Tanvi Tandel

Drama Thriller

3  

Tanvi Tandel

Drama Thriller

શુભ મંગલમ્ સાવધાન

શુભ મંગલમ્ સાવધાન

12 mins
861


શરણ્યાનો મોબાઈલ રણક્યો. વોલપેપર પર કોલર ઇન્ફોર્મેશનમાં શાશ્વતનો ફોટો જોઈ મલકાઈ. આજે પ્રથમ વાર શાશ્વતને રૂબરૂમાં મળવાનું હતું. એક વર્ષ આખુ ઓનલાઈન.... હજારો મેસેજ, હજારો ફોનમાં પૂર્ણ થયું, પણ મિલન આજની ઘડીએ સંભવ થયું.પોતાની અદાઓ વિખેરવા, શાશ્વતને પોતાની મીઠી છબી આપવા પોતાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગઈકાલે જ પાર્લરમાં જઈ સરસ ફેશિયલ ટ્રીટમેન્ટ, હેરસ્પા, મેનિક્યોર, પેડીક્યોર સઘળું કરાવી પોતાના રૂપને વધુ નિખારી લીધું હતું. એમ પણ શરણ્યા રૂપ રૂપ નો અંબાર હતી જ. ગુલાબી હોઠ, ગોરો વાન સાથે કમનીય વળાંકોવાળી સુંદર કાયા કોઈ પણ પુરૂષને ઘાયલ કરવા જરૂરી તમામ પ્રકારની વિશેષતા એનામાં હતી.

શરણ્યા આખો વોર્ડરોબ ઠાલવીને ઉભી હતી. ઢગલાબંધ કપડાઓ વિખેર્યાં પણ કંઈ ખબર પડી નહીં.

શું પહેરું???? શાશ્વતની પસંદગીનો રંગ એને ખબર જ નહોતી. વિચારોમાં અને અવઢવમાં ફોન રિસિવ કરવાનો રહી ગયો. ફરી વાર ફોન કરી શાશ્વતને પૂછી લેવાનું મન થયું પણ આંગળીઓ થંભી ગઈ. પછી જાતેજ એક સુંદર ગુલાબી રંગની સાડી પહેરી લીધી. પોતાના લાંબા ભરાવદાર કેશ ખુલ્લા જ મૂક્યા. તેમાં તે વધુ સોહામણી લાગતી હતી.એક નજર ફરી અરીસામાં નાખી....ને..... ફટાફટ રેડી થઈ એના જણાવેલ સ્થળે .... શહેરથી દૂર એક બગીચામાં મળવાનું હતું ત્યાં રિક્ષા દ્વારા પહોંચી.

બ્લેક કલરનો શર્ટ, બ્લૂ ડેનિમ જિન્સ ને મસ્ત ગોગલ્સ સાથે સજજ શાશ્વત પણ હિરો કરતા વધુ હેન્ડસમ લાગતો હતો.બન્ને એકબીજાને રૂબરૂ પ્રથમ વાર મળવાના હતા. કેટલીયે વાર વિડિયો કોલમાં જોયેલી છબી...., આજે મોબાઈલમાંથી બહાર પ્રત્યક્ષ નજરો સમક્ષ હતી. જાણે વર્ષોથી ઓળખતા હોય એમ એકબીજાને જોઈ બન્ને ભેટી પડ્યા. પરિસ્થિતિનો ખ્યાલ આવતા બન્નેએ આલિંગન છોડ્યું. સંવાદની ગાડી થંભી રહી. એકબીજાને બન્ને બસ જોઈ રહ્યા. શાશ્વતને કલ્પના પણ ન્હોતી કે રોજ વેસ્ટર્ન આઉટફીટમાં રહેનારી શરણ્યા આજે ગુજ્જુ ગર્લ - ભારતીય પરિધાનમાં તેને અપ્સરા સમાન લાગી. શરણ્યાની આ છબી આંખોમાં જ પૂરી દેવી હોઈ એમ શાશ્વત એ બે મિનિટ આંખો બંધ કરી.

