પરિવારની ખુશી
પરિવારની ખુશી


આનંદ એક મિલમાં કામ કરતો હતો. અત્યંત નબળી પરિસ્થિતિ ધરાવતો વ્યક્તિ હતો. પરંતુ તે સ્વચ્છ અને સુઘડ રીતે રહેતો. તે બાકીના બધા મજૂરો કરતા વધુ કામ કરતો અને તે પણ બધા કરતા શ્રેષ્ઠ. મિલનો શરૂ થવાનો સમય હોય તે પહેલાં તે પહોંચી ગયો હોય અને સમય પૂરો થાય ત્યાં સુધી લગાતાર કામ કરે. શેઠ પણ તેના આવા સારા વર્તનથી પરિચિત હતા. તેના શેઠ ખૂબ જ ધનિક માણસ હતાં. આ ઉપરાંત તેને બીજા બે કારખાના બાજુનાં શહેરમાં ચાલતા હતાં અને તેઓ સતત આ બધાની દોડધામમાં વ્યસ્ત રહેતાં અને તેના ઘરમાં અવારનવાર જુદા જુદા પ્રશ્નો ઉત્પન્ન થયા કરતા હતા. એટલે શેઠ બને ત્યાં સુધી ઘરે ઓછું જતા હતા. અને બહારથી જમવાનું મગાવી કેબિનમાં જ જમી લેતાં.
એ અરસામાં શેઠને બહુ મોટો ઓર્ડર મળે છે.પરંતુ આ ઓર્ડર નિયત સમયમાં આપવો તે શક્ય ન હતું. આથી શેઠ પણ ખૂબજ ચિંતામાં આવી ગયા.ત્યારે તેને એક વિચાર આવે છે કે જો મજૂરો રજાના દિવસે પણ કામ કરે તો આ ઓર્ડર પૂર્ણ કરી શકાય તેમ છે. આ માટે શેઠે એક તરકીબ અપનાવી અને બધાજ મજૂરોને બોલાવી ઓર્ડરની બધી વાત કરી.અને ખાસ જણાવ્યું કે જે પૈસા તમને એક દિવસના મળે છે તેનાં દોઢ ગણાં પૈસા રવિવારનાં દિવસે જે કામ કરશે તેને આપવામાં આવશે. શેઠને તો આનંદ ઉપર ભરોસો હતો જ કે આ વ્યક્તિ કામમાં ક્યારેય ના નહીં પાડે અને કામ પર આવશેજ.
બીજા જ દિવસે રવિવાર હતો. સવારમાં શેઠ આવી ગયા અને ઘણાં બધાં મજૂરો પણ કામપર આવ્યા હતા અને તેના લીધે શેઠ પણ ઉત્સાહમાં હતા. પરંતુ આનંદ ક્યાંય દેખાતો નહોતો. તે આવ્યો છે કે નહીં તે જોવા ખુદ શેઠ આખી મિલ ફરી આવ્યા. પરંતુ આનંદ ક્યાંય દેખાણો નહીં. બીજા દિવસે સમયસર આનંદ જ્યારે મિલમાં પ્રવેશ કરે છે ત્યારે શેઠ તેને પોતાની કેબિનમાં બોલાવે છે અને પૂછે છે કે ,- 'આનંદ કાલ કાંઈ બહાર ગામ ગયો હતો ?'
આનંદ: 'ના , કાલ ઘરે જ હતો.'
શેઠ : 'તો પછી કાલ કામ પર કેમ ના આવ્યો ? કાલ તો વધુ પૈસા મળવાના હતાં તને ખ્યાલ નહોતો ?'
આનંદ : 'હા મને ખ્યાલ હતો, પણ આવું કેમ પૂછો છો ?'
શેઠ : 'તારે પૈસાની જરૂર નથી ?'
આનંદ : 'અરે શેઠ,પૈસાની જરૂર કોને ના હોય ?'
શેઠ : 'તો પછી તું કાલ કેમ ના આવ્યો ? વધુ પૈસા મળતા હોવા છતાં તું કામ પર કેમ ના આવ્યો ?'
આનંદ : 'શેઠ, માફ કરજો, "પૈસા જરૂરી છે , પણ સર્વસ્વ નથી."
શેઠ : 'એટલે ?'
આનંદ : 'જુઓ શેઠ, હું રોજે સવારથી સાંજ સુધી આપની મિલમાં કામ કરૂં છું ?'
