STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

યોગ: ઓનલાઈન દુનિયામાં ઓફલાઈન શાંતિ

યોગ: ઓનલાઈન દુનિયામાં ઓફલાઈન શાંતિ

3 mins
6


આપણી સરકાર દેશની જનતાનાં સ્વાસ્થ્ય માટે ખૂબ મોટુ અને અસરકારક અભિયાન ચલાવી રહી છે. 2014 માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રાખ્યો કે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવો જોઈએ. આ પ્રસ્તાવને માત્ર થોડા જ મહિનામાં 177 દેશોએ તેનું સમર્થન કર્યું અને 2015 થી દર વર્ષે આ આંતરરાષ્ટ્રીય દિવસ આખા દેશમાં વિવિધ જગ્યાઓ પર યોગાના કાર્યક્રમો કરીને ભવ્ય રીતે ઉજવાય છે.


યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતની પવિત્ર ધરતી પર હજારો વર્ષ પહેલા થઈ હતી. સમયાંતરે યોગ માત્ર ભારત પૂરતું સીમિત ન રહેતા આજે દુનિયાભરમાં યોગ, સાધના અને પ્રાણાયામ થઈ રહ્યા છે. યોગ એ માત્ર વ્યાયામ જ નથી, પરંતુ એક અનોખી જીવનશૈલી છે જ્યાં શરીર, મન અને આત્મા વચ્ચે સમતુલન સ્થાપિત થાય છે.


આ દિવસે દર વર્ષે ભારત સરકાર દ્વારા એક થીમ પણ નક્કી કરાય છે. દર વર્ષે થીમ અલગ અલગ હોય છે. જયારે આ 2025નાં વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે, "યોગા ફોર વન અર્થ, વન હેલ્થ." એટલે કે "એક પૃથ્વી અને એક આરોગ્ય માટે યોગ."


આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં ખુશીની થોડી પળો મેળવવાં માણસો વ્યર્થ ફાંફા મારતા હોય છે. આમ છતાં ખુશીઓ નસીબ નથી હોતી. જો માણસ ધારે કે તેમને હર પળ ખુશીઓ સંગ જ જીવવું છે તો પણ તેના જ હાથમાં છે. જેમ કે પોતાની આળસુ અને ઉન્માદ જીવનશૈલી છોડીને દરરોજ સવારે મોડામાં મોડું 6 વાગે ઉઠી જ જવું જોઈએ. સવારની દિનચર્યા યોગ, પ્રાણાયામ કે હળવી કસરતોથી જ ચાલું થવી જોઈએ. દિવસની માત્ર થોડી ક્ષણો પણ જો તંદુરસ્તી અને આનંદ માટે ફાળવશો તો દિવસ તો શું જીવન પણ મહેકતું થઈ જશે.


આજે ઝડપી યુગમાં માનવ પણ સમયના કાંટે ચાલતો થયો છે. જંકફૂડ અને ફાસ્ટફૂડ જેવા ખોરાક, સોશ્યિલ મીડિયામાં મહત્વનો સમય વેડફવો જેવી અનેક આદતોના લીધે માણસોના સુખ શાંતિ હણાયા છે. નાના ભૂલકાઓથી લઈને વૃદ્ધાઓ સુધીના તમામ વ્યસ્ત છે. ટેક્નોલોજી અને કામના દબાણ વચ્ચે માણસનું મન અને તન બંને થાકે છે. થાકેલા તન અને મનને પ્રફુલ્લિત કરવા માટે સૌથી સસ્તો અને સરળ ઉપાય છે યોગ.


દવા વગરનું જીવન જીવવા યોગનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ આજે સરકાર ઘરે ઘરે ટ્રેનર મારફત ફ્રી યોગા અભિયાન ચલાવી રહી છે. બેઠાંડુ જીવન જીવવા ટેવાયેલા અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહેનાર માણસો આ મફત સેવાનો લાભ પણ લઈ શકતા નથી. સરકાર ગમે એટલા અભિયાન કે યોજનાઓ બહાર પાડે, પરંતુ માણસોને પોતાના માટે પણ આજે સમય નથી કે ના કોઈ જાગૃતિ. 


ખાસ કરીને બહેનો માટે જ આ યોગા અભિયાન ચાલી રહ્યો છે. પરંતુ એમાં પણ નોંધાપત્ર ફેરફાર જોવા મળ્યો છે. કહેવાય છે ને કે, 'મફતની કોઈ કિંમત હોતી નથી.' ભણેલ ગણેલ સ્ત્રીઓ પાસે બિનજરૂરી વાતો કરવાનો સમય છે જયારે પોતાની જ તંદુરસ્તી માટે યોગ કરવાનો સમય નથી. આટઆટલી જાગૃતિ લાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય જાય છે પણ માણસો તો હોય ત્યાં ને ત્યાં જ રહે છે. 


આજના સમયમાં, જયારે લોકો કામની ભાગદોડમાં અને હરીફાઈમાં શારીરિક અને માનસિક રીતે તૂટતાં જાય છે, ત્યારે યોગ એ એક જ માત્ર પાછા એકતામાં લાવતી મહાન સિદ્ધિ છે. યોગને રોજની દૈનિક જીવનશૈલીમાં વણી લેવાનો એક સંકલ્પ લઈને ભારતને તંદુરસ્ત ભારત બનાવીએ. યોગ દ્વારા વૈશ્વિક જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરીએ એ જ યોગ દિવસની સાચી ઊજવણી છે.



  - રાજેશ્રી ઠુંમર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational