સાચો ચમત્કાર
સાચો ચમત્કાર
એક ગામ હતું. ત્યાં એક સન્યાસી ફરતા ફરતા આવી ચડ્યા. તેણે ગામની પાદરે આવેલા એક મંદિરમાં રોકાણ કર્યું. આખો દિવસ ધ્યાન-પૂજા-યજ્ઞ કરે અને સાંજે લોકો એકત્રિત થાય ત્યારે વેદ-ઉપનિષદનાં સરળ ભાષામાં લોકોને જીવન જીવવાનો અને ભક્તિ કરવાનો સાચો માર્ગ બતાવવા અનેક દ્રષ્ટાંતો કહેતા. ત્યારબાદ ભજનની સુરાવલી જામતી અને લોકોનો આખા દિવસનો થાક ત્યાં જ ઉતરતો. ગામમાં જાણેકે નિત્યક્રમ બની ગયો હતો. એ સંતનાં પ્રભાવથી સૌ પ્રભાવિત થઈ ગયા હતાં અને સૌ આદર - સત્કારથી એમની પધરામણી કરાવતા હતાં. પુરુષો તો આખો દિવસ કામ અર્થે બહાર હોય અને સ્ત્રીઓ ઘરે હોય. સ્ત્રીઓ નવરાં પડે અને શેરીઓમાં મહિલા મંડળનું પંચાયત શાસ્ત્ર શરૂ થાય. અને આખા ગામમાં કોની ઘરે મહેમાન આવ્યાં ત્યાંથી લઈને કોની ઘરે વાસણ ખખડયા ત્યાં સુધીનાં તમામ મુદ્દાઓને આવરી લેવાતાં. આજે પણ બધું મહિલા મંડળ ભેગું થયું છે પણ સોથી અગ્રેસર એવા અંજવાળીમાં આવ્યાં નથી. એટલે હજુ ચર્ચા જામી નથી કેમ કે હંમેશા ચર્ચાનો મુદ્દો એક આગવી રીતથી શરૂ કરવામાં એમની ભારે ફાવટ. એટલે સૌ એમની રાહ જોતા હતાં એવામાં અંજવાળીમાં આવતા દેખાય છે. થોડાં ગુસ્સામાં દેખાય છે, એટલે કોઈ કાઈ બોલતું નથી. પછી એક બહેન વાત શરૂ કરે છે.
કેમ અંજવાળીમાં કાં ઉદાસ દેખાવ છો ? બધું બરાબર તો છે ને ?
શુ ધૂળ બરાબર ! મારો હાર મળતો નથી. સવારથી ગોતું છું. નક્કી મારી વહુની કરામત હશે.
પણ માં એ શું કામ આવું કરે ?
તો કેમ મળતો નથી ? એને કાઈ પગ આવ્યાં કે ચાલીને બહાર જતો રયો. . . ?
નક્કી મારે હવે જોવરાવવા જવું પડશે. . પણ ત્રણ ગામ દૂર એની પાસે જવું કેમ અત્યારે. . અને કેટલા રૂપિયા પણ લેય છે એ. . . .
ત્યાં એક બહેન કહે છે: માં, ગામને પાદર પેલા સન્યાસી આવ્યા છે તેને પુછોને . . . .
પણ એ થોડા કાઈ જોવાનું કામ કરે છે. . એ તો સંત છે. .
પણ સંત તો આપણને રસ્તો બતાવી શકે ને ?
ઇ વાત તો સાચી હો. . તો ચાલોને મારી સાથે કોઈક અત્યારે જ જવું છે. . .
મંડળમાંથી બે સ્ત્રીઓ સાથે અંજવાળીમાં સંત પાસે જાય છે. સંત તો બપોરનાં ભોજન બાદ વડલાનાં છાંયા હેઠળ બેઠા હતા. તેની પાસે જઈને પ્રણામ કરે છે. સંતને નવાઈ લાગી કે અત્યારે તો કોઈ માણસ આવતું નથી . તો આ મહિલાઓ નું આગમન કંઈક અણબનાવ બન્યો હશે એનું સૂચન કરે છે.
ત્યારે અંજવાળીમાં કહે છે. "મહાત્મા મારો હાર ખોવાઈ ગયો છે. મળતો નથી "
ત્યારે સંત હસીને કહે છે : "માતા તમારો હાર ઘરમાં જ હશે , તમે શાંત ચિત્તે જુઓ એટલે મળી જ જશે. ઉતાવળમાં કંઈક ન મુકવાની જગ્યાએ મુકાઈ ગયો હશે ,એટલે અત્યારે એ તરફ તમારું ધ્યાન નહીં જતું હોય. માટે ઉતાવળા કે અધીરા થયા વગર જુઓ એટલે અવશ્ય મળી જશે. "
પરંતુ અંજવાળીમાં ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને ખૂબ જ ચિંતામાં હોવાનાં કારણે તેણે સંત ને કહ્યું કે મહાત્મા તમે કંઈક કૃપા કરો. ખૂબ જ કિંમતી હાર છે. મારાં પિયરથી આવેલ એ હાર મારાં માવતરની નિશાની છે. આટલું બોલતાં જ અંજવાળીમાં રડી પડ્યાં. .
સંત સમજી ગયા કે આ બહેન અત્યારે ચિંતામાં ને ચિંતામાં અસ્વસ્થ બની ગયાં છે. તેને અત્યારે જરૂર છે સાંત્વનાની અને સધિયારાની.
મહાત્મા એ બે મિનિટ કંઈક વિચાર્યું અને પોતાનાં કમંડળમાંથી એક કાકડી કાઢી અને કીધું કે માતા આ તમારાં સાડીનાં છેડે બાંધી દ્યો. અને હાર મળી જાય ત્યારે છોડીને તુલસી ક્યારે મૂકી દેજો.
અંજવાળીમાં ખૂબ જ ખુશ થઈ ગયાં અને જાણે કે એક આશા જાગી અને થોડાં સ્વસ્થ પણ થયા એને એક શ્રદ્ધા બેઠી કે હવે હાર મળી જ જશે એટલે શાંત મને એ ઘર તરફ પાછાં વળ્યાં. ઘરે આવીને બપોરનું ભોજન લઈ કામ પતાવ્યું અને સુવા માટે રૂમમાં ગયાં. જ્યાં પલંગ પર બેસે છે ત્યાં જ તેને કંઇક યાદ આવતાં. એ પોતાનાં માટે હમણાં નવા લીધેલાં કપડાં જે કબાટમાં મુખ્ય હતાં તે કબાટ પાસે જાય છે અને ત્યાં નવા કપડાં ની વચ્ચે ડબ્બો રહેલો હતો તે ખોલે છે તો તેમાં જ તે હાર હતો. એ જોતાં જ અંજવાળીમાંના જીવમાં જીવ આવે છે. તરત શેરીમાં જઈ ને બધાં મહિલા મંડળને ભેગા કરીને આ સંતે કરેલા ચમત્કારની વાત કરે છે. અને બધાં જ એ સન્યાસીનાં આ ચમત્કારથી પ્રભાવિત થાય છે. સાંજ સુધીમાં આખા ગામમાં આ ચમત્કારની વાત ફેલાઇ ગઇ છે. રોજનાં નિત્યક્રમ પ્રમાણે સૌ સંત પાસે કથા વાર્તા સાંભળમાં જાય છે. આ બાજુ સંતને પણ સમાચાર મળ્યાં કે અંજવાળીમાં નો હાર મળી ગયો છે અને ગામ લોકો આને તમારાં ચમત્કારનું જ પરિણામ માને છે. સંત આ સાંભળીને હસે છે.
આજની કથા-વાર્તા પૂર્ણ થયા બાદ ગામ લોકો ચમત્કારની વાત કરે છે ત્યારે સંત હસીને કહે છે કે, મેં કશું કર્યું જ નથી. . . મારી પાસે આવું ચમત્કાર જેવું કંઈ છે જ નહીં.