ઓ મિસ્ટર.... શાશ્વત આમ આંખો બંધ કરી શું સપના જુએ છે? હું તારી સામે છું તો કંઈ બોલને! કેમ રોજ તો બહુ કહેતો હતો કે રૂબરૂ મળવા આવ પછી જોજે. આજે સામે છું તો બોલતી બંધ...?

શરણ્યા .... અરે તમે ... સોરી તને ..... જોઈને મારી શું.... કોઈની પણ બોલવાની હિંમત ના થાય. શાશ્વતે હાથમાં રાખેલ ગુલાબના લાલ ફૂલોનો ગુલદસ્તો આપીને શરણ્યા સાથેની પોતાની મુલાકાતનો પ્રારંભ કર્યો. ફૂલોનો ગુલદસ્તો તો મારી સામે ઉભો ને હું પાગલ આ ફૂલો લાવ્યો. શરણ્યા હસી પડી.

બન્ને એ ખૂબ વાતો કરી.બન્ને એ આજે જ જાણે એકબીજા સાથે જીવનભર રહેવાના કોલ મનોમન આપી દીધા. પ્રથમ મુલાકાતમાં જ શાશ્વત એ શરણ્યાને લગ્ન માટે પ્રપોઝ કરી લીધું. શરણ્યાની શરમ થી ધળેલ આંખો, એ હાસ્ય એની સંમતિ દર્શાવી રહ્યા. બન્ને એક હોટેલમાં જમવા ગયા.

શાશ્વત : શું ખાશો મેડમ?

શરણ્યા :તમે જે ખવડાવશો પ્રેમથી એ ખાઈ લઈશ..

બન્નેએ હસતા હસતા જમવાનો ઓર્ડર આપ્યો. જમતાં જમતાં પણ શાશ્વત શરણ્યા ને જ તાકી રહ્યો. સમયને અહીં જ થોભાવાની બન્નેની અદમ્ય ઈચ્છા હતી પણ સાંજ દસ્તક આપી ને આવી રહી. શરણ્યા હોસ્ટેલમાં રહેતી હતી. એન્જીનીયરીંગ ના અભ્યાસ માટે ઘરથી દૂર રહેતી હતી. તેના ઘર નજીક એડમિશન મળ્યું ન્હોતું. જ્યારે શાશ્વત અમદાવાદ શહેરમાં આવેલ મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરતો. તેનું જોબ સિડ્યુલ ખૂબ વ્યસ્ત રહેતું અને શરણ્યાની કોલેજનો સમય અલગ તેથી રૂબરૂ મળવું શક્ય નહોતું બન્યું. આજે ખાસ આ મુલાકાત ગોઠવી હતી. બન્ને એકબીજાને એક કોમન ફ્રેન્ડ દ્વારા નેટ સર્ફિંગ પર મળ્યા હતા. શરૂઆતની વાતચીતોથી બન્ને ને એકબીજા માં રસ પડ્યો હતો. ધીરે ધીરે વાતોનો વધતો દોર આજની મુલાકાતનો નિમિત્ત બન્યો. ૮ વાગ્યા બાદ હોસ્ટેલમાં એન્ટ્રી બંધ થઇ જતી એટલે કમને બન્ને ઉભા થયા. શાશ્વત પોતાની બાઈક ઉપર બેસાડી શરણ્યાને હોસ્ટેલ સુધી મુકવા આવ્યો. બન્ને એ એકબીજા સાથે વાતો કરતા લોંગ ડ્રાઇવની મજા માણતાં છૂટાં પડ્યાં. પ્રેમનો આ સુંદર અહેસાસ બન્ને હૈયાને ગુલાબી સ્મરણ આપતો ગયો.

