શોધ- પ્રતિશોધ…
શોધ- પ્રતિશોધ…


“સાહેબ, સાહેબ ! મોટીબેન ! મોટીબેન!” કરતો નાનકડી પ્રાથમિક શાળાનો પટાવાળો નારાયણ દોડતો દોડતો શિક્ષક પતિ -પત્ની પાસે દોડતો આવ્યો અને બોલ્યો: “બહુ નવાઈ જેવું છે. આપણી શાળાની બહાર, કંપાઉંડનો ગેટ ખોલતા જ મેં એક ટોપલીમાં કોઈ નાનકડા બાળકને સૂતેલો જોયો છે. કોઈ દુખિયારી મા મૂકીને ચાલી ગઈ લાગે છે. ચાલો ચાલો, જુઓ અને તેનું શું કરવું તે મને કહો.”
પટાવાળા નારાયણની આ વાત સાંભળતા જ માધવલાલ માસ્તર, પત્ની મીરાબેન સાથે દોડાદોડ ગેટ તરફ ચાલ્યા. જુએ તો એક તૂટેલી -ફૂટેલી ટોપલીમાં એક સાવ નાનું બાળક ગોદડીમાં વીંટળાયેલું -સૂતેલું દેખાયું. લગ્ન પછીના દસ બાર વર્ષોમાં સંતાન જ ન પામેલા પતિ-પત્ની રાજી રાજી થઇ ગયા. આ અનાથ બાળકને અપનાવી લઇ, તેને પોતાનો દત્તક દીકરો બનાવી, તેને ભણાવી ગણાવી મોટો ડોક્ટર બનાવવાનું સપનું જોતા તેમણે એ બાળકને પ્રભુની ભેટ તરીકે સ્વીકારી લઇ, તેનું હોંસે હોંસે પાલનપોષણ શરૂ કરી દીધું. શાળાના પ્રાંગણમાં જ ટ્રસ્ટીઓએ તેમના માટે નાનકડો બે રૂમ-રસોડાનો બ્લોક બનાવી દીધો હતો. વૃદ્ધ પટાવાળો નારાયણ પણ ત્યાં જ એક ઓરડીમાં રહેતો હતો.સાહેબને ત્યાં,મોટીબહેનને ત્યાં પ્રભુ- પ્રસાદની જેમ આવેલ બાળક તેનો પણ લાડકવાયો જ નહિ, હેવાયો પણ થઇ ગયો. તેનું નામ પણ સરસ મઝાનું પાડવામાં આવ્યું શોધન. સમાજના ભાઈ-બહેનો પણ પ્રસન્ન થયા કે માસ્તર – માસ્તરાણીને ઘેર અનાથ બાળક શોધન મોટો થવા લાગ્યો. સમાજના સહુ કોઈએ હરખાઇ હરખાઇને શોધનને ભેટ- સોગાદો આપી આપી તેને અને તેના માબાપને ખુશ ખુશ કરી મૂક્યા. નારાયણના રાજીપાની તો કોઈ સીમા જ નહોતી, કારણ કે તે તો સાવ એકલો જ એકલો હતો. તેનો એકનો એક દીકરો મોટો થઇ દુબાઇ ચાલ્યો ગયો હતો અને તેની પાસે ત્યાં જવાનો વીસા જ નહોતો એટલે એ શાળામાં પટાવાળા તરીકે પ્રસન્ન પ્રસન્ન રહેતો હતો. દુબાઈથી દીકરો અવારનવાર પૈસા મોકલતો રહેતો એટલે તેને પૈસાની તો કોઈ કરતા કોઈ જ ચિંતા કે ખેંચ નહોતી. તેને શાળા સ્થપાઈ ત્યારથી જ આ શાળામાં નોકરી મળી ગયેલી અને તે શાળાના બાળકો અને શાળાના સાહેબ અને મોટીબહેન સાથે એક જ પરિવારનો અવિભાજ્ય સભ્ય બની ગયો હોય તેમ રહેતો હતો. સહુ કોઈ વૃદ્ધ નારાયણને નારાયણદાદા તરીકે જ ઓળખાતા. શોધનને તે પોતાના દુબઈમાં મોટા થઇ રહેલા પૌત્રની જેમ જ જોતો સમજતો થઇ ગયો. વહાલથી તેડે, રમાડે, હેરવે- ફેરવે અને શાળામાં મૂકાયેલા ઝૂલામાં પોતે પણ બેસી તેને ઝૂલાવે અને સાથેસાથે ગાયન પણ ગાય કે:”ઝૂલો…. ઝૂલો … દુ:ખ ભૂલો….. ભૂલો”. શોધનના પાવન પગલે નારાયણના મોટીબહેન મીરાબહેનને સારા દિવસો જોવા મળ્યા. માસ્તર સાહેબ પણ રાજી રાજી થઇ ગયા.
