સાટાપેટાં જૂનો રિવાજ
સાટાપેટાં જૂનો રિવાજ
"અરે ઓ મારી મીઠી માવાની કાજુ કતરી જેવી કાજુડી જો હું આવી ગયો."
કહેતાંક રણની ઊડતી ધૂળમાં સાયકલ ચલાવીને આવતાં કાનીયાએ હરખથી વહાલી કાજુડીને બૂમ પાડીને સાયકલ રેતમાં ફેંકીને દોડીને કાજુની પાસે જઈને થાક અને ગરમીના કારણે હાંફવા લાગ્યો.
"મધુર મુલાકાતનો હરખ હૈયે અનેરો છલકાય છે
મુસ્કાન પ્રિયાની જોઈ, સઘળો થાક પણ દુર થઈ જાય છે."
કાજુડી પોતાનાં વહાલાં પ્રિયતમને જોઈ મલકાઈને માફી માગતાં બોલી, "કાનીયા મારુ તો કાળજું કપાઈ રહ્યુ છે. આવી ગરમી અને વાવાઝોડામાં તને ગામડેથી વીસ કિલોમીટર દુર બોલાવીને મેં તને ખુબ જ હેરાન કર્યોં છે પણ કામ જ એવું જરૂરી હતું."
વચ્ચે જ કાજુડીને બોલતી રોકીને કાનીયો બોલ્યો, "મારી લાલ ચટાક ટામેટી તું મારાં વહાલનાં વરસાદ વગર મુરઝાઈ રહી છે. હાલ જરીક ઓરી આવ તને પ્રેમરંગથી રંગી નાખું."
"જાને હવે વાયડાં ! આ કોઈ હસવાની વાત નથી. કાજુડી મોઢું ફુલાવીને બોલી,
"એટલે દૂરથી હું તને કદીય બોલાવું જ નહીં પણ જોને મારી હાલત ! મારો બાપો પેલાં દારૂડિયા ઝેણીયાં હારે તેની બહેનનું લગ્ન મારાં ભાઈ હારે કરવાં માટે મારાં 'સાટાપેટાં' કરી મારાં લગ્ન કરાવવાં માંગે છે. અરે આપણામાં સતાપેટાનો આ રિવાજ મને ખુબ જ ખરાબ લાગે છે.
"પણ કાજુડી તારાં ભાઈ મોહનને પણ ઝેણીયાંની બહેન રાધાડી ગમે છે હોં. ઘણીવાર મીઠાનાં ઢગલાં પાછળ મેં છાનામાનાં મળતાં જોયા છે આપણી જેમ." કાનીયો કાજુને હસાવવાં બોલ્યો.
પણ કાજુડી રડવા લાગીને બોલી, "પણ ઈનાં હારું મારુ જીવતર ધૂંળધાણી થઈ રહ્યુ છે તેનું શું ? તું તો કાંઈ કરતો જ નહીં. આ ચોમાસામાં રણમાંથી ઘેર જતાં જ મારાં લગ્ન કરાવી દેશે."
"વેદના ભીતરની જલતી આગ સમાન કેમ સ્હેવાય
સમજે કોઈ પોતાનું, તો જરા ધીરજ ધરી એ સ્હેવાય."
કાનીયો બાવડેથી પકડીને કાજુડીને સમજાવતાં બોલ્યો, "ડફોળ આપણા પ્રેમ પર ભરોસો રાખ. ભગવાન આપણને કદાપિ અલગ નહીં થવાં દે. ભાગીને લગ્ન કરવાં કરતાં જયારે તને મારાં પ્રેમનો સાચો અહેસાસ થાય ત્યારે દોડીને આવતી રેજે સમજી ! દુનિયા સામે લડી લેવા હું તૈયાર છું."
"તો બેઠો બેઠો જોજે મારાં લગ્ન ઝેણીયાં હારે થાય તે. તને કોઈ કુંવારી છોડીનાં હદયની વાત સમજતાં આવડતું જ નથી. હવે તારી હારે બોલવું જ નહીં. હું તો આ હાલી મારાં છાપરે." કહીને કાજુડી રિસાઈને જતી હતી.
કાનીયો બોલ્યો, "તું ભલે રિસાય હું રાહ જોઇશ લગ્ન સુધી અને પછી નહીં મળે તો ગામનાં મોટા તળાવમાં પડીને મરતાં મરતાં પણ રાહ જોઇશ."
