Heena Modi

Others

4  

Heena Modi

Others

ગુલાબી પરબીડિયું

ગુલાબી પરબીડિયું

4 mins
15K


આજે ૧૨મી ઓગસ્ટ. સમગ્ર બ્રહ્માંડમાં સૂર્યદેવે એલાન ફરમાવી દીધું કે ‘આજે રાત્રી નહીં થાય.’ આજે સૂરજ ઢળશે નહિં, આથમશે નહિં, નમશે નહિં, ઓગળશે નહિં, પીગળશે નહિં. બસ! ચોમેર અજવાળું જ અજવાળું. હા! અને કેમ સૂર્યદેવ આજે એલાન ન કરે!

એનામાં સહનશીલતા છે સજ્જનતા છે અને એથીય વિશેષ સમજણ છે. હિમાલયા વ્યાસે આજે સંશોધન જ એવું કરી દીધું કે કરોડો વર્ષોથી પૃથ્વી પર તો શું પણ કોઈપણ ગ્રહ પર આવું સંશોધન થયું નથી.

હિમાલયા વ્યાસનાં સન્માનમાં આજે સૂરજ પણ પોતાની જ પલકે શમણું લઈ જાગી રહ્યો છે. હિમાલયાએ પુરવાર કરી દીધું કે લાગણી એ ફક્ત હ્રદયની ઉપજ નથી, નથી એ એકલા મનની ઉપજ કે નથી ફક્ત બુદ્ધિની. બુદ્ધિ અને હ્રદયનાં સંમિશ્રણથી મન તૈયાર થાય છે અને મનમાં ઉત્પન્ન થતો અહેસાસ એ છે લાગણી.

આજે હિમાલયા પોતાનાં અતિ ભારેખમ સેડ્યુલમાં બીઝી હતાં. પણ વર્ષોથી એમની પેરેન્ટ કમ પી.એ કમ હમસફર કમ કેરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ મિસ. મિશેલ આજે પોતાની જાતને રોકી શક્યા નહિ. વર્ષો પહેલાં હિમાલયાની આંખમાંથી ખાળી પડેલ એક હ્રદયઅશ્રુને મિસ. મિશેલે પોતાનાં હ્રદય ખોબામાં ઝીલી લીધેલ અને પોતાનાં હ્રદયની અકબંધ પાકાપૂંઠાની ગુલાબી ફાઈલમાં પૂરી માવજત અને જતનથી સાચવી રાખેલ. આજે મિસ. મિશેલે હિમાલયા પ્રત્યેનાં પોતાનાં પૂરા હક્ક અને અધિકારથી એ હ્રદયઅશ્રુને ગુલાબી રંગના પરબીડિયામાં મૂકી મિ. ઔદર્યને કુરિયર કર્યું. અને સાથે લખી મોકલ્યું કે ‘‘આ હ્રદયઅશ્રુનો સ્વાદ મધુર છે કે ખારાશયુક્ત એ જણાવવા વિનંતી.’’

મિ. ઔદાર્ય નાસામાં બેઠા-બેઠા આજે અંતરિક્ષમાં થનાર અદ્દભૂત વિરલ ઘટના વિશે પોતાનાં સહકર્મીઓ સાથે વિચારવિમર્શ કરી રહ્યા હતા. આજની અદ્દભૂત ઘટના વિશે એમનું નિરીક્ષણ અને તારણ નથી એક નવો ઈતિહાસ સર્જી શકે તેમ છે. મિ. ઔદાર્યનાં નામે આવેલ કુરિયર સીધું જ હેડક્વાર્ટરમાં એમની પાસે પહોંચી ગયું.

ગુલાબી પરબીડિયું ખોલતાંની સાથે જ વિસ્મીત યાદોનાં આસમાની પતંગિયાઓ કિલકિલાટ કરતાં મિ. ઔદર્યની મન:સ્થિતિની આગળપાછળ ફુદરડી ફરવા મંડ્યા. જાણે આખાયે હેડક્વાર્ટરમાં ફ્લેશબેક છવાઈ ગયો.

નર્સરીથી લઈ ધો.૧૨ સુધી પોતાની સહપાઠી હિમાલયા કે જેનાં બુકવોર્મૂલ સ્વભાવને કારણે પોતાને પણ ભણવામાં ઊંડો રસ જાગ્યો હતો. પેન્સિલ છોલવાથી માંડી જર્નલ બનાવી આપનાર, માથાનાં વાળથી લઈ બુટની લેસ સુધી કાળજી રાખનાર, નાસ્તાના ડબ્બાથી લઈ સાજેમાંદે મેડીસીન્સનાં ડોઝ સુધી ધ્યાન રાખનાર પોતાનાં કરતાં દરેક ક્ષેત્રે અવ્વલ એવી પોતાની સહપાઠીથી કંઈક જોજનો વિશેષ એવી હિમાલયાનાં નસીબની ડાયરીમાં ધો. ૧૨માંનું પાનું મીસ પ્રિન્ટ થઈ ગયેલું.

ધો. ૧૨ની બોર્ડ એકઝામનાં સમયે જ હિમાલયાને ટાઈફોઈડ થઈ ગયેલો અને વધુ પડતી નબળાઈ આવવાનાં કારણે ૧૨માંનાં રીઝલ્ટમાં ખાસ્સો એવો ફટકો પડી ગયેલો. અને ઔદાર્ય પોતાના ઉચ્ચ પરિણામનાં  કારણે બાયોટેકમાં માસ્ટર્સ કરી નાસામાં જોડાય ગયેલા. પોતાનાં નસીબની ગાડી પૂર ઝડપે ચાલતી રહી.

હિમાલયાનું શું થયું હશે! એ જોવાની કે વિચારવાની ફૂરસદ ક્યારેય મળી ન હતી. હિમાલયા પોતાનાં એ નબળાં સમયમાં ડિપ્રેશડ થઈ ગયેલ. બી.એસ.સી. પણ માંડમાંડ પાસ ક્લાસમાં કર્યું હતું. પોતાની કુશળ અને લાડીલી એવી એક માત્ર દીકરીની આવી હાલત ન જોવાતાં હિમાલયાનાં મમ્મી-પપ્પા પણ માત્ર એકાદ વર્ષનાં આંતરે ચીરવિદાય લીધેલ, પરંતુ આવી કફોડી હાલતમાં પણ હિમાલયાનાં કેરેક્ટર મિસ. મિશેલ જરા પણ હિમ્મત હાર્યા ન હતાં. જેમતેમ સિમ્પલી બી.એસ.સી. થયેલ હિમાલયાને મિસ. મિશેલ પૂરી માવજત અને શ્રદ્ધાથી ફરીથી મૂળ અડગમની હિમાલયા બનાવી દીધેલ.

હિમાલયા વ્યાસ ફરીથી પોતાનાં મૂળતત્વમાં આવી ગયેલ બોન્ડ જીનીયસ હિમાલયાએ પોતાનાં જીવનની સઘળી તાકાત એકઠી કરી કુદરત સંબંધ રીસર્ચમાં મંડી પડેલ.

હિમાલયા વ્યાસ ૪૫ વર્ષ પસાર કરી ચૂક્યા છે અને મિસ. મિશેલ પાંસઠ. આજે હિમાલયા વ્યાસનાં રીસર્ચપેપર્સે દુનિયાને અચંબામાં પાડી દીધેલ. હિમાલયા વ્યાસનાં સંશોધન પત્રને ડબ્લ્યુ.એચ.ઓ.એ પેટન્ટ કરી દીધું અને હિમાલયાનાં સન્માનમાં આખી દુનિયા એક મંચ પર આવી ગયેલ. એમાં મિ.ઔદાર્ય પણ હતા પણ એમનાં હોદ્દાની રૂએ.

હિમાલયા વ્યાસનાં સન્માનની ઘડી નજીક આવી પહોંચી હતી. કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું હતું. હેડક્વાર્ટર્માં અલાર્મ વાગતાં મિ. ઔદાર્ય પોતાનાં સંસ્મરણમાંથી ઝબકીને જાગી ઊઠ્યા. તેઓ આખા પરસેવે રેબઝેબ થઈ ગયા. એમાં હિમાલયાનું એ હસતું-નાચતું-ગાતું ઝરણાં માફક સતત-નિરંતર વહેતું હ્રદયઅશ્રુ એમનાં પરસેવાની ખારાશમાં નિ:શેષ થઈ ગયું.

મિ.ઔદાર્ય ફરી પોતાનાં કામમાં જોતરાય ગયા.

હજી આજે પણ દશ વર્ષ પછી પણ હિમાલયા વ્યાસનાં એક પછી એક અવનવાં સંશોધનો દુનિયાને અચંબામં પાડી રહ્યાં છે વિવિધ લાગણીઓ, લાગણીઓ થકી થતાં રીએકશન જેમકે સ્નેહ, સંબંધ, હ્રદયઅશ્રુઓ, અશ્રુઓની ધાર વિગેરે વિગેરે.

એ પેટન્ટ કરનાર ટીમમાં ડૉ. ઔદાર્ય પણ છે. લાગણીઓને આકર્ષણ-અપાકર્ષણનો નિયમ લાગુ પડે. લાગણીઓ ટેલપથી પરથી અનુભવી શકાય એમ હોવા છતાં લાગણીઓને બ્રેક લગાડી શકનાર કયું તત્વ હશે? કયું રસાયણ વહેતું હશે? લાગણીઓને ફરતે સખત આવરણ કોણ રચતું હશે? હિમાલયા વ્યાસનાં સંશોધનમાં હવે એ વિષયો મોખરે છે. હિમાલયા વ્યાસની મથામણ ચાલુ છે.

આજે ૭૫ની ઉંબરે મિ. મિશેલ પથારીમાં સૂતાં-સૂતાં એ ગુલાબી પરબીડિયાનાં જવાબની અનિમેય આંખે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એમનાં આંખોમાંથી અનેક પ્રશ્નો ડોક્યું કરી રહ્યા છે. શું અનકન્ડીશનલ કેર કરનાર હિમાલયાને ક્યારેય ઔદાર્ય પ્રત્યે કોઈ અપેક્ષા જાગી ન હોય!? શું ઔદાર્યને ક્યારેય પણ હિમાલયા પ્રત્યે ખેચાંણ અનુભવાયું નહિ હોય!? શું ખરેખર! હિમાલયાનાં હ્રદયઅશ્રુની ઔદાર્યને સુવાસ કે સ્વાદની ખબર સુધ્ધા નહિ પડી હોય!?

બંને આજીવન કુંવારા રહી, એકબીજાનાં સંપર્કથી અળગા રહી એકબીજાનાં કામને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. શું લાગણીનું હોવાપણું એનાં વહેવાપણામાં કે બંધિયારપણામાં? આ લાગણીનું બંધન છે કે સંબંધ? એવા અનેક પ્રશ્નોના ઉત્તર મિસ. મિશેલની આંખો એ ગુલાબી પરબીડિયામાં સતત શોધી રહ્યાં છે.


Rate this content
Log in