નારાયણની ખુશીનો તો પાર જ ન રહ્યો. શોધન એક વર્ષનો થયો અને તેનો જન્મદિવસ ઉજવાયો તે જ દિવસે મોડી સાંજે નારાયણના મોટીબહેન મીરાબહેને એક પુત્રરત્નને જન્મ આપ્યો અને તેનું નામ શોધનના નાના ભાઈ તરીકે અનુજ રાખવામાં આવ્યું. શોધન તો હવે રમવા માટે નાનો ભાઈ મળતા મોજમાં આવી ગયો. બેઉ ભાઈઓ નારાયણની દેખરેખમાં અને માતાપિતાની પ્રેમાળ છત્રછાયામાં મોટા થતા ગયા. એક જ વર્ષનો ફરક હોવાથી માસ્તર માધવલાલે પોતાના સગા દીકરા અનુજને ડબલ પ્રમોશન આપી-અપાવી પ્રાથમિક શાળામાં જ બેઉને એક જ ક્લાસમાં ભણતા કરી દીધા. અનુજ હવે તોફાની થવા લાગ્યો અને ખોટી સોબતમાં
ઝડપથી બગડતો જવા લાગ્યો. શોધને માતાપિતાનું ધ્યાન ખેંચ્યું; પણ લાડકા દીકરાનો માબાપને કોઈ વાંક દેખાતો નહિ.
તે ભણવામાં પાછળ પડતો ગયો. માતાપિતાની પ્રાયમરી સ્કૂલમાંથી હાયસ્કુલમાં જતા જ તે હાથથી જ જવા લાગ્યો. માબાપને બહુ ગમતું ન હોવાથી અનુજ પણ વારંવાર ફરિયાદ કરવાનું ટાળવા લાગ્યો. તે તો પૂરી ચીવટથી અને મન લગાડી ભવિષ્યમાં ડોક્ટર બનવાનું માતાપિતાનું સપનું સાકાર કરવા પૂરે પૂરો કૃતનિશ્ચય અને પ્રતિબદ્ધ થઇ ગયો હતો.
