Heena Modi

Inspirational

3  

Heena Modi

Inspirational

ગર્ભપાત

ગર્ભપાત

9 mins
14.3K


મુંબઈથી જાણીતા સાયકાટ્રીસ્ટ ડૉ. કક્ષા ભટ્ટે મેડમ બિલ્લોને ફોન કર્યો અને કહ્યું “મેડમ ! મારી બાર વર્ષીય દીકરી પર્ણિકા ‘વજીનલ એઈઝનેસીસ’ છે. તમારે એનું કાઉન્સીલીંગ કરવાનું છે. ભલે હું ડૉકટર છું પણ યુ કનો હું પોતે મારી દિકરીનો સામનો કરવા અસક્ષમ છું. પ્લીઝ હેલ્પ મી.” મેડમ બિલ્લો ક્ષણભરમાં આખી વાતનો મર્મ સમજી ગયા. એમણે બે દિવસ પછી સુરત ખાતે ડુમસનાં દરિયાકિનારે સાંજે ૪.૦૦ વાગ્યે મળવા જણાવ્યું. ડૉ. કક્ષા ભટ્ટ દિકરી પર્ણિકાને લઈ નિયત સમયે અને સ્થળે પહોંચી ગયા. સમયપાલનનાં ચુસ્ત મેડમ બિલ્લો ત્યાં અગાઉથી જ એમની રાહ જોઈ રહ્યા હતા. બાર વર્ષીય નાજુક, નમણી અત્યંત પ્રતિભાવાન પર્સનાલીટી ધરાવનાર પર્ણિકાને જોઈ ખુદ બિલ્લો મેડમ પણ હચમચી ગયા. જાણે સંવેદનાનું તીવ્ર લખલખું એમનાં રૂપેરૂપેથી પસાર થઈ ગયું. એમણે મા-દીકરી બંનેનાં માથે હાથ મૂક્યો. ડૉ. કક્ષાને તો જાણે કોઈ દૈવીશક્તિ પોતાને વ્હારે આવી હોય એવી દિવ્ય અનુભૂતિ થઈ.

ડુમસનાં પ્રખ્યાત ભજીયા-ચાની લહેજત માણતાં –માણતાં મેડમ બિલ્લોએ થોડી ઔપચારિક વાતથી શરૂ કરી પોતાની કથની- એમણે કહ્યું “આજથી ૪૫ વર્ષ પૂર્વે મારો જન્મ થયો. ત્રણ ભાઈ –બહેનોમાં હું મતલબ બિલ્લો વચલી. મનમોહક સ્મિતની માલકિન અને રૂપ-રૂપનો અંબર એવી હું બાળપણથી જ નોંધતી કે ઘરનાં સભ્યોનું મારી પ્રત્યેનું વલણ મારાં ભાઈ-બહેન કરતાં અલગ રહેતું. મારાથી નાની એવી મારી બહેનને કહેવામાં આવતું “તું છોકરી છે. તારે આવી રીતે જ બેસવું-ઉઠવું-બોલવું –ચાલવું વિગેરે વિગેરે એને રમવા માટે ઢીંગલી લવાતી. મારા મોટા ભાઈને કહેવાતું “તું છોકરો છે, તું બહાદુર છે, તારાથી રડાય નહિ, બહારના કામો પણ એને વધારે સોંપવામાં આવતા. એને રમવા ગાડી, ઈલેક્ટ્રીક ગેઝેટસ્ વિગેરે લવાતું. પણ મારા માટે ખાસ સ્પેશીયલ નહિ. મારે જે રમવાનું હોય એ રમવાનું, જ્યાં જવું હોય ત્યાં જવાનું, મરજી પ્રમાણે રહેવાનું. મારા બાળ માનસપટ પર ક્યારેક નિર્દોષ પ્રશ્નો ઉઠતા “શા માટે મને કોઈ પણ કંઈપણ બાબતમાં રોકતું-ટોકતું નથી, શિખામણ આપતું નથી ?” પણ બાળસહજ હું વાત વીસરી જતી અને મારી પ્રવૃતિઓમાં પ્રવૃત થઈ જતી.

