Dharmendra Joshi

Children Stories Inspirational

4.9  

Dharmendra Joshi

Children Stories Inspirational

એક અરજી

એક અરજી

2 mins
1.7K


શિવમંદિરે સાયં આરતીની તૈયારી ચાલી રહી હતી. તે સમયે એક બાળક પોતાનું સ્કૂલબેગ લઈને મંદિર પહોંચે છે. ત્યાં જઈ ને તે આખું બેગ ખાલી કરીને પોતાની એક નોટબુક કાઢી, તેમાંથી ધીમે-ધીમે એક કાગળ ફાડે છે. પછી કંપાસ બોક્સમાંથી એક પેન્સિલ કાઢી લખવાનું શરૂ કરે છે. અને પોતાને આવડે તેવું આડા-અવળા અક્ષરોથી આખો કાગળ ભરી દે છે અને તે ગર્ભગૃહની આગળ મૂકીને પોતાનું બેગ ભરવા લાગે છે. આ બધું ત્યાંના પૂજારી આશ્ચર્યથી જોતા હતા. તે બાળકને પૂછે છે, કે બેટા, આ શું છે ?

ત્યારે એ બાળકે કહ્યું કે,"અમને સ્કૂલમાં એવું શિખવાડ્યું છે કે આપણે જે કોઈ કામ હોય તો તે વિભાગમાં અરજી લખીને આપવાની હોય અને એ અરજીના આધારે તમારું કામ થઈ જાય. અમારે શાળામાં રજા જોઈતી હોય, અને અમે અરજી આપીએ તો રજા પણ મળી જાય છે. એટલે એક અરજી ભગવાનને આપી છે."

ત્યારે પૂજારી બોલ્યા , "બેટા, આ સ્કૂલ થોડી છે ..આ તો મંદિર છે!"

ત્યારે બાળક ગળગળા સાદે બોલ્યો, "પૂજારીજી, મારી માતા ઘણાં સમયથી બીમાર છે, અમે કેટલાય ડોકટરોને બતાવ્યું. આજે પણ એક ડૉક્ટર આવ્યાં હતાં અને એ મારા પપ્પાને કહેતા હતા કે, 'હવે તો બધું ભગવાનના હાથમાં છે!' આ વાત મેં સાંભળી એટલે તરત અહીંયા આવ્યો છું. તો આ વાત ભગવાનનાં હાથમાં છે ને! તો ભગવાનને જ અરજી આપવી પડે ને ?? હવે જલ્દી ઘરે જઈને મારા પપ્પાને કહી દઉં છું કે અરજી આપી દીધી છે એટલે ચિંતા ના કરે. મમ્મી જલ્દી સાજા થઈ જશે !

આટલું બોલીને બાળકે વિશ્વાસભરી દ્રષ્ટિ ભગવાનની મૂર્તિ તરફ કરી અને પોતાની બેગ લઈ જતો રહ્યો.

અને પૂજારીએ કંઈ પણ બોલ્યા વગર અરજી ત્યાંથી લઈ નિજગૃહમાં ભગવાનનાં ચરણ કમળમાં મૂકી દીધી અને ભગવાન પ્રત્યેની એ બાળકની અપાર શ્રદ્ધાને બે હાથે નમન કરી રહ્યાં.


Rate this content
Log in