યાદગાર મુલાકાત
યાદગાર મુલાકાત
એ મુલાકાત મને હંમેશા યાદ રહી છે. આજથી લગભગ પંદર વર્ષ ઉપરની આ વાત છે. હું મારા પરીવાર સાથે સુંધામાતાના દર્શન કરવા નીકળ્યા હતા ત્યારની છે.
અમદાવાદથી અમે એટલે કે હું - મારી પત્ની અને મારો ભત્રીજો અને એની પત્ની સાથે બીજો એક પરિવાર આમ અમે છ જણા સુંધામાતા એ જવા નીકળ્યા.પોતાની કાર હતી એટલે બીજી કોઈ તકલીફ ન હતી. અમે લોકો લગભગ સાંજે ચાર વાગે નીકળ્યા. અહીંથી લગભગ છ થી સાત કલાકનો રસ્તો છે. એટલે અમારી ગણતરી એવી હતી કે રાત્રે દસ વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જઈને સવારે મંગળાના દર્શન કરીને પરત આવીશું.
અમે લોકો નીકળ્યાને આશરે ચાર કલાક જેવું થયું હતું. હવે આશરે બે કલાક જેવું બાકી હતું.રસ્તો એકદમ સુમસામ હતો. એ રસ્તા ઉપર કોઈ ચાલું પણ ફરકતું નહોતું. અચાનક મારા ભત્રીજાએ કહયું કે "કદાચ હું રસ્તો ભૂલી ગયો છું. આ રસ્તો કદાચ સુંધામાતાએ નથી જતો." અમે સૌ એની વાત સાંભળીને ગભરાઇ ગયા. કારણ કે એ રસ્તે કોઈ માણસ દેખાતું નહોતું કે જેને આગળનો રસ્તો પૂછીએ. ક્યાંક કોઈ દેખાય એવું કરતાં કરતાં બીજા બે-ત્રણ કિલોમીટર આગળ વધી ગયા. અચાનક અમને અમારી ડાબી બાજુએ દૂર કોઈ તાપણું કરીને બેઠું હોય એવું લાગ્યું. અમે ત્યાં જઈને પુછવાનું નકકી કર્યું. કાર ઊભી રાખી ને અમે બે જણા હજુ દરવાજો ખોલીને બહાર આવ્યા ત્યાં જ સફેદ કપડાં પહેરેલા એક ભાઈ ઓચિંતા જ અમારી જમણી બાજુ પરથી ચાલતા અમારી પાસે આવ્યા. ઓચિંતા આવ્યા એટલે અમે સહેજ ગભરાઇ ગયા પણ પછી હિંમત કરીને એને સુંધામાતા જવાનો રસ્તો પૂછયો. એટલા ગભરાયેલા હતા કે એ ભાઈને ગુજરાતી ભાષા ખબર પડે છે કે નહીં એવો કશો વિચાર જ ના આવ્યો. અમે ગુજરાતી ભાષામાં પુછયું અને એણે એની ભાષામાં જવાબ આપ્યો.
અત્યાર સુધી તો બધું બરાબર હતું પણ એમનો આભાર માનીને અમે અમારી કાર બાજુ વળ્યા જ છીએને એમ થયું કે એ ભાઈને આજબાજુ કોઈ હોટલ વિષે પૂછીએ.જેવા અમે પાછા ફર્યા અને જોયું તો ત્યાં આગળ અને દૂર દૂર મેદાનમાં કોઈ પણ વ્યક્તિ દેખાતી નહોતી. અમે એમને બુમ પાડી પણ એ ભાઈ જાણે હવામાં ઓગળી ગયા હોય એવું લાગ્યું. પછી તો બધાની જે ફાટી છે. માંડમાંડ અમે લોકો સુંધામાતાએ પહોંચ્યા. આજે એ વાતને આજે પંદર વર્ષ થયાં પણ આજે પણ એ યાદ આવે છે ને એક ધ્રુજારી છૂટી જાય છે..

