વાસુદેવ
વાસુદેવ
આરતી અને અશોકના લગ્ન હજુ એક વર્ષ પહેલાં જ થયા છે. આ વખતે એમણે એમના લગ્નદિનની ઉજવણી કરવાનું નક્કી કર્યુ. એમણે બંનેના પરિવાર સાથે ઉજવવાનું નકકી કર્યું. બંને જણાએ પોતપોતાના ઘરે ફોન કરીને કહ્યું. સમય- વાર - જગ્યા બધું જ પંદર દિવસ પહેલાં નકકી કરી રાખ્યું જેથી છેલ્લા સમયે તકલીફ ન થાય.
બધું જ લગભગ બરાબર ગોઠવાઈ ગયું હતું. બધા લોકોને ફોન ઉપર જાણ કરી દીધી. એ દિવસ પણ આવી ગયો. આજે સાંજે એ લોકો એમની પહેલી લગ્નતિથિ ઉજવવાના હતા. અત્યાર સુધી તો બધું જે પ્રમાણે નકકી કર્યું છે એ પ્રમાણે થઈ રહ્યું છે. આરતી અને અશોક હોટલ જવા નીકળ્યા.
હોટલમાં એમણે આમંત્રણ આપેલા એમના બધા જ સગા વ્હાલા આવી ગયા છે. કેક કાપવાની તૈયારી થઈ ગઈ છે અચાનક જ કોઈએ બૂમ પાડી " અશોક " . . અશોકે જોયું તો એના દૂરના એક સગા રમણલાલ આવ્યા છે આ બૂમ એમણે પાડી છે. એમને આવેલા જોઈને જ અશોકના માતા પિતા એકદમ જ ખુશ થયા. એ લોકોએ આગળ વધીને એમના આશીર્વાદ લીધા. આરતી અને અશોકને પણ હું આશીર્વાદ લેવાનું કહ્યું. અશોક એના માતા પિતાની સામે જોઈ રહ્યો. તેમણે ઈશારાથી અને આરતી બંનેને પગે લાગવા કહ્યું. એ બંને જણા ચૂપચાપ પગે લાગે છે.
બીજા દિવસે એણે એના માતા પિતા ને રમણલાલ વિષે પૂછ્યું ત્યારે ખબર પડી કે ખરેખર તો અશોક એ રમણલાલનો દીકરો હતો. એની માતા મા બની શકે એમ નહતી. એટલે રમણલાલે એમનો દીકરો આપ્યો હતો. આરતી અને અશોક આ સાંભળીને અવાચક જ થઈ ગયા. આજ સુધી અશોક એમને જ એના ખરા માતા પિતા સમજતો હતો.
રમણલાલે જે ઉપકાર કર્યો હતો એ વિષે એમણે આજ સુધી કોઈને કંઈ પણ કહ્યું નહોતું. અશોક જાણે એમનો સગો દીકરો છે એવું ક્યાંય પણ જાહેર નથી કર્યું. થોડા દિવસ પછી અશોકના નામે એક ટપાલ આવી. તેણે ખોલીને જોયું તો અંદરથી વસિયતનામું નીકળે છે. રમણલાલે પોતાની સ્થાવર- જંગમ જે કંઈ પણ મિલકત છે એ બધી જ અશોકના નામે કરી છે એવો દસ્તાવેજ છે. સાથે એક પત્ર પણ હતો જેમાં એમણે અશોકને જણાવ્યું કે મને શોધવાનો પ્રયત્ન ના કરતા, હું હવે સાધુ સંતોની સેવા કરવા નીકળી ગયો છું. ભગવાન તને અને આરતી ને દીર્ઘાયુષ્ય કરે. આ વાંચીને આરતી અને અશોક ચોધાર આંસુ વહાવી રહ્યાં.
