Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

સાળો સુંદરલાલ

સાળો સુંદરલાલ

5 mins
412


આમ તો "સાળો" અને "સુંદરલાલ" વિરોધાભાસી શબ્દો છે.... બંને પર્યાયવાચી હોય જ ના શકે, અને આ સંપૂર્ણપણે મારો અંગત અભિપ્રાય છે. કોઈ પણ વાચક બહેનો એ આ કથનને એક રમૂજ ગણીને પોતાના ભાઈને આ લાગુ નથી પડતું એમ માનીને આનંદ લેવો.

એમ તો હું પણ એ "નસીબદાર" લોકોમાંનો એક છું જેને એક નહીં પરંતુ આખે આખા બે સાળા (લા) નું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આમ તો એમની યશ ગાથા હું રોજ જ સાંભળું છું મારા શ્રીમતીજી ના મુખેથી, એટલે મને હવે ખબર જ છે કે કયા વખાણ પછી કયુું વખાણ આવવાનું છે.....આપ સૌને જાણીને અપાર આનંદ થશે કે "વાર્તા" અને "કવિતા" ના લખાણો પછી હું મારું કૌશલ "સાળા ચાલીસા" લખવામાં બતાવવાનો છું....આમ તો ચાલીસ દોહા બન્ને સાળા માટે પર્યાપ્ત નથી પરંતુ "કૌશિશે બંદા તો મદદે ભાર્યા"....!

ખેર, એ તો પછી ની વાત છે, હાલ મા તો એક બહુ મોટો પ્રસંગ અમારા ઘરે થવા જઈ રહ્યો છે.......સાળા(લા) ઓ એમની પોતાની પત્નીઓ સાથે અમારા ઘરે જમવા આવીને અમારું ઘર પાવન કરવાનાં છે. આમ તો આપણાં દેશની મુલાકાતે જ્યારે કોઈ બીજા દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આવે છે ત્યારે રાયસીના હિલ્સ ખાતે આવેલા "રાષ્ટ્રપતિ ભવન" મા તેમને સત્તાવાર ભોજન માટે આમંત્રિત કરવામાં આવે છે અને ત્યાંની જ એક ખાસિયત સમી "દાલ રાયસીના" ખાસ કરીને પીરસવામાં આવે છે. હું કોઈ રાષ્ટ્રપતિ નથી પણ અમારા શ્રીમતીજી નો "પતિ" છું, એવું હું માનું છું, પરંતુ અમારા શ્રીમતીજી એવું નથી માનતા. એમને મન મારા સાળા એટલે કે એમના ભ્રાતુઓ કોઈ પણ દેશના પ્રધાનમંત્રીથી પણ વિશેષ છે, એટલે એ પોતે પણ એક રાષ્ટ્રપતિના પત્ની હોય તેવી ઘર મા તૈયારીઓ શરૂ થઈ જાય છે. મારા જ એક પાછળના લેખમા મારા સાસરે જમણનો પ્રસંગ ટાંક્યો હતો, પરંતુ આ તો તેનાથી પણ વિશેષ ઘટના હતી. 

આમ તો રવિવાર બપોરના જમવાનું ગોઠવ્યું હતું પણ તેની તૈયારી રૂપે આજુબાજુના જેટલી કરિયાણાની દુકાનો હતી તેને તાકીદ કરી દેવામાં આવી હતી કે કોઈ પણ ચીજ વસ્તુ કે મસાલા કે રસોઈને લાગતી વળગતી સામગ્રી નો ભરપૂર જથ્થા મા સંગ્રહ કરી રાખવો....કઈં ઓછું ના પડવું જોઈએ....ભલે મારા ખિસ્સા ઉપર તાઉતે વાવાઝોડાની માફક "સાળુતે" વાવાઝોડું ત્રાટકે. મારા ઘરના બન્ને ફ્રિઝ બધી સિધા સામગ્રીથી ભરાઈ ગયા હતા.....આ બધું જોઈને મને વિચાર આવ્યો (લગ્ન પછી મને વિચાર વાયુ જ થાય છે કારણ કે બોલી તો નથી જ શકતો) કે સાળાઓને કદાચ તાકીદ કરી દેવામાં આવી હશે કે મંગળવાર બુધવારથી જમતા નહીં તો જ રવિવારે પ્રેમથી જમી શકશો....વાચકોની જાણ ખાતર કે આવી કોઈ સૂચનાઓ મને નહોતી આપવામાં આવી.