આજની મુલાકાત બન્ને માટે મીઠી યાદી બની ગઈ. બન્ને યુવાન હૈયાની ગતિ વધુ તેજ થઇ ગઈ હતી. ત્યારપછીની અઢળક મુલાકાતો, અઢળક વાતચીતો બન્નેને હમેંશ માટે એકબીજાના બનાવવા નિમિત્ત બની. થોડા જ સમયમાં બન્ને એ ઘરે એકબીજાની વાત કરી. બન્ને કુટુંબો અલગ શહેરમાં હતા તેથી રૂબરૂ મુલાકાત ગોઠવાઈ. શરણ્યા સંસ્કારી હતી જ સાથોસાથ મોર્ડન હોવા છતાં તેનું વ્યક્તિત્વ સાલસ હતું. તેને મળી શાશ્વતનું કુટુંબે તેને તરત જ વહુ તરીકે અપનાવી લીધી. આ બાજુ શરણ્યાનો પરિવાર પણ શાશ્વત ને મળી રાજી થયો. બન્ને કુટુંબો એ લગ્ન માટે સંમતિ દર્શાવી. સુખની આ પરિપૂર્ણ ક્ષણ હતી. બન્નેના લગ્ન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ.

બન્ને ના પ્રેમને લગ્નનું સરનામું મળતાં બન્ને ખૂબ જ ખુશ હતા. લગ્નની શરણાઈઓ થી ઘરો ગુંજી ઉઠ્યા. મંગળ વિધિઓ શરૂ થઈ. લાલ પાનેતરમાં સજજ શરણ્યા જાણે સ્વર્ગની અપ્સરા લાગતી હતી. જાનૈયાઓ આવ્યા. શાશ્વત શેરવાનીમાં સજજ હતો.મનમાં શરણ્યા શરણ્યા થઈ રહ્યું હતું. કન્યા પધરાવો સાવધાન.... ક્યારે બોલાઈ ને ક્યારે તેની અપ્સરા જોવા મળે એ વાતે બેચેન હતો. બધા મિત્રો તેને કાન માં કૈક કઈક કહીને તેની મજાક કરી રહ્યા.તેટલામાં જ શરણ્યાનું આગમન થયું. શાશ્વત પોતાની પસંદગી જોઈ જાણે સ્વપ્ન પ્રદેશમાં હોઈ એવું અનુભવી રહ્યો. ધામધૂમ સાથે લગ્ન લેવાયાં.

શાશ્વત ને શરણ્યા જાણે એકબીજા માટે જ બન્યા હોઈ. લગ્નજીવન તો ખૂબ સુંદર ચાલી રહ્યું. બન્ને સારી જોબ કરતા હતા. બન્ને કુટુંબથી દૂર પોતાના કાર્યસ્થળે અલગ સંસાર માંડી સુખથી રહેતા હતા. શાશ્વતનું પ્રમોશન બેંગલોર થતાં બન્ને ત્યાં શિફ્ટ થયા. છતાં સમય મળ્યે ઘરે મુલાકાત માટે જતા. વાર તહેવારે પ્રસંગોપાત જવાનું થતું. સઘળી પારિવારિક જવાબદારી નિભાવવા ચોકકસ જતા. બન્ને એકબીજા સાથે ખૂબજ ખુશ હતા. ઓફિસથી ઘરે આવી બન્ને સાંજે સાથે જમતાં. દિવસભરની વાતો કરતા. એમને જાણનારા એમને ' પરફેક્ટ કપલ ' નું બિરૂદ આપતા. સાચે જ ઈર્ષ્યા ઉપજાવનારો સંબંધ હતો. થોડાજ સમયમાં બન્નેની ખુશીની લાગણી વધુ વિસ્તૃત થઈ. ઘરમાં નવું મહેમાન આવવાનું હતું. શરણ્યાને સારા દિવસો રહ્યા. ઘરમાં પારણું બંધાયું. સુંદર પરી જેવા લક્ષ્મીજી એમના ઘરે પધાર્યા. દીકરીના જન્મે એમના સંબંધ ને ચાર ચાંદ લગાવી દીધા. શરણ્યા શાશ્વતને ખૂબ પ્રેમ કરતી. શાશ્વતની ખુશી એ જ એનો ધ્યેય રહેતો. એની ખુશી કાજ પોતાનાથી બનતું કૈંક ને કૈંક હમેંશ કરતી.

શરણ્યા પોતાની દીકરી સાક્ષી ને સુંદર રીતે ઉછેરવા માંગતી હતી. તેથી તેણે જોબ છોડી હતી જેથી સાક્ષી સાથે પૂરતો સમય મળે. અને શાશ્વતને પણ સાચવી શકાય. સાક્ષી ના ઘડતર - ઘર - કામકાજ માં તે ખૂબ પરોવાયેલી રહેતી. દિવસ આખો ક્યાં પૂરો થઈ જતો એની ખબર જ નહોતી પડતી. થોડોઘણો સમય મળે એમાં શરણ્યા શાશ્વતને ખુશ કરવાની પળ જવા જ ના દે. તેના માટે કંઈ ને કંઈ સરપ્રાઈઝ પ્લાન કરે જ. નાની નાની બાબતોમાં ખુશી મેળવવા બન્ને ક્યારેય પાછા ન્હોતા પડતાં.

હમણાં હમણાંથી શાશ્વત થોડો મોડો આવતો. આવીને બસ થોડું જમીને સુઈ જતો. શરણ્યાને તેના આ વર્તનની સમજ નહોતી પડતી. તે શાશ્વતને ખુશ કરવા બહુ કોશિશ કરતી પણ સઘળું નિરર્થક! એક દિવસ એક અજાણ્યો કોલ આવ્યો.

આ એક કોલ શરણ્યાની જિંદગીનો ક્યારેય ના કલ્પેલો વણાંક લાવનારો હતો.

ભાભી, આપનો શુભચિંતક છું. શાશ્વત ઑફિસમાં બીજી છોકરી આરતી સાથે...., આગળનું શરણ્યા સાંભળી જ ના શકી. એના પગ નીચેથી ધરતી સરકી ગઈ. પેલા ફોન પર સાંભળેલા શબ્દો પર એને વિશ્વાસ નહોતો. છતાં રડું રડું થઈ રહી. જે સંભળાયું એ સઘળું ..... સઘળાં શબ્દો ખોટા છે એ પુરવાર કરવા એ મથતી રહી. એ ભૂતકાળની વાતો, મુલાકાતો, એમની પ્રણયગાથા યાદ કરતા કરતા વધુ રડવા લાગી.

એ વિશ્વાસ, એ પ્રેમ ..... બધું બનાવટી?????

જેના પ્રેમની મિસાલ અપાય છે એના બે ચહેરા હોઈ શકે? વાતાવરણ જાણે શ્વાસ લેતું થંભી ગયું.

સાંજે શાશ્વત ઘરે આવ્યો.રોજની જેમ જ એણે નિરુત્સાહી રીતે સોફા પર બેઠક લીધી. રોજ એ આવે ત્યારે ગરમ કોફી સાથે શરણ્યા હાજર જ હોઈ પણ આજે તો ટેબલ પર પાણીનો ગ્લાસ પણ નહોતો. તેણે શરણ્યા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ શરણ્યા ચૂપ હતી. તેનું મન એ જ વિચારો, અવિશ્વાસ.....એ ફોન માં ઘૂમી રહ્યું હતું. શાશ્વત એ નો એ જ હતો પણ આજે અજાણતા જ શરણ્યાથી નફરત થઈ ગઈ. અકારણ ગુસ્સો આવતો હતો. શંકાનું બીજ વટવૃક્ષ બને એ પહેલા નિવારણ લાવવું વધુ વ્યાજબી લાગ્યું.