આમને આમ હું સાતમા ધોરણમાં આવી ગઈ. આમ તો એસેમ્બલીહોલમાં ગર્લ્સ અને બોઈઝને સાથે જ લઈ જતા. પણ તે દિવસે મારાં વર્ગશિક્ષકે કહ્યું આજે શહેરનાં જાણીતા ગાયનેકોલોજીસ્ટનો સેમીનાર છે. આથી વિદ્યાર્થીનીઓએ એસેમ્બલીહોલમાં જવું અને વિદ્યાર્થીઓએ રમતના મેદાનમાં જવું” મને કહ્યું “બિલ્લો ! તારી મરજી જ્યાં જવાની હોય ત્યાં જા.” મને એ દિવસે મારા વર્ગશિક્ષકનું આવું વલણ જરાય ગમ્યું ન હતું. મારા મગજમાં તે દિવસે અનેક પ્રશ્નો વંટોળની જેમ ધસમસી આવ્યા હતા. જો કે મને છોકરીઓ હોય કે છોકરાઓ બધાં સાથે એકસરખો મનમેળ હોય. હું પ્લેગ્રાઉન્ડ પર ગઈ હું રમતમાં મશગુલ થઈ ગઈ પરંતુ એ દિવસે મારા મિત્રો અંદરોઅંદર મારા વિશે કંઈક ગુપસુપ કરી રહ્યા હોય એવો મને પહેલી વખત વ્હેમ પડેલો. ઘરે જઈને મેં મારા દાદીને સ્કૂલમાં બનેલ ઘટનાની વાત કરી, પણ હરહંમેશની જેમ એમની વેદનામય આંખો હું સમજી શકી ન હતી. બીજા દિવસે વિજ્ઞાનનાં ટીચરે ઋતુચક્રવાળો પાઠ ભણાવ્યો મને ખૂબ ઉત્સુકતા થવા લાગી. વળી એ વર્ષે તો જાણે ક્લાસમાં હદ જ થઈ ગઈ હતી. અવારનવાર મારી સહેલીઓ લોહી પડ્યું, લોહી નીકળ્યું એવી વાતો કરતાં. વળી ક્યારેક કોઈ સહેલીનાં યુનિફોર્મ પર લોહીનાં ડાઘ પડતા તો લેડીઝટીચર્સ એમને કંઈક તો હેલ્પ કરતા વળી ઘરમાં પણ મારી મા અને બહેન પીરીયડસમાં છે એટલે અડાય નહીં, પ્રસાદ લેવાય નહીં, મંદિરે જવાય નહીં એવી અંદરોઅંદર ગુપસુપ વાતો કરતા. પણ મને ક્યારેય કોઈ કંઈ જણાવતું નહિં. આમને આમ મારા ચૌદ વર્ષ પુરાં થયા. મને જાત-જાતનું કૂતુહલ થતું. મેં ગુગલ પર સર્ચ કરી ઋતુચક્ર વિસે માહિતી મેળવી મને જાત-જાતનાં વિચારો આવતા. હું વારંવાર બાથરૂમમાં ખુદને ચેક કરવા જતી. દર્પણમાં મારાં શરીરને નિહાળ્યા કરતી. કલાકો સુધી વિચારોમાં ખોવાયેલી રહેતી. મારું આવું વર્તન મારી મા અને મારી દાદી નોંધતા. તેઓ એમની મૂંગી-મૂંગી આંખોથી વાતો કરતા પણ કોઈ કશું બોલતા નહીં. હું એમની આંખોની અજાણી લીપી ઓળખવા મથામણ કરતી.

