Dharmendra Joshi

Children Stories Inspirational

5.0  

Dharmendra Joshi

Children Stories Inspirational

હૃદય પરિવર્તન

હૃદય પરિવર્તન

6 mins
861


ચૈત્રના તડકા પડી રહ્યાં હતાં. શાળાઓમાં વેકેશનનો માહોલ હોવાથી બાળકોનો કિલ્લોલ આખો દિવસ શેરીમાં ગુંજતો રહેતો. કિલ્લોલ તો એમનાં માટે કે જે ને બાળકનાં અવાજને સાંભળીને પોતાનું બચપણ યાદ આવે. બધી ચિંતા મૂકીને બે મિનિટ પોતાનાં શૈશવના સ્મરણોમાં સરી પડે. પણ અમુક માણસો એવાં પણ હોય કે જેને આ કિલ્લોક દેકિરો પણ લાગતો હોય. હા, આવા પણ માણસો હોય જ છે.

શેરીમાં બરાબર છેડે સમજુમાં રહેતાં હતાં. એંશી વટાવી ચુકેલાં સમજુમાં એકલા રહેતા હતાં. સંતાનો શહેરમાં સેટલ થયા હતાં. પોતાનાં પરિવાર સાથે રહેવાના ઓરતાં અધૂરા રહી ગયેલા. દીકરાની વહુને પોતાનાં મકાનની શહેરી સજાવટમાં એ ગ્રામ્ય મૂર્તિનું સ્થાન યોગ્ય ના લાગ્યું એટલે શહેરમાં આવવાનો સત્કાર તેઓને સાંપડયો નહિ. સતત એ વિચારોમાં એમનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયેલો. શરીરે ભારે નરવાઈ એટલે આખું ઘર અને આંગણું ચીવટ પૂર્વક સાફ રાખે. પોતાનાં એ દુઃખને ભૂલવા પોતે કામમાં વ્યસ્ત રેવાનો પ્રયત્ન કરતાં. પરંતુ જ્યારે શેરીમાં બાળકોને જોવે એટલે તરત પોતાનું વ્યાજ(પૌત્રો) યાદ આવે. પરંતુ પોતાની મૂડી જ ખોટી નીકળે પછી વ્યાજની અપેક્ષાતો વ્યર્થ જ. શેરીમાં બાળકોનું રમવાનું તેને પસંદ ન્હોતું. બાળકો પણ સમજુમાથી ખૂબ ડરે. એંશીનાં લીધે સસ્ય શ્યામલા એટલે કે કાળી ચામડી પર ચાંદી જેવા સફેદ વાળનું સમાયોજન બાળકોને વધુ ડરામણું લાગતું. અવાર નવાર ગુસ્સાથી લાલ થઈ ગયેલ આંખો સાથેનો ક્રોધિત અવાજવાળું સ્વરૂપ એ માસૂમ બાળકોનાં બાળ માનસને ડરાવી મુકતું.

બપોર થાય અને મોટેરા સુઈ જાય એટલે બાળ મંડળી શેરીમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતા .અને બેટ, દડો અને દિવાલ પર ચિત્રાત્મક સ્ટમ્પની રચના કરી નૂન ટૂર્નામેન્ટ જામતી. પરંતુ આ સામ્રાજ્યમાં અલાઉદીનની જેમ તરાપ મારી બાળ સામ્રાજ્યને ઉખાડી નાખવાનું કાર્ય સમજુમાં દ્વારા થતું. અવાજથી વિચલીત થતા સમજુમાં હાથમાં લાકડી ને વિકરાળ સ્વરૂપ ધારણ કરી બહાર આવતાની સાથે જ બાલમંડળીમાં નાસભાગ શરૂ થઈ જતી. દસેક મિનિટ પછી સમજુમાં સુવા જતા અને બાલમંડળી ફરી પોતાનાં સામ્રાજ્યનું સ્થાપન કરી માઇમ ક્રિકેટનો આરંભ કરતું. પરંતુ છેલ્લું ઘર હોવાથી દડો અવાર નવાર સમજુમાંના ઘરની અંદર ટહેલવા જતો રહેતો. અને કોઇ જાદુઈ ગુફાની જેમ દડો સમજૂમાનાં ઘરમાંથી કદી પરત આવ્યો નથી. કેમ કે સમજુમાની સામે જતા કોઈની હિંમત થતી નહીં. એક દિવસ પણ એવો નહીં ગયો હોય કે સમજુમાંની શબ્દ સામગ્રીથી બાળકોનો અભિષેકના થયો હોય.