કાજુડી ગુસ્સે થઈને બોલી, "સાવ બીકણ બાયલો છે તું,એક ખુબ પ્રેમ કરતી છોડીને ભગાડી જવાની પણ હિમત નથી ને વાતોનાં ભડાકા કરે છે. તું શું મરી શકવાનો.?" કહીને ફરી ચાલતી થઈ અને પોતાની સાઇકલ ઉભી કરીને દુખી થતી બેસી ગઈ.
કાનીયો બોલ્યો, "એય ડોબી તારાં વગર આ કાનીયો પણ થોડો જીવી શકવાનો ? તારો બાપ ગમે તેવાં સાટાપેટાં કરે પણ મારાં પ્રેમને થોડો કોઈ મારી શકવાનું છે ? તારુ દલડું માને તો રેજે નકર કાનીયાનાં દિલમાં તો કાયમ રહેવાની જ છે ઈ યાદ રાખજે."
"નહીં સાંભળવી તારી કોઈ વાત હવે તો બસ રામ રામ." કહીને કાજુડીએ રીસમાં સાઇકલ દોડાવી મૂકી અને કાનીયો ગરમ રેતમાં ઢીચણીએ થઈને માથું બે હાથે દબાવીને દુખી થઈને બેસી ગયો. કાજુડી પણ થોડે દુર ગયાં પછી હીબકાં ભરતી પેન્ડલ મારવાં લાગી.
સાટાપેટાં એટલે કે બંને પક્ષે ભાઈ-બહેન સામાં પક્ષનાં ભાઈ-બહેન હારે લગ્નસંબંધ. આ કચ્છનાં રણમાં વસતાં અગરિયા પરિવારોનો જૂનો રિવાજ છે. જો કોઈને દિકરી ન હોય તો ઘણાં જુવાનો આજેય કુંવારા રહેં છે. સમાજ બહારની પૈસા ખર્ચીને વહુ લાવવી પડે પણ તેમાં પૈસાનો ધુમાડો થાય. રણમાં છાપરામાં મેહનત કરતાં એટલા પૈસા ભાગ્યે જ ભેગાં થઈ શકે. આ રિવાજનાં કારણે કાજુડીનું જીવન દાવ પર લાગ્યું હતું. તેનાં ભાઈ મોહનની પસંદની કન્યા ઝેણીયાંની બહેન રાધા તો સારી હતી પણ તેનો ભાઈ જેનું લગ્ન કાજુ સાથે કમને થવાનું હતું તે ઝેણીયો કાજુ કરતાં પંદર વર્ષ મોટો અને દારૂડિયો હતો.
ચોમાસુ નજીક આવતાં રણમાંથી મીઠું ગાડીઓ ભરાવીને પોતાનું આઠ મહિના માટેનું ઘર એવી છાપરી ઉખેડીને ટ્રેકટરમાં ભરીને સહુ અગરિયા પરિવારો ગામડે આવ્યાં. રણ હવે વરસાદ અને નદીઓનાં પાણી આવતાં દરિયો બની ગયું. હવે અગરિયાઓની લગ્ન સીઝન શ્રાવણ મહિનામાં શરૂ થઈ. વરસાદ ઘણો વરસવા લાગ્યો પણ કાજુડીનાં વિરહની આગમાં જલતાં હૈયામાં ટાઢક વળતી ન હતી.
"વિરહી મન વ્યાકુળ ઘણું, વરસતા વરસાદમાં
લેવો છે હવે તો મારે, તારો હાથ મારાં આ હાથમાં."
લગ્નનો સમય આવતાં બંને પક્ષે ભાઈ-બહેનને પીઠી ચોળવામાં આવી અને રિવાજ મુજબ પાંચ દિવસ પસલી ભરાવવાં સહુ ગીતો ગાતાં પોતાનાં સગાં સબંધીને ત્યાં જતાં અને રાત્રે ગરબા ગાતાં હતાં,
"ઉંચી તળાવળીને પાળે છબીલા, રંગ લાગ્યો રે
વહાલો મળવાં આયો છબીલા, રંગ લાગ્યો રે
હે રંગ લાગ્યો રંગ લાગ્યો, છબીલા રંગ..
ગરબા ગાતાં ધીરેથી કાજુને ઈશારો કરીને બાજુની નવેરીમાં બોલાવીને કાનીયો કોઈ જુવે નહીં તેમ કાજુડીના ગાલે હલ્દી લગાવીને ધીરેથી બોલ્યો,
"પીઠી તો તારાં ગાલે મારાં નામની જ શોભે છે મારી છબીલી !"
"કાનીયા કાલે મારાં લગ્ન છે કોઈ જોઈ જાહે તો ફજેતી થાહે હોં." કહીને કાજુડી ચાલી.
"ફજેતી તો તું કરવાની જ છે. મારી અને કાજુડીની પ્રીત રંગ લાવવાની જ છે." બહાર જતી કાજુડીને કાનિયાએ હસીને કહ્યું.
"જા ને હવે ખુશ રહેજે એકલો." કાજુડી આખરી શબ્દો બોલીને ગઈ.
બીજે દિવસે ઢોલ શરણાઈ સાથે બંનેનાં લગ્ન થઈ ગયાં. રાધા ભીતર હરખાતી હતી જયારે કાજુડી રડતી હતી. દહેજમાં મોહને કાજુડીને પ્રિય નવી સાઇકલ આપી. લગ્ન બાદ સુહાગરાતે ઝેણીયાનાં નાનકડાં માટીનાં ઘરમાં ખાટલે બેઠેલી કાજુડી હજીય પણ કાનીયાને જ યાદ કરતી હતી. બહાર ઝરમર વરસાદ પડી રહયો હતો અને ઝેણીયાનાં અવાવરું ઘરમાં ચુઆં થતાં પાણીના ટીપાં ટપક ટપક કાજુડીના પગ પર પડી રહ્યાં હતાં. પરણ્યાની પહેલી રાતે પણ કાનીયાનો જ પ્રેમરંગ ભીતર છલકાઈ રહયો હતો. તે મનમાં વિચારતી હતી કે,
"શું કાનીયો સાચું કહેતો હશે ? મારે જ આ સાટાપેટાંનાં ખોટા રિવાજનું બંધન તોડવાની જરૂર હતી ? કાનિયાએ તો મને ગમે ત્યારે દોડીને આવવા કહ્યું છે પણ હું આ ખોટા રિવાજનું બંધન કેમ તોડી શક્તી નથી ? અને જો મારો કાનીયો આ દુખ સહન નહીં કરે અને સાચે જ તળાવમાં પડીને મરશે તો તેનાં વગર હું કેમ કરી જીવીશ ?
અચાનક ઘરનું ભંગાર બારણું ખખડતાં કાજુડીએ ચમકીને જોયું તો, ઝેણીયો દસ પંદર દેશી દારૂની કોથળીઓ ઢીંચીને લથડતો અંદર આવ્યો. હજીય બે કોથળી દારૂની હાથમાં હતી. ઠેસ વાગતાં જ કાજુડીના પગમાં પડતાં બોલ્યો,
"કેટલાંય દિવસથી 'બૈરું બૈરું ' કરતો હતો અને તારુ રૂપ જોઈને તને જ મારાં ઘરમાં બેહાડવાની ઇચ્છા હતી પણ તારો બાપો માનતો ન હતો. એક મહિનો દારૂ પાયો ત્યારે નેઠ મંડાણો. તારાં બાપને તો પેલાં કાનીયા હારે તારુ લગ્ન કરવું હતું. હવે તું ઘરમાં આવી ગઈ એટલે મારુ કામ પૂરું. ઝેણીયો હવે સ્વર્ગમાં."
કાજુડીને આ દારૂડિયા બદમાશ ઝેણીયાં પર પ્રેમ નહીં પણ ખુબ જ ગુસ્સો આવ્યો અને સાચી વાત ખબર પડી કે, તેનાં બાપા પણ તેનું લગ્ન કાનીયા હારે કરવાં માગતાં હતાં પણ આ ઝેણીયો તેમને ભોળવીને પરણી ગયો. હવે બરાબરની ભડકીને કાજુડી અચાનક બોલી ઉઠી,.
"મૂવો આ સાટાપેટાંનો રિવાજ કેટલીય છોડીઓનાં ભવ બગાડે છે."
ઝેણીયો ઊભો થતાં બોલ્યો, "અરે આ રિવાજ તો અમારા જેવાં માટે આશીર્વાદ જેવો છે નહીંતર આવી તારાં જેવી લાલ ટામેટી જેવી નવીનકોર બૈરી મને કોણ આપે ?
કહેતાંક તે કીચડમાં રગદોળાયેલો ગારાંવાળો હાથ કાજુ સામે લંબાવીને તેને પકડવા ખાટલાં પાસે આવવાં લાગ્યો. જેમ તે નજીક આવ્યો તેમ કાજુડીનો ગુસ્સો અને કાનીયા પ્રત્યેનો પ્રેમ જાગવા લાગ્યો. હવે તેનામાં હિમત સાચી પ્રગટી અને રણચંડી બની ગઈ.
"તૂટતાં બંધ ધીરજ કેરો, નારી બંને છે રણચંડી
હેત કરો તો વહાલી, દગો કરતાં બંને ઈ રણચંડી."
