સંસ્કૃતિ
સંસ્કૃતિ


વિષ્ણુ પંડિત જર્જરિત ઘરની જર્જરિત છાજલી પર ધૂળ ખાતાં પુસ્તકો સામે બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતાં.
કયું સહેજ સારી અવસ્થામાં છે? ઉપનિષદ્ જરા ઠીક દેખાય છે. આમ તો બહુ જરીપૂરાણું નથી લાગતું પણ આ તો ગરજની વાત છે. પસ્તીવાળોય મારી નબળી આર્થિક પરિસ્થિતિ જાણી ગયો છે. અઠવાડિયે એક પુસ્તક વેચવું જ પડે છે. બાપદાદાના કર્મકાંડ પર લખાયેલા આ અમૂલ્ય વારસાને મારે મજબૂરીમાં વેચવો પડે છે. આ દિકરો કપાતર ન પાક્યો હોત તો હુંય પેલા હરિરામ કિર્તનવાળાની જેમ હિંચકે ઝૂલતો હોત. મારાથી હવે કલાકો બેસીને કર્મકાંડ કરાવાતાં નથી.
દિકરો ગાદી સંભાળી લેત તો યાત્રાધામમાં તો ભાવકોની કમી ક્યારેય ન હોય.
આંખમાં જરાતરા ભીનાશ ટળવળી. ઉપનિષદને ઝાપટીને ચોખ્ખું લાગે એમ મઠાર્યું. હાથમાં લઈને આંખોને અડાડીને ઘરની બહાર પગ મૂક્યો ત્યાં..
“વિષ્ણુજી અહીયાં રહે છે?
હું લિઝા.”
પંડિતને નવાઈ લાગી.
સામે એક પચ્ચીસ વર્ષની ભગવાં કપડાં પહેરેલી ગોરી વિદેશી છોકરી બે હાથ જોડીને ઊભી હતી.
“અં... હા હોં હું જ વિષ્ણુ પંડિત.”
“વેરી ગ્લેડ ટુ મીટ યુ પંડિતજી.
હું તમને જ મળવા આવી છું.”
પંડિતને પોતાના ઘર કરતાં ક્યાંય ચોખ્ખી આ ગોરીને ઘરમાં લઈ જતાં અત્યંત સંકોચ થયો પણ મનમાં ઊંડે પોતાને કાંઈ કામ મળે એવી આશા પણ જન્મી.
“આવો ને.”
“વિષ્ણુજી હું ભારતીય સંસ્કૃતિ પર રિસર્ચ કરું છું એટલે આ તિર્થધામમાં આવી છું. મારે અહીયાના ગ્રંથો જોઈએ છે. બડેમંદિરના પૂજારીએ કહ્યું કે અહીયાં માત્ર તમારી પાસે પ્રાચીન ગ્રંથો છે એટલે તમને વિનંતી કરવા આવી છું.” એકશ્વાસે લિઝા બોલી રહી હતી. પંડિતે બે હાથ પાછળ લઈ જઈને ઉપનિષદ સંતાડવાનો વ્યર્થ પ્રયાસ કર્યો.
“હં.. હા હા મારી પાસે તો આખા દેશમાં અલભ્ય હોય એવાં ભારતીય સંસ્કૃતિનાં પુસ્તકો છે. મારા વડવાઓએ બહુ પરિશ્રમ કરીને એ બધાં પુસ્તકોની રચના કરી છે.”
પછીના બે કલાક લિઝાને પુસ્તકોના ખડકલા સામે બેસાડીને લગભગ મંત્રમુગ્ધ કરી નાખી. અંતે લિઝા પચાસ હજારમાં પચ્ચીસ પુસ્તકો લઈ ને રવાના થઈ.
પંડિત નવી કડકડતી નોટ ઘરના મંદિરમાં ભગવાનને ચરણે મૂકી ગળગળા થઈ ગયા.
“તેં મારા કોઈક સત્કર્મનો બદલો જરુર વાળ્યો પ્રભુ. સાવ નજીવી કિંમતે કબાડીને ત્યાં પુસ્તકો વેડફાઈ જાત પણ તેં યોગ્ય સમયે યોગ્ય હાથમાં સોંપાવ્યા અને મારીય આર્થિકતા હળવી કરી.”
ત્યાં પાછળથી પંડિતના કુંવરે ઘંટ વગાડ્યો.
“બાપુ કેમ રહ્યું?”
“શું કેમ રહ્યું નપાવટ! તું તો રખડપટ્ટીમાંથી ઊંચો નથી આવતો. તારો ગરીબ બાપ ઘર કેમ ચલાવે છે એ તને ખબર છે? ભલું થજો પેલી ગોરીનું તે પચ્ચીસ પુસ્તક હોંશે હોંશે ખરીદી ગઈ.”
“હા હા હા હા.. બાપુ ભલું તો મારું થજો. એ ગોરી આપણી સંસ્કૃતિને લગતાં પ્રાચીન પુસ્તકોની શોધખોળ કરતી પેલા બડેમંદિરવાળા પૂજારીચાચાને પૂછતી હતી ત્યારે મેં જ એને તમારા વિશે જાણ કરી હતી. તમારાં એટલાં વખાણ કર્યાં અને તમારી પાસે સંસ્કૃતિને લગતાં પ્રાચીન પુસ્તકોનો ખજાનો છે એ પૂજારીચાચા પાસે મેં જ કહેવડાવ્યું હતું.”
વિષ્ણુ પંડિત ઈશ્વરચરણે ધરેલા રુપિયા લેવા કે ન લેવાની ભારે અસમંજસમાં પડ્યા.