શરમ આવી ! – માઈક્રોફિક્શન
શરમ આવી ! – માઈક્રોફિક્શન
આમ તો એ ભિખારી તો નહોતો જ ! કોઈ કામધંધો કરે નહિ અને લોકોને સલામ મારીને તેમની પાસેથી એકાદબે રૂપિયા કઢાવી લે. એ દુકાનદાર કાકા તેની સલામને કદીય ફોગટ જવા દે નહિ અને કંઈકને કંઈક આપે જ. એક દિવસે એમનો દીકરો બાજુના શહેરેથી દુકાનનો સરસામાન લઈને બે થેલાઓ સાથે હાઈવેના બસસ્ટોપે ઊતર્યો. એણે ચારે બાજુ નજર ફેરવી તો તેને કોઈ મજૂર દેખાયો નહિ. એ સમયે આ ભાઈ ત્યાં ટહેલી રહ્યા હતા. એ ભાઈએ એક થેલો ઊપાડી લેવાની પેલાને વિનંતી કરી તો તેણે કોરી આંખ કરીને જવાબ આપ્યો કે ‘હું મજૂર થોડો છું !’ એ બિચારા છોભીલા તો પડ્યા, પણ નસીબજોગે એક મજૂર મળી
ગયો.
દુકાને પહોંચીને એમણે પિતાજી આગળ પેલાની ફરિયાદ કરતાં કહ્યું, ‘તમે રોજ એ સાહેબજાદાને ફટવો છો અને આજે તો તેણે મારું માન પાડ્યું !’
એકાદ અઠવાડિયા પછી એ સાહેબજાદો પેલા દુકાનદાર કાકા સામે સલામ મારીને ઊભો રહ્યો. કાકાનો પિત્તો ગયો અને બોલી ઊઠ્યા, ‘અલ્યા, તે દિવસે ભાઈનો થેલો ઊપાડવાની ના પાડતાં તને શરમ ન આવી ?’.
સાહેબજાદાએ ઠાવકાઈથી જવાબ આપ્યો, ‘કોણ કહે છે કે મને શરમ ન આવી ? આવી, આવી; મને શરમ આવી, કાકા અને એટલે તો મેં ભાઈને થેલો ઊપાડવાની ના પાડી ને !’