શાશ્વત એ તેને તબિયત તો ઠીક છે એટલું પૂછતાં જ શરણ્યા રડી પડી. શાશ્વતને તેણે બસ આરતી કોણ છે એટલું એક જ વાક્ય પૂછ્યું. શાશ્વત વધુ અસત્યનો સહારો ના લે અને જે હોઈ એ હકિકત સ્પષ્ટ કરવાનું જણાવતા જ શાશ્વતનો ચહેરો ફિક્કો પડી ગયો. એ કશું પણ બોલી શક્યો નહીં. કશુંય ના બોલીને પણ ચૂપ રહેલા શાશ્વત ના મૌનને ... શરણ્યા પામી ગઈ.

જગતમાં મોટા ભાગની ભૂલો અજાણ્યા જ થતી હોઈ એવું નથી પણ એક ભૂલ જીવનધારાનો વણાંક કયા પલટાવી દે તે નક્કી હોતું નથી. એ કરેલ ભૂલ ક્યારે સમજાય અને જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. શાશ્વત એ સ્વીકાર્યું કે ઑફિસની કલીગ આરતી સાથે એને સંબંધ છે. આજે પ્રથમ વાર શાશ્વત જે બોલે એ બધું જૂઠું હોય તેમ એ ઈચ્છતી હતી. શાશ્વત માફી માંગતો રહ્યો પણ શરણ્યા બસ મૌન બની બેસી રહી. ઘણીવાર મૌન પણ અકળામણ પેદા કરનારૂ હોઈ છે.

શરણ્યાનું મૌન શાશ્વત માટે ખતરાના ઘંટ સમાન હતું. શરણ્યા અસમંજસ માં હતી શું કરવું શું ના કરવું? શાશ્વતના પ્રેમમાં બધું જ ભૂલવા તૈયાર હતી બીજીબાજુ શાશ્વતે આપેલ ઠોકર - વિશ્વાસઘાત.... એનું હ્ર્દય આ ભૂલ સ્વીકારવા તૈયાર નહોતું. પોતાની જ કઈક કમી રહી ગયી....બસ રહી રહી એના મનમાં આટલું જ નિપજ્યું. એ રડતી રહી..... બસ...

તે સાક્ષી ને લઇ ત્યાંથી એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના નિકળી પડી. શાશ્વત તેને રોકતો રહ્યો પણ શરણ્યા આ વિશ્વાસઘાતથી ભાંગી પડી હતી. રડતા રડતા ગુસ્સામાં બસ ત્યાંથી બહાર નીકળી.

પોતાના ઘરે કે સાસરે જવું એને ઉચિત ન લાગ્યું. બહુ વિચાર્યા બાદ એક મિત્રની મદદથી તે બેંગ્લોરથી અમદાવાદ આવતી રહી. શાશ્વત....તેની યાદો, તેનો પ્રેમ, સ્મરણો....બધું મૂકીને...

અજાણ્યું શહેર, શાશ્વતની ગેરહાજરી, સાક્ષીનો ઉછેર, એકલી સ્ત્રી - વિશ્વાસઘાતથી ઉપજેલ નફરત જીવનને નીરસ બનાવવા કાફી હતું. જીવનની વાર્તાનો અંત ખાધું, પીધું, ને રાજ કર્યું એવો નથી હોતો. શરણ્યા ખૂબ એકલી પડી. શાશ્વતની યાદ તેનો પીછો છોડતી નહોતી. પરિસ્થિતિ સાથે સમાધાન નહીં સમાયોજન સાધવું જરૂરી હતું. સાક્ષી ના ઉછેર માટે તેણે એક ઠેકાણે જોબ શરૂ કરી. અહી ઘર ભાડેથી લઈ પોતાના જીવન પ્રવાહને વહેવડાવવા લાગી. શાશ્વત વિશે જાણવાની ખૂબ ઈચ્છા થતી પણ એણે ચુભાવેલ કંટક ને લીધે આ ઈચ્છા હ્ર્દયના એક ખૂણે ફરી દાટી દેતી. યાદ તો ખૂબ જ કરતી કયા એ ગુલાબી જીવનને ક્યાં આ એકાંતભર્યું ઘર.

