STORYMIRROR

અશ્ક રેશમિયા

Drama Inspirational

4  

અશ્ક રેશમિયા

Drama Inspirational

શિયાળની ઝુંપડી

શિયાળની ઝુંપડી

3 mins
29.5K


એક હતું શિયાળ.

હતું તે બહું જ ચતુર.

એ પોતાને ખુબ જ ચાલાક સમજતું. બુધ્ધિનું જાણે મોટું બારદાન.

એક દિવસ શિયાળે જંગલમાં ઝુંપડી બનાવી! ઝુંપડી સરસ હતી. એમાં ઉનાળમાં ગરમી ના લાગે, શિયાળમાં ઠંડી ન લાગે અને ચોમાસામાં વરસાદનું પાણી ન ઊતરે!

આ શિયાળની નવાઈભરી ઝુંપડી જોવા દૂર દૂરથી આખા જંગલના પ્રાણીઓ આવવા લાગ્યા. કેટલીયે દૂરથી ખેંચાઈને પક્ષીઓ પણ આવતા હતાં. આ બધાને આવતા જોઈ શિયાળ તો ફૂલીને ફાળકું થઈ જતું.

ઝુંપડી જોવા આવતા સૌ કોઈને શિયાળ અભેમાનથી કહે: 'મારા જેવી ગજબની આવડત અને બુધ્ધિ આખા જંગલમાં કોઈનામાં નથી! હું જ જંગલનો અસલી કલાકાર છું!'

આ સાંભળીને સૌ એને શાબાશી આપતા.

એકવાર જંગલમાં વાવાઝોડાની તૈયારીઓ થવા માંડી હતી. એ વખતે શિયાળે હવાની વધી ગયેલી ગતિ પારખી. એ દોડતું ક્યાંકથી લાંબું દોરડું લઈને આવ્યું.ચારેબાજુ મજબૂત ખીલાઓ વડે ઝુંપડી બાંધી દીધી.

એક-બે દિવસ બાદ ફરી જોરદાર વાવાઝોડું આવ્યું. વૃક્ષોના વૃક્ષો ધરાશાયી થઈ ગયા. કિન્તું શિયાળની ઝુંપડીને ઊની આંચ પણ ન આવી.

આ જોઈને એક હરણાએ કહ્યું: 'વાહ!શિયાળભાઈ! તમે તો બહું જ ચતુર હો...! તમે આગોતરી તૈયારી કરીને ઝુંપડીને બચાવી લીધી હો!

'તે હોય જ ને હરણભાઈ! અમથુ જ મારુ નામ બુધ્ધિશાળી શિયાળ પડ્યુ છે! મારી બુધ્ધિને પહોચે એવું આ આખા જંગલમાં કોઈ નથી!' અભિમાનમાં શિયાળ બોલ્યું.

'તમારી હોશિયારીને સો-સો સલામ.' કહીને હરણ ત્યાંથી ચાલતું થયું.

શિયાળની ઝુંપડી જોઈને એક દિવસ એક સસલાને પણ ઝુંપડી બાંધવાનો વિચાર આવ્યો.બીજા દિવસે એણે પણ ઝુંપડી બનાવવા માંડી.

શિયાળની ઝુંપડીને અડીને જ સસલાએ પણ ઝુંપડી ઊભી કરી લીધી.

આ જોઈ શિયાળ અંતરમાં બળવા માંડ્યું. એ રોજ સસલાને ધમકાવે. પરંતું સસલું સિંહ રાજાની બીક બતાવે એટલે શિયાળ ચૂપ થઈ જતું.

આમ કરતાં-કરતાં એક - બે માસ વીતી ગયા. શિયાળ સસલાની ઝુંપડી પાડી દેવાની નવી-નવી યુક્તિ વિચારવા લાગ્યું.

એક દિવસ એને એક યુક્તિ સૂઝી આવી.

સાંજની વેળા હતી.

શિયાળ વહેલું જમીને પરવારી ગયું.

