Dharmendra Joshi

Fantasy Thriller


4  

Dharmendra Joshi

Fantasy Thriller


હરિ મિલન

હરિ મિલન

5 mins 22.9K 5 mins 22.9K

રોજ સવારે ગામનાં મુખ્ય બજારમાં એક હાથમાં લાકડી અને એક હાથમાં ફૂલની ભરેલી છાબડી અને લાકડીવાળા હાથનાં કાંડામાં પરોવેલ થેલી અને એંસીએક જેવડી ઉંમર, કમર સહેજ વાંકી વળી ગયેલી, લાકડીના ટેકે ડગુમગુ ચાલતા ચાલતા ઠાકોરને મંદિરે જતાં એ અંબામાને જે સામે મળે તે "જય શ્રી કૃષ્ણ કહેતા". કારણ કે અંબામાને કીધેલાં "જય શ્રી કૃષ્ણ" નો જવાબ એટલા સૌમ્ય સ્મિત સાથે એ વાળતાં કે સામેનાં વ્યક્તિને જાણે કે ઠાકોરના જ દર્શન રસ્તામાં થઈ જતાં અને પોતાનાં વ્યવસાય માટે જતાં એ લોકોને જાણે કે સારા એવા શુકન સાંપડતા અને આખો દિવસ સુખરૂપ પૂર્ણ થતો.

 પોતાનાં ઘરથી ખાસ્સું દૂર ઠાકોરનું મંદિર. પરંતુ વર્ષોથી પોતાનાં ઘરે થતાં મોગરાનાં ફૂલ ઠાકોરજી માટે નિત્ય ત્યાં શૃંગારમાં ચડતાં. નાની-મોટી બીમારી તો અંબામાં ગણકારતાં પણ નહીં. સવારના વહેલાં ઊઠી ઘરે લાલની પૂજા કરે અને ત્યાર બાદ ફૂલની છાબડી ભરીને ઘીમાં ધીમા ડગલે મંદિર તરફ નીકળી પડે. ઠાકોરજીને મંદિર પહોંચી ફૂલ મુખ્યાજીને આપે પછી એ ફૂલ ઠાકોરજી પર શૃંગાર થતો અને અંબામાં ઠાકોરજીનાં દર્શન કરી પૂજા કરે અને માળા કરી ઠાકોરજીનાં પ્રસાદનાં પુષ્પ આંખે અડાડી ને પોતાની પૂજા પૂર્ણ કરતાં અને ત્યાર બાદ ઘર તરફ જતાં. મુખ્યાજી અંબામાને વર્ષોથી ઓળખે એટલે અંબામાં માટે એ ખાસ ઠાકોરજીનાં મુખારવિંદ પરથી એક પુષ્પ એ પોતે જ અંબામાને આપતાં. બાકી બધા માટે તો બીજા પુષ્પ નમન માટે રાખવામાં આવતા કેમ કે બધાં ને ઉપરથી પુષ્પ આપે તો શૃંગાર વિખરાઈ જાય. માટે એ મુખ્યાજી એક જ આ વાત જાણે કે અંબામાને ક્યુ પુષ્પ આપવાનું ક્યારેક મુખ્યાજી કોઈ કામમાં હોય તો અંબામાં એમની રાહ જોતા. મંદિરમાં એને શોધીને લઈ આવતાં પરંતુ ઠાકોરજીમાં મુખારવિંદનાં પુષ્પ વગર ક્યારેય જતાં જ નહીં. મુખ્યાજી એ પુષ્પ આપે એ પ્રસાદીના પુષ્પ ને આંખે સ્પર્ષ કરતાં ત્યારે જાણે કે પોતે ઠાકોરજી ને સેવા અર્પણ કરી હોય તેના બદલામાં સાક્ષાત ઠાકોરજી એમને આશીર્વાદ આપતાં હોય એવી અનુભૂતિ રોજે થતી. માટે અંબામાં આ પ્રસાદનાં પુષ્પને ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ માની નમન લેતાં.