26મી જાન્યુઆરીના રાજાસત્તક દિને એકાએક જે ધરતીકંપ થયો તેમાં માબાપની પ્રાયમરી સ્કુલ ધ્વસ્ત થઇ ગઈ અને માસ્તર માધવલાલ અને માસ્તરાણી મીરાબહેન બેઉ અનેક બાળકો સાથે એ કુદરતી પ્રકોપમાં મરણ- શરણ થઇ ગયા. નારાયણ કોઈ કામે બહાર ગયેલો હોવાથી ઈશ્વર- કૃપાથી બચી ગયો. બેઉ ભાઈઓ બચી ગયેલી હાયસ્કુલમાં અનાથ થઇ બચી ગયા. નારાયણ તેને મળેલી સરકારી સહાયથી તેમ જ દુબાઈથી મળતી દીકરાની મદદથી શોધન અને અનુજ ની સારી એવી સારસંભાળ લેવા લાગી ગયો. તેના મનમાં સાહેબ અને મોટીબહેનના પુત્રોને ડોક્ટર બનાવવાના સપના સાકાર કરવા માટે સાચી હોંસ હતી, ધગશ હતી. પણ વધતી મોંઘવારી અને ખર્ચાળ થતા શિક્ષણને પહોંચી વળવા માટે તેણે શાળા પાસે જ એક સ્ટેશનરીની દુકાન ખોલી નાનકડો વેપાર શરૂ કરી દીધો. પરંતુ તેની પણ વધતી ઉમરે તેને કમજોર અને દુર્બળ બનાવી દીધો. શોધને નારાયણ દાદાને આરામ આપવા અને નાના ભાઈ અનુજને આગળ ભણાવવા માટે પોતાનું ભણવાનું છોડી દીધું અને દુકાનની જવાબદારી સંભાળી લીધી. હવે નવરાશના સમયમાં અનુજ પણ દુકાને બેસતો; પણ તે ખોટી આદતોના અને ઉડાઉપણાના કારણે ખર્ચાળ થઇ ગયો હતો. દુકાનમાંથી ચોરી કરતો થઇ ગયો અને તેણે ગલ્લાને કાણો કરી દીધો. શોધન તો બીમાર થઇ ગયેલા નારાયણદાદાની સારવારમાં ડોક્ટર અને હોસ્પિટલના ચક્કરમાં જ વ્યસ્ત વ્યસ્ત રહેવા લાગ્યો. અને એક દુર્ભાગી દિવસે જયારે એક તરફ જ્યાં નારાયણદાદા ગુજરી ગયા ત્યારે જ અને ત્યાં જ પાઘડી લઇ દુકાન વેચી દઈ રકમ રોકડી કરી અને નારાયણ દાદાની મૂડી-સંપત્તિ પણ ચોરીને અનુજ મોજ મઝાની અજાણી દુનિયામાં ભાગી ગયો. સહુ કોઈએ અનુજની પોલીસમાં ફરિયાદ કરી, અનુજને સજા કરાવવાની સાચી સલાહ આપી. પણ નાના ભાઈનો પ્રતિશોધ લેવાનો વિચાર સુદ્ધા શોધનને શૂળની જેમ ભોંક્યો. શોધ-પ્રતિશોધ કરતા ક્યાંક વાંચેલું તેને યાદ આવતું રહ્યું “ફરગેટ એન્ડ ફર્ગિવ “-“ભૂલી જાઓ અને માફ કરી દો. ક્ષમા જ જીવનનું ભૂષણ-આભૂષણ છે.”
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ સૂત્રને યાદ કરી તે ક્ષમા દ્વારા વીર બનતો ગયો અને વીરતાપૂર્વક જીવન-સંઘર્ષ કરતો કરતો આગળ અને આગળ વધતો ગયો અને આગળ જતા વેપાર જગત અને ઉદ્યોગ જગતમાં મોટું નામ કમાતો થઇ ગયો. અકસ્માતે અને અનાયાસે તેની જ કંપનીમાં પટાવાળાની નોકરી માટે કોઈ અનુજની અરજી તેણે જોઈ તો આવી નાની નોકરી માટે તો બીજા નીચેના ઘણા લોકો ઇન્ટરવ્યુ લઇ શકે; પણ અરજદારનો ફોટો જોઈ તેણે પોતે ઇન્ટરવ્યુ લીધો અને ભાઈ અનુજને ભેટી, ગળે લગાડી પોતાનો પાર્ટનર બનાવી દીધો. શોધ-પ્રતિશોધ દ્વારા બદલો લેનારા આ જગતમાં આવો બદલાવ જોઈ-જાણી સહુ કોઈ ચકિત- વિસ્મિત રહી ગયા. આવા પણ ભાઈઓ હોય છે એ ચમત્કારપૂર્ણ સત્યના સાક્ષાત્કારે શોધનને હીરો બનાવી દીધો.
(અર્ધ સત્યકથા)