એક દિવસ સવારમાં ટી-ટેબલ પર હું સહજભાવે ઘરનાં બધા સભ્યોની હાજરીમાં બોલી પડી. “મા ! બધી છોકરીઓની જેમ હું ‘ટાઈમમાં’ નથી થતી. મને ઋતુસ્ત્રાવ થતો નથી. મેં એવું વાંચ્યું છે કે આવી સમસ્યા હોય તો ડૉક્ટરને મળવું જોઈએ. મા ! આજે મને શાળામાં રજા છે તો આપણે ડૉક્ટર પાસે જઈશું ?” મારા આ શબ્દોની સાથે જ મારી માના હાથમાંથી ચાની તપેલી સરકી ગઈ. અને એ પણ ચા ભેગી ભોંય પર ફસડાય પડી. ટેબલ પર બેઠેલ મારાં પપ્પા ઊભા થઈને બહાર જતા રહ્યા. એ દિવસે હું ખૂબ જ ભયભીત થઈ ગયેલી અને સાથે-સાથે મારી ઉત્કંઠતા વધુ તીવ્ર બનેલી. કોઈપણ જાતની સમજ વગર હું બેબાકળી થઈ ગયેલી. આખો દિવસ ઘરમાં સન્નાટો છવાયેલો રહેલો. મોડી રાતે પપ્પા આલ્કોહોલિક થઈને આવેલા. જે એ દિવસે પહેલી વખત ઘરમાં બનેલું. મા પણ દિવસ દરમ્યાન એનાં આંસુ પાલવથી લૂછ્યા કરતી હતી. દાદી હંમેશની માફક વેદના ભરેલ નજરે મને જોયા કરતા. તે દિવસે તો જાણે ભૂકંપ પછીની આફટરશોક જેવી દયનીય અને બિહામણી પરિસ્થિતિએ ઘરમાં આકાર લીધો હતો. તે દિવસે રાતે દાદીએ મને તેમનાં રૂમમાં બોલાવીને એમની દયા અને વેદના મિશ્રિત નજરથી મારી અંદર કંઈ ફાંફાંફંફોસ કરી રહી હતી. હું ગુસ્સે થઈને બોલી “કોઈ મને કહેશો આ બધું શું ચાલી રહ્યું છે?” કાળજા પર પથ્થર મૂકી દાદી એકીશ્વાસે આંખો બંધ કરી બોલી ગયા, “બેટા બિલ્લો ! તું કિન્નર છે.” અને મને છાતી સરસી ચાંપી લીધી. એ દિવસે દાદીએ હ્રદયનાં અકબંધ તમામ બંધ તોડી અનરાધાર રડ્યા, ચોધાર રડ્યા, મુશળધાર રડ્યા. હું અવાક થઈ એમને એકીટસે જોઈ રહી મને કશું સૂઝતું ન હતું. હું ફાટી નજરે એમને જોઈ રહી. દાદી ભગવાનને ઠપકો આપતા રહ્યા તો ક્યારેક પોતાની કે પૂર્વજોની કોઈ ભૂલનું માઠું ફળ ગણાવતા રહ્યા. મને જોર-જોરથી હલાવી ને સભાન કરવા મથી રહ્યા હતા. મને રડી લેવા રીતસર આગ્રહ કર્યો ને અમે બંને તે દિવસે ભેટીને આખા ભવનું બધું જ એક સામટું રડી લીધેલું. યૌવનકાળમાં પ્રવેશવાનાં મારાં થનગનતા સ્વપ્નોનું તે દિવસે પ્રથમવાર ગર્ભપાત થઈ ગયેલો. સવાર પડતાં મારી આંખ જરા અલપઝલપ મીંચાઈ ગયેલી.

સૂર્યોદય પહેલાં હું સફાળી જાગી, નાહી-ધોઈ સૂર્યનારાયણનાં દર્શન કરી એક અનેરી તાજગી અને જોમ સાથે નવા જીવનની શરૂઆત કરેલી. મેં એક નવા થનગનાટ સાથે, એક અદકેરા અનેરા આત્મવિશ્વાસ અને આનંદ સાથે ૧૦ મા ધોરણમાં બોર્ડ એક્ઝામમાં ૯૬% સાથે કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. દશમાં ધોરણનાં લાંબા વેકેશનમાં હું રજાઓ ગાળવા ફઈબાને ઘરે ગયેલી. મારા મધમધતાં યૌવન પર મારા ફુવાએ ધાપ મારવા પ્રયાસ કર્યો હતો. હું સમજી ગઈ હતી. આવી ઘટનાઓ અને અકસ્માત પરિવારનાં જ પુરુષો તરફથી અવારનવાર થતા મારી ભાવનાઓ અને ઊર્મિઓનું વારંવાર ગર્ભપાત થતો રહ્યો. જે ઉંમરે યુવતીઓ સોળે સાજ ધરી આનંદ ઉઠાવતી એ સમયે હું જીંદગીની વાસ્તવિકતા સમજવા મથામણ કરતી. કેટલાક મારાં મોં પર તો કેટલાંક મારી પીઠ પાછળ મારા જેન્ડર વિશે ટીકાઓ કરતા. એ સમયે મારી અધકચરી ઉંમર અને નાસમજણને કારણે હું મારી જાતને વામણી સમજતી.

