નમ્રતા: એક વરદાન
નમ્રતા: એક વરદાન


“નમતાને સૌ કોઈ નમે, નમતાને સૌ માન,
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન"
સફળતા મેળવવી સહેલી છે. પરંતુ એને પચાવવી ખૂબ જ મુશ્કેલ છે. સમાજ એવાં જ લોકોને યાદ રાખે છે, કે જે સફળ થયા પછી પણ પોતાનો મૂળ સ્વભાવ જાળવી ને જીવ્યા હોય. મહાનતા સ્વયં મેળવી શકાતી નથી. તમે જાતે તેને પ્રાપ્ત કરી શકતાં નથી પરંતુ તમારાં કર્મ અને વ્યવહાર દ્વારા સમાજ ને તમે આપેલા તમારા યોગદાનની એ રિટર્ન ગિફ્ટ છે.
અબ્રાહમ લિંકન એક વાર બગી મારફત શહેરની બહાર ફરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક ખેત મજૂર સામે મળે છે. એ અબ્રાહમ લિંકનને જોઈને તેને સેલ્યુટ કરે છે. આ જોઈ અબ્રાહમ લિંકન બગીનાં દરવાજા પાસે આવીને તેને પણ એ જ અદબ થી સેલ્યુટ કરે છે. આ દ્રશ્ય તેના પી.એ. જોઈ રહ્યા હતા. ત્યાંથી નીકળ્યા ત્યારે તેના પી.એ. તેને કહે છે કે ,”સાહેબ, તમે પ્રેસિડેન્ટ છો એટલે એ તમને સેલ્યુટ કરે છે, તમારે એને સેલ્યુટ કરવાની ક્યાં જરૂર છે ? એ તો સામાન્ય મજૂર છે.” આ સાંભળીને અબ્રાહમ લિંકન બોલ્યા,”ભાઈ,એ મજૂર આપણાં દેશની સમૃદ્ધિના પાયાનાં પથ્થર છે. એના થકી જ આપણો દેશ આટલો સમૃદ્ધ છે. અને મુખ્ય વાત કે એક સામાન્ય મજૂર વ્યક્તિ વિનમ્રતા પ્રગટ કરવાની તક ના છોડતો હોય તો હું તો એક પ્રેસિડેન્ટ છું ! “ આટલું વિનમ્રતાપણું, આટલી સાદગી,આટલો લાગણીસભર વ્યવહાર અને એ પણ પ્રેસિડેન્ટ બન્યા પછી. એટલે જ આજે પણ અબ્રાહમ લિંકનને માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્વ આખું યાદ કરે છે.
મિત્રો આપણે શુભ કાર્ય કરતા પહેલા કંકુનો ચાંદલો કરીએ છીએ તેના પર ચોખા લગાવીએ છીએ. તો ચોખા જ શું કામ ? ઘઉં,બાજરી,જાર કેમ નહીં ? કેમ કે ઘઉંના છોડમાં ઘઉંની ડુંડીઓ હંમેશા ઉપર તરફ જ રહે છે. બાજરાનાં પાકમાં પણ ડુંડીઓ ઉપરની તરફ જ રહે છે. નીચે નમતી નથી. પરંતુ એક કમોદ જ એવી છે કે જેમાં પાક આવતા તે નીચે તરફ નમે છે અને સંસારનો નિયમ જ છે કે, જે નમે તે સૌને ગમે ! માટે ચોખા ને આપણાં કપાળમાં સ્થાન પ્રાપ્ત થાય છે. વૃક્ષો પાસેથી પણ આપણને આ વિનમ્રતા શીખવા મળે છે. જ્યારે તેનાં પર ફળો આવે છે ત્યારે તે નીચે નમે છે અને આસાનીથી માણસો તેનો આનંદ લઈ શકે. જીવનની સાચી ખુશી “આપવામાં” છે ...’લેવામાં” નહીં. અને ત્યારે જ તમે આપી શકો જ્યારે તમારામાં ઉદારતા-પ્રેમ-દયા અને વિનમ્રતા હોય. મહાત્મા ગાંધી પણ આવી જ વિનમ્રતાથી જ મહાત્માનું બિરુદ પામી શક્યા છે.. ભારતના તમામ રજવાડાંઓને એકસૂત્રમાં જોડાનાર સરદાર વલ્લભભાઈ પટેલ, નાનજીભાઈ કાલિદાસ મહેતા,સાવરકુંડલાનાં ગાંધી એટલે કે લલ્લુભાઇ શેઠ આ બધા જ મહાપુરુષો વિનમ્ર, સરળ અને સહજ હતાં. એટલે જ તેના એક સાદથી સેંકડો લોકો પોતાની સરકારી નોકરી છોડીને દેશ સેવા માટે જોડાઈ ગયા હતાં.
