દીકરી તો સહુની લાડલી કહેવાય
દીકરી તો સહુની લાડલી કહેવાય


"અરે પેલો પ્રખ્યાત લેખક શું લખે છે, વાંચ્યું? જમના મા?"
કહે છે, "જિંદગીમાં દીકરી તેને ત્યાં અવતરે જેને ભગવાન ખૂબ ચાહે."
"એ પીટ્યાને કહે, મારી નાની ભાભીને છ દીકરીઓ છે."
નમિતા ચૂપ થઈ ગઈ. વિચારી રહી, બહુ સુધરેલાં અને નામાંકિત વ્યક્તિઓ ઘણિવાર એવું લખતા કે કહેતા હોય છે કે સામાન્ય જનતાના હ્રદયને ઠેસ પહોંચે.
દીકરો હોય કે દીકરી, ભગવાન સહુને પ્રેમ કરે છે. "બાળક હોવું એ જ તેનો પુરાવો છે." પછી શા માટે એકને વહાલ જતાવવું અને બીજાને નહીં? કોઈ પણ માતા બાળક દીકરો હોય યા દીકરી, નવ મહિના આવનાર પારેવડાંનું પ્રેમ પૂર્વક જતન કરે છે. આ બધી કડાકૂટ કરવાનો કોઈ અર્થ નથી.
ઈશ્વરની કૃપા ગણો કે ગુસ્સો દીકરી નથી, પણ ‘હું’ મારા માતા અને પિતની દીકરી છું. બે મોટા ભાઈઓની બહેન અને બે બહેનોમાં વચલી. દીકરીઓની અવહેલના કોઈ પણ સંજોગોમાં મંઝૂર નથી. તેની સામે દીકરીને મ્હોં ફાટ બનાવવી, ઉદ્ધતાઈ સંસ્કારમાં પિવડાવી અને ઉદ્દંદડ કરવી તે સામે અણગમો જરૂર છે. દીકરીના જીવન ઘડતરમાં સહુથી મહત્વનો ફાળો છે, ‘જનેતા’નો. તે માટે હું મારી માતાની ભવભવની ઋણી છું.
“દીકરી” એટલે કુદરતની આપેલી વણમાગી અણમોલ સોગાદ”.
અમે ત્રણ બહેનો છીએ, ત્રણેય માતા તેમજ પિતાને ખૂબ વહાલી હતી. ક્યારેય અમને એવું નહોતું લાગ્યું કે બન્ને ભાઈ વધારે વહાલા છે અને અમે નહીં ! કોઈ પણ વસ્તુમાં વેરોઆંતરો નહીં. હા, દીકરીઓને ઘરકામમાં તેમજ કલામાં રસ લેતી જરૂર કરી હતી. જેને કારણે “આજ” ખૂબ પ્રગતિમય રહી છે. માતા ભલે ચાર ચોપડી ભણેલી હતી. કિંતુ તેનું શાણપણ, ઠાવકાઈ અને સામાન્ય જ્ઞાન કદાચ પી.એચ.ડી.વાળાને પણ શરમાવે તેવાં હતાં. એ માતાની છત્રછાયા આજે ૧૩ વર્ષ થયા વિખરાઈ ગઈ છે. કિંતુ તેની યાદ મઘમઘતા મોગરા જેવી તાજી અને સુગંધીદાર છે.
કુદરતનું અર્પેલું જીવન જો પસંદ હોય, માતા, પિતા, ભાઈ બહેન, પતિ, પત્ની, સાસુ, સસરા અને અન્ય વ્યક્તિઓ તો ‘દીકરી’ શા માટે નહીં? તેના માટે ઈશ્વરનો અચૂક આભાર માનવો વિસરશો નહી. દીકરી દયા ખાવાને પાત્ર નથી. અરે, દીકરી તો આંગણે ઉત્સવ મનાવવાને યોગ્ય છે. જેમ ભગવાને માનવનું સર્જન કરી હાથ ધોયા ચે. તેમ તેણે’દીકરી’ને ઘડી પોતાની શ્રષ્ઠતાનું પ્રમાણ પત્ર પ્રાપ્ત કર્યું છે. તમે માનો યા ન માનો રતિભર ફરક પડતો નથી. બાકી આ સનાતન સત્ય હતું, છે અને રહેશે ! દીકરી હોય તો તેનું લાલન પાલન યોગ્ય રીતે કરી તેને સુંદર સંસ્કાર આપો.