શેઠ : 'હા'
આનંદ: સોમવારથી શનિવાર હું આપની મિલમાં સવાર થી સાંજ સુધી હોવ છું. અને રાત્રે ઘરે પહોંચું ત્યાં બાળકો સુઈ ગયાં હોય છે. અને સવારે હું ઉઠું તે પહેલાં તે નિશાળે જતા રહે છે. માટે આખા અઠવાડિયામાં રવિવારજ એક દિવસ એવો આવે છે કે જ્યારે હું, મારા માતા-પિતા અને બાળકો આખો દિવસ સાથે રહીએ છીએ, સાથે જમીએ છીએ. હું મારાં બાળકો અને માતા-પિતાને મારા હાથે પહેલો કોળિયો ખવરાવું છું. અમે વાતો કરીએ. બાળકો આખા અઠવાડીયામાં જે જે શીખ્યા હોય એ મને કહી સંભળાવે, કાવ્યો બોલે. મારા માતા-પિતા પણ ઘણી બધી વાતો કરે, હું એ શાંતિથી સાંભળું. સાંજે અમે બધા બાજુનાં ઉદ્યાનમાં જઈએ ત્યાં બાળકો સાથે રમતો રમીએ. મારા બાળકોનાં ચહેરા પરનું એ સ્મિત અને માતા-પિતાનાં આંખમાંથી ઝરતાં એ પ્રેમની આગળ એ પૈસાનું કોઈ જ મૂલ્ય નથી.
શેઠ, હા એ વાત સાચી કે વધુ કામ કરીશ તો વધું પૈસા મળશે અને હું ઘરે વધુ વસ્તુઓ આપી શકીશ. પરંતુ એ વસ્તુઓ એમને એટલી ખુશી નહીં આપી શકે, જેટલી મારા ઘરે રહેવાથી એમને મળે છે. માટે હું નહોતો આવ્યો.આટલું બોલીને આનંદતો કેબીન બહાર જતો રહ્યો અને પોતાનાં કામમાં જીવ પરોવી શાંતિથી પોતાનું કામ કરવા લાગ્યો. પરંતુ કેબિનમાં શાંતિ હોવા છતાં શેઠનાં અંતરમનમાં જાણે તોફાન શરૂ થઈ ગયું, વિચારોનું તોફાન. એણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે છેલ્લે ક્યારે પોતાનાં બાળકોને તેણે પોતાનાં હાથે જમાડયું હતું ? ક્યારે તેણે તેનાં માતા-પિતાને ખબરઅંતર પૂછ્યા હતાં ? ક્યારે આખો પરિવાર એકસાથે ક્યાંય ફરવા ગયો હતો ?
પરંતુ એક પણ જવાબ શેઠને મળ્યો નહીં. અને મળે પણ ક્યાંથી ? પૈસા કમાવવાની લાલસામાં ઘર - પરિવાર તરફ ધ્યાન આપી શક્યા જ નહોતા. માત્ર પૈસા માટે જ સતત દોડાદોડી કરતા હતા. અને તેને વિચાર આવ્યો કે હું સમય નથી આપી શકયો એટલે જ કદાચ ઘરમાં કંકાસ ચાલે છે. મેં વસ્તુઓ તો ઘરે આપી પરંતુ, માતા-પિતાને પુત્ર, પત્નિને એક પતિ અને બાળકો ને એક પ્રેમાળ પિતાની જરૂર હતી, શુ એ મેં આપ્યું છે ખરા ?
બધું જ શાંત થવા લાગ્યું, પોતાનાં બાળકો અત્યારે શુ કરતાં હશે ? એ પણ એમને ખ્યાલ નહોતો. એને શુ ગમે છે અને શું નથી ગમતું એની ખબર સુદ્ધાં તેમને નહોતી. પારાવાર પસ્તાવો કરે છે. અને તરતજ ડ્રાઈવર ને કહી ગાડી બોલાવી ઘરે જવા રવાના થાય છે. અને મનમાં જ પેલા આનંદ ને કહે છે. "શાબાશ દોસ્ત...આજે તે મારી જિંદગીની સાચી દિશા બતાવી છે. જો આજે તે આ વાત ન કરી હોત તો મને કંઈ અંદાજ જ ન આવત."ઘરે જઈને માતા-પિતા, પત્નિ બાળકોને ભેટી પડ્યા અને ઘરનાં તમામ લોકોએ આજે એક નવાજ સ્વરૂપનાં અને નવા જ વર્તનના દર્શન કર્યા અને સાચા અર્થમાં એ લોકોને એક પુત્ર, પતિ અને પિતા મળ્યાનો અનેરો આનંદ બપોરનાં સ્વરૂચી ભોજનમાં દેખાયો કેમ કે આજે પહેલી વાર એ પરિવાર એક સાથે હસી હસીને જમી રહ્યો હતો.