Heena Modi

Romance Others

3  

Heena Modi

Romance Others

સંબંધ એક એપ્લીકેશન

સંબંધ એક એપ્લીકેશન

5 mins
14.4K


વ્યાખ્યા અને વાકય બંને તેમજ બંનેના પરિવારમાં ખુશીઓ હિલોળાં લઈ રહયા હતા. આખરે ફેસબુકના મિત્રો વ્યાખ્યા અને વાકય બંનેના પરિવાર વચ્ચે આજે મિટીંગ યોજાઇ હતી. બંને તરફના વડીલોને વેવિશાળ માટે એક-બીજાને યોગ્ય લાગ્યા હતા. આથી બંનેના પરિવારે એકબીજા સાથે સાત પેઢીના સંબંધ બાંધવા રાજીપાની મ્હોર મારી દીધી. વ્યાખ્યાના પપ્પા વિપ્લવભાઇ બોલ્યા, “આજની મિટીંગ સફળ રહી. હવે બંને છોકરાઓને છ મહિનાનો સમય આપીએ જેથી એકમેકને વધુ સારી રીતે ઓળખી-પારખી શકે. એકબીજાને સંપૂર્ણપણે એડજસ્ટ થઈ જાય અને ત્યાં સુધીમાં બંનેના અભ્યાસ પણ પૂર્ણ થઈ જાય. ત્યારપછી આપણે વિધિવત સંબંધથી બંધાય જઈશું.” વાકયના પપ્પા શૌનકભાઈને વિપ્લવભાઈનો વિચાર ખૂબ ગમી ગયો. એમણે પોતાનો પોઝીટીવ મત જાહેર કર્યો. વાકય અને વ્યાખ્યા બંને શરમના માર્યા ગુલાબી-ગુલાબી થઈ ગયા. બંનેના આંખના ઈશારા અને હાવભાવ બંનેની મમ્મીઑ યુગ્માબેન અને યોમિનીબેનથી છૂપા રહી શકયા નહીં. બંને મમ્મીઓ વેવણનાં ઓરતાં સાથે એકબીજાને ભેટી પડયાં અને શુભેચ્છાઓ પાઠવી.

વ્યાખ્યા બેંગ્લોર અને વાકય દિલ્હી એમ બંને અભ્યાસ અર્થે એકબીજાથી ઘણાં દૂર રહેતા હતા. આથી રૂબરૂ મળવું વધુ શકય બનતું ન હતું. પણ બંને એકબીજા સાથે ઈ-કોન્ટેક્ટથી સંપર્કમાં રહેતા હતા. રજાનાં દિવસોમાં મળી લેતાં. બંને પરિવારો પણ સંપર્કમાં રહેતા. વ્યાખ્યા અને વાકયની જોડી જાણે સ્વર્ગમાંથી ઊતરી હોય એવું બંને વચ્ચે ટયુનીંગ અને બોન્ડીંગ બનતું જતું હતું. બંનેના પરિવારમાં આનંદ છવાયેલો રહેતો.

એક દિવસ વ્યાખ્યા અને વાકયએ વડીલો આગળ વાત વહેતી મૂકી “અમારા વિચારો મળતા આવે છે. અમારી પસંદ- નાપસંદ બાબતે અમે બંને કલીયર છીએ. અમે એકબીજા સાથે કમ્ફર્ટ ફીલ કરીએ છીએ. આથી તમારા આશીર્વાદ લઈ લગ્નગ્રંથિથી જોડાવવા આતુર છીએ.

