સર્જનહાર પિતા
સર્જનહાર પિતા
આ વિશ્વમાં સૌથી વધુ પ્રાધાન્ય આપવું હોય તો એ છે પિતા. અલબત્ત માતાનું સ્થાન અતુલ્ય છે.
માં તો પરમ સત્ય છે જ્યારે પિતા એ સત્યના સાક્ષી છે.
આવા આ પિતા માટે જનક શબ્દ મારી દ્રષ્ટિએ સૌથી વધુ યથાર્થ કહી શકાય.
પિતા જનક ભૂપાલ, મનિ સસુર ભાનુકૂલ ભાનુ.
પિતા સર્જક છે, પોષક છે એ બાપ છે. જનક એક એવા પિતા છે ,જેણે સંતાનો માટે પોતાના ભોગ ને યોગમાં છૂપાવી રાખ્યા હોય છે. એ દેહમાં છે છતાં વિદેહી છે. જેણે સંતાનો માટે ઈચ્છાઓ પર લગામ રાખીને ઈચ્છાઓને ખતમ કરી નાખી હોય છે.
આ એ જ પિતા છે જેણે કાબુમાં રાખવા સમયે કાબુમાં રાખ્યા છે ને ૧૬ વર્ષનું સંતાન થાય ત્યારે મિત્ર જેવો વ્યવહાર પણ રાખ્યો છે.આવા આ પિતા પુત્ર કે પુત્રીના જીવનમાં સૌથી પહેલા પુરુષ તરીકે પ્રવેશે છે.
ઉંમરના કોઈપણ પડાવે નિર્વ્યાજ, નિ:સ્વાર્થ પ્રેમ કરી શકે એવી આ જગતમાં
એક જ વ્યક્તિ છે અને એ છે પિતા. જે રોજ રાત્રે વહી ગયેલા દિવસ ને અગ્નિદાહ આપીને રોજ સવારે નિયમિત સમયના સથવારે કમાવા જઇને પરિવારની જિંદગી ચલાવે એનું નામ પિતા. તો કન્યાવિદાય વખતે બિચારો બાપડો બની જઈ એક ખૂણામાં જઈ છાનુંમાનું રડી લે એ છે પિતા.
ઘરમાં પિતાની હાજરી સૂર્યસમાન હોય છે.સૂર્ય ઉદય સમયે ઓછો, બપોરે ધગધગતો ગોળો, તો ઢળતી સંધ્યાએ રાહત આપતા પાલનહાર છે જે સંજીવનીનું કામ કરે છે.
જો સૂર્યનો તડકો જ નહોત તો વિશ્વની ,લોકોની કેવી દશા હોત એ તો અનુભવે જ સમજાય.
પિતાનું પણ એવું જ છે એમના ગુસ્સામાં પ્રેમ અને હિત સમાયેલા હોય છે. આવા આ પિતા નાળિયેર જેવા છે. બહારથી એકદમ સખત ને અંદર કોપરા જેવા નરમ.
આમ ગાગરમાં સાગર જેવા ને ઘૂઘવતા વિશાળ સાગર જેવા પિતા સંતાનોને પરિવારની હરકતોને પોતાનામાં સમાવીને સાગરના મોજાંની જેમ લાગણીઓને ઉછળતા જ હોય છે.