આજના જમાનામાં ટેક્નોલોજીનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થઈ રહ્યો છે. ટેક્નોલોજીનાં ઉપયોગ કરતાં સાઈબર ક્રાઈમ વધી રહ્યા છે. અભણ હોય કે ભણેલ વ્યક્તિ દરેક લોકો સાઈબર ક્રાઈમમાં ફસાઈ રહ્યા છે. માનવજાત માટે આ ટેક્નોલોજી લાભની સાથે સાથે નુકશાની પણ આપી રહી છે. જેનો ભોગ આજના જુવાનિયાઓ વધુ બની રહ્યા છે.
સાઈબર ક્રાઈમ એટલે કમ્પ્યુટર કે ઈન્ટરનેટ દ્વારા ચાલતા કોઈપણ સાધનોથી થતી ગુનાહિત પ્રવૃત્તિ. ડિજિટલ જમાનામાં ડિજિટલ ચોરી, હેકિંગ, અનેક જાતના વાયરસ ફેલાવવા, ઓનલાઈન કોઈ પાસે પૈસા પડાવવા જાત જાતની ધમકી આપવી, બદનામ કરવા, બ્લેકમેઈલ કરવા જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે. આજના સમયની મોટામાં મોટી સમસ્યા એટલે જ સાઈબર ક્રાઈમ.
ટેક્નોલોજી વાપરવી હશે તો થોડું સાવધાન પણ રહેવું જ પડશે. સૌથી પહેલા પાસવર્ડ મોટો રાખો તેમજ સામાન્ય તો ના જ હોવો જોઈએ. જેમ કે જન્મ તારીખ, કાર કે સ્કૂટરનાં આર ટી ઓ નંબર, મોબાઈલ નંબર જેવા અનેક સામાન્ય પાસવર્ડ બિલકુલ વાપરવા ના જોઈએ. અવારનવાર પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. કોઈ શંકાસ્પદ ઈમેઈલ જણાય તો તરત સાઈબર રિપોર્ટ કરાવવો જોઈએ. તેમજ કોઈ અજાણી લિંક કે ફ્રી વાળી સ્કીમ પર ભૂલ્યે ચુકે પણ ક્લિક ના કરવું જોઈએ.
ડિજિટલ સાધનો વાપરવા માટે જેટલી ખુશી મળે છે તેના કરતાં આવા ક્રાઈમમાં ફસાઈએ ત્યારે તકલીફો વધુ પડે છે. સૌથી વધુ સોશ્યિલ મીડિયામાં આજના યંગસ્ટર સમય વધુ વાપરે છે. કોઈપણનાં નામથી સોશ્યિલ અકાઉન્ટ ખોલીને ગમે તેની સાથે ચેટ કરતા હોય છે. બાદમાં મિત્રતા કેળવી અનેક જાતની માંગણી કરતાં કરતાં બ્લેકમેઈલ પણ કરવા લાગે છે. ઘણાં કેસોમાં તો લગ્ન સુધીની લાલચ આપીને કંઈ કેટલા રૂપિયા પડાવતા હોય છે. સામે વાળી વ્યક્તિ પણ પોતાનો ફ્રેન્ડ સમજીને મદદ કરવાનાં બહાને ઘરેથી ચોરી છુપી આવી વ્યક્તિઓ સુધી પૈસા પહોંચાડે છે. તેમજ ઘણાં સાઈબર ગઠિયાઓ તો કોઈના પ્રાઈવેટ ફોટોને નગ્ન બનાવીને એમ એમ એસ દ્વારા દરેક લોકો સુધી પહોંચાડવા જેવા ઘણા ગુનાઓમાં યંગસ્ટર વધુ ભોગ બને છે.
વધુમાં, સરકાર વધતા જતા ડિજિટલ ક્રાઈમને ઓછો કરવા જાત જાતના કડક કાયદાઓ લાવી રહી છે. સાઈબર ક્રાઈમ માટે અનેક પોલીસ 24 કલાક કામ કરી રહી છે. રોજના હજારો કેસ પલભરમાં ઉકેલીને યુવાનોને ખૂબ મદદ પણ કરી રહ્યા છે. આપણે પણ સાઈબર સુરક્ષાનાં નિયમોનું પાલન કરીને આપણો સ્વબચાવ કરતાં શીખવું જોઈએ.
સાઈબર તંત્ર આપણા માટે ખડે પગે ઉભું છે. જરાં પણ તકલીફો જણાય તો તરત એમનો સહારો લેવો જ જોઈએ. બદનામીનાં ડરથી હજારો યુવાનો બ્લેકમેઈલિંગનો ભોગ બનતા હોય છે. દરેક નાગરિક સજાગ અને જાગૃત બનશે તો જ આવા કાઈમ કરનારાઓ ડરશે, નહીં કે ક્રાઈમમાં ફસાનાર.
સાઈબર ક્રાઈમમાં ફસાયેલો વ્યક્તિ ક્યારેક આપઘાત પણ કરી લેતો હોય છે. ખાસ કરીને દીકરીઓ જયારે સોશ્યિલ મીડિયામાં કોઈ ગઠિયા સાથે વાત કરીને ફ્રેન્ડ બનાવીને ફસાય ત્યારે સમાજના ડરથી આવા લાલચુને ઉઘાડો પાડવા કરતાં કેસને ત્યાં ને ત્યાં જ રફે દફે કરી નાખતી હોય છે. હકીકતમાં તો આવા લેભાગુ માણસોને સમાજની સામે ઉઘાડા જ કરવા જોઈએ.
દીકરાઓ પણ એટલા જ આજે આવા ક્રાઈમમાં ફસાય રહ્યા છે. લાખો રૂપિયાની ખંડણી આપ્યા પછી પણ છોકરાઓ પોતાના માતા પિતાને જાણ પણ કરતાં નથી. એટલે જ વધુને વધુ દેવામાં ડૂબી જાય છે પછી આપઘાત કરી લે છે. મારું માનવું છે કે આજના બાળકોને આ શિક્ષણ પ્રાથમિકથી જ અપાવું જોઈએ કે, "ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માતા પિતાને કહેતા અચકાવું જ ના જોઈએ.
થોડા સજાગ રહેતા શીખવું જ પડશે. ડિજિટલ યુગમાં જીવવા અને ડિજિટલને સહારે જીવવા માટે ડિજિટલ જીવનને જ સુરક્ષિત બનાવીએ.
- રાજેશ્રી ઠુંમર