સંવાદ
સંવાદ
'ન બોલ્યામાં નવ ગુણ'
પૃથ્વી પર માણસ અજબ જીવ છે અને તેનું મન ગજબ છે. મન વિચારે. વિચારમાં ન વિચારવા જેવું પણ વિચારે અને વિચારવા જેવું રહી જાય એવું પણ બને. પણ વિચારોની અભિવ્યક્તિ. એટલી સરળ નથી. શબ્દસ્થ વિચારો કોઈ વાંચી ન શકે પણ ઉચ્ચારાયેલા કે લખાયેલા શબ્દો-સંવાદ બીજાના વિચારમાં પ્રવેશી શકે છે !
કહે છે કે : 'ન બોલ્યામાં નવ ગુણ.' આ કહેવતનો બહુ ઉપયોગ થાય છે. પરંતુ નવ ગુણ વિષે કદાપિ ચર્ચા થતી નથી. કદાચ એ ગુણો વિષે બોલવું અનુચિત જણાતું હશે. પરંતુ ક્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે કળવું મુશ્કેલ છે.
વાત આજની જ છે. પતિ-પત્ની પોતપોતાના રોજીંદા કામમાં વ્યસ્ત હતા. સવારનો સમય. પત્ની કિચનમાં નાસ્તો બનાવે અને પતિ મહાશય તૈયાર થઈને ઓફિસે જતા પહેલાં ચા-નાસ્તો કરે. આ ક્રમ પચીસ વર્ષથી એકધારો ચાલ્યો આવતો. આજે તેમના સુંદર ગૃહસ્થ જીવનની પચીસમી વર્ષગાંઠ હતી.
નાસ્તામાં ભાખરી હોય જ. અચૂક હોય. તે પણ ગરમાગરમ. હરિપ્રસાદને ભાખરી ભાવે. ભલે તે એક જ ભાખરી ખાય પણ તેને ભાખરી ન મળે તો તેનો દિવસ બગડી જશે એમ લાગતું. અત્યારે પણ ભાખરી બની રહી હતી. તાવડી પરથી સીધી પતિની પ્લેટમાં અને ત્યાંથી તે પેટમાં પહોંચી જતી. સુનયના પહેલી ભાખરી પતિને આપતી અને બીજી તાવડી પર રહેવા દેતી અને તરત કામ આટોપી બીજી ભાખરી પોતે લેતી.
પણ આજે તેનું મન વિચારે ચડી ગયું: 'હું રોજ કડક ભાખરી લઉં છું અને એમને ગરમ તથા કુણી ભાખરી આપું છું. શું મને ક્યારેય પોચી ભાખરી ખાવાનું મન ન થાય ? આટલા વર્ષે શું મને એટલો પણ હક નહીં ? હું લગ્ન થયા ત્યારથી ઘર-સંસાર ચલાવવા માટે કેટલી મહેનત કરું છું. બાળકોનું ભણતર, માતા-પિતાની કાળજી, ઘરનો વ્યવહાર, પતિની સગવડ સાચવવામાં હું કેટલી વ્યસ્ત રહું છું. પતિને ચા નાસ્તો આપવામાં તેની ભાખરી તાવડી પર જ પડી રહેતી અને તે કડક રહી જતી.
આટલા વર્ષે પહેલી વાર તેણે પહેલાં પોતાની પ્લેટ તૈયાર કરી અને ત્યારબાદ પતિની પ્લેટમાં કડક થઇ ગયેલી ભાખરી મૂકી.
હરિપ્રસાદે ભાખરીનો
પહેલો ટૂકડો મોમાં મૂક્યો. પછી બીજો...અને એમ ઝડપથી આખી ભાખરી ખાઈ લીધી. સુનયનાએ પૂછ્યું, 'કેમ આજે ઉતાવળ કરી, ઓફિસે વહેલું પહોંચવાનું છે ?'
હરિપ્રસાદ પ્રસન્નતાથી બોલ્યા, 'ના...રે,' તેનું સ્મિત જોઇને સુનયના વિસ્મિત થઈ ગઈ.
'આજે તો હું બહુ ખુશ છું. આજે તેં મને સહુથી મોટી ભેટ આપી છે !' સુનયના આ સાંભળીને વધારે નવાઈ પામી. તેને થયું મેં તો તેમને કોઈ ભેટ આપી જ નથી.
હરિપ્રસાદે ખુલાસો કરતાં આગળ કહ્યું, 'તને દરરોજ કડક ભાખરી ખાતાં જોઇને મને મનોમન થતું કે મને એવી કડક ભાખરી આપે તો મજા આવે. કારણ કે મને કડક ભાખરી બહુ જ ભાવે છે !'
પતિની વાત સાંભળી પત્ની સ્તબ્ધ થઇ ગઈ !
પચીસ વર્ષથી એકસાથે રહે છે છતાં બંને પોતાને મનગમતી વાત એકબીજાને કહી ન શક્યા એ કેવું કહેવાય ! જો એ સંવાદનું મૌન હોય તો શોચનીય કહેવાય અને જો એ સિવાય કાંઈ હોય તો તે 'ન કહેવાય, ન સહેવાય' એવી પરિસ્થિતિ ગણાય.
જીવનમાં પ્રિયજનો સાથેનો સંબંધ ગમે તેવો હોય, ભલે તે નાજુક હોય કે દૃઢ હોય, મૈત્રીપૂર્ણ હોય કે અતૂટ હોય પરંતુ તે નિખાલસ હોય એ બહુ જરૂરી છે. વિશ્વાસ વગરનો કોઈપણ સંબંધ ઉમદા નથી બની શકતો. એક વાત યાદ રાખવા જેવી છે કે સંબંધમાં સંવાદ અત્યંત જરૂરી છે. સંબંધમાં સ્પષ્ટતા અને સરળતા રહે તે માટે બેશક શંકારહિત પ્રશ્નો પૂછવા જરૂરી છે. અને તેનો રાહતપ્રદ ખુલાસો પણ સંબંધના જીવનની આવરદા વધારે છે. સંબંધમાં વાદ-વિવાદ નહીં પણ સંવાદ અનિવાર્ય છે. સંવાદનું સંગીત મધુર હોય તો કર્ણપ્રિય બને છે.
અને છેલ્લે, કોઈપણ બાબત વિષે મનમાં કાંઈપણ ભળતું ધારી લેવું અનુચિત છે. ધારણા ખોટી પણ હોઈ શકે અને સાચી પણ પડી શકે પરંતુ તેને આધારે ગંભીર નિર્ણયો ન લેવા જોઈએ. દામ્પત્યજીવનમાં તો એકબીજાની ગમતી કે ન-ગમતી વાતો અને આદતો, ભાવા-અભાવા, ઈચ્છા-અનિચ્છા અંગે ખુલ્લા મનથી સંવાદ થાય એ બહુ જ જરૂરી છે. તો અફસોસને સ્થાને આનંદ અને પસ્તાવાને બદલે સંવાદની સૂરાવલી સંભળાશે. પરસ્પરના સંવાદના એ સંગીતની મધુરતા માણવાલાયક બનશે.