શિક્ષકની ગરિમા
શિક્ષકની ગરિમા
મારી શિક્ષક તરીકેની 36 વર્ષની કારકિર્દીમાં નોકરી દરમિયાન ઘણું જાણવાનું મળ્યું. માન, સન્માન અને સમ્માન પણ મળ્યાં.
પણ હું જ્યારે અંતિમ પડાવમાં આચાર્ય પદે હતી ત્યારે મને મારા વિદ્યાર્થી પર અને શિક્ષક હોવા પર ગર્વ થયો. એક શિક્ષક તરીકેની ગરિમાનાં સાક્ષાત દર્શન થયાં.
એકવાર શાળામાં "સરકારી ને ખાનગી શિક્ષણ ને શાળા વચ્ચેનું અંતર" એ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નામ તેવાં જ ગુણો ધરાવતા સુશીલ નામના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. એના પિતાજી સક્ષમ હતા પણ સરકારી શિક્ષણમાં માનતા હતા.
પણ એ પોતે મોજશોખમાં ઉછર્યો હતો એટલે ગરીબી કોને કહેવાય એનો ખ્યાલ ન હતો. એટલે એ તો તગડી ફી લેતી શાળાઓની તરફેણમાં બોલ્યો. આશ્વાસન ઈનામ પણ મળ્યું. પણ બીજે દિવસે એને બોલાવીને સમજાવ્યો" તું તારી રીતે સાવ ખોટો નથી પણ માતા પિતા ને તારા ભવિષ્યનો વિચાર કર્યો છે ?" એ એટલો પણ નાનો ન હતો કે સમજે નહિ. એના પિતા કલેકટર હતા એટલે ઘમંડ પણ હતું.
આ વાતને વર્ષો નીકળી ગયાં. નોકરીમાં મને આચાર્યપદ મળ્યું ત્યારે હું પત્રી હતી. યોગાનુયોગ યોગ પેલો વિદ્યાર્થી સુશીલ પણ નજીકની કોલેજએ ઉચ્ચ હોદ્દા પર પ્રિન્સિપાલ હતો. એ એના પુત્રને દાખલ કરવા આવ્યો હતો. નમ્રતાને હોદ્દાનું અભિમાન જરાય ન હતું.
આવીને "ડોરકીપર" ની પરવાનગી લીધી. ચિઠ્ઠી મોકલાવી. આચાર્ય હા પાડે તો કેબિનમાં જવું એ શરતે બહાર ધૂમતડકે ઊભો
રહ્યો.
નામ વાંચીને હું ઓળખી ગઈ ને જાતે જ લેવા ગઈ.
અને કહ્યું" તમારે પરવાનગી ન લેવાની હોય, સીધું આવી જવાનું હોય". ત્યારે સુશીલે જવાબ આપ્યો "બેન ત્યારે હું આપનો વિદ્યાર્થી હતો ને આજે આ ઉંમરે ને કક્ષાએ પણ વિદ્યાર્થીજ છું". હું મારા દીકરાના પ્રવેશ માટે આવ્યો છું. કાયદા ને નિયમોનું પાલન હું નહિ કરું તો કોણ કરશે ? દીકરાને કેમ ઉપદેશ આપીશ ?"
મેં કહ્યું" તું ઉચ્ચ હોદ્દાપર છો ,સારો પગારદાર છો તો કેમ ખાનગી શાળા ને બદલે અહીં આવ્યો ?"
ત્યારે સરસ જવાબ આપતાં કહ્યું" આપણે શિક્ષકોજ જો સરકારી શાળાનો અનાદર કરીશું તો બીજાને શું કહેશું ? અહીંના ગુરુઓ, આપ ને શિક્ષણ શ્રેષ્ઠ જ છે.
બસ તે દિવસ મારા માટે ધન્ય બની ગયો. મને શિષ્યના રૂપમાં ગુરુ મળ્યા,સરકારી શાળાનું માન જળવાયું !
આવો સન્માનીય ભાવ હશે ને રહેશે તો જ શાળા ને શિક્ષકત્વને નવી ઊંચાઈ મળશે. આજે શિક્ષકના માન-સન્માન જાળવવા આવા વિરલાઓ જેવા દૃષ્ટાંત પૂરા પાડશું તો જ ગરિમા જળવાશે. ઘમંડનું મહોરું ઉતારીને યોગ્ય વિચારસરણી અપનાવશું તો જ ભાવિ પેઢી સક્ષમ બનશે ને દેશનો વિકાસ થશે.
આથી જ હું મસ્તક ઉન્નત રાખીને કહીશ કે "મને શિક્ષક હોવાનો ને મારા વ્યવસાયનો ગર્વ છે".
એટલુંજ નહિ વિદ્યાર્થીના રૂપમાં ઉત્તમ શિક્ષક જીવનમાં મળ્યા એનો પણ ગર્વ રહેશે.
આવા ગુરુજનો ને. . . .
તસ્મૈ શ્રી ગુરવે નમઃ