અને જે દિવસની કાગ (પત્ની) ડોળે રાહ જોવાઈ રહી હતી તે આવી પૂગ્યો. સવારથી જ ઘરમા ધમાધમ હતી... આપણે ગુજરાતીમાં એક કહેવત છેને કે "ભેંસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ" (આ કહેવત મા બિરાજમાન ભેંસ સાથે મારા સાળાને કોઈ લેવાદેવા નથી...આ એક કહેવત જ છે અને તેને કહેવત તરીકે જ લેવી). મને સવારે ૬ વાગ્યા મા ઢંઢોળીને ઉઠાડી દેવામાં આવ્યો હતો....હજી તો ઉઠું તે પહેલાં જ બાથરૂમમાં ધકેલી દીધો. અંદર જઈને માંડ ઠરીઠામ થયો ત્યાં તો બારણું તૂટી જાય એવી રીતે ખખડ્યું...."બ્રશ કરી લીધું હોય તો જલ્દી બહાર નીકળો". હજી તો બહાર નીકળ્યો ના નીકળ્યો ત્યાં તો સામે ચા ધરી દેવામા આવી...."જલ્દી પીવો...ઘણું કામ છે"...આ આદેશ મા "ઘણું કામ છે" વાક્ય મા રહેલો મર્મ શું છે તે હું સમજી ના શક્યો...(સમજવાનું અઘરું કાર્ય મે છેલ્લા ૨૫ વર્ષથી છોડી દીધું છે). હજી તો ચાને ન્યાય આપ્યો ત્યાં તો ડૂચો વાળીને ટુવાલ આપી દેવામાં આવ્યો અને ફરી પાછો ધકેલાયો બાથરૂમમાં......ખરેખર આ એક જ સારી અને શાંત જગ્યા હાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજ લાગી. નાહી ધોઈને બહાર આવ્યો તો સુખદ આંચકો લાગ્યો....ઘણા વખત પહેલાં લીધેલા નવી જોડ કપડાં મારી રાહ જોતા બેઠા હતાં. મેં પણ હોંશે હોંશે તે કપડાંને અંગદાન કર્યું, અને નીચે આવેલા દીવાનખંડમાં આતુરતાપૂર્વક મહાનુભાવોની રાહ જોતો મોઢું વકાસીને બેસી રહ્યો. રસોડામાં તો યુદ્ધભૂમિ જેવું વાતાવરણ હતું. આમથી તેમ દોડાદોડી ચાલી રહી હતી. જાત જાતના વ્યંજનોની સુગંધ તીવ્રપણે મારી નાસિકામા ઘૂસવાની નાકામ કોશિશ કરી રહી હતી, પણ હું મન મક્કમ કરીને બેઠો હતો.

અને જે થવાનું હતું તે થઈને જ રહ્યું....ઠીક ૧૨ વાગ્યે સાળા(લા)ઓની પધરામણી થઈ. લગ્ન સમયે આપ સૌ એ સાંભળ્યું હશે કે ગોર મહારાજ જ્યારે પણ કન્યાને કહેણ મોકલે છે અને "કન્યા પધરાવો સાવધાન" નો આહલેક બોલાવે છે તેમ મારા સાળા પધાર્યા અને હું થઈ ગયો સાવધાન. આગતા સ્વાગતાનો મારો ચાલ્યો છે....શ્રીમતીજી ગળગળા થઈ ગયા....રીતસર ના ઓવારણાં જ લીધા જાણે કે દસકાઓ પછી મળતા હોય (આગલે જ દિવસે ફક્ત ૪ કલાકનો નાનો આંટો મારીને આવ્યા હતા શ્રીમતીજી મારા સાસરે). એક વસવસો રહી ગયો તેમને કે બેન્ડવાજાવાળાને બોલાવી નહીં શક્યા. બધા બેઠા....પૂછપરછ નો દોર ચાલ્યો...મારી ઉલટ તપાસ ચાલતી હોય તેમ હું નોકરીમા શું "ઉકાળું" છું તે પૂછ્યું. હું પણ કોઈ અનુભવ વગરના કારકુનની જેમ જે જે સવાલો કર્યા તેના સંતોષકારક જવાબ આપીને પહેલો પડાવ પાર પાડ્યો. શ્રીમતીજી એ મને તેમની ધારદાર આંખોથી શાબાશી આપી અને મેં ગર્વની લાગણી અનુભવી. 

કલાક એક જેવું આ બધું ચાલ્યું અને પછી આવ્યું કહેણ જમણ માટે. બધા દીવાનખંડમાંથી ઊભાં થઈને રસોડાને અડીને આવેલા ડાયનિંગ રૂમમાં ગયા અને પોતપોતાને ફાળવેલી જગ્યા ઉપર બિરાજમાન થયા.....મને પણ માનભેર બેસાડવામાં આવ્યો. હું બેઠો પણ ખરો (ખબર નહીં ફરી પાછો આ સુઅવસર ક્યારે આવે). થાળીમાં વ્યંજનો પિરસાવવા લાગ્યા. મારી તો આંખો વિશ્વાસ નહોતી કરતી આખી થાળી ભરેલી જોઈને...આખી ભરેલી થાળી કેવી સરસ લાગે તેની એક તસવીર મોબાઈલ ઉપર લેવાની ઈચ્છા થઈ પરંતુ મહાપરાણે તે ઈચ્છા ઉપર અમારા શ્રીમતીજીના ડોળા ગોઠવી દીધા. સાળાઓને ભાવસભર આગ્રહ થવા લાગ્યા....હું પણ આગ્રહ કરવા લાગ્યો (એ બહાને કે કોઈ મને પણ કરે) અને આ શું ? મારા શ્રીમતીજી શ્રીખંડનું તપેલું લઈને આવ્યા મારી પાસે...આ દ્શ્ય જોઈને મારી આંખોમાં ઝળઝળીયાં આવવાની તૈયારીમાં જ હતા ત્યાં..."તમને શ્રીખંડ આપું ?".....આ બહુ કઠિન સવાલ હતો....મારો એક સાળો જે બાજુમાં જ ખોડાયેલો હતો તે ઉવાચ..."અરે જીજાજી શ્રીખંડ લ્યોને ?".....મારા શબ્દો હજી મોઢામાં ગોઠવાઈ જ રહ્યા હતાં ત્યાં શ્રીમતીજી એ ચૂકાદો આપી દીધો....."મને ખબર જ છે આ શ્રીખંડ તમને બહુ ભાવતો જ નથી, એમને તો રીંગણાનું શાક એટલે ભયો ભયો"....મારા મોઢાના શબ્દો ફરી પાછા યથાસ્થાને ગોઠવાઈ ગયા....કેટલું ધ્યાન રાખે છે શ્રીમતીજી મારું....મને શું ભાવે છે અને શું નહીં, તેની કેટલી દરકાર રાખે છે.....અને હું પણ એક કહ્યાગરા કંથની જેમ..."સાચી વાત છે, મને આ બધું ના ભાવે...મારે માટે તો છપ્પન ભોગ એટલે રોટલી, દાળ, ભાત અને શાક.....તમે તમારે પ્રેમથી આરોગો ("આરોગો" શબ્દ મારા મનમા "ઠુંસો" થઈ ગયો). ખેર.....જમવાનું પૂર્ણ થયું. બધા ફરી પાછા દીવાનખંડમાં આવ્યા. અલપઝલપની વાતો કરીને સર્વ મહાનુભાવોને ભાવભીની વિદાય આપી.

હું પણ ફરી પાછો મારા શયનખંડમાં આવીને આરામ કરવાની હિંમત કરી જ રહ્યો હતો ત્યાં "પઠાણ"નું આગમન થયું...."કેમ....તમે શું કામ કર્યું ?....થાકી તો હું ગઈ છું, કેટલું કામ હતું આજે ?...શ્રીમતીજી સ્વતરફી ચૂકાદો આપ્યો. હું તરત જ બેઠો થઈ ગયો (જાણે કેમ મારા બેસવાથી શ્રીમતીજીને આરામ મળવાનો હોય).....કેમ નહીં.....આજના દિવસ પૂરતા તો શ્રીમતીજી એક કહેવાતા "રાષ્ટ્રપતિ"ના પત્ની હતાં..!


Rate this content
Log in

Similar gujarati story from Comedy