સમજુ બાળકીએ કરાવ્યું સમાધાન
સમજુ બાળકીએ કરાવ્યું સમાધાન
લગ્નને માંડ સાતેક વરસ થયાં અને નેહા અને નયનનાં ઝગડાં હવે ખૂબ જ વધવા લાગ્યાં હતાં. નાની પાંચ વરસની બાળકી નયનતારા માતા પિતાને ઝગડતાં મૌન બનીને જોઈ જ રહેતી હતી. એકવાર તો કંટાળીને ગુસ્સામાં નેહાએ બાળકી સાથે પિયરની વાટ પકડી અને વકીલ પાસે જઈને છૂટાછેડા માટે નોટિસ પણ નયનને મોકલાવી દીધી.
નયન પણ ગુસ્સામાં આવી જુદા થવાં તૈયાર થઈ ગયો હતો. બંનેના ઝગડાનું કોઈ મોટું કારણ હતું જ નહીં પણ નાની વાતમાં ઝગડવાની આદત પડી ગઈ હતી.
નયન પોતાની વહાલી નયનતારાને મળવાં રોજ નેહાનાં ઘેર જતો ત્યારે નેહા પણ રાહ તો તેની જોતી જ હતી પણ થોડીવાર દીકરીને વહાલ કરી મોકો મળતાં જ ફરી પાછાં ઝગડવાં માંડતાં. એકવાર તો નેહાનાં ઘેર રમખાણ મચી ગયું અને નેહાએ નયનને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કરી દીધો. નયનતારા રૂમ બંધ કરીને કોઈ જુવે નહીં તેમ એકલી એકલી રડવા લાગી.
હવે બાળકી મેળવવાં મામલો કોર્ટમાં પહોંચી ગયો. કોર્ટમાં જજ સાહેબ પણ બાળકીનાં ભવિષ્ય સામું જોવાનું કહીને બંનેને એક થવાં સમજાવી રહ્યાં હતાં તો કોર્ટમાં પણ બંને લડવા લાગ્યાં.
અચાનક નયનતારા ઊભી થઈને રડતાં રડતાં બોલી,
"મારે તમારી બંને જોડે નથી રહેવું હું તો એકલી જ રહીશ હવે."
નાની બાળકીની આવી વાત સાંભળીને પેલા ઝગડો કરતાં બંને ચૂપ થઈ ગયાં અને આંસુ છલકાવતી નેહા બોલી,
"અરે બેટા તને તો હું ખૂબ પ્રેમ કરું છું ને ? "
" હા મારી લાડલી દીકરી." નયન પણ વચ્ચે બોલ્યો,. "અમે બંને ખૂબ વહાલ કરીશુ."
જજ બોલ્યાં, "બેટા રડીશ નહીં. તને તો બંને જુદા થશે તોય મળી શકશે."
નયનતારા જજ પાસે જઈને બોલી,
"સાહેબ હું તો ડાહી છું એટલે સમજી જઈશ પણ આ મારાં મમી પપ્પાને એકબીજા વગર ઝગડો કર્યા વગર નહીં ફાવે એ મને પાકી ખબર છે. "
બાળકીની વાત સાંભળી બંનેને લાગ્યું કે બાળકી સાચું કહી રહી છે. કારણ વગર પણ ઝગડો બંને કાયમ કરે છે તે પણ સમજાયું. બંનેનાં હ્નદયમાં હેત છલકાવા લાગ્યું.
" બેટા તે બંને જાતે જ અલગ થવાનું કહે છે." જજ બોલ્યાં.
"તે ભલે ને કહે તમને સમજાવતાં નથી આવડતું ?" કહેતાં બાળકી મોટેથી બોલી,
"એક મોટી ચોકલેટ આપીને સમજાવી દયો એટલે માની જાશે."
જજ ખૂબ ભાવુક બનીને બોલ્યાં,
"બેટા આ તારાં જેવાં સમજદાર નથી."
ત્યાં જ નયન ફરી હેતથી ઝગડતાં બોલ્યો,"નેહા ચાલ સમાધાન કરી લઈએ ચોકલેટ લઈને. તારે ઝગડવું હોય તો તને છૂટ પણ હવે હું નહીં લડવાનો."
"હાય હાય તું ન ઝગડે તો હું પણ થોડી બાઝકણી છું ? નેહા આંખમાં આંસુ સાથે દીકરીને માથે હાથ મૂકતાં બોલી,
"જજ સાહેબ. હવે તો મારી દીકરીને જ વહાલ કરવાનું અને ઝગડો આજથી સાવ બંધ."
સરળતાથી સમાધાન થઈ જતાં ખુશ થઈને જજ સાહેબ દીકરીને ચોકલેટ આપતાં બોલ્યાં,
"આ ગૂંચવાયેલું કોકડું પળમાં ઉકેલી આપવા બદલ."
પછી સુખદ સમાધાન થતાં જજ સાહેબ બોલ્યાં,"દરેક મા બાપે જયારે પોતાનું બાળક હોય ત્યારે ઝગડો કરતાં પહેલાં જરૂર વિચારવું જૉઈએ કે તમારાં બંનેના ઝગડામાં તમારાં બાળકની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની જાતી હોય છે."
નયનતારા જતાં જતાં બોલી, "સાહેબ ચિંતા ના કરતાં આ લોકો હવે નહીં ઝગડે. ચોકલેટ આપી એટલે મારી જેમ ડાહ્યા બની ગયાં."
બંને પોતાની વહાલી દીકરીને ભેટી પડ્યાં.