છ મહિનાનો સમય પૂર્ણ થયો. વ્યાખ્યા અને વાક્યનાં અભ્યાસ પણ પૂર્ણ થયા. પ્રભુકૃપાથી વ્યાખ્યા અને વાક્યને એક જ શહેર પૂનેમાં અને એક જ કંપની ઈન્ફોસીસમાં જોબ મળી ગઈ. જાણે કે વ્યાખ્યા-વાક્યનાં જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો. વ્યાખ્યાનાં મમ્મી પપ્પા વિપ્લવભાઈ અને યુગ્માબેન ઉમંગી ઉઠ્યા. એમણે વેવાઈ પક્ષે મીટીંગ યોજવા આમંત્રણ પાઠવ્યું. બંને પક્ષે આનંદોત્સવ વચ્ચે ‘ગેટ ટુ ગેધર’ યોજાયું. વિપ્લવભાઈ અને યુગ્માબેને દીકરીનાં હાથ પીળા કરવા ઓફિસિયલી શૌનકભાઈ અને યામિનીબેનની આગળ વાત વહેતી મૂકી. ત્યાં જ વાક્યની મમ્મી યામિની બોલ્યા “કેટલાંક સામાજીક કારણોસર આ વર્ષે માંડવો બંધાય એમ નથી. આવતાં વર્ષે લગ્ન લઈશું. હાલ એક વર્ષ ભલેને છોકરાં સાથે રહેતાં. એમનો ગ્લોડન પીરિયડ એન્જોય કરશે. વધુ નજીકથી ઓળખશે. હવે તો આ જમાનામાં છોકરાંઓ વધુ એડવાન્સ થઈ ગયા છે. આપણાં કરતાં વધુ હોશિયાર છે એટલે ચિંતા જેવું કશું નથી.” શૌનકભાઈ એ પત્નીની વાતમાં હંકારો પુરતા કહ્યું હા...હા... સાચી વાત છે છોકરાઓને એન્જોય કરવા દઈએ આ સુવર્ણકાળ છે એમની જીંદગીનો.”

વિપ્લવભાઈ અને યુગ્માબેન છોભીલાં પડી ગયા. લગ્ન પહેલાં સાથે રહેવાની વાત એમને માટે પચાવવી અધરી પડી ગઈ. છાતીમાંથી ધસી આવેલ સીધો ધસમસતો ડૂમો પાંપણની પાળ પર અટકાવી યુગ્માબેન બોલ્યાં. “આ વાત અમને રૂચતી નથી. જમાનો ગમે એટલો એડ્વાન્સ થાય પણ દીકરીનાં મા-બાપ તરીકે અમારી એક લક્ષ્મણરેખા હોય. નવા જમાનામાં સુધરેલાની આળમાં વધુ ફોરવર્ડ થવું યોગ્ય નથી લાગતું.” દંગ થઈ ગયેલ વિપ્લવભાઈ સ્વસ્થ થઈ બોલ્યાં, ‘મુર્હતો પણ સારાં છે આપણે લગ્ન લઈ લઈએ. બંને પક્ષે એ જ વ્યવ્હારિક રહેશે. વહેલાં લગ્ન લઈ લઈશું તો છોકરાઓ પણ એમની લાઈફમાં શ્રી ગણેશ કરી શકે. છોકરાંઓ એમનાં જીવનમાં ઠરીઠામ થવા મંડે. ઈશ્વરકૃપાથી એક જ શહેર અને કંપનીમાં જોબ મળી છે તો પછી મોડું શા માટે કરવું. બંને પરિવારો જોઈએ – વિચારીએ એવાં નિર્ણય સાથે છૂટાં પડ્યાં.

બંને પરિવાર વચ્ચે અવારનવાર ફોનિક સંપર્ક થતાં. વ્યાખ્યા અને વાક્ય પણ નિયમિત એકમેક સાથે ચેટ કરતાં. વ્યાખ્યા સાસરિયા તરફ વધુ ઢળતી જતી હતી. યુગ્માબેન અને વિપ્લવભાઈની છાતી ફૂલી જતી હતી અને બંને એકી સાથે બોલી ઉઠતાં “ચાલો ! આપણે નસીબદાર છીએ. દૂધમાં સાકર ભળે એમ દીકરી સાસરિયાં મળી ગઈ. હવે આપણને ધરડે ધડપણું ચિંતા નહિ રહે.”

