આપતો" પૂ. બહેન, આપનો ખુબ ખુબ આભાર. પીટીસી કર્યા બાદ મેં બીએડ સારા ગુણ મેળવીને કર્યું. નાના ગામડામાં આચાર્યનું પદ શોભવું છું. ને હમણાં જ "આદર્શ શિક્ષક"નો ખિતાબ પણ મળ્યો. જે આપને આભારી છે. પગે લાગવા જ્યારે મળાય ત્યારે પણ અંતે એટલું તો ચોક્કસ કહીશ માન ને ગર્વ સાથે "થેન્ક યુ ટીચર".
આને કહેવાય "ગુરુ કરતાં શિષ્ય સવાયા" ખરું ને ?