બાળકો ઘણી વાર દડાની રાહમાં બેસી રહેતાં. ઘણી આજીજી કરે પણ સમજુમાં જાણે કશું સાંભળતા જ ન હોય. એમ જવાબ આપતાજ નહીં. શેરીના લોકો પણ સમજુમાને સમજાવતા કે, "સમજુમાં છોરાં તો શેરીમાં રમે તો આપણી નજર સામે રેં. બિચારા પર દયા રાખતા હોંવ તો !" પણ સમજુમાં એ સમજુમાં, એક ના બે ના થાય. બરાબર ક્રિકેટ જામી હોય અને સમજુમાંનો ડેલો ખુલે એટલે તમામ સાધનો લઇને બાળકો સંતાઈ જતાં. જેમ બિલાડી આવે અને ઉંદર દરમાં સંતાઈ જાય એમ બધા બાળકો સંતાઈ જતાં.

એવામાં એક વાર રવિવારનો દિવસ હતો. બપોરના બે વાગ્યા હશે. બાલમંડળીની ક્રિકેટ જામી. સમજુમાને ખબર ના પડે એવી રીતે રમી રહ્યા હતાં. પરંતુ કુદરતનો નિયમ છે ને કે જે તમે ન ઇચ્છતા હોય એ સૌથી પહેલા થાય. અને ત્રીજીજ ઓવરમાં દડા જાણે કે સમજુમાંના ઘરમાં જઈને સમજુમાંના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય કરવું હોય એમ દડો તો સીધો સમજુમાંને ત્યાં. બધા બાળકો બેટ લઇને સંતાઈ ગયાં. અને સમજુમાં લાકડી સાથે બહાર આવે તેની રાહ જોવા લાગ્યાં. પરન્તુ ન આવ્યાં સમજુમા કે ન આવી એની ચીસ. બાળકો એ વાતો શરૂ કરી.

"લાગે છે કે સમજુમાં સુઇ ગયાં છે."

"પણ એનાં ડેલામાં જશે કોણ ?"

"જેણે દડો નાખ્યો છે એ જ તે જાય..."

"પણ હું એકલો ના જાવ હો...કુટિયા કૂવામાં પડું...પણ સમજુમાંના ડેલામાં નહીં !"

ત્યાં વળી એક બાળક તૈયાર થયો અને બંને બાળક ધીમેથી ડેલો ખોલીને નજર ફેરવી તો ફળિયું તો ખાલી હતું. એટલે સમજુમાં ઓરડામાં સુતા એ વાત નક્કી જાણી બંને બાળકો દબાતા પગે અંદર ગયા. એક પગલું ચાલે અને ચારે દિશામાં જુએ.એમ કરતાં કરતાં આગળ વધ્યા અને દડો તો ડેલાની નજીકજ પડ્યો હતો એ લઈને બંને એ એક બીજા તરફ જોઈને વિજય સ્મિત આપ્યું. દડો લઇને જતાં રહેવાને બદલે સમજુમાં ક્યાં છે ? અને શું કરે છે ? તે જોવા ઓસરી બાજુ જાય છે. બહાર ઊભેલાં બાળકો ઇશારામાં સમજાવે છે કે જલ્દી બહાર આવી જાઓ. સમજુમાં જોઈ જશે તો દડાની સાથે તમે પણ પુરાઈ જશો. પરંતુ પેલા બંને બાળકો તો જાણે કે સમજુમાના દર્શન કરવાની માનતા હોય એમ ઓસરીતરફ જવા લાગ્યા. પરંતુ જ્યાં ઓસરી પાસે આવ્યાં ત્યાંજ બંને બાળકોની ચીસ નીકળી ગઈ. બાકીનાં બાળકો ડેલાને લપાઈને ઉભા હતા તે તો દોડીને શેરીની બહાર નીકળી ગયાં. અને કહેવા લાગ્યાં કે,"ના પાડી હતી કે સિંહણની બખોલમાં પગ ના મુકાય. દડો લઈને બહાર આવી જવાય. પણ ના માન્યા... તો હવે ભોગવો બીજું શું."