બીજી બાજુ શાશ્વતે શરણ્યા ને શોધવા આકાશ - પાતાળ એક કરી મુક્યા. પણ લાખ પ્રયત્નો છતાં નિરાશા સાંપડી. તે દીકરી અને પત્નીની યાદમાં જીવન વિતાવી રહ્યો. તેને બસ માફી માંગવી હતી. પોતાના ફુલ જેવા પરિવારને સાચવવો હતો પણ શરણ્યા ના મળી. બન્નેની ગેરહાજરી તેને અકળાવી મૂકતી પણ હવે કરવું શું? પોતાના માતા પિતાના ઘરે જઈને મોઢું શું બતાવે? એટલે એકલા જ રહેવાનું નક્કી કર્યું.

શરણ્યાના માતા પિતા તેના નિર્ણયથી ખૂબ દુઃખી હતાં. એક વાર જમાઈને મળીને નિરાકરણ લાવવા વિનંતી કરતા પણ શરણ્યા મક્કમ હતી. દીકરીની ઈચ્છા ને માની તેઓ ચૂપ હતા. ઘરે આવવાની વાત પણ તે ટાળી જ દેતી. ફોન પર વાતચીત કરી જાણી જોઈને ત્યાં જવાનું ટાળતી.

સમય પસાર થતો ગયો. સાક્ષી પણ મોટી થવા લાગી. તે પપ્પા વિશે કંઈ પણ પૂછે તો શરણ્યા જવાબ આપવાનું ટાળતી. સાક્ષી બારમામાં ખૂબ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થઈ. વધુ ભણતર માટે બીજી ફ્રેન્ડ સાથે તેને પણ બેંગલોર જવું હતું. તે જીદ કરવા લાગી.

બેંગ્લોર...નામ સાંભળતા જ શરણ્યાને શાશ્વત યાદ આવી જતો. આટલા વર્ષે ફરી એ શહેર.... એણે ચોખ્ખા શબ્દોમાં ના કહી. સાક્ષીનો મૂડ ઓફ થઈ ગયો. બધી ફ્રેન્ડ ફાર્મસી કોલેજ માં બેંગ્લોર જશે અને પોતે?? બસ એણે મમ્મી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. એ દ્રઢપણે એની જીદને વળગી રહી. અંતે હારીને શરણ્યા એ હા ભણી. સાક્ષીને ત્યાં એકલી મુકાય નહિ ને પોતે એકલી પડશે એ વિચારે બન્ને બેંગ્લોર જવા તૈયાર થયા. શરણ્યા પોતે ભણેલી હતી એટલે ત્યાં પણ સહેલાઈથી જોબ મળી જશે એમ વિચારીમાં દીકરી જીવનના નવા ખરાં અર્થમાં જૂના મુકામે ફરી આગળ વધ્યા. જીવનના કેટલાયે વર્ષો તેને શાશ્વતની યાદમાં તેના વિના કાઢી નાખ્યાં. બેંગ્લોર આવતા જ સઘળી યાદો વધુ જાગૃત થઈ. પોતાનું ઘર, પતિ, અસંખ્ય યાદી... બધું આ શહેરમાં હતું.

બીજી બાજુ શાશ્વત મોટા ઘરમાં એકલો રહેતો. તેથી પેઇન ગેસ્ટ તરીકે એક છોકરાને રાખ્યો હતો. સક્ષમ.... ખૂબ જ માયાળુ સ્વભાવનો હતો.. બાળપણમાં જ અકસ્માત માં માતા પિતા ગુમાવી દીધેલા તેથી એકલો જ હતો. મામાના ઘરે રહીને ભણતો. વધુ અભ્યાસાર્થે બેંગ્લોર આવ્યો હતો. પાર્ટ ટાઇમ જોબ કરતો. કોઈપણ જાતના સગપણ વિના અંકલ અંકલ કહી શાશ્વતને સાચવતો. કલાકો વાતો કરતો. બન્ને ને એકબીજાની કંપની હતી.

