સ્નેહભીનું પ્રણય મિલન
સ્નેહભીનું પ્રણય મિલન
તન્વી અને હર્ષના લગ્નને આજે પંદરેક વર્ષ થઈ ગયાં હતાં આટલાં વર્ષોમાં બંનેની મહોબ્બતમાં થોડો ફેરફાર થઈ ગયો હતો. હર્ષ ધંધામાં અને તન્વી ઘરની જાળવણી અને બાળકોમાં ખોવાઈ ગઈ હતી. મહોબ્બત અને મેહુલિયાને આદિકાળથી સીધો સંબંધ છે. મેહુલિયો વરસે અને મહોબ્બત યાદ ન આવે એવું તો બને જ નહીં. કઠણમાં કઠણ હૃદયની વ્યક્તિને પણ જ્યારે મેહુલિયો વરસે ત્યારે મહોબ્બતનો રોમાંસ અચૂક અનુભવાતો જ હોય છે.
આજે રવિવારની રજા અને ઉપરથી મેહુલિયાનું મનમૂકીને વરસવું તન્વી અને હર્ષની મહોબ્બતમાં જાણે નવા પ્રાણ પૂરી રહ્યાં હતાં. બહારથી એકદમ કઠોર લાગતી વ્યક્તિ પણ વરસતા મેહુલિયામાં ભીંજાઈને ફૂલ જેવા કોમળ મહોબ્બતના અહેસાસમાં ઓગળી જતી હોય છે. બંને બાળકો વેકેશન હોવાથી મામાના ઘરે ગયાં હતાં. તન્વી અને હર્ષ આજે ઘણા સમય પછી પોતાની કામકાજવાળી જિંદગીમાંથી સમયને રોકીને મહોબ્બત માણવાના મૂડમાં આવી ગયા હતાં.
પ્રેમને ક્યારેય શોધવાનો ન હોય. તમે પ્રેમને લાયક થાવ એટલે પ્રેમ તમને સામેથી આપોઆપ શોધી લેતો હોય છે. પ્રેમ ક્યારેય બંધાતો નથી. પ્રેમ સ્વતંત્ર હોય છે. અચાનક મેહુલિયાના કલરવનું સાંભળવું એટલે જાણે મહોબ્બતનું મહેસૂસ થવું. જ્યાં જ્ઞાનનો ભાર વધારે હોય ત્યાં પ્રેમ રહી શકતો નથી કે પ્રેમ થઈ પણ શકતો નથી. પ્રેમ તો મેહુલિયાની જેમ હળવાશ માંગે છે. તન્વી અને હર્ષ બહાર મનમૂકીને વરસી રહેલા મેહુલિયાની સાક્ષીએ પ્રણયના રંગે રંગાઈ રહ્યાં હતાં.
પ્રેમ પોતે જ અઢી અક્ષરની ગીતા છે. એક શબ્દનું બ્રહ્માંડ છે. પ્રેમ એટલે એક એવો શબ્દ જેમાં તમામ સંબંધો ઓગળીને અમૃત થઈ જાય. આવા પ્રેમમાં જ્યારે મોસમનો પહેલો મેહુલિયો ઓળઘોળ થઈ જાય તો પ્રિયતમા અને પ્રિયતમનો રોમાંસ ખીલી ઊઠે છે એમ તન્વી અને હર્ષનો રોમાંસ પણ પૂરજોશમાં ખીલી ઊઠયો હતો. મેહુલિયાની ધરતીના મિલનની પરાકાષ્ઠાએ ગર્જના કરતાં જ તન્વી હર્ષને પ્રણયના આવેગમાં એક વેલીની જેમ વીંટળાઈ વળે છે.
મેહુલિયો વરસતાં જ પ્રેમીઓનું મન બાળક જેવું બની જાય છે. જ્યારે ધોધમાર મેહુલિયો વરસી રહ્યો હોય અને ધરતી એનું ખોબેખોબે રસપાન કરી રહી હોય એ દ્રશ્ય આંખ સામે આવી જાય ત્યારે જાણે પ્યાસી પ્રિયતમા પ્રિયતમના મહોબ્બતનું રસપાન કરી રહી હોય એવો અહેસાસ મહેસૂસ થતો હોય છે.
વરસી રહેલા મેહુલિયાના સંગીતની જેમ તન્વીના ઝાંઝર અને હાથની બંગડીઓ જેમ તેની હાજરીની ચાડી થાય છે તેમ મેહુલિયો આવી રહ્યો છે અને ધરતી એના મિલને ઉત્સુક છે એ વાતની ચાડી આપણા કાનમાં મહોબ્બતની મોસમનો પવન કરી જતો હોય છે. તન્વી અને હર્ષ એકબીજાની બાહોમાં વરસતાં મેહુલિયાની સંગ પ્રણયના રંગમાં રંગાઈ રહ્યાં હતાં. મહોબ્બત અને મેહુલિયાનો સંગમ એટલે સ્નેહભીનું પ્રણય મિલન.