અંદર બંને બાળકો જુએ છે તો સમજુમાં રૂમમાં ખાટલાની બાજુમાં નીચે પડ્યા હતા. માથામાંથી લોહી નીકળતું હતું. બંને બાળકો તો ગભરાઈ ગયા અને શું કરવું ? તે વિચારવા લાગ્યાં. શેરીનાં બધા માણસો તો ખેતર ગયાં હતાં. એમાંથી એક બાળકે ક્યાંક સાંભળ્યું હતું કે લોહી વધુ વહી જાય તો વ્યક્તિને મૃત્યુ થતા વાર નથી લાગતી. એક બાળકે બાકીના બાળકોને ડોકટરને બોલાવવા મોકલ્યાં અને બીજાએ ઘરમાંથી કાપડ લઇને સમજુમાંના કપાળ પર જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં પાટો બાંધી દીધો અને ડોક્ટરનાં આવવાની રાહ જોવા લાગ્યાં. થોડીજ વારમાં ડોક્ટર અને બે-ત્રણ ગામનાં વ્યક્તિઓ આવી પહોંચ્યા. ડોકટરે તપાસ કરતાં ખબર પડી કે સમજુમાંને ચક્કર આવવાનાં કારણે પડી ગયા હતાં અને પડવાને કારણે લોહી નીકળતું હતું. જો આ લોહી બંધ કરવામાં ના આવ્યું હોત તો કદાચ સમજુમાં બચી પણ ના શક્યા હોત.

સમજુમાં જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેને બઘી વાત કરવામાં આવી. ત્યારે તે બધાં બાળકો સામે જોઈને સમજુમાં ખૂબ રડ્યા. પોતાને ખૂબ જ પસ્તાવો થયો. કે આ બાળકો એ મારો જીવ બચાવ્યો અને એને જ હું રમવા નહોતી દેતી. બાળકો પાસે સમજુમાં માફી માગે છે,"છોરાંઓ, મેં તમને ક્યારેય શાંતિથી રમવા નથી દીધા અને તમારા દડા પણ પાછા નથી આપ્યાં. જ્યારે હોય ત્યારે તમને ખિજાણીજ છું.મને ખુબ જ દુઃખ થાય છે. મેં તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું તોય તમે મારો જીવ બચાવ્યો. મને માફ કરી દયો.....આટલું બોલતાજ સમજુમાંના નેત્રોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો.

બધા બાળકોને હવે સમજુમાંનો પ્રેમ માણવાનો અવસર મળ્યો. અત્યાર સુધી તો ખૂબજ ડરતાં હતાં. પણ હવેથી નવા પ્રકારનો અનુભવ થયો. રોજે બધા જ બાળકો આખો દિવસ સમજુમાંના ઘરેજ રહીને સમજુમાંનું ધ્યાન રાખવા લાગ્યાં. સમયસર દવા આપે સમજુમાને જે વસ્તુ જોઈતી હોય એ ઘરમાંથી લાવી આપે. બાજુનાં ઘરેથી રસોઈ બનતી સમજુમાં માટે એ લાવી આપે, સમજુમાંને આગ્રહ કરી કરી જમાડે. સમજુમાંની એટલી તો સારી સંભાળ રાખી કે માત્ર પાંચ દિવસમાં સમજુમાં સ્વસ્થ થઈ ગયાં.

વિચારો હવે કેવું દ્રશ્ય હશે એ શેરીમાં ?

બાળકો કોઈ પણ જાતનાં ડર વગર રમી રહ્યા છે. રમતમાં જ્યારે વિશ્રામ લેવાનો થાય એટલે બધા બાળકો સમજુમાંના ઘરમાં ધામા નાખે છે. સમજુમાં વરિયાળીનું ટાઢું શરબત બનાવીને પીવરાવે, સાથે ધાણી, ચીકુ, બોર, સુખડી, જેવા નાસ્તા હોંશે હોંશે ખવરાવે. એક સમય જો ભૂલથી પણ દડો સમજુમાંના ઘરે જાય તો પાછો ના આવતો, ત્યાં જ હવે બધી વસ્તુઓ સચવાય છે. અને રોજે ઉજાણી કરીને બધા બાળકોનો થાક ત્યાંજ ઉતરી જાય છે. કેમ કે હવે સમજુમાને એ બાળકો પોતાનાજ પૌત્રો લાગવા લાગ્યા હતાં. અને બાળકોનો અવાજ દેકિરો નહીં પણ કિલ્લોલ લાગતો અને બાળકો રમવા ભેગા થાય એની રાહ જોતા.

એક ઘટના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. બાળકોને આટલા હેરાન કરતાં હોવા છતાં એને ખબર પડી કે સમજુમાં મુસીબતમાં છે, અને ત્યારે બધી વાતો ને ભૂલીને સમજુમાંની મદદ કરી અને એનો જીવ બચાવ્યો અને હમેશ નફરતથી સામે જોતા સમજુમાનો પ્રેમ જીત્યો.

વેર-નફરત-બદલો લેવાની ભાવના મોટાઓમાં હોય છે. બાળકો તો નિર્દોષ -નિખાલસ અને નિઃસ્વાર્થ જ હોય છે. આખરે બાળક ભગવાનનું સ્વરૂપ જો હોય છે.


Rate this content
Log in