શ્રદ્ધા
શ્રદ્ધા
શ્રદ્ધા પ્રકરણ - ૧
જીવનમાં અનેક અનુભવો ચાખ્યા,
તો પણ નક્કી ના થઈ વિશ્વાસની વ્યાખ્યા.
રાઘવ, ગરીબ પરિવારમાં ખીલેલું કમળ. પણ બિચારા બાળકને ન્હોતા પહેરવાના કપડાં કે ન્હોતા કોઈ ખાવાના ઠેકાણા. માં - બાપ મજૂરી કરે જે મળે એમાંથી ગુજરાન ચાલે એમનું. કેટલાયે દિવસો એવા હોય જ્યાં રોટલા ને મરચું વડે ગુજારો કરવો પડે. ગરીબીને આ પરિવારે અપનાવી લીધેલી. ગામમાં શાળા હતી પણ ભણવા કરતાં પેટ નો ખાડો પૂરવો અગત્યની બાબત હતી. બાપુ સાથે મજૂરી એ ભેળો જાય. રાઘવના બાપુ ને એક શેઠ ની જમીન મજૂરી એ ખેડવાની. ત્યાં રાઘવ શેઠના નાના કામો પણ કરે. શેઠ કોક વાર જ જમીન જોવા આવતા. એ શહેરમાં રહેતા. રાઘવ નાનો હતો પણ સમજણમાં બધાને ટક્કર આપે. એમની ગાડી જોઈ રાઘવને હમેંશા મનમાં થતું કાશ પોતે પણ આવી ગાડી, પૈસા હોય એવી શાનદાર દુનિયાનો હિસ્સો હોય પણ નસીબમાં આલેખાયેલી ગરીબી, એનો પીછો કરી રહી હતી.
શેઠ હીરાલાલ પારખું હતા. રાઘવના પિતા વર્ષોથી એમની જમીન સાચવતા. પણ બહુ ખાસ કંઇ ગામમાં હતું નહિ. તેથી હવે આ જમીન વેચવા વિચારતા હતા. તેમણે રાઘવનાં બાપને આ અંગે વાત કરી કોઈ ખરીદનાર હોય તો બતાવવા કહ્યું. આ વાત સાંભળી કિશન, રાઘવના બાપને ઝટકો લાગ્યો.
'શેઠ, આ જમીન પર તો મારું ઘર... અમાર રોટલા નભે સે..અમારી રોજી અમારાથી ના છીનવશો. મારાથી શું ભૂલ થઈ?'
"અરે, તું નાહક ચિંતા ના કરીશ. ચાલ મારી સાથે... શહેરમાં... મારા ઘરે એમ પણ નોકરોની જરૂર છે જ. આ રાઘવ પણ ત્યાં કશુંક નવું શીખશે." શેઠ જાણતા હતા કે કિશન ઘણો પ્રામાણિક માણસ છે. એને ઘરે લઈ જવામાં ફાયદો જ થશે.
રાઘવની જિંદગીનો મહત્વનો વળાંક ..... અમદાવાદમાં આલેખાયેલ હતો.
'રાઘવ ની માં, સાંભળે સે??'
'હા, બોલો.. કમ બરાડા પાડો સો.?'
'શેઠ સ ને ઈ કેતા તા ક આપણે ઈમના ઘર કામે જાઈ. અમદાબાદ.. ચાલ, હેન્ડ...હવે સેર માં જાસુ ને બે પૈસા વધારે કમાસુ. ને ન્યા જાઈ આપડો રાગવોય કાઈ નવું હિક શે. નવું ભાડશે.'
'ના હો, રાઘવ ના બાપુ, આપડે તો આપડું ગામ ભલું . જે મલે સે એમાંથી રોટલા તો ખવાય સે. પસી હું ન્યાં સેર માં જાવું.'
' પણ માં રોટલો ય ક્યાં મળે છે. ' રાઘવ બોલ્યો.
"ચાલ ને, શેઠ ભેગા અમદાબાદ" '... બાપુ અમ...દા...વા...દ એમ બોલાઈ..હો કે..'
"અમદાવાદ જઈશું ને ત્યાં રોટલા થી સારું કંઈ ચોક્કસ દેખવા મળશે."
બાપ દીકરા બન્નેના મન શહેરમાં જવા તરસ્યા હતા. તેમના નિર્ણયમાં સહાંશી બનીને માં એ હા ભણી.
એકાદ બે જોડી કપડાં ને વાસણો સિવાય બીજું રાચરચીલું તો ઘરમાં હતું નહિ. ઘરનો અસબાબ હતો જ ક્યાં તે લઈ જવાની કે ગોઠવવાની માથાકૂટ થાય.
બીજે જ દિવસે શેઠ સાથે ગાડીમાં જવાનું હતું.
ગામમાંથી પહેલીજ વાર ઘર બહાર પગ મૂકનાર રાઘવ માટે અમદાવાદ જવાનો વિચાર જ મનને આનંદની હેલી ચડાવનાર હતો. એ નાનકડી આંખોના હજારો સ્વપ્નો હતા ને એ પૂર્ણ કરવાની આશ આ શહેરમાં હતી. પહેલીવાર એ બળદગાડું છોડી શેઠની નવી નક્કોર ગાડી માં જવાનો હતો. બેસતા પહેલાજ રાઘવે આશ્ચર્યથી પોતાની ખરબચડી આંગળીઓથી એ કારને નજાકતથી પંપાળી લીધી.
શેઠે ગાડીના બેસવાનું કહેતા જ ફટાફટ માં બાપુ સાથે બેસી ગયો. આહ... કેવી સુંવાળી.. ગાડી. માં ના ખોળા જેવી...થોડી મિનિટમાં જ કાર ચાલુ થતાં ટગર ટગર રાઘવની આંખો આજુબાજુ કાચ બહાર જોઈ રહી. રાઘવનો બાપુ શેઠનો આભાર માની રહ્યો. ગાડીની અંદર ની ઠંડક રાઘવ ના માના હૃદય ને પણ ઠંડક પહોંચાડતી હતી.
'મોટો થઈ ને હુંય આવી જ કાર લઈશ..હો માં..'
માં બાપુ ને શેઠ રાઘવ ની વાત સૂણી હસી પડયા.
( ક્રમશ: )
( ગામડામાં રહેતો રાઘવ અને તેનો પરિવાર અમદાવાદ પહોંચી કેવી રીતે શહેરની જીવનશૈલી માં શેઠ ના પરિવાર સાથે જીવન વિતાવે છે .. આગળ શું બને છે એ આગળ ના ભાગ માં જોઈશું.)
