STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

ગરમીના પ્રચંડ રૂપને પડકારતી તાજગી

ગરમીના પ્રચંડ રૂપને પડકારતી તાજગી

3 mins
1


ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવાં પશુ પંખી, માનવ મહેરામણ સૌ કોઈને ઠંડક મેળવવા છાંયડો કે મકાનનો સહારો લેવો પડે છે. ગરમીમાં પણ જો ધારીએ તો આપણે મજા કરી જ શકીએ છીએ અને જીવનને ઉમંગથી હંમેશા બરકરાર રાખી શકાય છે. બસ આપણે આપણી દિનચર્યામાં થોડો ફેરફાર કરવાની ખાસ જરૂર હોય છે. 


સૌ પ્રથમ તો દિવસની શરૂઆત જ ઉગતા સૂર્યની પહેલા એટલે કે પાંચ વાગ્યાની આસપાસ કરતાં શીખી જાઓ. સવારના ઠંડક સાથે યોગ, પ્રાણાયામ, હળવી કસરતો કરવી કે વહેલી સવારે ટહેલવા જવું વગેરેથી દિવસની શરૂઆત કરો. આના લીધે આપણું મન ગરમીમાં પણ શાંત અને એકદમ તાજું રહેશે. 


દિવસને તાજગીથી ભરવા ઠંડો ખોરાક અપનાવો. ભોજન હળવું અને સુપાચ્ય હોવું ખૂબ જરૂરી છે. કારણ કે અસહ્ય ગરમીમાં તળેલા કે મસાલેદાર ખોરાકથી પેટ ભારે લાગે છે. તેથી જ ભોજનમાં શાકભાજી અને ફળોનો સમાવેશ અવશ્ય કરો. જેમ કે તરબૂચ, કાકડી, દહીં, છાશ, લીંબુ પાણી, વરિયાળી શરબત કે મોસંબી જેવા ફળોને પ્રાધાન્ય આપવું જોઈએ. લૂંથી બચવાં વધુ પડતું પાણી કે પાણીજન્ય ફળો ખાવાનો આગ્રહ વધુ રાખો.


ઉનાળામાં સુતરાઉ કપડાં જ પહેરવા જોઈએ. ડાર્ક ઘેરા રંગ કરતાં હળવા આછા રંગમાં તડકો ઓછો લાગશે. જો ધૂપમાં બહાર જવાનુ થતું હોય તો ચશ્મા, ટોપી, સ્કાર્ફ કે દુપટ્ટાનો ઉપયોગ કરો. નાના નાના કારણો પણ મસમોટુ કામ કરે જો થોડી સાવધાની રાખીએ. આકરા તાપ સામે થોડું સ્માર્ટ સજ્જ રહેવું ખૂબ જરૂરી છે.


ગ્રીષ્મની ગરમીમાં બાળકોને વેકેશન હોવાથી રજાઓનો ભરપૂર લાભ લો. મિત્રો અને કુટુંબીજનો સાથે ઈન્ડોર ગેમ કે પુસ્તકોનું વાંચન કરો. પરિવાર સાથે સમય ગાળવાનો આ ઉત્તમ સમય છે. સાથે બેસીને પુસ્તકો વિશે વાતચીત કરો. નાના મોટા ઘરકામમાં એકબીજાને મદદરૂપ થઈને પણ આ ઉનાળાની મજા માણી શકાય છે. આવી પ્રવૃતિઓ આપણા મિજાજને હંમેશા ખુશમિજાજ રાખે છે.


દરેક ઘરમાં એસી કે કૂલર હોય કે ના હોય છતાં જો ધારીએ તો ઘરને એકદમ ઠંડુ રાખી શકાય છે. જેમ કે ઘરમાં પાણી ભરેલા પાત્રો રાખો, સફેદ રંગના જ પડદા લગાવો, શાંત સૌમ્ય સંગીત વગાડો, બહારનો તડકો ઘરમાં ડોકિયું ના કરે એ માટે કોટનનાં કપડાથી બારીઓ પણ ઢાંકી દો. બની શકે તો અગાસી કે છત પર સૂકું ઘાસ પાથરી દો અથવા કોઈ બિનજરૂરી સામાન રાખી દો. જો નળિયાં વાળા મકાન હોય તો સૂકું ઘાસ પાથરવું એ સૌથી સારો ઉપાય છે.


રાત્રે ખુલ્લા આકાશની નીચે સૂવાથી મનને અદ્ભૂત આનંદ મળે છે. તાજી ઠંડી હવા અર્ધજાગૃત મનનાં દ્વાર ખોલી નાખે છે. રૂમમાં સૂતા હોય તો રૂમના બારી દરવાજા ખુલ્લા રાખીને ઘરને ઠંડુ કરી શકાય છે. આવી તો અનેક તરકીબ છે જે ઉનાળામાં પણ મનને પ્રફુલ્લિત રાખે છે.


પૈસાદાર વ્યક્તિઓને તો એસી, કાર કે બધી જ ભૌતિક વસ્તુઓ એસોઆરામ આપે જ છે. એમને તો ઉનાળો હોય કે શિયાળો કોઈ ફર્ક નથી પડતો. આમ છતાં પણ ઘણીવાર પૈસાદાર લોકો જ વધુ પડતો સમય ચિંતામાં વેડફ્તા હોય છે. જયારે સામાન્ય લોકો દરેક ઋતુઓમાં પોતાની સૂઝબૂઝથી હંમેશા જીવનને ખુશીઓથી છલકાવતા હોય છે.


ઉનાળો તાપથી દઝાડનાર જરૂર છે, તેને અટકાવી તો શકાય તેમ નથી, પણ જો થોડું આયોજન, થોડી કાળજી, તેમજ થોડું મનને શાંત રાખીને ઉનાળો માણીએ તો કાળઝાળ ગરમીમાં પણ મસ્તીભર્યું જીવન જીવી શકાય છે. મોસમ ગમે તે હોય, આપણી જીવનશૈલી હંમેશા મસ્ત જ હોવી જોઈએ. સૌથી સારો ઉપાય નિયમિત કસરત, ધ્યાન કે યોગા છે. ઉપરાંત તન અને મનને સતત સારી પ્રવૃત્તિઓથી કાર્યશીલ રાખવાથી મનને હંમેશા પ્રફુલ્લિત રાખી શકાય છે.



    - રાજેશ્રી ઠુંમર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational