માતૃપ્રેમ
માતૃપ્રેમ
સરસ્વતિ વિદ્યાલય પાંચ તારકની ખ્યાતિ ધરાવતી શાળા હતી. ઉચ્ચ હરોળની કહેવાતી શાળામાં બધાજ પ્રકારની તાલીમ આપવામાં આવતી. ને પ્રસંગોપાત બધી સ્પર્ધાઓ પણ થતી.
શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી અલગ તરી આવે એવો હતો. ભણવામાં હોશિયાર તો ખરો જ પણ કાવ્યલેખનમાં પણ નિપૂણ હતો.
આજે રીસેસમાં એક જ ચર્ચા હતી. કેમકે શાળામાં મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો હતો. ખ્યાતનામ કવિઓ પધારવાના હતા. જેમાં સૃજનને ભાગ લેવાનું કહેવામાં આવ્યું હતું. એટલે રીસેસ બાદ તો એ "પ્રેક્ટિસ" કરવામાં લાગી ગયો. કામની વહેંચણી કરવામાં આવી. સૌ શણગારવામાં લાગી ગયા. કારણકે શાળાનું નામ રોશન કરવાનું હતું ને ફાઈવ સ્ટારની "ઇમેજ" જાળવવાની હતી. સૃજન શાળા માટે આશાનું કિરણ હતો એટલે સૌની મીટ એના પર જ હતી.
સૃજન સામાન્ય ઘરનો હતો. ભાગ લેવા માટે અતિ ઉત્સાહિત એણે તો કોટ કાઢ્યો. ઈસ્ત્રી કરાવી પણ એની મા નવી શેરવાની અને સુરવાલ લાવી હતી.
કવિ જેવા લાગવું જોઈએ ને ! હોંશથી લાવેલી મા ના કપડાં પહેરીને ગયો.
કાર્યક્રમ શરૂ થયો. એક પછી એક સરસ રજૂઆત થઈ. કાવ્ય સ્પર્ધા જામતી ગઈ. હવે સૃજનનો વારો આવ્યો. મૌલિક રચના રજૂ કરી. આફરીન,દુબારા ના નારા થયા. આચાર્ય ને શિક્ષકગણ પોરસાવા લાગ્યા. કેમકે સૃજનના નામનો ડંકો વાગ્યો. એક અજ્ઞાત માતબરે પ્રસન્ન થઈ અનુદાન ને ઈનામ પણ આપ્યું. એટલુંજ નહિ મદદ માટે ભલામણ પણ કરતા ગયા.
મોડી સાંજે ઘરે આવી મા ના હાથમાં કવર આપ્યું ને કહ્યું" મા કાલે તારો જન્મદિન છે ને સરસ સાડી લઈ આવજે અબઘડી". બીજા દિવસે મા એ કવર પાછું આપતાં કહ્યું" બેટા, હું તારા માટે ઉધાર કપડાં લઈ આવી હતી તેનું ચુકવણું કર્યું ને તારા માટે તારા જન્મદિને જે થોડા દિવસ પહેલાં જ ગયો તને દેવા કંઈ જ ન હતું એટલે મીઠાઈ લઈ આવી ને રુ500/ વધ્યા છે લે તું પ્રેમથી રાખ. મારા માટે તો તારી પ્રગતિ,ઉન્નતિ એ જ મહામૂલી સાડી છે. બેટા ! સુખીન: સન્તુ !