સાક્ષી જે કોલેજમાં હતી સક્ષમ નું ત્યાં જ એડમિશન હતું. સક્ષમ દેખાવમાં સીધો- સાદો જ્યારે સાક્ષી તો રૂપ રૂપનો અંબાર. બન્ને યુવાન હૈયા ટૂંકા ગાળામાં પરિચયમાં આવ્યા. બન્નેનો મૈત્રી સંપર્ક પ્રેમપંથ માં ફેરવાઈ ગયો. સક્ષમ સાક્ષી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ બન્ને હજુ ભણતાં હતાં. અને જ્યારે જ્યારે સક્ષમ લગ્નની વાત કરે સાક્ષી નફરતથી ઊભી થઈ જતી. માતાપિતાના સંબંધ થી એ વાકેફ હતી. લગ્નના પવિત્ર બંધન પર તેને વિશ્વાસ જ નહોતો. તે પ્રેમને નામ આપવા બિલકુલ તૈયાર નહોતી. એ લગ્નની વાત સમયે શૂન્યમનસ્ક બની બેસી જતી.

પ્રેમપંથનું વિશ્વાસી વહાણ હંકારતા હંકારી દીધું પણ તેને કયા થોભાવવુ એની જાણ સાક્ષીને નહોતી. સક્ષમ સાક્ષીને સમજતો હતો તેણે અંકલને પોતાના પ્રેમની, તેના અસ્વીકારની સઘળી વાત કરી. શાશ્વત સક્ષમનું દુઃખી હ્ર્દય જોઈ શક્યો નહોતો. તેણે એ છોકરીને ઘરે કૉફી પીવા માટે બોલાવવા કહ્યું. સાક્ષી જાણતી હતી કે સક્ષમ ના પરિવારમાં કોઈ નથી તેથી તે ભાડાના મકાનમાં જવા પલભરમાં રાજી થઇ ગઇ.

સક્ષમ બાઈક ઉપર સાક્ષીને ઘરે લઈ ગયો. પણ આ ઘર..આ આંગણું...તેનું જ હતું તેની જાણ બન્નેને નહોતી. શરણ્યાએ ઘર છોડ્યું ત્યારે સાક્ષી ખૂબ નાની હતી.

સક્ષમ સાક્ષીને તેના અંકલને મળવા લઈ ગયો પણ આ શું..... વિધિની વક્રતા કે નિયતિની ચાલ....શાશ્વતને ક્ષણભરમાં સાક્ષી ઓળખી ગઈ. પપ્પા નો ફોટો તો તે રોજ છુપાઈને મમ્મીનાં કબાટમાંથી જોતી. પપ્પા..... બસ એટલું જ બોલી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સક્ષમને કંઈ જ સમજાયું નહીં. એ ઘરમાં બે છબી એણે જોઈ હતી પણ એ વિશે પૂછવાની હિંમત કરી ન્હોતી. શાશ્વત ને સક્ષમે જ્યારે પોતાની સાક્ષીની વાત કરેલી ત્યારે શાશ્વતને પોતાની દીકરી સાક્ષી અનાયાસે યાદ આવી ગઈ હતી. એ દિવસે નાનકડી છબીને, પોતાની લાડકવાયીને પકડી ખૂબ રડ્યો હતો. આજે એ જ સાક્ષી સામે હતી. અરે આબેહૂબ શરણ્યાની પ્રતિકૃતિ... એને જોઈ રહ્યો. કેટલી મોટી થઈ ગઈ હતી. એને પકડી ખૂબ રડ્યો. બન્નેને અઢળક વાતો કરવી હતી. પણ.... બસ અશ્રુઓથી વાતો થઈ રહી હતી. સક્ષમ ને હવે થોડું થોડું સમજાયું કે કેમ સાક્ષી લગ્ન માટે ના કેમ પાડી રહી હતી. આટલા વર્ષો પછી પપ્પા મળ્યાની ખુશી સાક્ષીને જતી ન્હોતી કરવી. એ કાયમ મમ્મી પપ્પાને એક કરવા માંગતી હતી પણ નાના નાની કે બીજું કોઈ એની વાત સાંભળતું ન્હોતું. હવે એને એક આશ દેખાઈ. પોતે મમ્મી પપ્પાને એક કરવાનું નિમિત્ત બનતી હોઈ તો.... અને એ માટે સક્ષમ ને બધી હકીકત જણાવી બન્ને એ પ્લાન ઘડ્યો. આજની મુલાકાત વિશે કઈ પણ વાત શરણ્યાને કહેવી નહિ એવું નક્કી થયું. પપ્પા સાથે અઢળક વાતો કરી. પપ્પાનો પ્રેમ આટલા વર્ષે મળવાથી એ ખૂબ ખુશ હતી. મમ્મી વિશે પૂછતા પપ્પાને પોતાના ફોન માં ફોટા બતાવ્યા. અને અહી કેવી રીતે આવ્યા એ સઘળું પણ કહ્યું. સાંજે સક્ષમ એને ઘરે મૂકી ગયો.