અગિયારમાં ધોરણમાં સાયન્સમાં પ્રવેશ લીધો હતો પણ છોકરાઓ કે છોકરીઓનાં બંને ગ્રુપ મને અવગણતા મેં અભ્યાસ છોડી લીધેલો. લગભગ એક મહિના સુધી મેં મારી જાતને બંધ બારણે પુરી રાખી હતી. પણ મારો પઢાકુ સ્વભાવ ભણવા માટે તરસતો. મારા પડોશમાં રહેતા એક નિવૃત પ્રોફેસરે મને ઘરમાં જ આર્ટસનાં વિષયો જણાવ્યું મેં ઉત્સાહભેર શરૂ કર્યું. એક્સટર્નલ પરીક્ષાઓ થકી મેં એમ.એ. કર્યું. પી.એચ.ડી. કર્યું. આ અભ્યાસકાળ દરમ્યાન ફેસબુક પર મારે એક મિત્ર જોડે પરિચય થયેલો. અમારી અભ્યાસકીય મિત્રતા પ્રણયમાં પરિણામેલી. મેં શરૂઆતથી જ મારા વેજીનલ એઈઝનેસીસની સ્પષ્ટવાત અને જણાવી દીધી હતી. પરંતુ અમારો આત્મીયપ્રેમ ચરમ કક્ષાની અનુભૂતિએ પહોંચી ગયો હતો. મારો મિત્ર મને અવારનવાર બહાર મળવા બોલાવતો અમે એકબીજા માટે જ સર્જાયા હોય એવી અનુભૂતિ કરતા. મૂવી જોવા જતા. મેળામાં ચકડોળનો આનંદ લૂટતા ક્યારેક મોલના બાકડે તો ક્યારેક આ ડુમસનાં દરિયાકિનારે કલાકો સુધી હાથમાં હાથ પરોવી પ્રેમની વાતો કરતા. મારા મિત્રને મારી ખામીઓ સાથે કોઈ નિસ્બત ન હતો એ તો ફક્ત મારા દિલને પ્યાર કરતો. એનાં તરફનાં મારા પ્રત્યેનાં પોતીકાપણાથી હું મારી જાતને મહેફુસ સમજતી. એક ઊંડો શ્વાસ લઈ બિલ્લોએ ફરી વાત માંડી “મેં મારા હાથોમાં એનાં નામની અનેક વખત મહેંદી મૂકાવી છે. એના નિ:સ્વાર્થ પ્રેમને કારણે હું વધારેને વધારે એનાં તરફ ઝૂકતી જતી હતી. અમારો નિર્દોષપ્રેમ દુનિયા પચાવી ન શકી અમારી બદનામી થવા મંડી. મારી દાદીએ મારી આંખો વાંચી લીધી હતી. મારા ચહેરાની લજ્જા એમનાંથી છૂપી રહી ન શકી. એક દિવસ એમણે મારા મિત્રને ઘરે બોલાવ્યો.