આ સાંભળી ગામ લોકો સૌ અચંબામાં પડી જાય છે.
ત્યારે સંત સમજાવે છે કે આપણે નાની નાની વાતમાં દુઃખી થઈ જઈએ છીએ અને ખુદ રસ્તો શોધવાને બદલે રડીને બેસી રહીએ છીએ. મનને એટલું અશાંત કરી દઈએ છીએ કે મન ધીરજથી કોઈ કામ કરી શકતું નથી. જ્યારે મુશ્કેલી આવે અને આપડે જો રડવા બેસી જશું તો આપણી આંખમાં પાણી આવી જશે અને એનાથી આગળનો રસ્તો પણ નહીં દેખાય. એટલે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય ત્યારે ઘાંઘા કે રાઘવાયા થવાને બદલે શાંત અને એકાગ્રતાથી પ્રયત્ન કરીશું તો ચોક્કસ સફળતા મળશે. આ વાત માત્ર કોઈ વસ્તુ જ નહીં, પરંતુ જીવનની તમામ પરિસ્થિતિ માં આ નિયમ અપનાવવો જોઈએ.
જીવનમાં સુખ અને દુઃખ તો આવવાનાં જ છે. આ બંને પરિસ્થિતિમાં મનને કાબુમાં રાખતા શીખવું એ જ સુખી જીવનની સાચી ચાવી છે. સંતે કહ્યું કે જ્યારે માતા મારી પાસે આવ્યા ત્યારે મેં જોયું કે તે સંપૂર્ણ રીતે અસ્વસ્થ હતાં. ત્યારે તેને જરૂર હતી માત્ર આશ્વાસનની એટલર મેં એને માત્ર એક ભરોસો આપ્યો કે તમારો હાર મળી જશે. અને એને પોતાનાં કરતાં એક ચમત્કાર પર વધુ ભરોસો છે એટલે એને એક પ્રકારની શાંતિ થઈ ગઈ. અને હાર બાબત નિશ્ચિત બની ગયાં. અને શાંત મન પાસે તમે ધારો તે કામ લઈ શકો. બસ આ જ એ ચમત્કાર છે કે એમનો હાર મળી ગયો. આમાં મેં કશું જ કર્યું નથી. માટે હે ગ્રામજનો,તમારાં દરેક પ્રશ્નનાં જવાબ માટે તમે જ સમર્થ છો. માત્ર અન્યત્ર ક્યાંય જવાની જરૂર નથી. જરૂર છે તો માત્ર શાંત અને એકાગ્ર મનની પરિસ્થિતિમાં વિચાર કરવાની.
ત્યારે એક વ્યક્તિ પૂછે છે," મહાત્મા, તો આ કમળકાકડી આપવા પાછળનો સંદેશ જણાવશો ?
ત્યારે સંત બોલ્યા :" મેં જે કમળકાકડી આપી તે એક સામાન્ય કમળકાકડી જ હતી. જે મારા યજ્ઞનાં હોમ તરીકે ઉપયોગી છે. અને એને સાડીનાં છેડે એટલે બંધાવી કે તે માતાનાં દરેક કામમાં એ છેડે બાંધેલી ગાંઠ એને દેખાતી રહે અને સતત તેને યાદ રહે કે મારે હાર ક્યાં મુક્યો તે યાદ કરવાનું છે. એટલે દરેક કામમાં તેનું મન આ હાર વિશે પણ વિચારતું રહે. એટલે એ કામ ઝડપથી પૂર્ણ થાય, કેમ કે કોઈ પણ કામ હોય તેની સતત યાદી મળતી રહે તો એ કામ ભૂલાતું નથી તમાંરા લક્ષ્યાંક ને હંમેશા તમારે તમારી નજર સામે રાખવું જોઈએ.
શાંત મન આવા ચમત્કાર માટે સમર્થ છે.
આજે સૌ ગ્રામજનોએ આ મહત્વની શીખ મળ્યાનાં આનંદ સાથે પોતપોતાનાં ઘર તરફ પ્રયાણ કર્યું.