STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

શ્રાવણ: ભક્તિનો વરસાદ

શ્રાવણ: ભક્તિનો વરસાદ

5 mins
3




જ્યાં દરેક વરસાદની બુંદમાં ભક્તિની ભીની સુગંધ હોય,
જ્યાં ઠંડો પવન 'ઓમ નમઃ શિવાય' નો જાપ જપતો હોય,
જ્યાં ધરતી શિવભક્તિની શીતળતા સાથે ભીંજાતી હોય,
જ્યાં આકાશ પણ આરતીના દીવાથી ઝળહળતું હોય,
જ્યાં સૃષ્ટિ પોતે જ શિવજીનું ભજન ગાતી હોય,
જ્યાં પવિત્ર અનુભૂતિ ઝરે એ છે શિવજીનો શ્રાવણ માસ.

વર્ષના બાર મહિનાઓમાં, શ્રાવણ મહિનામાં સૌથી વિશેષ ભક્તિ અને શાંતિ પ્રદાન થાય છે. શ્રાવણ મહિનો સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણી સોમવાર દરેક ભક્તો માટે એક તહેવાર જેવો લાગે છે, તેમજ ભક્તો ભોળાનાથને શિવલિંગ પર બીલીપત્ર, ફૂલ, દૂધ, ધતુરો કે જળાભિષેક કરીને શિવનાં મંત્રોચાર કરે છે. સ્ત્રીઓ વ્રત, તપ, જપ કે ઉપવાસ કરીને આ મહિનો ધામધૂમથી ઉજવે છે. કોઈ એક ટાણું તો કોઈ નકોરડો ઉપવાસ કરે છે. ઉપવાસથી મનની સાથે સાથે શરીર પણ શુદ્ધ બને છે. સાત્વિક જીવનશૈલી જીવનમાં અનેરી ઉર્જા પ્રગટ કરે છે.

ચોમાસાની ઋતુમાં ધરતી જાણે લીલી ચાદર ઓઢીને સુંદર મજાની તાજગી આપે છે. શ્રાવણ માસ ધાર્મિક મહત્વ પૂરતો જ મર્યાદિત નથી, પ્રકૃતિમાં નવા પ્રાણ પૂરીને પ્રકૃતિને સજીવન કરતો મહિનો છે. ખેતરો લીલાછમ ઉભા હોય, ઝાડ પાન નાહીને એકબીજા સાથે ડોલતા વાતો કરતાં હોય, પશુઓ માટે ઠેર ઠેર ઘાસ ઊગી નીકળ્યું હોય, વરસાદ પણ શ્રાવણ મહિને સંતાકૂકડી રમતો રમતો આવતો હોય, આકાશે સૂરજ પણ રજાના મૂડમાં હોય તો વળી રાતની ચાંદનીને વાદળાઓ ઘેરીને ખુશ થતાં હોય જેવા તો અનેક ફેરફારો આ મહિને પ્રકૃતિમાં પણ જોવા મળશે.

આજનો યુવાન આ મહિનાને આધ્યાત્મિક ડિટોક્સ તરીકે લઈ શકે છે, મોબાઈલ અને સોશ્યિલ મીડિયાથી દૂર રહી મનને સમજવા આંતરિક શાંતિ તરફ આગળ વધી શકાય છે. તન, મન અને ધન ત્રણેય જો પવિત્ર હશે તો જ તમે નિરોગી અને ઉલ્લાસભર્યું જીવન જીવી શકશો. કોઈ એકની ક્ષતિ પણ હાની પહોંચાડી શકે છે. 
આજે તો શ્રાવણ સાથે જુગારને જોડી દેવાયો છે. નાના મોટા અનેક જુગારના હાટડાઓ મંડાઈ ગયા હોય. પોલીસના બંદોબસ્ત વચ્ચે પણ માણસો જુગાર ખેલતા જ હોય છે. પોલીસ પણ આંખ આડા કાન કરીને જે થાય એ થવા દેતી હોય છે. આમ પણ કોઈના ડરથી જુગાર છોડવો એ કરતાં તો મનથી જુગાર છોડીને અધ્યાત્મ તરફ આગેકૂચ કરવું ખૂબ જરૂરી છે.

પુરાણો મુજબ મા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પામવા માટે શ્રાવણ માસમાં ઘોર તપસ્યા કરી હતી. તપથી પ્રસન્ન થઈને ભોળાનાથે પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા. આથી જ તો મા પાર્વતીની જેમ આજની યુવાન કન્યાઓ મનગમતો માણીગર મેળવવાં સોમવારનાં વ્રત કરતી હોય છે. એવું પણ મનાય છે કે આ માસમાં સમુદ્રમંથન કરતાં વિષ નીકળે છે, અને ભગવાન ભોળાનાથ સમગ્ર સૃષ્ટિને બચાવવાં હળાહળ વિષ પી જાય છે. ત્યારથી ભોળાનાથ નીલકંઠવર્ણી તરીકે પણ ઓળખાય છે.

શ્રાવણ માસ અનેક તહેવારો પણ સાથે લાવે છે. જેમ કે, "બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી જેવા અનેક નાના મોટા તહેવારો આવે છે." વૈષ્ણવો ખાસ જન્માષ્ટમીનાં દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવે છે. હવેલી કે દરેક મંદિરોમાં કૃષ્ણજન્મ અનેરા ઉત્સાહથી ઉજવાય છે. ઠેર ઠેર ભવ્ય રથયાત્રા કાઢીને, "જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખી" નાં નારા સાથે સૌને ભક્તિના રંગે રંગી દે છે. 

 તો ચાલો, આ શ્રાવણ માસમાં ભક્તિમય બનીને જપ, તપ અને વ્રત કરીને મનને શુદ્ધ કરીએ. ઉપવાસ કે એક ટાણા કરીને તનને પણ શુદ્ધ રાખીએ. ઉપરાંત આ મહિનામાં દાનનો પણ મહિમા અનેરો છે. જરૂરિયાતમંદને થોડી તો થોડી મદદ કરીને ધનને પણ શુદ્ધ રાખીએ. કોઈ ભિખારીને દાન દક્ષિણા આપવી કરતાં કોઈને સાચે ધનની જરૂર હોય અને એ હાથ લાંબા પણ ના કરી શકતા હોય એને દાન આપો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી અવશ્ય આપો. 


      - રાજેશ્રી ઠુંમર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational