સાંજ
સાંજ
સાંજનો સમય હતો. નદી કિનારે ઘણાં લોકો ફરવા આવ્યાં હતાં. સૂર્ય ક્ષિતિજે સમાઈ જવાની તૈયારીમાં હતો. એક વૃદ્ધ દંપતી એક બેંચ પર બેઠા હતાં. બંને પોતાનાં ભૂતકાળને વાગોળતાં વાતો કરી રહ્યાં હતાં. દાદાને દાંત નહોતા એટલે નાસ્તામાં પોચી વસ્તુ લાવીને ખાતાં હતાં. બંનેનો નિત્યક્રમ સાંજે ચાલતાં ચાલતાં નદી કિનારે આવે અને ત્યાં સમય પસાર કરે. આખો દિવસ ઘરમાં હોવાથી દિવસની અને જીવનની સાંજ સારી રીતે વીતે એટલે મનગમતા સ્થળ પર આવતાં અને સૂર્યાસ્ત સુધી ત્યાં બેસીને સાંજને વાતોથી અને કુદરતી દ્રશ્યથી સજાવતાં. આજે પણ રોજ ની માફક એ બેઠાં હતાં. અને સુખદુઃખની વાતો કરતા હતાં. સામે બે બાળક મોટા દડાથી રમી રહ્યા હતાં. ત્યાં અચાનક એ દડો એ માજીને વાગે છે. બંને બાળકો દોડીને આવીને તરત પૂછે છે માજી વધારે વાગ્યું તો નથી ને ? તમે ઠીક તો છો ને ? અને ભૂલમાં દડો આ બાજું આવી ગયો તેની માફી માગે છે. એને એમ હતું કે દંપતી હમણાં ગુસ્સો કરીને ના કેવાના શબ્દો કે'શે. પરંતુ એ માજીએ સ્મિત સાથે કહ્યું કે કશું નથી વાગ્યું બેટા ચિંતા ના કર. આ લે તમારો દડો અને આનંદથી રમો. બંને બાળક ખુશ થતા દડો લઈ ને ફરી વાર રમવામાં મશગુલ થઈ ગયા.
આ બાજુ દાદાએ માજીને કહ્યું , "દડાનો અવાજ તો બહુ આવ્યો હતો અને તને ના વાગ્યું એ કઈ રીતે શક્ય છે ?" ત્યાંરે માજીએ સહેજ ગળગળા થઇ કહ્યું ," દડાની ગતિ હતી એ વાત સાચી અને વાગે પણ ખરો જ, પણ જો આપણાં તો આપણને જાણી જોઈ ને અસહ્ય ઘા આપ્યા છે અને એને આપણે કાંઈ કહી પણ શકતાં નથી. જ્યારે આ બાળકોથી અજાણતાં દડો આવ્યો અને વાગ્યો, જાણીજોઈને થોડું માર્યું છે. અને આ બાળકો એ તો પૂછયું પણ ખરું કે કેમ છે..કાઈ વધુ વાગ્યું તો નથી ને ! .આ બાળકો પરાયાં છે તો પણ આપણી દરકાર કરે છે. જ્યારે આપણાં !