ઝેણીયાંને જોરથી પેટમાં એવું પાટુ મારુ કે તે બૂમ પાડીને સામી ભીતે ભટકાઈને નીચે પડ્યો. અને કાજુડી પોતાની કપડાં ભરેલ પટરાંની પેટી ભાઈએ આપેલ નવી સાઇકલ પર બાંધીને વરસતાં વરસાદમાં નીકળી ગઈ પોતાનાં કાનીયાને શોધવા. સીધી જ તળાવની પાળ તરફ સાઇકલ દોડાવી.
નીચે પડેલો ઝેણીયો માંડ માંડ ઊભો થયો અને બોલ્યો,
"ગમે તેટલું ભાગે સાટાપેટાંની જાળમાં ફસાયેલી માછલી જેવી તું બહાર નહીં નીકળી શકે." કહેતાંક તે સાઇકલ લઇને સીધો જ કાજુડીનાં ઘેર પહોંચ્યો અને સુહાગની સેજ પર બેઠી મધુર પ્રણયરંગમાં રંગાયેલ પ્રેમીજોડાંને વિખૂટાં પાડવા મોહનનાં બારણે સાંકળ ખખડાવતાં ચમકીને મોહને રાતે દરવાજો ખોલતાં ઝેણીયાંને જોતાં જ તેનાં હૈયામાં ધ્રાસકો પડ્યો. ઝેણીયો તાડુકીને નશામાં બોલ્યો,
"રાધાડી બહાર નિકળ ઝટ ! મારી સાથે દગો થયો છે. કાજુડી ભાગી ગઈ અને હવે સતાપટાં ફોક કરી નાખીએ. તું પણ હાલ મારી હારે ઘેર એટલે કાલ નાત ભેળી કરીને ન્યાય કરીશુ આનો."
મોહન ગભરાયો તે વ્હાલી રાધાને છોડવાં માગતો ન હતો પણ રિવાજ મુજબ એક તૂટે તો બીજું લગ્ન આપોઆપ તૂટી જતું હતું તેથી તે ઢોલિયા પર બેઠેલી રાધાડી તરફ મીટ માંડીને મૌન બનીને વરસતી આંખોથી વિનંતી કરતો રહયો કે, "રાધા તું જ મને છોડીને ન જાતી."
રાધાનું સ્નેહથી છલકતું હૈયું જાણે મોહનનાં હદયની વ્યથાને સમજી ગયું હોય તેમ રાધા ઘૂંઘટ તાણીને બહાર આવતાં પોતાનાં નશામાં ડોલતાં ભાઈને બોલી, "અરે તેલ લેવા ગયો સાટાપેટાંનો સમાજનો રિવાજ ! આ રાધાને તો તેનો મોહન મળી ગયો એટલે હવે બીજા કોઈની પરવા નહીં. ભાઈ હવે તમારુ તમે જાણો. જાઓ અહીંથી ! અમને ઘણી ઘણીયાંણીને આજ ખુશ રહેવા દયો."
મોહનની આંખો છલકાઈ ગઈ. વ્હાલી રાધાનો આવો અણધાર્યો જવાબ સાંભળીને. રાધાએ દરવાજો ફટાક કરતાંક બંધ કરી દીધો અને બોલી, "જે થયું એ હારું થયું. બિચારી કાજુડીનો ભવ સુધરી ગયો ઈમ સમજજો."
મોહનને રાધાને હેતથી બાહુપાશમાં ભરી આભાર માનતાં ચૂમીને બાહોમાં ઉંચકી લીધી. અને બહાર ઝેણીયો મોહનને ગાળો ભાંડતો ભાંડતો કાજુડીને શોધવા નીકળ્યો.
ચન્દ્રમાના અજવાળે કાનીયો તળાવની પાળે દારૂનો બાટલો જોડે લઇને પહેલીવાર દારૂ પીવાનાં ઇરાદે ચાંદ સામું જોઈને તે પોતાનો ચાંદ કાજુડી ન મળવાનાં ગમમાં આ તળાવમાં પડવાની જાણે રાહ જોતો હોય તેમ લાગ્યું. વરસાદથી થયેલા કાદવમાં કાજુડી દોડી અને કાનીયાની નજીક જતાં જ ચીકણી માટીમાં તેનો પગ લપસ્યો અને કાનીયાની ઉપર પડી.
જોરદાર ધક્કો લાગતાં જ બંને પડ્યાં તળાવમાં. અચાનક ધક્કાથી પાણીમાં પડતાં ડૂબકી મારીને બહાર આવતાં કાનીયાએ જોયું તો પાણીમાંથી જલપરીની જેમ તેની કાજુડી નીકળી કાનીયો બોલી ઉઠ્યો, "અરે કાજુડી તું અહી...!"
"તને ડૂબવાનો બહુ શોખ છે ને. ? ચાલ ડૂબી જા હું જોવું છું ડૂબતાં આવડે છે કે નહીં ?"કાજુડી મજાક કરતી હતી પણ કાનીયાને લાગ્યું કે સાચે જ ડૂબવાનું કહે છે.
"અરે તું સામે હોય તો ડૂબવાની પણ મજા આવશે." કહીને કાનીયો તળાવના ઊંડા પાણીમાં જવા લાગ્યો. આ જોઈને ચિંતા થતાં કાજુડી બોલી,
"એ ડોબા પાણીમાં નહીં મારાં પ્રેમમાં ડૂબવાનું કહું છું. તારાં માટે બધું જ છોડીને તે કીધું તું એમ હિમત કરીને ઝેણીયાંને પાટુ મારીને આવી છું. કપડાંની પેટી સાઇકલ પર મૂકીને."
"ઓહો તો મારી દીવાનગી રંગ લાવી ગઈ." કહેતાં કાનીયો પાણીમાં તરતો કાજુડી તરફ વળ્યો. કાજુડી પાણીની બહાર નીકળતાં બોલી,
"હા જો તારાં હદયની રાણી તારી પાસે આવી ગઈ." કાનીયો બહાર આવતાંજ બંને એકબીજા તરફ દોડ્યાં અને જેવાં એકબીજાની બાહોમાં ભેટ્યાં કે પગ લપસતાં બંને નીચે માટીમાં પડ્યાં. કાજુડી કાનીયાની છાતી પર પડી. મધુર મિલનની ઘડીઓમાં ઉપર ધીમો વરસાદ વરસીને જાણે આ બંને પ્રેમીઓને આશીર્વાદ આપી રહયો હતો. પ્રેમનાં પુરમાં બધાં જ બન્ધનો તૂટી ગયાં. રાધાને પણ તેનો મોહન મળી ગયો હતો અને આ કાજુડીએ હિંમતથી કાનીયાને પોતાનો બનાવી દીધો. અને સાટાપેટાંનું બંધન પણ પ્રેમનાં પુરમાં તણાઈ ગયું.
આ તરફ ઝેણીયો સમાજનાં પાંચ આગેવાનોને અને કાજુડીના બાપાને મધરાતે જગાડીને લઇને વાવડ મળતાં તળાવની પાળે આવ્યો અને જોયું તો ચન્દ્રમાંના પ્રકાશમાં તળાવ પાળે આવેલ ભગવાન શંકરના મંદિરે કાનીયો અને કાજુડી એકબીજાને ફુલહાર કરીને પંડિતજીને પગે લાગી રહ્યાં હતાં.
ઝેણીયાંને બાપા અને પંચ સાથે આવતો જોઈને કાનીયો પોતાની કાજુડીની રક્ષા માટે સમાજ સામે લડવાં માટે તૈયાર થયો પણ કાજુડીમાં ગજબની હિમત પ્રગટી. તે નજીક આવતાં જ ક્રોધથી સળગતાં ઝેણીયાનાં પગમાં પડી અને બોલી,
"મારાથી પંદર વર્ષ મોટા તમને હું મારાં પીતાં સમાન ગણી પગે લાગી છું. હવે તો તમારી દીકરીને આશીર્વાદ આપો."
દિકરી શબ્દ સાંભળતાં જ ઝેણીયાનાં હોઠ સિવાઈ ગયાં અને કાજુડી અને કાનીયો સાથે મળી કાજુડીનાં પીતા અને પંચને સજોડે પગે લાગ્યાં. સમજદાર પંચનાં વડીલોએ સાચી પરિસ્થિતિ સમજી અને સાચા પ્રેમની જીતને વધાવી બંનેને આશીર્વાદ આપ્યા. ગગનમાંથી મેઘરાજાનાં આશીર્વાદ તો આ પ્રેમીજોડા પર અવિરત વરસી રહ્યાં હતાં. સાટાપેટાંનાં રિવાજનાં બન્ધનો તોડીને પ્રેમનો ભવ્ય વિજય થયો.
સમાજમાં આ લગ્ન પછી આ સાટાપેટાંનો રિવાજ તોડવાની હિમત ઘણી દીકરીઓમાં આવી છે અને હવે આ સાટાપેટાનો રિવાજ દમ તોડતો જોવા મળે છે. જોકે હજીય ઘણાં સમાજમાં આ રિવાજ ચાલુ તો છે જ.
