એ ચોધડિયું.
એ ચોધડિયું.


મૃત્યુ શાશ્વત છે. મૃત્યુ ધ્રુણ છે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે એવું
બ્રહ્મજ્ઞાન જ્ઞાની – અજ્ઞાની સૌને હોય છે સંસાર એક મોહ – માયા છે, જંજાળ છે, અસાર
છે.એવી વાતો દરેકનાં મુખે આપણે અવાર-નવાર સાંભળતા આવ્યા છીએ અને
સાંભળતા રહીએ છીએ. ભગવાનનાં ઘેરથી તેડું આવે ત્યારે બધી જ મોહ-માયા, સાધન-
સંપત્તિ અહીં છોડીને જવાનું છે એવું જાણતાં હોવા છતાં જો તેડું આવી ચડે તો?
!!! જો મૃત્યુના સમય, સ્થળ, ચોધાડિયાની જાણ થઈ જાય તો ! ગમે તેવાં
સ્થિતપ્રજ્ઞ માણસની મન : સ્થિતિ પણ ડામાડોળ થઈ જતી હોય છે. અને, એમાયે જો
ભરજુવાનીમાં, બે નાનાં-નાનાં ભૂલકાંની મા ને ઉપર જવાની ટિકિટ આવી જાય તો!
આ કજોગ મેં પણ અનુભવ્યો છે. ૨૦૦૬/૨૦૦૭માં મારા પગનું
ફ્રેકચર થયું હતું મારા સાયન્સ કલાસીસનું સંપૂર્ણ ઈમાનદારી અને પ્રેમથી ધ્યાન મારાં
આસીસટન્ટ ટીચર્સે આપ્યું હતું. એમની લાગણી અને વફાદારીને બિરદાવવા મેં એક
પીઝાપાર્ટીનું આયોજન કર્યું હતું. બધાં આસીસટન્ટ સેલિબ્રેશન માટે હાજર થઈ ગયા
હતા અને પીઝા પણ આવી ગયા હતા પરંતુ... પરંતુ.. હું ધ્રુજતા હાથે અને ધ્રુજતા પગે
ઘરમાં પ્રવેશી. મારા પેથોલોજિકલ લેબોરેટરી રિપોર્ટમાં લખ્યું હતું. ‘સ્કીનકેન્સર
પોઝીટીવ’ એ ચોધડીયાને હું આજ દિન સુધી ભૂલી નથી. પરંતુ એ સમય પૂરતી મેં
મારી સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખી. કારણ મારો અંતરઆત્માએ મને જવાબ આપી દીધો
હતો કે ‘કશું અજુગતું નહિઁ થાય’. પાર્ટી પૂરી થઈ. મેં મારા પતિને વાતની જાણ કરી
એમનાં પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. મારા દિલોદિમાગમાં વિચારોનું યુધ્ધ ચાલુ
થયું. બંને સંતાનો નાનાં-નાનાં એમાયે નાનો દીકરો ફક્ત છ વર્ષનો. આખી રાત હું ઊંધી
નહીં શકી. ફ્રેકચર દરમ્યાન મારા બેડની સામે રાખેલ કેલેન્ડર જેમાં હું રોજ એક-એક
દિવસ પર ચોકડી મારી ખુશ થતી હતી કે હવે મારે સાજા થવા માટે ફક્ત ૯૦ દિવસ,
૮૯, ૮૮... દિવસ બાકી છે. એ જ કેલેન્ડર મને ભયાનક, બિહામણું ભાસતું હતું.
ઘડિયાળની દર એક- ટીક – ટીક જાણે મારા માટે મૃત્યુનું એલાર્મ વગાડી રહ્યું હતું. આમ
ને આમ રાત્રે ત્રણ વાગી ગયા ઊંધી શકતી ન હતી. મણિલાલ દેસાઇની સંવેદના “
સરકી જાયે પલ... કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ” મારામાં સરકી રહી હતી.
દરેક શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે પણ હું ભયભીત હતી. અને અચાનક જાણે અંદરની
આત્માનો અવાજ આવ્યો આ કાળમુખી ચોધડિયું નહીં જ હોય શકે. આ જ ચોઘડિયું
કોઈ શુભ અણસાર લઈને આવ્યું હશે” એમ વિચારતાં-વિચારતાં મને એક ઝપકી આવી
ગઈ. સવારે એકદમ સફાળી ઊઠી એ જ ભય ફરી. હું ન્હાયા-ધોયા વિના જ સાંઈબાબાનાં
મંદિરે ગઈ. મંદિરની અંદર પ્રવેશ્યા વિના બહારથી દર્શન કરી પ્રાર્થના કરી, કહ્યું “હે
બાબા ! મારાં સંતાનોને જો મારી જરૂર હોય તો જ મારું આયુષ્ય વધાર. જો મારા
જીવનનો કોઈ શુભ હેતુ હોય તો જ આ પૃથ્વી પર મને રહેવા દે. જો આ પૃથ્વી પર હું
ફક્ત ભારરૂપ હોઉં તો મને લઈ લે. તારો ન્યાય મારા શિરે. હું ફરિયાદ નહીં કરું.”
ત્યારબાદ એક અઠવાડિયામાં મારી બે સર્જરી થઈ. હું સ્વસ્થ થઈ
ગઈ. સ્વસ્થ થયા પછી હું જયારે પ્રથમ વખત કલાસ માટે મટીરિયલ લખવા બેઠી ત્યારે
અચાનક વિષયની જગ્યાએ “વીણાવાદિની” પ્રાર્થના આપોઆપ લખાઈ. જે પ્રાર્થનાની
પી.એમ.નરેન્દ્રભાઈ મોદી સહિત બધાંએ પ્રશંસા કરી. મુંબઈ વર્લ્ડ સ્પેસ રેડિયો,
એફ.એમ, દરેક સ્કૂલ, કોલેજમાં એ પ્રાર્થના ગવાતી થઈ. ત્યાર પછી તો જાણે શબ્દોની
સરવાણી ફૂટી . એ પહેલાં મને ખ્યાલ સુધ્ધાં નહીં હતો કે હું લખી પણ શકું હું મારા
જીવવાનો ઉદ્દેશ સમજી ગઈ. ગુજરાતી ભાષા પ્રત્યે ઋણ અદા કરવાની મારી
જવાબદારીનું મને ભાન થયું અને હું લખતી ગઈ...લખતી ગઈ... લખી રહી છું. આજે
મારાં પાંચ પુસ્તકો પ્રકાશિત થયા અનેક કોલમ્સ લખું છું. દીકરી ડૉક્ટર થઈ. દીકરો ૧૬
વર્ષનો થઈ ગયો. એક ચમત્કારથી હું જીવનને સાચા અર્થમાં સમજી શકી.
સાક્ષાત્કાર તો જુઓ... હમણાં જયારે હું આ લેખ લખી રહી છું ત્યારે
ગુજરાતી ‘જલસો’ એપ પરથી ફોન આવ્યો. મને જણાવવામાં આવ્યું કે 'આર્ટિસ્ટ ઓફ ઘ
વીક’ માટે તમારું સીલેકશન થયું છે” હું ગદગદ થઈ ગઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું
ગુજરાતી ભાષા માટે કઇંક મારો હિસ્સો આપી રહી છું. અને એ મેડિકલ રીપોર્ટ આવ્યો
હતો એ ચોઘડિયું. મારા નજર સમક્ષ તગતગી રહ્યું છે.