શિક્ષણ
શિક્ષણ
આ ઘરનાં પ્રવેશદ્વારથી અંદર જતા મોટો લંબચોરસ રૂમ. જેમાં ડ્રોઇંગરૂમ અને ડાઈનીંગરૂમનો સમાવેશ થઈ જાય. ઘરના પ્રવેશદ્વારમાં ઊભા રહીને જોઈએ તો સામે જ એક બેડરૂમ દેખાય. અંદર જતા ડાબી બાજુ રસોડું, એની બાજુમાં એક બેડરૂમ. એ બેડરૂમની સામે સીંક તથા ટોયલેટ - બાથરૂમ.
આ બે બેડરૂમ, હોલ કિચનના ફલેટમાં રહેતી આરતી ટ્યુશન પુરા કરી કોફી પીતા બારીની બહાર જુએ છે.આરતી અત્યારે સવાર-સવારમાં કોફીનો સ્વાદ માણે છે. ત્યાં જ ડોરબેલ વાગતા આરતી ઝબકી જાય છે.
આરતી દરવાજો ખોલે છે. કચરો લેવા માટે સવિતાબેન ઊભા હોય છે. દરરોજ સવિતાબેન એકલા આવતા હોવાથી આરતી કચરો આપી દેતી હોય છે. આજની વાત જુદી છે. આજે સવિતાબેન સાથે એક આઠ- દસ વર્ષની છોકરીને જોઈ આરતી થંભી જાય છે. આરતી સવિતાબેનને પૂછે છે કે આ તમારી બેબી છે ?
શાળાએ જતી નથી ? સવિતાબેન દુઃખી થઈને કહે છે કે અમારા બાળકોના નસીબમાં વિદ્યા ક્યાંથી હોય ? આરતીએ સમજાવ્યું કે સરકારી શાળામાં મોકલો. ત્યાં શાળામાં સાત્ત્વિક મધ્યાહન ભોજન પણ ઉપલબ્ધ હશે.
બાળ મજૂર ઊભા થાય એ દેશની વિટંબણા છે. તમારે ગરીબીની હીન ભાવના સાથે જીવવાની જરુર નથી. . હું ટ્યુશન આપું છું. તમારી બેબી લખતા વાંચતા શીખી જશે. અત્યારે આઠથી સાડાનવનાં સમયમાં આવતા વિદ્યાર્થીઓ હમણાં જ ગયા. હવે આવતીકાલથી સવારે આઠ વાગ્યે મૂકી જજો. આરતીએ પૂછ્યું કે તમારી બેબીનું નામ શું છે ? સવિતાબેનને કહ્યું કે માધવી.
માધવી: હું મારી 'માં' ને મદદ કરવા માગું છું. હું ભણવા નહીં આવું.
આરતી: અરે ! મદદ તું ભણ્યા પછી કરજે ને, અત્યારે નહીં.
માધવી: એ કેવી રીતે ? અત્યારે તો ખર્ચ જ થાય ને ! પેન, પુસ્તકો, વગેરે....
આરતી: હું તને પેન પુસ્તકો અપાવી દઈશ. પછી તો ભણીશ ને ?
માધવીએ હા પાડી.
-- બીજા દિવસની ખુશનુમાં સવાર.
આરતી ખુબ જ ચિંતામાં હોય છે કે માધવી આવશે કે નહીં ? દરરોજના સમયે સવિતાબેન કચરો લેવા આવ્યા. આરતીએ ફટાફટ દરવાજો ખોલ્યો. સવિતાબેન જોડે માધવીને ન જોતા આરતી નિરાશ થઈ. આરતીએ પૂછ્યું કે માધવીને કેમ ન લાવ્યા ? સવિતાબેને પૂછ્યું કે બેન, તમારી ફી કેટલી ? આરતી સમજી ગઈ કે ગઈકાલે 'ફી' ની ચોખવટ ન કરી એટલે આજે માધવીને નથી લાવ્યા. આરતીએ સવિતાબેનને ધરપત આપી કે હું પૈસા નહીં લઉં. માધવીને ભણાવો. આવતીકાલે માધવીને લઈ આવજો.