એવામાં શ્રાવણ મહિનો શરૂ થયો. વિશેષ ભક્તિનો મહિમા શ્રાવણમાં રહેલો છે.પરંતુ એક પાછલી રાત્રે ખૂબ જ વરસાદ શરૂ થયો. ગાજવીજ સાથે વરસાદ એટલો પડવા લાગ્યો કે સવાર થવા છતાં પણ અંધકારમાં વધુ ફેર મા પડ્યો.ખૂબ જ ગાજવીજ અને તોફાની પવનના કારણે બહાર નીકળવું શક્ય નહોતું. ઘરમાં લાલાજીની પૂજા કરી ને હવે ઠાકોરજીનાં મંદિરે જવા તૈયાર થઈ બેઠા હતાં. પરંતુ વરસાદ ધીમો પડવાનું નામ પણ નહોતો લેતો. એમ કરતાં કરતાં દસેક વાગી ગયાં હશે. વરસાદમાં જવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ જેવા ફળિયામાં પહોંચ્યાં ત્યાં પવનનાં કારણે એક ડગલું પણ ચાલી શક્યા નહીં. તુરતું જ ઓસરીમાં પલંગ પર બેસી ગયાં અને ઉદાસ થઈ ગયાં અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યાં કે આજે મારા ઠાકોરજી ને મોગરનાં ફૂલ વગર શૃંગાર અધૂરો લાગશે. " હે વરુણદેવ ! થોડાં સમય માટે વિરમી જાવ, હું મારાં ઠાકોરજીનાં ફૂલ આપીને દર્શન કરતી આવું." આવી વિનંતી કરવાં લાગ્યાં. પરંતુ જાણે કે એ વિનંતીનાં સુર વરસાદનાં અવાજમાં અદ્રશ્ય થઈ ગયાં.

એકાદ કલાક જેવો સમય થાય છે. અંબામાં હજુ કાઈ ખાધું પણ નથી. ઠાકોરજી ને પુષ્પ આપવા છે અને ઠાકોરજીનાં નમન નું પુષ્પ એટલે કે ખુદ ઠાકોરજીનાં આશીર્વાદ મળે પછી જ અંબામાં કંઈક ખાતાં. આ વર્ષો નો ક્રમ હતો. પરંતુ આજે વરસાદ એની અલગ જ છટામાં હતો.એવામાં ખડકી ખૂલે છે. વરસાદમાં પલળે નહીં એ માટે છત્રી ને બદલે કાળી ધાબળી માથે ઓઢી છે. હાથમાં એક પડીયા જેવું છે. અંદર આવી ને કહે છે. "અંબામાં મુખ્યાજી એ આ પ્રસાદનાં પુષ્પ મોકલ્યા છે અને તમારી પાસેથી ઠાકોરજીનાં શૃંગાર માટે મોગરાનાં પુષ્પો આપવાનું કીધું છે."

 આ શબ્દો સાંભળતા જ અંબામાં ખુશ ખુશાલ થઈ જાય છે. ઠાકોરજીનાં મંદિરથી આવેલા પ્રસાદનાં પુષ્પ મળ્યાંથી જાણે ઠાકોરજીનાં સાક્ષાત આશીર્વાદ મળ્યાં. જાણે કે ખુશીની કોઈ સીમા ના રહી. તરત એ પુષ્પને બે હાથે તેમની પાસેથી થોડાં નમીને લે છે અને આંખ બંધ કરીને ઠાકોરજીની અનુભૂતિ કરે છે. ત્યાર બાદ આવેલ પેલા યુવાનને ઘરની પૂજામાં ધરાવેલ મીશ્રી પ્રસાદમાં આપે છે.અને તે યુવાનનો ખૂબ ખૂબ આભાર માને છે.અને સાથે તે મુખ્યાજી માટે પણ સંદેશ મોકલાવે છે કે અંબામાં આ ઉપકાર ક્યારેય નહીં ભૂલે. છાબડીમાં રાખેલાં ફૂલ તે યુવાનને આપે છે અને તે યુવાન ઉતાવળમાં દોડીને ઓસરીમાંથી ફળિયામાં ઉતરે છે અને વરસાદમાં પલળે નહીં એ માટે ઉતાવળા પગલે જતો રહે છે. પરંતુ ઓસરીમાંથી જતી વખતે ઉતાવળા ફરવાને કારણે તેનાં ગળામાંથી એક માળા તૂટીને ઓસરીની પાળે પડી ગઈ હોય છે. એ અંબામાં જુએ છે ત્યારે બૂમ પાડે છે.. પરંતુ ત્યાંતો પેલો યુવાન જતો રહયો હોય છે.વરસાદનાં એ અંધકારમાં સ્પષ્ટ માળા દેખાતી નથી. પરંતુ એ માળા અંબામાં પોતાની થેલીમાં મૂકી દે છે અને વિચારે છે કે કાલ સવારે મંદિર જઈશ ત્યારે મુખ્યાજીને આપી દઈશ અને તે પેલા યુવાનને પહોંચાડી દેશે. અને અંબામાં હવે ખુશ થઈ ને નાસ્તો કરવા બેઠા. આવા વરસાદમાં પણ એનો ક્રમ ના તૂટ્યો એ માટે ખૂબ જ ખુશ હતાં. મુખ્યાજી એ આટલું ધ્યાન રાખ્યું એ વાતનો પણ એને આનંદ હતો. વરસાદ એ દિવસે ખૂબ જ વરસ્યો. બપોર બાદ વરસાદ બંધ થયો. 

