સંચાર.....આત્મવિશ્વાસનો...!
સંચાર.....આત્મવિશ્વાસનો...!


એક રાજા પાસે કેટલાયે હાથી હતા પણ તેમાં એક હાથી ખૂબ જ શક્તિશાળી હતો. તે ખૂબ આજ્ઞાંકિત, સમજદાર અને યુદ્ધકળાનો જાણકાર હતો.
તેણે કેટલાયે યુદ્ધોમાં ભાગ લીધો હતો અને દરેક વખતે તેણે રાજાને વિજય અપાવ્યો હતો. એટલે તે રાજાનો સહુથી પ્રિય હાથી બની ગયો હતો.
સમય પસાર થતો ગયો. અને એક એવો સમય પણ આવ્યો કે જયારે એ હાથી ઘરડા હાથી જેવો દેખાવા લાગ્યો. હવે તે પહેલાં જેવું કામ નહોતો કરી શકતો. એટલે હવે રાજા તેને રણમેદાનમાં સાથે નહોતા લઇ જતા.
એક દિવસ તે તળાવમાં પાણી પીવા માટે ગયો પણ ત્યાં કાદવ-કીચડમાં તેનો પગ ખૂંપી ગયો. પગને બહાર કાઢવાના પ્રયત્નમાં તેનો પગ વધારે અંદર ખૂંપતો ગયો. તે હાથીએ બહાર નીકળવા માટે બહુ કોશિશ કરી પણ તે બહાર નીકળી ન શક્યો.
હાથીનો અવાજ સાંભળીને લોકોને ખબર પડી ગઈ કે તે મુશ્કેલીમાં છે. અને પોતાના પ્રિય હાથીના કળણમાં ફસાઈ જવાના સમાચાર રાજા સુધી પહોંચ્યા.
રાજા સહિત બધા લોકો હાથીની આસપાસ એકત્રિત થઇ ગયા અને તેને બહાર કાઢવા માટે જુદી જુદી તરકીબ અજમાવવા લાગ્યા.
પરંતુ લોકોના ક્યાંય સુધી શારીરિક પ્રયત્નો કરવા છતાં હાથીને બહાર ન કાઢી શકાયો. ત્યારે એક વૃદ્ધ રાજા પાસે આવ્યો અને તેણે કહ્યું કે 'તથાગત ગૌતમ બુદ્ધ વિહાર અર્થે અહીંથી પસાર થવાના છે તો આપણે તેમને આ હાથીને બહાર કાઢવાનો ઉપાય પૂછીએ.'
એટલે રાજા તથા તેનો રસાલો ગૌતમ બુદ્ધની પાસે ગયો અને તેઓએ તેમને વિનંતી કરી કે તમે અમને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવો.
તથાગત ગૌતમ બુદ્ધે સહુની વિનંતીનો સ્વીકાર કર્યો અને તેમણે એ તળાવ પાસે આવીને તેનું નિરીક્ષણ કર્યું. પછી તેમણે રાજાને કહ્યું કે આ તળાવની ચારે તરફ યુદ્ધના નગારા વગાડો.
આ સાંભળીને લોકોને નવાઈ લાગી કે આમ નગારા વગાડવાથી કીચડમાં ફસેલો આ હાથી બહાર કેવી રીતે નીકળી શકશે. આટલા લોકોની તાકાતથી પણ તે બહાર નથી નીકળી શક્યો તો...
પરંતુ જેવા યુદ્ધના નગારા વાગવાની શરૂઆત થઇ કે તરત જ એ મરણતોલ બની ગયેલા હાથીના હાવભાવમાં ફેરફાર થવા લાગ્યો.
પહેલાં તો તે ધીમે ધીમે કરીને ઊભો થયો અને પછી બધાને હતપ્રભ કરતો તે પોતે પોતાની જાતે જ કીચડમાંથી બહાર આવી ગયો!
હવે તથાગત ગૌતમ બુદ્ધે સહુની સામે સ્પષ્ટતા કરી કે હાથીની શારીરિક તાકાતમાં ઘટાડો નહોતો થયો, તેનામાં ફક્ત ઉત્સાહનો સંચાર કરવાની જરૂર હતી.
હાથીની આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે જો આપણા મનમાં એકવાર ઉત્સાહ - ઉમંગ જાગે તો પછી આપણને કામ કરવાની શક્તિ આપોઆપ મળવા લાગે છે ત્યારે કાર્યનો આપણી ઉંમર સાથે કોઈ સંબંધ નથી રહેતો.
જીવનમાં ઉત્સાહ જાળવી રાખવા માટે એ જરૂરી છે કે આપણે સકારાત્મક ચિંતન કરતા રહીએ અને નિરાશાને આપણી ઉપર છવાઈ જવા ન દઈએ.
ઘણીવાર અવારનવાર મળતી અસફળતાઓથી વ્યક્તિ એવું માની લે છે કે હવે તે પહેલાની જેમ કામ નહિ કરી શકે, પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી.
સકારાત્મક વિચાર જ માણસને જીવન જીવતો 'માનવ' બનાવે છે અને તેને પોતાના ધ્યેય તરફ લઇ જાય છે.
તમારો સકારાત્મક વિચાર તમને સફળતા આપાવે તેવી શુભેચ્છા.