આરતી સવિતાબેનને 'દેશી હિસાબ' આપે છે. પાછું ભાર દઈને માધવીને લાવવાનું કહે છે. સવિતાબેનને આરતીની વાતમાં માધવીની ચિંતા અને પ્રેમ દેખાયો. આરતીએ પણ સવિતાબેનના ચહેરા પર સંતોષની રેખા ખેંચાતી જોઈ ખુશી અનુભવી.
ત્રીજા દિવસે:
આરતીને ગરીબ બાળકો પ્રત્યે ખુબ લાગણી છે. ખાસ તો બાળકોને શિક્ષણ મળે એ અભિગમ એના જીવનમાં વણાયેલો છે. આરતી માધવીના આગમનને વધાવવા ઉત્સાહિત હોય છે.
થોડી વાર પછી .....
સવિતાબેન અને માધવીનો પ્રવેશ-
આરતી ખુશખુશાલ થઈ જાય છે. આરતી માધવીને ચોકલેટ અને સવિતાબેનને ચા આપે છે. માધવીને મનથી ઉત્સાહ હોવાથી ઝડપથી વિદ્યા ગ્રહણ કરે છે. જીવનમાં શિક્ષણનો ઉપયોગ,જરૂરિયાત અને મહત્વ સમજાવે છે.
બે વરસ પછી આરતીના પતિની બદલી બીજા શહેરમાં થાય છે. આરતી અને માધવીના વિયોગની ઘડી એટલે ત્રણેયની આંખોમાં ચોમાસું. (આરતી, સવિતાબેન, માધવી ) હ્રદયના ભાવો પણ અજીબ હોય છે. લોહીના સંબંધ વગર પણ ખેંચાણ અનુભવાય છે. સવિતાબેન અને માધવી આરતીને ક્યારેય ભૂલી નહીં શકે. આરતીને એ જ ચિંતા રહે છે કે માધવીના મનમાં જાગેલ વિદ્યા-પ્રેમ અધૂરો પ્રેમ ન બની રહે તો સારું. પોતે કરેલ વિદ્યા એ સંસ્કાર ભૂલી ન જાય.
વીસ વરસ પછી....એક કોલેજ :-
આરતી એકલી પોતાની બેબીના એડમિશન માટે કોલેજે આવે છે. આરતી બંને બાજુ વૃક્ષની હારમાળા, વચ્ચે પગદંડી પર વિખરાયેલ ગુલમહોરની પાંદડી, નજર સામે ભવ્ય આલીશાન કોલેજનું બિલ્ડીંગ અને મોટું ખુલ્લું મેદાન જોઈ અનેરી ખુશી અને રોમાંચ અનુભવે છે. આગળ ચાલતાં છુટા છવાયાં નાના મોટા ભવન નજરે પડે છે. આરતી એ ભવનમાં લેબોરેટરી, લાઈબ્રેરી, કોમ્પ્યૂટર રૂમ, કેન્ટિન વગેરેનો સમાવેશ થતો હશે એવું અનુમાન કરે છે.
આરતી લોબીમાં ચાલતા ચાલતાં એડમિશન ઓફિસ પાસે આવીને અટકે છે. માધવીના નામની તકતી જોઈ કંઈક ખેંચાણ અનુભવે છે. દરવાજા પર નોક- નોકનો અવાજ સાંભળી માધવીનો સ્વર ગુંજી ઊઠે છે...યસ, પ્લીઝ કમ ઇન.
આરતી માધવીની ઑફિસમાં પ્રવેશે છે. બંને એકબીજા સામે જોઈ રહે છે. ત્યાં તો માધવી આરતીના પગ પર અશ્રુઓનો અભિષેક કરે છે. પોતાનામાં વિદ્યા પ્રેમનું નિરુપણ કરનાર ગુરુને શત શત પ્રણામ કરે છે.
