Lalit Parikh

Drama

3  

Lalit Parikh

Drama

સંકલ્પ

સંકલ્પ

3 mins
7.4K



શાસ્ત્રીજી આવતા જ, સંકલ્પ અને કલ્પના, તેમને, તૈયાર રાખેલી પૂજા સામગ્રી અને અભિષેક માટેનું શિવલિંગ, જળ અને દૂધના ડબ્બાઓ વી. લઇ, ભૂમિ પૂજા માટેના પોતાના ખરીદેલા પ્લોટ પર લઇ ગયા. અત્યાર સુધી તો બેઉ પોતાની પાંચ વર્ષની સર્જરીની રેસિડંસી દરમ્યાન એક નાનકડા વન બેડરૂમ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. નસીબે બેઉને એક જ શહેરમાં અને એક જ હોસ્પિટલમાં સાથે જ સાથે રેસિડંસી મળી ગઈ હતી. આજથી પચાસ વર્ષ પૂર્વે તો અમેરિકાને ડોક્ટરોની સારી એવી જરૂરત હોવાથી તેમને વિસા પણ તાત્કાલિક મળી જતો અને ઈ.સી.એફ.એમ.જી. ની પરીક્ષા. પાસ કરતાની સાથે જ પોતાની પસંદગીની રેસિડન્સી મળી જતી.

પરંતુ આ જેટલું સહેલું હતું એટલું તેમના બેઉ માટે ભારતમાં એ દિવસોમાં પણ મેડિકલમાં પ્રવેશ મળવો સરળ બાબત ન હતી. અનાથાશ્રમમાં ઉછરેલી કલ્પનાને દલિત વર્ગના આરક્ષણની કેટીગરીમાં પ્રવેશ. મળી ગયેલો, જેના માટે તેને પછાત વર્ગનું સર્ટીફિકેટ મેળવવા આકાશ પાતાળ એક કરવા પડેલા. સંકલ્પને તો મોટાભાઈએ રાત દિવસ તેનામાં નામ પ્રમાણે તેની સંકલ્પ શક્તિને જગાડી જગાડી, ચોટલી બાંધીને ભણતો રટતો કરી મૂકેલો અને પોતાના ગજા ઉપરાંતની મોંઘી ટ્યુટોરીયલ ક્લાસોમાં મોકલી મોકલી મેડિકલ એન્ટ્રેન્સ પરીક્ષા પાસ કરાવી પોતાના શહેરની જ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવેલું. મોટાભાઈ સંસ્કૃતના પ્રાધ્યાપક હતા અને પોતાના વિષયના ટ્યુશનો તો મળે તેમ ન હોવાથી સ્કુલના બાળકોના બધા જ વિષયોના ટ્યુશનો કરવા ઘરે ઘરે ત્રણ ચાર માળની સીડીઓ ચડી ચડી સવાર સાંજ દોડાદોડ કરતા રહેતા. મોંઘી ફી અને મોંઘા દાટ મેડિકલના થોથા ખરીદવા તેઓ આકાશ પાતાળ એક કરતા રહેતા.પોષાક પણ ખાદીનો સાદો પહેરતા હોવાથી અને તેમના પત્ની પણ સાદગીને વરેલા હોવાથી કરકસરથી ઘરખર્ચ ચલાવી બે છેડા જેમતેમ ભેગા કરતા રહેતા. બેઉ ભાઈ ભાભીના ત્યાગ અને સંઘર્ષને તો સંકલ્પ ભૂલે જ કેવી રીતે? નિ:સંતાન ભાઈભાભીએ સગા ખોટના દીકરાની જેમ તેને મોટો કર્યો હતો અને મેડીકલમાં પ્રવેશ મળ્યા બાદ તો તેને પોતાના ભાડાના નાનકડા ઘરનો નિજી બેડરૂમ ભણવા માટે આપી દઈ પોતે રવેશમાં સૂવા લાગી ગયા હતા.

પોતે જયારે કલ્પના સાથે ભણતા ભણતા તેના પ્રત્યે પ્રેમ થતા તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા મોટાભાઈ અને ભાભી સમક્ષ પ્રગટ કરી ત્યારે સહર્ષ સ્વીકૃતિ આપી, સાદાઈથી લગ્ન પણ કરાવી આપ્યા. પોતાના બ્રાહ્મણ સમાજના વિરોધ-વંટોળનો સામનો કરીને પણ, એ ઘટના તો એ પોતે ક્યારેય આજીવન ભૂલી શકે તેમ ન હતો. પોતાને અને કલ્પનાને નવી બેગો અપાવી, મોંઘી ટિકિટો ખરીદી હોંસે હોંસે અમેરિકા રવાના કરેલા એ પ્રસંગ તો પોતે કે કલ્પના કાયમ યાદ કરતા રહેતા. હવે પોતે સેટલ થવા લાગ્યો એટલે મોટાભાઈ અને ભાભીને ભૂમિપૂજા માટે તેડાવ્યા તો કોઈ કારણસર વીસા ન મળતા તેઓ ન આવી શકતા તેમને બેઉને પારાવાર દુખ થયું. ભૂમિપૂજા માટેના રત્નો અને સોના ચાંદીની નાની નાની કટકીઓ કુરિયરથી તાબડતોબ મોકલાવી દીધી હોવાથી આજે ભૂમિપૂજા તો મોટાભાઈએ જ જણાવેલા શુભ દિવસે અને શુભ મુહુર્તે સંપન્ન થઇ રહી હતી.

હવે ફરી વીસા મેળવવા પ્રયત્ન કરી છેવટે હાઉસ વોર્મિંગ સમારોહ પ્રસંગે તો તેઓ આવે જ આવે એવો મનોમન સંકલ્પ બેઉ પતિ- પત્નીએ કરેલો તે શાસ્ત્રીજીએ સંકલ્પ કરવા કહ્યું ત્યારે હાથમાં જળ લઇ, ગોત્ર -નક્ષત્રના નામ ,ઈ બેઉએ સહિયારો સંકલ્પ જાહેર કર્યો કે મોટાભાઈ આવ્યા પછી જ ગૃહ પ્રવેશ કરીશું, આ દેશમાં એવી કોઈ પ્રથા નથી હોતી તો પણ હાઉસને તેમનું નામ શુભમ આપી તેમના વરદ હસ્તે જ હાઉસ વોર્મિંગની પૂજા વિધિ સંપન્ન થશે અને તેમના બેઉના ફોટાને જ ભગવાનના ફોટાઓની પહેલા જ એ નવા ઘર ‘શુભમ’ના લિવિંગ રૂમમાં ગોઠવવામાં આવશે. મોટાભાઈ વતી પણ સંકલ્પ કર્યો કે આશ્ર્વાદ આપવા અમે પહોંચીશું જ.

સંકલ્પ અને કલ્પનાના આવા સંકલ્પથી પધારેલા મહેમાનો પૂજા પછીના સ્વામીનારાયણ કેટરિંગના ભોજનના આસ્વાદનો આનંદ લેતા લેતા આજના યજમાન સંકલ્પના સંકલ્પની પ્રશંસા કરતા થાકતા ન હતા. અને કેમ નહિ? આ સંકલ્પ કોઈ સાધારણ થોડો જ હતો ?

( અર્ધ સત્ય કથા)


Rate this content
Log in

Similar gujarati story from Drama