શહેરની એ સાંજ
શહેરની એ સાંજ
શહેરમાં અત્યારે વરસાદી માહોલ હતો. સાંજ ના ૬:૩૦ વાગ્યા હતા. થોડા સમયમાં નોકરી કરનાર પોતપોતાના ઘરે જવાની તૈયારી કરતા હતા. વરસાદી માહોલને કારણે નોકરી કરનારને વરસાદ પડે એ પહેલાં ઘરે પહોચવાની ઉતાવળ એમના ચહેરા ઉપર દેખાતી હતી. ક્યાંક ક્યાંક ચા ના રસિયાઓની ભીડ ટપરી ઉપર ભેગી થઈ રહી હતી. એવી જ રીતે ગરમાગરમ દાળવડા ખાવા માટે પણ લારી ઉપર ભીડ જામી હતી. અચાનક જ એક ધીરગંભીર વાદળ વરસી પડયું અને જેમને પલળવું નહોતું એ બધા પલળાય નહિ એ રીતે નજીકમાં જગ્યા જોઈને જતા રહ્યા. જેને પલળવું જ હતું એ બધા મોસમનો આનંદ લઈ રહ્યા. ક્યાંક ક્યાંક ઓફિસ છૂટયા પછી પ્રેમીઓના
મિલન થતાં હતાં તો ક્યાંક એમને છૂટા પડવાની વેદના હતી અને ક્યાંક ક્યાંક હજુ પણ આવનારા દિવસોમાં ધંધાનો વિકાસ કઈ રીતે કરી શકાય એના માટેની મિટિંગ ચાલુ હતી. એ બધા પણ હવે આ મિટીંગથી કંટાળેલા અને ક્યારે એ પૂરી થાય એની રાહ જોતા હતા. ક્યાંક ઘરે વહેલા પહોંચવાની ઊતાવળમાં ચાર રસ્તા પર ટ્રાફિક જામ કરી ને હોર્ન ઉપર હોર્ન વગાડતા લબરમુછિયા હતા તો કોઈ ધીરજ રાખી પોતાનો વારો આવે તો સડસડાટ નીકળી જવાય એની રાહ જોઈ રહ્યા હતા. શહેરની સાંજ આમ જ ભીડભાડમાં પુરી થાય છે. શહેરના માણસો માટે સાંજને માણવા માટેનો સમય જ નથી હોતો. એમને તો બસ નોકરી ધંધાનો સમય સાચવવાની ટેવ હોય છે.