દીકરી જ્યાં રહે તે ઘર છે. જીવન પર્યંત માતા અને પિતાના હ્ર્દયમાં. સપ્તપદીના સાત ફેરા ફર્યા બાદ પતિની હર એક ધડકનમાં. નવ મહિના ઉદરે પ્રેમ પૂર્વક સિંચેલા બાળકોના અસ્તિત્વમાં. સુંદર જીવનની મૂડી સમાન મિત્રોના સામિપ્યમાં. હવે આનાથી વધારે સુંદર અને મજબૂત ઘરની દીકરીને આશા છે ? ખોટૉ ખોટી શબ્દોની માયા જાળમાં દીકરીને બેઘર ન બનાવો ! શું સિમેન્ટ અને માટીના 'ઘર ને જ ઘર' કહેવાય. મારા મિત્રો એ તો મુસાફરખાનું છે. સમય આવ્યે બોડિયા બિસ્તરા વગર છોડવાનું છે. જે ઘરનો અહીં ઉલ્લેખ કર્યો છે, એ તો ભવભવનું ઠેકાણું છે. ધરતિકંપ કે સુનામીમાં પણ તેની કાંકરી ખરતી નથી.
દીકરા વંશવેલો વધારે એવી આપણી માન્યતા છે. બાકી એ માન્યતા કોઈની પણ દીકરીને ઘરમાં લક્ષ્મી સ્વરૂપે લાવ્યા ન હોઈએ તો શું તે શક્ય છે? અંતરાત્માને પૂછીને જવાબ આપજો ! રૂમઝુમ કરતી આવેલી વહુ જે કોઈની આંખનો તારો છે, તે આ કાર્યને અવિરત ચાલુ રાખશે. જે તમારા ઘરની લક્ષ્મી છે. જેને પ્રતાપે ઘરનું આંગણું દીપી છે અને ખુશીથી ઝૂમી ઊઠે છે.
૨૧મી સદીમાં દીકરી આભના સિતારાની જેમ ઝગમગી રહી છે. સાધારણ કુટુંબમાં પણ સુંદર સંસ્કાર પામેલી દીકરીઓ, આભને આંબી પોતાની સફળતા પુરવાર કરે છે. સાથે સાથે કુટુંબની જવાબદારી નિભાવી પિયર તેમજ સાસરીની જવાબદારી સુંદર રીતે નિભાવે છે. પિયરની ઈજ્જત વધારે છે. સાસરીને શોભાવે છે. દીકરી બે કુટુંબની શોભા છે. તેના સુંદર પોષણ યુક્ત વ્યક્તિત્વ દ્વારા પોતાના કુટુંબને પણ ખિલવે છે.
એક મિનિટ,જરા દીકરી વગરની દુનિયાની કલ્પના તો કરી જુઓ ! ગભરાઈ ગયા ને? દિલમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું ને? સુનામી કરતાં વધારે જોરદાર આંચકો લાગ્યો ને? બસ આટલો ડર કાફી છે. ક્યારેય “દીકરી” તારું ઘર ક્યાં કે, ‘દીકરી’ તું બિચારી એવા શબ્દોનું પ્રયોજન કરતાં પહેલાં દસ વાર વિચારજો.
આપણા ભરત દેશમાં ક્યારેય ‘દીકરી’નું સ્થાન ગૌણ માનવામાં આવ્યું નથી. આ તો માનવના અવળચંડા મગજની પેદાશ છે . આજે આધુનિક જમાનામાં પણ ‘દીકરી’ઓને દૂધપીતી કરી રહ્યા છે. ભલે તેઓ સમાજના હોદ્દેદારો હોય નીચતામાં તેમની તોલે કોઈ ન આવે. ‘દીકરી’ઓના શિયળ ભંગ કરનારા નરાધમોને જોઈ સર્જનહાર પણ લજવાઈ જાય છે.
ભારતનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. આપણા ગ્રંથોમાં સ્ત્રીનું સ્થાન હિમાલયની ટોચ સમાન મહાન છે. કાયમ ઋષિ પત્ની અને મહાન નારીઓના નામ પહેલાં બોલાય અને લખાય છે. આનાથી વધારે પુરાવો કયો જોઈએ કે ‘દીકરી’, ‘સ્ત્રી’ એ એવી શક્તિ છે કે જેનો ઉપહાસ, અવહેલના યા અણગમો કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી.
"નારી વિના દુનિયાની કલ્પના અસંભવ
નારી તું નારાયણી, નારી તું નારાયણી."