આથી જ જીવનમાં હરહંમેશ વિનમ્રતાપણું રાખીને જીવન જીવવાથી લોકો તમને એનાં હૃદયમાં સ્થાન આપશે. અને તમારું જીવન સફળ થશે. જીવનમાં સફળતા પામવા માટે, નમ્રતાનાં સદ્ગુણ હોવાનું ઘણું જરૂરી બને છે. વ્યકિત ઉમરથી પદથી મોટી હોઈ શકે પણ જો તેનાંમાં નમ્ર પણું નહીં હોય, તો તે સફળ થઈ શકે નહીં. વ્યવહારમાં વિનમ્રતા એક મોટી શક્તિ બનીને આગળ આવે છે. કોમળતા હંમેશાં જીવંત હોય છે. જ્યારે કઠોરતાનું આયુષ્ય ટુંકું હોય છે. મહાભારતમાં ભીષ્મે ઉપદેશ આપતાં કહ્યું કે,' જે મનુષ્ય જીવનમાં વિનમ્રતાનો ગુણ કેળવે છે, તેઓ ગમે તેવા ઝંઝાવાત સામે પણ ટકી શકે છે. આપણા સમાજમાં મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો પોતાના કામમાં તો કુશળ હોય છે, પણ પોતાના કઠોર સ્વભાવને કારણે ઘરમાં કે કાર્યાલયમાં હંમેશાં પરેશાનીઓ ભોગવે છે. વિનમ્રતા એ કાયરતા કે નબળાઈ નથી પરંતુ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનારું પ્રેરક પરિબળ છે.
વિનમ્રતા એ સારા સંસ્કારમાંથી જન્મે છે. તેનું મહત્ત્વ આચાર્ય રજનીશજીએ બહુ સરસ સમજાવ્યું છે. બે પનિહારી ઘડા લઈને નદીકિનારે જાય છે. એક પનિહારી વિચારે છે ,"હું શું કામ નીચે નમું?" એતો અક્કડ બની ને ઉભી રહે છે,નમતી નથી. આથી વહેતા પ્રવાહ પાસે ઊભી હોવા છતાં તેનો ઘડો ખાલી રહે છે. જ્યારે બીજી પનિહારી વાંકી વળીને વહેતા પ્રવાહમાંથી પોતાનો ઘડો છલોછલ ભરી લે છે. આમ જેનામાં વિનમ્રતા છે તે કંઈક પ્રાપ્ત કરી શકે છે. વિનમ્રતા એ બહુ ઉત્તમ વસ્તુ છે. વિનમ્રતા દ્વારા આપણે મુશ્કેલ કાર્ય પણ આસાનીથી પૂર્ણ કરી શકીએ છીએ. કહો કે "વિનમ્રતા એ ઈશ્વર દ્વારા મળેલું એક અમૂલ્ય વરદાન છે".
તો મિત્રો આપણે પણ જીવનમાં વિનમ્રતા રાખીએ અને આપણા જીવનને એક આદર્શ જીવન બનાવીએ..
“ વિનમ્રતા વિના સ્વાભિમાનનું કોઈ અસ્તિત્વ નથી “.