          દિવસો પર દિવસો વિતતા જતાં હતા. બંને પરિવાર પણ ખુશ હતા પણ લગ્નની તારીખ લેવામાં ઢીલ જ રહેતી. પરંતુ લગ્ન પહેલાં સાથે રહેવાની પરવાનગી નહીં આપનાર વ્યાખ્યાના મમ્મી-પપ્પા વાક્યને આંખમાં કણાંની માફક ખૂંચવા મંડયા. પણ વ્યાખ્યાને પોતાની કરવામાં કોઈ કચાશ છોડતાં ન હતાં. વ્યાખ્યા પણ સો એ સો ટકા સાસરિયાનાં રંગમાં રંગાઈ રહી હતી. વાક્ય અને વ્યાખ્યા યુગ્માબેન અને વિપ્લવભાઈનું વાત-વાતમાં અપમાન કરતાં. દિવસે-દિવસે વ્યાખ્યા પોતાનાં માતા-પિતા અને પરિવાર સાથે ઉધ્ધત વર્તન કરતી. વ્યાખ્યાનાં મનમાં એ વાત ઘર કરી ગઈ કે મારી મા મારા રોમાંસનાં દિવસો માણવા નથી દેતી. સાથે પપ્પા પણ આડખીલી બની રહ્યા છે. જે પરિવારમાં દીકરી એટલે વ્હાલનો દરિયો સુસવાટા મારી રહ્યો હતો તે પરિવારમાં બસ ઓટ જ ઓટ રહેવા મંડી. ઘરનું વાતાવરણ ગમગીન રહેવા મંડયું તો ક્યારેક ફૂફાંડા મારીને વાતાવરણમાં ઝેર ઓકતું. પલકોની પાલખી પર ઉછરેલી, કાળજાનાં કટકા સમાન દીકરીને પણ માં-બાપ આંખમાં કણાંની માફક ખૂંચતા હતા. આખા પરિવારનું સુખચેન છીનવાઇ રહ્યું હતું. વિપ્લવભાઈ મને યુગ્માબેનનું દીકરી અને એનો મંગેતર અપમાન કરતાં રહેતાં. બંને એમની મનમાની પૂરી કરવા કોઈપણ હદ સુધી જતાં અચકાતાં ન હતાં. લાડકોડથી ઉછેરેલી દીકરીને ગમે તે ભોગે ખુશ રાખવા યુગ્માબેન અને વિપ્લવભાઈ એમની ‘હા’ માં ‘હા’ કરતાં રહ્યા. પણ મનથી ભાંગી પડ્યા હતાં. સહદેવની પાંખે અને અનુભવની આંખે આખા પરિવારનું ભવિષ્ય જોઈ શકતા હતાં પણ દીકરીની જીદ આગળ લાચાર બની જતાં.

          એક દિવસ યુગ્માબેન અને વિપ્લવભાઈએ દીકરીને પાસે બેસાડી કહ્યું, “બેટા ! તારા મનમાં જે કઈ ખટકતું હોય એ અમને જણાવ. વાત કરશે તો પ્રશ્નનું નિરાકરણ થશે. આ રીતે પરિવાર નહીં નભે. ‘જનરેશનગેપ’ નાં નામે જે કઈ કોમ્યુનિકેશનગેપ આપણી વચ્ચે ચાલી રહયું છે એ ઠીક નથી. નવાં વિચાર, નવાં સોચ સાથે નવી જીંદગીની શરૂઆત કરવા અમે તૈયાર છીએ. પરંતુ તું પણ જરા ખુલ્લી આંખે પરિસ્થિતિનું એનાલીસીસ કર. વાકય અમારું વાતે-વાતે અપમાન કરે છે. અમને ખૂબ પીડા થાય છે." વ્યાખ્યાએ ધડ દઈને જવાબ આપી દીધો- “તમે દીકરીનાં મા-બાપ છો. તમારે જમાઈ સામે નીચા નમીને જ રહેવું પડે.” યુગ્માબેન અને વિપ્લવભાઈનાં પગ તળેટી જમીન ખસી ગઈ. યુગ્માબેન અને વિપ્લવભાઈ  વધુ કંઈ સમજી શકે એ પહેલાં વ્યાખ્યાએ જીંદગીમાં આઈફોનની એપ્લીકેશનમાં ફોર્મેટ મારી દીધું. પોતાને જન્મ આપી પગભેર બનાવનાર મા-બાપને એકી ઝાટકે ડીલીટ કરી. પોતાના મંગેતરને ડાઉનલોડ કરી જીંદગી જીવવા હોંશભેર નીકળી પડી. યુગ્માબેન અને વિપ્લવભાઈ ઘરની ચાર દીવાલમાં ગૂંગળામણ અનુભવતાં બોલી પડયાં “સંબંધ એક એપ્લીકેશન !”

                  હે કૃષ્ણમુરારિ!

                          તારી આંખ્યુંમાં અખબાર વાંચ્યું’ તુ,

                          સંસાર અસાર છે એ સત્ય જાણ્યું’ તુ.

                          છતાં ભવસાગર તરવા નીકળ્યા’ તા,

                          આ સંસારની આઘોષમાં સમાવું’ તુ.


Rate this content
Log in

Similar gujarati story from Romance