હવે શું કરવું?
હવે શું કરવું?
[સત્ય ઘટના પર આધારિત વાર્તા]
વ્યાખ્યા કાવ્યા સાથે બાગમાં ફરવા જવા બહાર નીકળી ત્યારે ફ્લેટની ચાવી લેવાનું ભૂલી ગઈ હતી અને દરવાજો બંધ થઇ ગયો હતો.
તેઓએ થોડો સમય બાગમાં પસાર કર્યો. પરંતુ જયારે ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે ચાવી તો અંદર જ રહી ગઈ છે. પર્સમાં નથી.
તેઓ ફરીને નીચે આવ્યા.
વ્યાખ્યાને એમ હતું કે વિક્રમ પાસે બીજી ચાવી છે એટલે તે આવે ત્યારે ઘરમાં જઈ શકાશે. પણ, વિક્રમ પાસે બીજી ચાવી ન હતી. તેની ખબર તે આવ્યો કે તરત પડી ગઈ હતી.
વિક્રમ જોબ પરથી તો ક્યારનો આવી ગયો હતો. પણ અત્યારે રાતના સાડા અગિયાર થઇ ગયા હતા!
વ્યાખ્યા અને કાવ્યા વોચમેન સાથે વાત કરી ચુક્યા હતા.
ઘણા નંબર મેળવી ચાવી બનાવવાવાળાનો સંપર્ક કરવાની કોશિશ કરી લીધી હતી. પણ કોઈ નંબર પર કોઈનો સંપર્ક ન થઇ શક્યો. રાતનો સમય જ એવો હતો!
વિક્રમની બહુ ઈચ્છા હતી કે તે પાછળથી ત્રીજા માળે આવેલા પોતાના ફ્લેટની બાલ્કનીમાં જઈ અંદરથી ઘર ખોલી નાખે તો પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય. પણ વ્યાખ્યા માનતી ન હતી. તેનું કહેવું એમ હતું કે 'એ રીતે ન જવાય. હાથ-પગ લપસી જાય તો પડી જવાય તો વળી નવી ઉપાધી ઉભી થાય.'
વાતમાં તથ્ય હતું.
એક મિત્રે કહ્યું કે: 'તમે ત્રણેય અત્યારે મારે ત્યાં ચાલો. સવારે ડોર-લોકની નવી ચાવી બનાવડાવી લેજો.'
વિક્રમને મનમાં એ રુચતું ન હતું. પણ તેણે કહ્યું, 'જોઈએ, બીજો કોઈ ઉપાય મળી જાય, કોશિશ કરું છું.'
તેણે વોચમેન સાથે ફરીવાર વાત કરી. તે કહે, 'બાલ્કની સુધી પહોંચવા માટે હું દોરડાની વ્યવસ્થા કરું અને મારા એક ઓળખીતા માણસને બોલાવી જોઉં.'
દોરડું મળ્યું, પણ પેલો માણસ બહારગામ ગયો હતો તેથી તે આવી શકે તેમ ન હતો. છેવટે તેણે કહ્
યું કે 'હું દોરડું પકડી, ઉપર જાઉં અને પાછળથી બાલ્કનીમાં જઈ ફ્લેટ ખોલું?' પરંતુ તેનું શરીર એવું નહોતું કે તે ત્રીજા માળ સુધી પહોંચી શકે.
પ્રશ્ન એ જ હતો કે ...
હવે શું કરવું.
કોઈ કહે, 'પોલીસ ચોકીએ જઈ ફરિયાદ કરો!'
આવું સૂચન કોઈ સ્વીકારી ન શકે.
જે લોકો મળે તે સલાહ આપે: 'બીજી એક ચાવી પાડોશીને આપી રાખવી જોઈએ.'
વ્યાખ્યા જવાબ આપતી, 'આપી જ રાખી છે પણ તેમના દરવાજે તાળું લટકે છે.'
વિક્રમ કોણ જાણે કોને ફોન પર ફોન કરતો હતો...
કાવ્યા હવે થાકી ગઈ હતી. નાની હતી ને!
તે સમજી ગઈ હતી, તે વ્યાખ્યાને પૂછતી હતી, 'હવે શું કરશું મમ્મી? મને બહુ ભૂખ લાગી છે.'
એવે સમયે આસપાસમાં ક્યાંયથી કાંઈ નાસ્તો કે એવું કશું મળે તેમ પણ ન હતું.
અને...
વિક્રમે કહ્યું: 'એક ચાવી બનાવવાવાળાની સાથે વાત થઇ છે. તે હમણાં અહીં આવશે. વ્યાખ્યા અને કાવ્યા આ સાંભળી જાણે ઘરનો દરવાજો ખૂલી ગયો હોય
એવા ખુશ થઇ ગયા. એ દરમિયાન વ્યાખ્યાના મનમાં કેવા કેવા વિચારો આવી ગયા હતા...તેના મનમાં અપરાધભાવ હતો. પણ વિક્રમનો સ્વભાવ સારો હતો, તેણે જોબ પરથી આવીને તરત જ કહ્યું હતું, 'કોઈ વાર આવું થઇ જાય. કાંઈ વાંધો નહીં. દરવાજો ખૂલી જશે.'
ત્યારે તેણે દરવાજો કેવી રીતે ખૂલશે તેનો વિચાર જ નહોતો કર્યો.
આખરે તેમની પ્રતીક્ષાનો અંત આવ્યો. ચાવી બનાવવાવાળા ભાઈ આવ્યા. વિક્રમ તેની સાથે ઉપર ગયો, કાવ્યા અને વ્યાખ્યા પણ તેની પાછળ ગયા.
માણસ કુશળ હતો, તેણે દસેક મીનીટમાં ડોર-લોક ખોલી આપ્યું...!
વ્યાખ્યાના મનમાં હાશકારો થયો, તેણે અંદર જતાં જ કહ્યું, 'તું તારા પપ્પા સાથે જમવા આવી જા. હું પણ તમને સર્વ કરીને સાથે જ જમવા બેસું છું.'