એ સસલા પાસે ગયું. કહેવા માંડ્યું: 'અલ્યા સસલા ! હું આજની રાત જરા મારા દૂરના સગાને ઘેર જાઉં છું. કાલે તો વહેલું આવી જ જઈશ. ત્યાં સુધી મારી ઝુંપડીનું ધ્યાન રાખજે હો ભાઈ.'

સસલાએ રાજી થઈને હા ભણી.

એટલે શિયાળ તો ખુશ થતું થતું થોડે દૂર ગયું. એટલામાં રાત પડી ચૂકી હતી.

શિયાળે તો સસલાની ઝુંપડી બાળી નાખવાની યુક્તિ કરી હતી!

સસલો ફરિયાદ કરે તો કહેવા થાય કે એ તો રાત્રે બહારગામ ગયું હતું.

રાતના ત્રણેક વાગ્યા હશે ને શિયાળ પોતાની યુક્તિ મુજબ લપાતું-છુપાતું ઝુંપડી પાસે આવી પહોચ્યું.

ધીરે રહીને એણે સસલાની ઝુંપડીને આગ ચાંપી દીધી!

પછી ધીમે ડગલે દૂ...ર નાસી ગયું. અને દૂર ઊભું-ઊભું સસલાની ઝુંપડી સળગવાનો તમાશો જોતું રહ્યું. મનમાં ને મનમાં ખુશ થતું હતું. જોતજોતામાં મોટી આગ ભભુકી ઊઠી! સસલાની ઝુંપડી ભેગી શિયાળની ઝુંપડી પણ સળગવા માંડી! બંનેની અડધી-અડધી ઝંપડી સુધી આગ પહોંચી હતી ને એવામાં સસલું જાગ્યું! જુએ છે તો આગ જ આગ!

બિચારું સસલું તો સાવ ગભરાઈ જ ગયું.

બેબાકળું બનીને એ આમતેમ દોડવા માંડ્યું. એણે તો પછી બૂમાબૂમ કરવા માંડી: 'દોડો રે સૌ દોડો ....મારી ઝુંપડીને આગ લાગી રે આગ લાગી....!'

સસલાનો ચિત્કાર સાંભળીને આસપાસ વસતા સૌ પ્રાણીઓ દોડતા આવી ગયા. સૌએ ડોલ ભરીભરીને આગને કાબૂમાં લેવાની કોશિષ કરવા માંડી. એટલામાં હરણભાઈ આગ ઓલવવાવાળા હાથીભાઈને બોલાવી લાવ્યા. હાથીભાઈ તો સૂંઢ લાંબી કરીને પાણીનું ધારેધાર કરવા લાગ્યા.પરંતું એટલામાં તો બંને ઝુંપડી બળીને ખાખ થઈ ચૂકી હતી.

પરોઢ થતા તો વનમાં હાહાકાર મચી ગયો.

શિયાળ દૂરથી આવતું હતું.એણે બધા જ પ્રાણીઓને ભેગા થયેલા જોયા એટલે તાગ પામી જ ચૂક્યું હતું. તેથી એ આ બીનાથી સાવ અજાણ જ હોય એવો બનાવટી ડૉળ કરીને મંદ-મંદ ચાલે ચાલ્યું આવતું હતું. એ મનમાં બહું જ ખુશ હતું.

શિયાળને આવતું જોઈને સૌ પ્રાણીઓએ એના તરફ દોટ મૂકી.બનેલી ઘટનાની સત્વરે વાત કરી.

શિયાળ પોતાની ઝુંપડી સળગેલી જોઈને રડમસ બની ગયું.કાપો તો લોહી ન નીકળે. એ પોકે-પોકે રડવા લાગ્યું. ભેગું સસલું પણ રડ્યું.

બધા પ્રાણીઓએ બંનેને લાગણીભીની સાંત્વના આપી. અને સૌ વિખરાઈ ગયા.

પછી એકલું પડેલું શિયાળ રાખના ઢગલા તરફ જોતું મનમાં બબડ્યું:'સાલું......! ગજબ થયું...! હાથના કર્યા હૈયે જ વાગ્યા હો...! ખુદના હાથે જ ખુદનું ઘર ઉજાડ્યું...!?'

અને એ ફરી જોરથી રડી પડ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama