એક દેશ, એક સંકલ્પ, તમાકુમુક્ત ભારત
એક દેશ, એક સંકલ્પ, તમાકુમુક્ત ભારત
દર વર્ષે 31 મેંના રોજ આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા આ દિવસની શરૂઆત 1987 થી શરુ કરાઈ હતી. આ દિવસનો હેતુ, લોકોને તમાકુથી થતાં રોગ અને આરોગ્ય સાચવવા માટે જાગૃત કરવાનો છે. તમાકુનું સેવન રોજબરોજ વધતું જાય છે. નાના, મોટા, અમીર, ગરીબ કોઈ આમાંથી બાકાત નથી.
યુવાવર્ગને તમાકુથી દૂર રાખવા જાતજાતના અભિયાનો સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. દરેક નશીલી વસ્તુઓ પર ફરજિયાત લખાણ લખાવવામાં આવે છે, જેમ કે તમાકુનું સેવન, ધુમ્રપાનનું સેવન કે દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સાક્ષર લોકો તો શું નિરક્ષર પણ સમજી શકે શકે તેવા મોટા મોટા બેનર, લેખ, જાહેરાત, પ્રિન્ટ વગેરે જેવા લખાણ દીવાલો પર પણ લખાતા હોય છે. આમ છતાં પ્રજાજનોને પોતાના સ્વાસ્થ્ય કરતાં બીમારી વધુ વ્હાલી હોય એમ દેખાડા કરવા નશીલા પદાર્થોનું સેવન કરે છે.
તમાકુથી અનેક જીવલેણ બીમારીઓ આવે છે, જેમ કે ફેફસાનું કેન્સર, હૃદયની બીમારીઓ, બ્લડ પ્રેશર, મોઢાનું કે ગળાનું કેન્સર, શ્વાસના રોગો જેવા અનેક ખર્ચાળ અને જીવલેણ રોગો થવાની પુરેપુરી સંભાવના હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો નશાના કારણે મૃત્યુ પામે છે. આમ છતાં માણસો નશીલા પદાર્થોથી હાવી થઈને નશો કરવા પ્રેરાય છે, અને જાણીજોઈને મોતના મોંમાં ધકેલાય છે.
તમાકુનું સેવન અનેક રીતે થાય છે. જેમ કે, ચરસ, બીડી, સિગારેટ ગુટકા કે પાનમસાલા વાટે તમાકુ પેટમાં જાય છે. તમાકુમાં નિકોટિન નામનો ઝેરી રસાયણ હોય છે. જે વ્યક્તિને વ્યસની બનાવી દે છે. વ્યસન લાગ્યા પછી તેની ઝંઝીરમાંથી છુટકારો મેળવવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે. ધીમી ગતિનું આ ઝેર માણસને તન, મન અને ધનથી ખોખલો બનાવી દે છે.
યુવાવર્ગ આજે સોશ્યિલ મીડિયા, જાહેરાતો કે ફિલ્મોમાંથી પ્રભાવિત થઈને ફેશન કે સ્ટેટ્સ સમજીને તમાકુ ખાય છે. ભણેલા છતાં અભણ યુવાઓને એ નથી ખબર કે આવા નશીલા પદાર્થો તેમના જીવનની કિંમત કંઈ રીતે વસુલે છે. પહેલા આધેડ પુરુષો જ આવા વ્યસનો કરતાં. પોતાના બાપાની હાજરીમાં કોઈ પુરુષ વ્યસન કરતાં નહીં. સમાજ અને વડીલના ડરથી વ્યસનો ઓછા થતાં. આજે તો યુવાઓને મોકળું મેદાન મળી ગયું હોય તેમ પાનનાં ગલ્લે કે કેફેમાં બીડી ફૂંકતા જોવા મળે છે.
મોબાઈલ કે કોમ્પ્યુટર જેવી અનેક ટેક્નોલોજીએ માણસને ઝડપી બનાવ્યો છે. પરસેવાનાં કામ મશીનોએ લઈ લીધા છે. કામનો બોજો ઘટવાથી માણસો સ્માર્ટ વર્ક કરતાં થયાં છે. ફેશન અને મોંઘવારીને નાથવા, જલ્દી પૈસાદાર બનવાની ઘેલછા યુવાવર્ગને ખોટા રવાડે ચડાવે છે અને એના ટેન્શનમાં નશો કરે છે. મોટાભાગે નશીલા પદાર્થોનું સેવન દેખાદેખીનાં લીધે કે સ્ટેટ્સ સમજીને જ થાય છે.
"પહેલું સુખ તે જાતે નર્યા", આ કહેવતને જો લોકો પોતાના જીવન સાથે વણી લે તો લોકોને કોઈ દુઃખ આવતા નથી. પૈસાથી બધું સુખ નથી મળતું. આજે માણસ ભૌતિક સુખ પાછળ આંધળી દોટ લગાવે છે, અને રેસમાં થાકે એટલે નશો કરે છે. નશો ધીમે ધીમે તન, મન અને ધનને પણ બરબાદ કરે છે. માણસ છેલ્લે 'ના ઘરનો રહે કે ના ઘાટનો' પોતાની ભૂલોના કારણે પરિવારજનો પણ દુઃખી થાય છે.
લોકો કહે છે કે, 'મારે વ્યસન છોડવું છે પણ છૂટતું નથી.' આ તથ્ય ભારોભાર ખોટું છે. કારણ કે જો એક વર્ષનું બાળક એની માતાનું ધાવણ છોડાવવાથી છોડીને બીજા ખોરાક તરફ વળી શકતું હોય તો સમજદાર માણસો માટે વ્યસન છોડવું કોઈ મોટી વાત છે જ નહીં. મનથી નક્કી કરશો તો મુશ્કેલ રસ્તો પણ આસાન બને છે.
"એક નાનો નિર્ણય આજે - લાબું જીવન કાલે"
- રાજેશ્રી ઠુંમર