સક્ષમ નાં સાક્ષી સાથે ના સંબંધથી શરણ્યા માહિતગાર હતી જ. સાક્ષી સમજદાર હતી ને જો પોતાની પસંદ પ્રમાણેના જીવનસાથી સાથે લગ્ન કરતી હોઈ , એમાં તેને વાંધો પણ ન્હોતો. તેથી સાક્ષી એ જ્યારે સક્ષમના પરિવાર સાથે મળીને વાત કરવા જણાવ્યું ત્યારે સહેલાઈથી એ તૈયાર થઈ ગઈ.

સાક્ષી અને સક્ષમના પૂર્વાયોજીત મિટિંગ મુજબ માં દીકરી બન્ને નક્કી કરેલા સ્થળે પહોંચ્યા.આ બાજુ શાશ્વત અને સક્ષમ પણ ત્યાં પહોંચ્યા. એકબીજાને જોતાજ, જાણે વર્ષોની જુદાઈ ચોમાસાના ત્રણેય માસ પલભરમાં વરસે એમ એકબીજાની આંખોમાંથી અશ્રુઓ વ્હેતાં રહ્યા. વર્ષો પહેલાની એક ભૂલે વેરવિખેર કરેલ બે હૈયાઓ આજે સઘળું ભૂલી સ્થળ - કાળના સાપેક્ષ ભાન વિના રડતા રહ્યા. સાક્ષી અને સક્ષમ બંને એ શરણ્યાને પપ્પાને માફ કરી આવનારું જીવન સાથે જીવવા માટે રડીને આજીજી કરી. શાશ્વત પણ માફી માંગતા માંગતા રડતો રહ્યો.

સાક્ષી અને સક્ષમ પોતે તો જ લગ્ન કરશે જ્યારે શરણ્યા શાશ્વત સાથે રહેવા રાજી થાય એ શરત પણ જણાવી. આટલા વર્ષોથી અલગ રહેવાથી અનુભવાયેલી પોતાની મનસ્થિતિથી શરણ્યા પણ પોતાની ઘર છોડ્યાની ભૂલની માફી માંગતી રહી. આજે ચાર હૈયાનું મિલન થયું હતું.

શાશ્વત અને શરણ્યા એક બની પોતાની દીકરી ને આશિર્વાદ આપી રહ્યા. સાક્ષી અને સક્ષમ પણ લગ્નના પવિત્ર બંધને જોડાવા થનગની રહ્યા. શુભ મંગલમ્ સાવધાન...ના સૂર ગુંજી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama