STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

હસતા ચહેરા પાછળની તણાવભરી જિંદગી

હસતા ચહેરા પાછળની તણાવભરી જિંદગી

3 mins
2


અનિયંત્રિત જીવનશૈલીનાં કારણે સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આજે યુવા હોય કે આધેડ કે પછી બાળકો, દરેકના જીવનમાં મોબાઈલનો જરૂરિયાત વગરનો વપરાશ, સોશ્યિલ મીડિયાનો આડેધડ વપરાશ, ઓનલાઈન ગેમ્સ જેવા દુષણો વધતે ઓછે અંશે ઘર કરી ગયા છે. સોશ્યિલ મીડિયાના લીધે કે પછી ઓનલાઈન વધુ પડતા વપરાશનાં લીધે ગુનાઓ પણ અનેકગણા વધતા જાય છે. આના લીધે જ સ્વાસ્થ્ય સમસ્યાઓએ અડો જમાવી લીધો છે. જે દરેક વર્ગના લોકો માટે ખતરનાક સાબિત થાય છે.


 દર વર્ષે 17 મેના રોજ વિશ્વભરમાં વિશ્વ હાઈપરટેન્શન દિવસ ઉજવાય છે. આ રોગ સૌથી ભયાનક અને જીવલેણ પણ છે. હાઈ બ્લડ પ્રેશરમાં ધમનીઓમાં બ્લડનું પ્રેશર સામાન્યથી તેજ થતું જાય છે. જયારે જયારે બ્લડનું પ્રેશર નોર્મલ કરતાં અનેકગણું વધવા લાગે ત્યારે હાઈ બ્લડ પ્રેશરનો ખતરો અનેકગણો વધે છે. હાઈપરટેન્શન થવાનાં મુખ્ય કારણો જેમ કે, અનિયમિત ખાન પાનની આદતો, મોડી રાત સુધી જાગવું, સ્ટ્રેસ, શારીરિક વ્યાયામ બિલકુલ ના કરવો, સ્માર્ટ ફોનનો લાંબા સમય સુધી વપરાશ કે પછી અતિ આધુનિક જીવનશૈલીનાં લીધે થઈ શકે છે.


હાઈપરટેન્શનમાં અચાનક ચક્કર આવવા, લોહીનું દબાણ વધવું, શ્વાસ લેવામાં પડતી તકલીફ કે માથામાં દુખાવો શરુ થાય છે. ઉપરાંત બેચેની લાગવી, થાક, કંટાળો, જીવન પ્રત્યે અરુચિ, અનિંદ્રા કે ગુસ્સો આવવો જેવા લક્ષણો દેખાય છે. આના લીધે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક કે કિડની પણ ફેલ થઈ શકે છે. 


આજે આવા લક્ષણો બુઝૂર્ગ કરતાં યુવાવર્ગમાં વધુ જોવા મળે છે. કારણ કે લાંબો સમય સોશ્યિલ મીડિયામાં ગાળવો કે પછી કલાકો મોબાઈલમાં કે લેપટોપમાં ગેમ્સ રમવી જેવા કાર્યો મગજમાં તણાવ પેદા કરે છે. અજાણી વ્યક્તિ સાથેનો વાર્તાલાપ અને પછી ઝગડા કે બ્લેકમેઈલનો શિકાર બનવો એ આજના જમાનામાં ગંભીર બીમારી કહી શકાય. આના લીધે યુવાનો મનની વાત બીજે ઠાલવતા ડરે છે. અને તેથી જ પેલાનો ગુસ્સો બીજા પર કાઢે છે અને ધીમે ધીમે લોહી દબાણની બીમારી તરફ ધકેલાય છે.


પશ્ચિમનાં આંધળા અનુકરણ પાછળ દોટ મુક્તી પ્રજાને એશોઆરામની ખોખલી ટેવ પડી ગઈ છે. દેખાદેખી અને બીજા કરતાં ચડિયાતા દેખાવાની લ્હાયમાં જરૂર કરતાં વધુ ઉપભોગના સાધનો વસાવવા લાગે છે. ધીમે ધીમે વ્યાજના ચક્કરમાં એવા ફસાઈ ચુકે છે કે ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાતો જ બંધ થઈ જાય છે. તણાવભરી જિંદગીમાંથી બહાર નીકળવવા નશો કરવા લાગે છે. આના લીધે ખુદનો ખુદ પર કન્ટ્રોલ રહેતો નથી. સ્ટ્રેસ વધવાથી બીપી, સુગર કે હાઈપરટેન્શન જેવા રોગોને નોતરી બેસે છે.


હાઈપરટેન્શન એ એક એવો રોગ છે જો સમયસર સમજી જવાય તો નિયંત્રણ લાવી શકાય છે. આજે આવા કેસ ફક્ત શહેરોમાં જ નહીં ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જીવલેણ રોગ કૂદકે ને ભૂસકે વધતો જોવા મળે છે. સૌથી વધુ યુવાવર્ગ નાની નાની વાતમાં ગુસ્સા પર કંટ્રોલ ગુમાવે છે અને દારૂ, સિગરેટ, ચરસ કે પછી ગાંજાનો સહારો લેતા થાય છે. ઠેર ઠેર જાત જાતના કેફેનાં નામે નશીલા પદાર્થ વેચાય છે અને યુવા વર્ગ હોંશે હોંશે તેમજ દેખાદેખીથી પીવા લાગે છે. આ લત એટલી લાગી જાય છે કે જયારે નશો ના થઈ શકે ત્યારે બેભાન જેવા થઈ જાય અને ધીમે ધીમે સ્ટ્રેસ વધે.


આજના યુગમાં હાઈપરટેન્શન વધવાનું મુખ્ય કારણ જરાં અમથી નિષ્ફળતા પચાવી ના શકવાના લીધે અનેકગણી આફતો નોતરી બેસે છે. આ આફતો જ માનવીને જીવનમાંથી ઉપાડીને નર્કમાં ધકેલે છે. ધીરજના અભાવે બહાર નીકળવા છબછબીયા કરે છે અને જાણે અજાણે આવા ગંભીર રોગોને નોતરી બેસે છે.


જીવલેણ બીમારીઓમાંથી બચવાં નિયમિત વ્યાયામ જરૂરી છે. મનને પ્રફુલ્લિત રાખવા સવારે સૂર્યોદય પહેલા ઉઠવું ખૂબ જરૂરી છે. વ્યસ્તતાની વચ્ચે પણ વાંચવાનો સમય કાઢો, સંગીત સાંભળો, મનગમતા મ્યુઝિક શીખો, નવી વાનગી બનાવતા શીખો, બાળકો સાથે થોડો સમય વિતાવો તેમજ નજીકના પાર્કમાં જઈને ખુલ્લા આકાશની નીચે બેસો જેવી અનેક પ્રવૃતિઓ આવા રોગોથી બચવાં રોજ કરી શકાય છે.



 - રાજેશ્રી ઠુંમર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational