શ્રાવણનો સાચો મહિમા
શ્રાવણનો સાચો મહિમા
વહેલી સવારે ગીર ગાયનાં દૂધનો ભરેલ લોટો, બીલીપત્ર લઈ ચાકરોની સાથે ભગવાન સિધ્ધનાથ મહાદેવનાં મંદિરે દર્શન કરવા જતાં ઝીઝુવાડા ચોવીસી રાજના ધણી ભક્તિભાવવાળા યુવરાજ
સામંતસિંહજી (વડવાળા બાપુ) પોતાની રાજની હદની મરુભુમીમાં આવેલ ઝીલકેશ્વર બેટ પર આવેલ પવિત્ર પૌરાણિક તીર્થસ્થાન એવાં ઝીલકેશ્વર મહાદેવના મંદિરે ગયેલાં. પવિત્ર વાતાવરણ હતું. ઝીલકેશ્વર સરોવરની પાળે આ ભોળાનાથ બિરાજતા,ત્યાં આવેલ ગૌમુખીમાંથી શ્રાવણ વદ પાંચમે સવારે આપોઆપ સરસ્વતીનાં નીર ભીતરથી પ્રગટી સરોવર પુરું છલકાતું હતું. આ ચોખ્ખું જળ મંદિરનાં પગથિયાં પર ચડી જાણે સરસ્વતીજી સ્વયં શિવજીનો અભિષેક કરતું હોય તેવું લાગતું હતું.
આજુબાજુ જંગલમાં રહેતાં રણકાંઠાના ગરીબ લોકો આજ પ્રસાદની આશાએ મંદિર આસપાસ બેઠાં હતાં.
યુવરાજ મંદિરમાં પ્રવેશતાં પહેલાં જ મંદિર બહાર કોઈ બાળકનાં કરુણ રુદનનો અવાજ સંભળાતાં તેમણે પાછા ડગ માંડ્યા. અને માને પૂછ્યું, "બહેન આ બાળકને કેમ રડાવો છો ? છાનું પણ રાખતાં નથી ! કેવી મા છો તમે ?"
લાજ કાઢેલ બહેને બે હાથ જોડી કહ્યું "બાપા ભૂલ થઈ. માફ કરજો." અને બાળકને મનાવવા લાગી !
ફરી મંદિર તરફ ડગ માંડતા યુવરાજ પાછા ફર્યાં તો તેમની લાલ આંખ જોઈ બાજુનાં એક માજી ઊભા થઈ બોલ્યાં "બાપુ આ બાળકને મારી નાંખો એટલે ચૂપ થઈ જાશે."
યુવરાજને માજીએ કહ્યું, " આ મારા પૌત્રે કંઈ ખાધું નથી. આજે જે લોકો દૂધ ચડાવે તેની ધાર પાછળ નીકળે તે પીવડાવીશ. પણ માન્યો જ નહી."
પલમાં વાતનો તાગ મેળવી આ યુવરાજે બીજા લોટામાં થોડું દૂધ કાઢી, બાકી બાળકને આપી દીધું.
જોઈને પૂજારી બોલ્યો, "બાપુ ભગવાનને ચડાવ્યા વગર દૂધ બાળકને ન અપાય."
બાપુ હસીને બોલ્યાં, "પૂજારી કોઈની ભૂખથી બળતી આંતરડી ઠારવી એનું પણ શ્રાવણ માસની શિવપૂજા જેટલું જ મહત્વ કહેવાય, એ શ્રાવણનો સાચો મહિમા મને આજ સમજાયો."
પછી તેમણે સહુ પ્રજાજનોને વિનંતી કરી કે " આખો મહિનો પહેલાં આ ગરીબોને દૂધ પાજો. અને થોડું દૂધ શિવજીને ચડાવજો. "
પછી તો રાજ તરફથી અહિં આખો શ્રાવણ માસ ગરીબોને મફત દૂધનો પ્રસાદ અપાવા માંડ્યો. હવે સહુને શ્રાવણનો સાચો મહિમા સમજાયો હોય તેવું લાગ્યું.