બીજા દિવસે સવારે પોતાનાં નિત્ય ક્રમ મુજબ લાલાજી ની પૂજા કરી. મોગરનાં ફૂલ ઉતારીને ધીમે ધીમે ડગલે મંદિર તરફ પ્રયાણ કર્યું. સૌને રોજ ની માફક " જય શ્રી કૃષ્ણ " કહેતા એટલે મંદિરનો પંથ ક્યાં કપાઈ જતો એ ખબર જ ના રહેતી. મંદિરમાં પહોંચ્યા ઠાકોરજીનાં દર્શન કર્યા, મોગરાનાં પુષ્પ અર્પણ કર્યા. મુખ્યાજી કોઈ કામમાં હતાં એ આવે ત્યાં સુધી માળા કરવાં બેઠાં. થોડી જ ક્ષણોમાં મુખ્યાજી આવ્યાં. અને અંબામાંને નમનનું પુષ્પ આપ્યું અને અંબામાએ પુષ્પ આંખે અડાડી રોજ ની માફક આશીર્વાદ લીધાં. ત્યાં મુખ્યાજી નિજ મંદિરથી બહાર આવ્યાં. ઠાકોરજી સામે જ ઊભા હતાં. કોઈક કામ માટે બહાર જતાં હતાં તો મુખ્યાજીને બોલાવી ને કહ્યું ગઈ કાલ માટે આપનો આભાર માનું એટલો ઓછો છે. અને તમે જે ભાઈ ને મોકલ્યાં હતા એનો પણ આભાર...અને હા એ ભાઈની એક માળા..... આટલું બોલ્યાં ત્યાં મુખ્યાજી ઉતાવળે જતાં જતાં કહે છે..કેવી વાત કરો છો અંબામાં મેં તો કાલ કોઈ ને મોકલ્યા જ નથી અને ગઈ કાલ મંદિર પણ કોઈ આવ્યું જ નથી. હું એકલો જ હતો. એક પણ ભક્ત મંદિર આવ્યો જ નથી. આટલું કહીને મુખ્યાજી મંદિરનાં પગથિયાં ઉતરી ગયાં. એક માળા બોલતાની સાથે એક હાથ એની થેલીમાં ગયો હતો એ હાથ બહાર આવ્યો ત્યારે જોયુ તો એ ચણોઠીની માળા હતી. તરત અંબામાં ઠાકોરજી સામે જુએ છે અને આંખમાં કંઈક અલગ જ હર્ષનાં આંસુ અને ચહેરા પર એંસી વર્ષમાં ક્યારેય ન આવેલી વિસ્મયકારી ખુશી સ્પષ્ટ દેખાતી હતી. એક પણ શબ્દ નીકળી શક્યો નહીં. અને એ સજળ નેત્રે ઠાકોરજીનાં દર્શન એ દિવસે લગભગ એકાદ કલાક સુધી કર્યાં.


Rate this content
Log in