મારા દાદીએ આડી-અવળી કોઈ પણ વાત કર્યા વિના પહેલે ધડાકે જ સીધી મારી ખામીઓ વિશે ચોખવટ કરી દીધી. મારા મિત્રએ નમ્રભાવે કહ્યું “દાદીમા ! હું બધું જ જાણું છું મને એનાં શરીર સાથે કોઈ લેવાદેવા નથી. હું બિલ્લોનાં દિલને મારા સ્વસ્થ દિલોદિમાગથી ચાહું છું. દુનિયાની કોઈપણ તાકાત મને મારા પ્રેમથી વિખૂટો નહી પાડી શકે. હું ખૂબ જ સ્પષ્ટ અને મક્કમ છું” દાદીમા એનાથી પ્રભાવિત થઈ ચૂક્યા હતા દાદીમાએ વાત અગળ ધપાવતા કહ્યું “આ પ્રેમનું કોઈ ભવિષ્ય નથી આ પ્રેમનું કોઈ નામ નથી. આ સંબંધ ફક્ત બંધન બનીને રહી જશે.” પણ, આ બધી દાદીની વાતોથી મારો મિત્ર બિલકુલ વિચલિત થયો ન હતો. એની મક્કમતા જોઈ દાદીએ ચુપકીથી આંખનાં પલકારા સાથે અમારા પ્રેમને મ્હોર મારી દીધી. ત્યારપછી અમે ખુલ્લા આકાશ તળે, ખુલ્લા મનથી એકમેકનો સાથ નિભાવતા. અમારું પી.એચ.ડી. પણ સાથે જ પુરું થયું અને કોલેજમાં જોબ મળી ગઈ. પણ મને દરેક જગ્યાએથી જાકારો મળતો. મને ક્યાંય કોઈપણ ઈન્ટરવ્યૂમાં પાસ નહીં કરતા. પગભેર ઊભા થઈ સ્વતંત્રજીવન જીવવાની ઈચ્છાનું પણ પૂર્ણપણે ગર્ભપાત થઈ ગયો. તો બીજી તરફ આખા સમાજમાં અમારાં સંબંધોને લઈ ખાસ્સી ઉથલપાથલ મચી ગઈ. એનાં મા-બાપે તો રીતસર આત્મહત્યા કરવાની ધમકી આપી. હું થોડા દિવસ ડિપ્રેશનમાં રહી પછી ફરીથી એકાએક મારામાં જોમ આવ્યું મેં એકે ધડાકે મારા મિત્રને છોડી દેવાનો નિર્ણય લીધો. અમારા અનામી પ્રેમને તરછોડવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો પરંતુ મારો મિત્ર મારો આ નિર્ણય સ્વીકારવા તૈયાર નહતો. મેં મન મક્કમ કરી કોઈને પણ કંઈ કહ્યા વિના સંસાર છોડી કિન્નરોનાં ગઢમાં પ્રવેશ લઈ લીધો. એ સમયે ફરી મારા દિલનું, ઉભરાતી ઉર્મિઓનું, પ્રેમની ગ્રંથીઓનું, મહેંદીના ચડતા લાલચટ્ટાક રંગનું મારા હાથે ગર્ભપાત કરી નાંખ્યો મારી જાતને કબરમાં દફનાવી દીધી. જાણે સંપૂર્ણપણે મારા આત્માનો અગ્નિસંસ્કાર મારા હાથે મેં કરી દીધો.

કિન્નરોનાં રીતરિવાજો, રહેણીકરણીનો મેં સ્વીકાર કર્યો. શરૂઆતમાં યજમાનને ત્યાં લગ્નનું ડાફુ લેવા જતી ત્યારે હું પારાવાર વેદનાથી પીડાતી જેની કોઈ વાચા નથી. લગ્નમંડપમાં ગુંજતા શરણાઈનાં સૂરથી હું વિહવળ થઈ જતી. દુલ્હનનાં હાથમાં મ્હેંદી જોઈ મારા દિલમાંથી મારા પ્રેમની ધાર છૂટતી. લગ્ન કરવાની મારી તમન્નાનું વારંવાર મેં મારા હાથે ગર્ભપાત કર્યો છે. હું મનને વાળવા બાગબગીચામાં જતી કે વોક પર જતી કે દરિયાકિનારે આવી બેસતી જ્યાં ને ત્યાં યુગલોને જોઈ મારું હૈયું પોકારી ઉઠતું હર ઘડી હરપલ હું મારા મિત્રનાં વિરહમાં ઝૂરી છું. વિરહની તરસમાં મેં મારી જાતને સમેટી લેતાં, લપેટી લેતાં શીખવા માંડ્યું ક્યારેક હું મારી દાદીને છૂપીછૂપી મળી લેતી. મારા મિત્રનાં અર્ધપાગલ થઈ જવાનાં સમાચારો મને મળતા. પરંતુ મેં મારા દિલને ફરતે લોખંડી દિવાલ ચણી દીધી હતી. યજમાનને ત્યાં નવજાત બાળકને રમાડવા જવાનું થતું ત્યારે બાળકને જોઈ મારું માતૃત્વ છલકી ઉઠતું, મારી છાતી ભારે થઈ જતી અનેક વખત કુખનાં ભાર લાગવાનો ભ્રામિક આનંદ મેં અનુભવ્યો છે. એ વેદના એ ઝુરાપો હું હસતે મોઢે હ્રદયનાં કોઈક અગમ્ય અજાણ્યા માળિયાનાં કોઈક ખૂણામાં ડૂચો કરી ધકેલી દેતી. નવજાતને સુખી થવાનાં, દુલ્હનને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપતી. મને અનેકવાર પ્રશ્નો થતા જે સમાજ માટે અમે પ્રભુપ્રાર્થના કરીએ સારા આશીર્વાદ આપીએ એ સમાજ અમને કેમ આટલા તરછોડતા હશે ? આવી ઠઠ્ઠામશ્કરી શું કામ કરતા હશે ? અરે ! માન-પાન તો શું સીધા અમારાં આત્મસન્માન પર પ્રશ્નોનો મારો કેમ કરતા હશે ? વાતોવાતોમાં એ ત્રણેય ચાલતાં-ચાલતાં દરિયાકિનારે ખૂબ આગળ નીકળી ગયા. ત્રણે એક મોટાં પથ્થર પર બેઠાં બિલ્લો બોલ્યા “આ સ્થળ મારા એકાંતનું સમનામું છે. હું અહીં કલાકો સુધી બેસી કર્મની ગતિ, કર્મની નિતિ, કર્મની રીતિને સમજવા-પચાવવા પ્રયત્ન કરી રહી છું. હું એક જ નીચોડ પર આવી છું કે – કોઈ પણ પરિસ્થિતિનો ઉપાય એક જ હોય દુ:ખનું ઓસડ ડહાડા અને સમજણથી પરિસ્થિતિનો સ્વીકાર કરી જીવનમાં આગળ વધી જવું.

ડૉ. કક્ષાએ અનુભવ્યું કે મેડમ બોલ્લો ખૂબ જ પરિપક્વ છે સમજણનાં સાતે સૂર એનાં હૈયે વાંસળી વગાડી રહ્યા છે. લાગણીઓનાં મધદરિયે એ ઊર્મિઓનાં મોજાં સાથે વિહાર કરી રહ્યા છે. વિરહ-વેદના-વિલાપનાં ઝુરાપા રૂપી શિખરની ટોચ પર પહોંચી આભને આંબી રહ્યા છે. તગતગતી નદીનાં વ્હેણમાં પોતાની મહત્વકાંક્ષાઓની કસતી છોડી દીધી છે. પોતાના જીવનનાં બંધિયાર તળાવમાં હાલકડોલક થતાં સૂકાં પર્ણ સાથે પોતાની ઈચ્છાઓ ત્યજી દીધી છે. આજીવન વારંવાર વારંવાર વારંવાર લાગણીઓ, ભાવનાઓ, ઈચ્છાઓ, ઉત્કંઠાઓ, જીજીવિષાઓ, તમન્નાઓનું ગર્ભપાત સહેતા સહેતા એ પોતે સહનશીલતા અને સમજણની દૈવી બની ગયા છે. ડૉ. કક્ષાએ બંને હાથ ઉંચા કરી ક્ષિતિજને પ્રાર્થના કરી, ”હે પરમકૂપાળુ પરાત્મા ! આવી અગ્નિદિવ્યતા મારી પર્ણિકાને અર્પો.” મેડમ બિલ્લોએ પોતાનો દિવ્ય હાથ પર્ણિકાનાં માથે મૂકી કહ્યું “બેટા ! અમારો સમય અનએજ્યુકેટેડ હતો લોકોમાં સમજણ ઓછી હતી. મને હિંમત આપી શકે એવું કોઈ હિમ્મતવાન ન હતું. પણ બેટા ! આપ તો ઈન્ટેલીજન્ટ હો. આપકા ફેમિલી ભી સર્પોદેવ હૈ. તું સમજી ગઈ હશે હું શું કહેવા માંગુ છું મા બહુચરાજીની અનરાધાર કૃપા તારા પર વર્ષો. પર્ણિકા એકીટશે ક્ષિતિજને જોઈ રહી.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational